Get The App

રાજા શ્રેણિકની કથા .

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
રાજા શ્રેણિકની કથા                                              . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- એક ગેરસમજમાંથી કેવું વિનાશકારી પરિણામ આવ્યું તેનો સંદેશ આ કથાનકમાંથી મળે છે. 

'ત્રિ ષષ્ટિ શલાકા પુરુષ' એ ચરિત્ર મહાકાવ્ય છે. કુમારપાળ મહારાજાની વિનંતીને ધ્યાને લઇ કલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્યે (૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ) એમ ૬૩ પુરુષોનું ચરિત્ર સમ્યક પ્રાપ્તિ થનાર ભવથી માંડીને કરેલ છે. આ ગ્રંથ પદ્યમાં અનુષ્ટુપ છંદમાં છે. આ ગ્રંથનું સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય છે. આ ગ્રંથને 'જૈનપુરાણ' કહેવામાં આવે છે. તેમાં ભગવાન મહાવીર સ્વામી અને તે ગાળાના રાજા મહારાજા, મંત્રી, શ્રેષ્ઠીઓ અને સામાન્યજનોનો પરિચય કરાવે છે. આ ગ્રંથ ગુજરાતમાં મહાવીરસ્વામીની હયાતી દર્શાવે છે. કુમારપાળના શાસનકાળનો, તેણે જીતેલા પ્રદેશોનો પરિચય છે. કુમારપાળ 'ચૌલુક્ય પરમાર્હત્' હોવાથી તે શૈવ હતો તેનો વિવાદ છે પણ ખરેખર તો 'જૈન' હતો. આર્હત્ શબ્દમાં 'કરુણા' સમાવિષ્ટ છે.

હેમચંદ્રાચાર્યે પોતાની ઉત્તરાવસ્થામાં આ ગ્રંથ કુમારપાળની વિનંતીથી લખ્યો છે. ઋષભદેવના લગ્નના વર્ણનમાં વિધિ-વિધાન, લગ્નગીતો, ધવલ-મંગલગીતો, ફટાણાં પૂર્વભવની વાતો, ઉપનિષદનો સાર વગેરેની રસપ્રદ ગૂંથણી છે. વળી ધન્ના-શાલિભદ્રની કથા પ્રચલિત છે. રાજા શ્રેણિકના આગમન પછી, 'મારા ઉપર પણ કોઈ સ્વામી?' આવા પ્રશ્નથી પ્રેરાઈને વૈરાગ્યવાન શાલિભદ્રે રોજે રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કર્યો. આની જાણ પોતાની પત્ની દ્વારા થતાં ધન્ના (ધન્ય) શેઠ ચરિત્રના પંથે વળી જાય છે - શાલિભદ્ર પાસે જઇ કહે છે કે એક એકનો ત્યાગ નહિ, મારી જેમ બધું જ છોડી દે અને શાલિભદ્ર પણ ધન્ના શેઠની સાથે બધું છોડી ત્યાગને માર્ગે જાય છે. આ આખો પ્રસંગ સુગ્રથિત રૂપે નિરૂપાયો છે - પોતાના ઉપર પણ કોઇ છે તે જાણી વીરપ્રભુ પાસે દીક્ષા માંગવી, માતાની રજા લેવી વગેરે રસપ્રદ રીતે રજૂ કર્યા છે. અભયકુમારની દીક્ષાનો પ્રસંગ પણ રસપ્રદ છે - અભયકુમાર પિતા શ્રેણિક પાસે દીક્ષાની રજા માંગે છે ત્યારે શ્રેણિક 'તારુ કાળુ મોં મને બતાવતો નહિ' કહીને વખોડે છે - અંતપુરને આગ લગાડવાનું પિતાનું કહ્યું કામ અભયકુમારે ન કર્યાનું પરિણામ અનુમતિ આપતું નથી, પછીથી એ અભયકુમાર દીક્ષા લે છે.

આ ગ્રંથમાં શ્રેણિક રાજા અને ચિલ્લણા રાણીનું કથાનક છે. શ્રેણિક પરાક્રમી રાજા હતો - મગધપતિ હતો. પાંચસો જેટલા કુશળમંત્રીઓ દ્વારા પૃથ્વી પર રાજ કરતો હતો. તેને એક પ્રિયરાણી ચિલ્લણા હતી, ચિલ્લણા થકી પુત્ર થયો. તેનું નામ કૂણિક. એ કૂણિકનો રાજ્યાભિષેક થનાર હતો. શ્રેણિકે તેના પુત્રને રાજા જાહેર કરવાનું નક્કી કર્યું હતું.

ત્યાં પુત્ર કૂણિકે પિતા વિરુધ્ધ કાવત્રુ ઘડયું. દસ ભાઈઓને પણ પોતાના કરી લીધા અને વિશ્વાસુ પિતા શ્રેણિકને બંધક બનાવી દીધા. પાંજરામાં પુરી દીધા. તેમને માટે ખાનપાન બંધ કરાવી દીધાં. રોજ સવાર-સાંજ પિતાને સો સો ચાબુકનો માર મારવા માંડયો. પુત્ર કૂણિક પોતાના દસે ભાઈઓને રાજભાગ આપી ઉગ્રતાથી રાજ્ય કરવા લાગ્યો.

એક દિવસ કૂણિક રાજા જમવા બેઠા. જમણા સાથળ ઉપર તેમનો પુત્ર ઉદાયીન બેઠો છે. કૂણિક રાજા જમતા હતા ત્યાં ઉદાયીને મૂત્રોત્સર્ગ કર્યો. ખાવાના થાળમાં પેશાબ પડયો અને પેશાબથી આહાર દૂર કરી કૂણિક રાજા જમવા માંડયા. પોતાના પુત્રના પ્રેમથી તે ભોજન પણ તેમને પવિત્ર લાગ્યું. પાસે બેઠેલાં ચિલ્લણા માતાને દીકરા કૂણિકે પૂછ્યું 'મારા જેટલો દીકરો બીજા કોઇને પ્રિય હોય ખરો ?' ત્યારે માતા ચિલ્લણાએ કહ્યું - 'અરે પાપી ! તું પણ તારા પિતાને આના કરતાં વધારે વ્હાલો હતો. 'તું ગર્ભમાં હતો ત્યારે મને ખબર પડી ગઈ હતી કે તું નરાધમ પાકીશ' કૂણિકે પૂછ્યું - 'મા તે કઇ રીતે ?' 'સાંભળ, તું ગર્ભમાં હતો ત્યારે મને તારા બાપનું માંસ ખાવાની ઇચ્છા થઇ હતી - એવો દોહદ થવાથી મેં ગર્ભપાત કરાવવા ખૂબ કોશિશ કરેલી અનેક ઔષધો ખપ ના લાગ્યાં. ઊલટો તું પુષ્ટ થઇ જન્મ્યો. તું બાપનો વેરી છે એમ હું ઓળખી ગયેલી એટલે દાસી દ્વારા તારો વનમાં ત્યાગ કરાવવા ઇચ્છતી હતી તને ત્યાગી પણ દીધેલો પણ તારા બાપા તને પાછો લઇ આવ્યા, ત્યારે તારી એક આંગળી કૂકડીએ કોતરી કાઢી હતી, પછી આંગળી પાકી હતી એમાં જીવાત પડી હતી, તને પીડા થતી હતી તારા પિતા એ આંગળી મોંઢામાં લઇને ચુસતા હતા - 'બોલ! તારા કરતાં તારા પિતાનો પુત્ર પ્રેમ ચઢે કે નહિ ?' આવા ઉપકારી પિતાને તું જેલમાં નાખી, બંધક બનાવી ભૂખે મારે છે ? આવું કેમ કરે છે?'

કૂણિકે માતા ચિલ્લણાને કહ્યું - 'માતા ! મારા પિતાએ મને ગોળના અને મારા બે નાના ભાઈઓને ખાંડના લાડુ કેમ મોકલેલા ? એવો ભેદભાવ કેમ કરેલો ?'

ચિલ્લણાએ ચીસ પાડીને કહ્યું - 'અરે મૂરખ ! તું તારા પિતાનો દ્વેષી છો, એવું સમજી મને અનિષ્ટ થયેલો. મને વિચાર આવેલો. તેથી ગોળના લાડુ તો મેં મોકલ્યા હતા !'

કૂણિક બોલ્યો - 'હેં ! હેં ! હવે તો હું કારાગૃહમાં જઇ બાપની માફી માંગુ, પિતાના ચરણની બેડી તોડી નાખુ એમ વિચારી એક લોહદંડ ઉપાડી દોડતો શ્રેણિક પાસે પહોંચ્યો ત્યાં પહેરેગીરોએ તેને આવતો જોઈ શ્રેણિકને કહ્યું - 'રાજેન્દ્ર ! રોજ ચાબુક લઇને આવતો આપનો પુત્ર આજે તો લોહદંડ લઇને આવી રહ્યો છે' શ્રેણિકને તત્કાળ થયું કે આજે તો મારો પુત્ર મારા પ્રાણ લઇને જ જંપશે. પુત્ર દ્વારા મૃત્યુ પામુ એના કરતાં તો જાતે જ મૃત્યુ વ્હોરી લઉ એમ વિચારી શ્રેણિકે તત્કાળ તાલપુર વિષ જીભ નીચે રાખ્યું ને તત્કાળ શ્રેણિકનું મૃત્યુ થયું કૂણિકે મૃત પિતાને જોયા - પસ્તાવો કરવા લાગ્યો.'

એક ગેરસમજમાંથી કેવું વિનાશકારી પરિણામ આવ્યું તેનો સંદેશ આ કથાનકમાંથી મળે છે. ચિલ્લણાએ દ્વેષ ભાવ રાખીને ગોળના લાડું ના મોકલ્યા હોત તો પણ આવી સ્થિતિ શ્રેણિકની થાત નહિ. અહીં દ્વેષભાવ કેવું પરિણામ લાવે છે તેનો ઉપદેશ પણ આ કથાનક આપે છે. શ્રેણિકના મૃત્યુ માટે જવાબદાર કોણ ? એ પ્રશ્ન આપણને વિચારતા કરી છેક પૂર્વભવ સુધી લઇ જાય છે, આવાં અનેક કથાનકોવાળો આ રસપ્રદ ગ્રંથ છે.


Google NewsGoogle News