કૈલાસ-માનસરોવરની યાત્રા ભારતીયો માટે સોંઘી અને સુવિધાજનક બનાવાશે

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
કૈલાસ-માનસરોવરની યાત્રા ભારતીયો માટે સોંઘી અને સુવિધાજનક બનાવાશે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- જાણકારો કહે છે કે, કૈલાસ- માનસરોવર જવાનો નવો રૂટ એટલો સારો હશે કે લોકો અમરનાથની યાત્રાની જેમ કૈલાસ જતા થઈ જશે...

કૈ લાસ પર્વતને  પૃથ્વી પરનું  સ્વર્ગ કહે છે. દેશ-વિદેશમાં  વસતા કરોડો  હિન્દુઓ જીવનમાં એકવાર  કૈલાસ-માનસરોવરની  યાત્રા  કરવાની ઝંખના કરતા હોય છે.  કેટલાક શિવપંથીઓ તો ચાર ધામની યાત્રા કરતાં પણ કૈલાસ-માનસરોવરની યાત્રાને  અધિક પુણ્યદાયી  માનતા હોય છે.  કારણ કે શાસ્ત્રોમાં  ઉલ્લેખ છે તે  મુજબ ભગવાન શંકર અને પાર્વતી માતા  અહીં સાક્ષાત  બિરાજે છે એવું શ્રધ્ધાળુઓ  માને છે.  ઋગ્વેદમાં  તો એવો ઉલ્લેખ  પણ છે કે હિમાલયની  પર્વતમાળામાં સૌથી  પવિત્ર ગણાતું શિખર કૈલાસ પર્વત છે. આશરે ત્રણ કરોડ વર્ષ પૂર્વે   અહીં ઘૂઘવતા  સાગરનો  પટ ઊંચે  ઊંચકાયો તેથી કૈલાસ પર્વત  સહિત બીજા શિખરોની રચના થઈ. 

આપણે જાણીએ  છીએ કે સમગ્ર વિશ્વના  ભારતીયો  માટે કૈલાસ યાત્રાનું  અનેરું મહત્ત્વ છે.  સમગ્ર વિશ્વના ભારતીયો કૈલાશ માનસરોવરની યાત્રા  નેપાળ રૂટથી  કરે છે. યાત્રાળુઓ સમય બચાવવા અને ભારતીય  બાજુના આકરા હવામાનથી બચવા પ્રાઈવેટ ઓપરેટરોને  લઈને વાયા નેપાળ થઈને કૈલાશ માનસરોવર જાય છે.  તેના પરિણામે  નેપાળ સરકારને   વિદેશી હુંડિયામણ પેટે નોંધપાત્ર કમાણી  થાય છે. છેલ્લા કેટલાક  સમયથી કૈલાશ માનસરોવરના બંને સત્તાવાર રૂટ ખોલવાની બાબતમાં ચીન નફ્ફટ બનીને ઊભું છે. ભારત સરકારના સતત પ્રયાસો પછી પણ ચીનાઓ આપણી પરેશાની સમજવા તૈયાર નથી. ૨૦૨૦થી બંને રૂટ બંધ છે તેથી આ સળંગ પાંચમું વર્ષ છે કે જયારે હિંદુ શ્રધ્ધાળુઓ ભગવાન શિવના નિવાસસ્થાન એવા કૈલાશ માનસરોવરની યાત્રા નિશ્ચિંત બ નીને   નહીં કરી શકે.

વાસ્તવમાં  ભારત અને ચીન વચ્ચે ૨૦૧૩ અને ૨૦૧૪માં થયેલા કરાર પ્રમાણે, ચીન ભારતથી જતા શ્રધ્ધાળુઓને કૈલાશ માનસરોવર જવા માટેના રૂટ ખોલવા બંધાયેલું છે. આ બંને કરાર પ્રમાણે ચીન એકતરફી નિર્ણય લઈને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના આ કરારનો ભંગ ના કરી શકે. 

પરંતુ ચીન છેલ્લાં પાંચ વરસથી કરારનો ભંગ કરીને ભારતના હિંદુ શ્રધ્ધાળુઓને કૈલાશ માનસરોવરની યાત્રા કરવા નથી દેતું . ના  છૂટકે સરકારે ઉત્તરાખંડમાં ૫૦ કિલોમીટર દૂરથી હિંદુઓને કૈલાશ પર્વતનાં દર્શન  કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. કેટલાક ખાનગી ટુર ઓપરેટરો હિમાલય પર્વત પર વિમાન ઉડાવીને શ્રધ્ધાળુઓને આકાશમાંથી જ કૈલાશ માનસરોવરનાં દર્શન કરાવી રહ્યા છે પણ શ્રધ્ધાળુઓ કૈલાશ માનસરોવર  પ્રત્યક્ષ  જઈ શકતા નથી. 

ચીનાઓની  અવળચંડાઈથી  કંટાળીને આમ તો ભારત  સરકાર બે વર્ષથી  કૈલાસ-માનસરોવર યાત્રા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા  વિચારી રહી છે. જેમ કે ઉત્તરાખંડના પીથોરાગઢ જનપદની ચીન સીમાને લગોલગ ઓલ્ડ લીપુલેખથી કૈલાસ માનસરોવરના દર્શન કરાવવાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આદિ કૈલાસ અને ઓમ પર્વતના દર્શન કરીને શ્રદ્ધાળુઓ નાભિઢાંગથી ૧૨ કિ.મિ. જેટલી યાત્રા વાહનથી કરશે. ત્યારબાદ કૈલાસ પર્વતના દર્શન માટે શ્રદ્ધાળુઓએ દરિયાની સપાટીથી ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત ઓલ્ડ લીપુલેખથી વ્યૂ પોઈન્ટ પહોંચવા માટે ૨૦૦ મીટર જેટલું અંતર પગપાળા જવું પડશે. જ્યાંથી તેઓ ભગવાન શિવના નિવાસ્થાન કૈલાસ પર્વતના દર્શન કરી શકશે. ત્યારબાદ યાત્રા સરકારી  ધારાધોરણ મુજબ  શરૂ થશે. કૈલાસ પર્વતના દર્શન માટે શ્રદ્ધાળુઓને સવારે મોકલવામાં આવશે. જ્યાં હવાનું દબાણ ખૂબ ઓછા પ્રમાણમાં હોવાથી આખો દિવસ દર્શન કરવા સરળ નથી. યાત્રા કરાવનાર એજન્સી યાત્રિકોને ઓક્સિજનની વૈકલ્પિક સુવિધા પૂરી પાડશે.

બીજી તરફ વિશ્વનું  એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર ગણાતું  નેપાળ પણ  ભારતીય શ્રધ્ધાળુઓ માટે કૈલાસયાત્રાને  સુગમ-સરળ બનાવવા સદાય તત્પર  હોય છે.  ગયા જાન્યુઆરી મહિનામાં નેપાળની શ્રીએરલાઈન્સે નેપાલગંજ એરપોર્ટથી કૈલાસ માનસરોવર સુધીની ઉડાણ શરૂ કરી હતી. યાત્રાળુઓ આ ફ્લાઈટ પકડીને ૨૭,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કૈલાસપર્વતના દર્શન કરી શકે છે. નેપાળગંજથી કૈલાસ-માનસરોવર સુધીની અને પાછા ફરવામાં આ યાત્રાને ૭૫ મિનિટ લાગે છે.  આ વિમાન પ્રવાસનો કુલ ખર્ચ આશરે  રૃા. ૪૦,૦૦૦ થાય છે. 

ચીને ગયા વરસથી નેપાળ થઈને કૈલાશ માન સરોવર જવા માટેનો ખાનગી રસ્તો પણ ખોલ્યો છે. આ રૂટ પર જવા માટે અત્યંત ઉંચી ફી લેવામાં આવે છે. ઉપરાંત ભારતીયો માટે સંખ્યાબંધ નિયંત્રણો પણ લાદી દેવાયાં છે. તેના કારણે ભારતીયો માટે આ ખાનગી રૂટથી કૈલાશ માનસરોવરની યાત્રા કરવી  લગભગ અશક્ય છે. 

જો પ્રવાસીઓ નેપાલથી મદદ માટે ગાઈડ-મદદનીશ લેશે તો એ માટે ૩૦૦ ડૉલર (અંદાજે ૨૪,૦૦૦ રૂપિયા) અલગ ચૂકવવા પડશે, જેને ગ્રાસ ડૅમેજિંગ ફી નામ આપ્યું છે. ચીને એવી દલીલ કરી છે કે પ્રવાસને કારણે કૈલાસ પર્વત પર ઊગેલા ઘાસને ભારે નુકસાન થાય છે, જેનું વળતર પ્રવાસીઓએ ચૂકવવું પડશે. નેપાલના ટૂર ઑપરેટરોના મતે ભારતીયોના પ્રવેશને મર્યાદિત કરવા ચીન દ્વારા  કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આમ ૨૦૧૯માં જે યાત્રાનો ખર્ચ વ્યક્તિદીઠ ૯૦,૦૦૦ રૂપિયા આવતો હતો એ હવે ૧.૯૫ લાખ રૂપિયા થયો છે. 

 જો કે ભારત સરકારના પ્રયાસોથી હવે યાત્રાળુઓ માટે નવી તક ઊભરી આવી છે.  જેને  કારણે યાત્રાળુઓ તિબેટની સરહદ નજીક ૧૭,૫૦૦ ફીટની ઊંચાઈએ આવેલો ઓલ્ડ લિપુ વ્યુઈંગ પોઈન્ટ પહોંચી  કૈલાશ પર્વતની અદ્ભુત ઝાંખી કરી શકશે.  પહેલાનો રૂટ વાયા નેપાળ થઈને જતો હતો એટલે બાય એર કાઠમંડુ જવું પડતું હતું જેનું ભાડું ૧૫થી ૧૭ હજાર હતુ તેમજ તે યાત્રા માટે ૧૫- ૧૬ દિવસ ફાળવવા પડતા હતા હવે તો શનિ-રવિની રજા એડજેસ્ટ કરીને પણ કૈલાસના દર્શને જઈ શકાશે.

ભારતના શ્રદ્ધાળુઓને અમરનાથ, વૈષ્ણોદેવી, ચાર ધામ યાત્રા, કુંભ સ્નાન, પદયાત્રા વગેરેમાં વધુ રસ હોય છે. અમરનાથ, વૈષ્ણોદેવી અને ચાર ધામ તો લોકો દર વર્ષે જાય છે. જો કૈલાસ- માનસરોવરનો નવો રૂટ લોકોમાં સેટ થઈ જાય તો અમરનાથ યાત્રાની જેમ હજારો લોકો માન સરોવરની યાત્રાએ જતા થઈ જશે !

શ્રદ્ધાળુઓમાં કૈલાસ- માન સરોવરની યાત્રા સેટ થાય એમ છે કેમ કે પહેલા કરતા અડધો ખર્ચો અને પહેલા કરતા ૭૦ ટકા ઓછા દિવસો!! સિક્કીમ પણ હવાફેર કરવા માટે જઈ શકાય અને માનસરોવર પણ લટાર મારી શકાય!

હવે જ્યારે નથુ-લા રૂટ ખુલ્લો મૂકાયો છે ત્યારે વૃદ્ધ યાત્રાળુઓ પણ માન સરોવરની યાત્રા કરી શકશે. વરસાદની ઋતુમાં પણ આ માર્ગ ચાલુ રહી શકે છે.

ખરેખર તો શ્રદ્ધાળુઓ નવા ધાર્મિક સ્થળો શોધતા હોય છે. શ્રદ્ધાળુઓ પૈકી અનેક પદયાત્રા દ્વારા ધાર્મિક યાત્રા કરે છે. અમદાવાદથી ડાકોર કે અમદાવાદથી અંબાજી કે દ્વારિકા સુધીની વાત તો ઠીક છે પણ અમદાવાદથી  શિર્ડી  કે  પંઢરપુર સુધીનો માર્ગ લોકો પદયાત્રા દ્વારા કાપે છે.

ભારતના શ્રદ્ધાળુઓની ખાસિયત એ છે કે તે ક્યારેય આવા દુર્ગમ સ્થળની યાત્રા કે ભીડભાડથી ડરતા નથી તેનું છેલ્લું ઉદાહરણ ચાર ધામની યાત્રા છે. દાયકા પૂર્વે ચાર ધામ યાત્રામાં કુદરતી હોનારતના કારણે હજારો લોકો અટવાઈ મર્યા છતાં આ વર્ષે પણ ચાર ધામ યાત્રા માટે લોકો હજારોની  સંખ્યામાં  ગયા હતા. ફરી કુદરતી પ્રકોપના કારણે યાત્રા અટકાવવી પડી હતી. ટૂંકમાં શ્રદ્ધાળુઓ ભગવાન ભરોસે માર્ગ કાપતા હોય છે.

કેટલાકે  તો  મનોમન  કૈલાસ-માનસરોવરની યાત્રા માટે અરજી મગાવવામાં  આવે કે તરત ફોર્મ ભરવાની તત્પરતા દાખવી  છે. 

કહે છે કે, કૈલાસ માનસરોવરની યાત્રાના નવા માર્ગને  માટે ચીન લીલી ઝંડી દાખવે તો પણ હવે આ નવો રૂટ તૈયાર થતા હજુ બે  વર્ષ લાગશે પરંતુ આ માર્ગ શ્રદ્ધાળુઓને કૈલાસની યાત્રાને સરળ બનાવી દેેશે.


Google NewsGoogle News