ઈતિહાસબોધ : રાજનીતિમાં સ્ત્રી અને સ્ત્રીની રાજનીતિ!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- અંતે ભારતે 33% મહિલા અનામતની પ્રતીક્ષા પૂર્ણ કરી ત્યારે જગ પર શાસન કરતા પારણા ઝુલાવતા કર (હાથ) ને સત્કાર કેવો મળશે ?
બ્રિ ટનમાં કેમ્બ્રિજ એટલે વિશ્વવિખ્યાત વિદ્યાધામ. જગતને વિજ્ઞાન અને મુક્તિના પાઠ ભણાવતા કેમ્બ્રિજમાં આરંભે તો સ્ત્રીઓને ભણવામાં પ્રવેશ જ નહોતો. પછી પ્રવેશ અપાયો સદીઓ બાદ, પણ ભણાવતા અધ્યાપકોમાં મહિલાઓ હોવા છતાં સ્ત્રીઓને સત્તાવાર ડિગ્રી અપાતી જ નહોતી ! વેદોમાં ઋષિકાઓ હોય અને માતાજીની પૂજા થતી હોય કે બીજી પત્ની મૈત્રેયી સાથે ચર્ચા કરતા ઋષિ યાજ્ઞાવલ્કયની વાતોનું બૃહદ આરણ્યક ઉપનિષદ હોય, ગાર્ગીથી જાબાલિ, ગંગાથી લોપામુદ્રા, સીતાથી દ્રૌપદી સુધીના ચરિત્રો હોય છતાં અંગ્રેજો વળી ભારતને શિક્ષણથી સિવિલાઇઝેશન શીખવાડવાની વાતો કરતા ! ખેર, બ્રિટનમાં તો મતાધિકાર જ સ્ત્રીઓને સંસદીય લોકશાહીની શતાબ્દીઓ બાદ છેક ૧૯૨૮માં મળ્યો. આભાર માનો ગાંધી, આંબેડકર, સરદાર, નેહરુ વગેરેનો કે ભારતમાં સ્વરાજ સાથે જ સ્ત્રીઓને લોકશાહીમાં સમાન હિસ્સો મળ્યો ! હિન્દુ કોડ બિલ દ્વારા હિન્દુ સ્ત્રીઓને આત્મનિર્ભરતા મળી એટલી મુસ્લિમ સ્ત્રીઓને ના મળી એ એક અધૂરું કાર્ય ખરું !
પણ જ્યારે બ્રિટનમાં સ્ત્રીઓને મતાધિકાર કે અમુક વખતે શિક્ષણાધિકાર નહોતો, ત્યારે પણ ત્યાં સૌથી લાંબુ અને પ્રચંડ પ્રભાવી શાસન કરનાર બે મહિલાઓ હતી જેણે બ્રિટનને ગ્રેટ બનાવ્યું ! શેખર કપૂરે ફિલ્મ બનાવેલી એ ક્વીન એલિઝાબેથ પહેલી અને પછી જેની અસર આજે પણ ભારતમાં છે એ ક્વીન વિક્ટોરિયા ! એટલે જો સ્ત્રીને મોકો મળે તો રાજનીતિમાં ચોક્કો મારી શકે છે, પુરૂષપ્રધાન ધાર્મિક સમાજમાં પણ !
લોકસભામાં વારંવાર બૂમરેંગ થયેલા મહિલાઓ માટે ૩૩% અનામત રાખવાનું સૂચવતા ખરડા માટે છેક ૧૯૯૮માં લખેલું. ત્યારે અનામતોના અળવીતરા રાજકારણે આ દેશ ઇજ્જત દુનિયાના ચૌટે 'અમાનત' ધરી દીધી હતી, પણ મહિલા અનામત મામલે નવે નાકે દિવાળી કરવાનો કોઈને ગંભીર રસ નહોતો. આપણા દેશના પ્રશાસનમાં ઉચ્ચ સ્તરે માત્ર એક અને એક જ પ્રકારનું રિઝર્વેશન હોઈ શકે - ગુણવત્તા, દેશદાઝ, આવડત, દીર્ઘદ્રષ્ટિ, વિદ્વત્તા, બુદ્ધિમત્તા, આધુનિકતા અને પ્રામાણિક નિષ્ઠા ધરાવતા લાયક નાગરિકોનું !
પણ અમુક સાંસદોના વર્તન વ્યવહાર જોતા સંસદ કે કોઈ પણ સભામાં મહિલાઓ વધે તો તો કમ સે કમ થોડી ગરિમા તો વધે જ. બાકી અનામત ન્હોતી ત્યારે પણ પુરુષોથી મુઠ્ઠી ઊંચેરી મહિલાઓ રાજકારણમાં મહાન બની જ છે. કઈ સ્ત્રીને જો તેની નસનસમાં રાજનીતિનું ખુન્નસ હોય, તો પ્રભાવી પુરુષોની પ્રચંડ તાકાત સર્વોચ્ચ સત્તાસ્થાને પહોંચતાં અટકાવી શકે છે?
અમુક અભ્યાસહીન અબુધો જે હિન્દુસ્તાનમાં રાજનીતિની સોગઠાંબાજી પોતાના પરિવારની મહિલાઓના સાડલામાં છૂપાઈને રમવાના લુચ્ચા સ્વાર્થને ખાતર અલાયદી અનામત વિના પણ લાલુપ્રસાદે રબડીદેવીને બેસાડી દીધા એમ ફેમિલી ફિમેલને આગળ કરે એમાં કોઈ વિમેન એમ્પાવરમેન્ટ નથી ! પાવર પુરુષ પાસેથી છટકી ના જાય એની લુચ્ચાઈ હોય છે. આપણે તો એ પણ જોયું જ છે કે માયાવતી કે જયલલિતા જેવી મહિલાઓએ એકલે હાથે કાઠું કાઢયું. પણ પછી ભ્રષ્ટાચાર માટે ખરડાઇ પણ જાય. આનંદીબહેન પટેલ કે મમતા બેનરજી કે નિર્મલા સીતારામન કે રેણુકા ચૌધરી કે ઉમા ભારતી વગેરે કોઈ પારિવારિક પૃષ્ઠભૂમિ યાને પોલિટિકલ ફેમિલી બેકગ્રાઉન્ડ વિના સ્વબળે રાજનીતિમાં ટોચ પર પહોંચ્યા. પણ સોનિયા ગાંધી, મહેબૂબા મુફ્તી, મીરા કુમાર, શીલા દીક્ષિત, વસુંધરા રાજે, ડિમ્પલ યાદવ વગેરેને કુટુંબના નામનું પ્લેટફોર્મ મળેલું પહેલેથી.
જો કે, ભારતના ભૂતકાળમાં નજર કરો તો ખબર પડે કે આવી કાખઘોડી વિના પણ કામિનીઓ રાજદંડ ધારણ કરી શકે છે. એ પણ ક્યારેક તો એવા સમયમાં કે જ્યારે સ્ત્રી કરતાં ઘરમાં પગલૂછણિયાની પ્રતિષ્ઠા વધુ રહેતી ! (જોકે, અહીં પુરુષના રાજ્યાભિષેકમાંય પત્ની અનિવાર્ય રહેતી, પણ શોભા માટે ) બંગાળઆસામ બાજુના પૂર્ણ સ્ત્રીશાસિત કામરૂ પ્રદેશની કથાઓ જાણીતી છે ને ડર લાગતા પુરુષોએ મજબૂત માનુનીઓને ચર્ચે મધ્યયુગમાં વિચ ઠેરવેલી એમ તાંત્રિક જાદૂગરણી ઠેરવી દીધી ! મહાભારતમાં અર્જુનની સ્ત્રીશાસક પત્ની ચિત્રાંગદાને દંતકથા માનો તો, નક્કર ઇતિહાસ જોઈએ...
૧૬૭૧માં કર્ણાટકના મલેનાડુ ઇલાકામાં રાજા સોમશોખર નાયકની મિત્રદ્રોહના કારણે અકાળ હત્યા કરવામાં આવી હતી, ત્યારે તેની વૈશ્ય વૈપારીની પુત્રી છતાં ક્ષત્રિય પત્ની બનેલી વિધવા ચેન્નાએ શાસન સંભાળી લઈ રાજગાદીના અસંખ્ય ઉત્તરાધિકારીઓનાં પ્રયત્નો પર ટાઢુંબોળ પાણી રેડી દીધેલું ! નિ:સંતાન પતિના હત્યારા મિત્રને દેહાંતદંડ આપી ચેન્નમ્માએ મરચાં અને ચોખાના બદલામાં ડચ સોદાગરો પાસેથી અરબી ઘોડા અને શસ્ત્રો ખરીદી કેલાદિને એવું મજબૂત બનાવ્યું કે - ઔરંગઝેબથી છુપાવા પલાયન થયેલા શિવાજીના પુત્ર રાજારામને મોગલ સેનાની સામે પડી આશ્રય આપી બતાવ્યો, અને ૨૫ વર્ષ રાજ્ય કરી બતાવ્યું ! કર્ણાટકમાં જ એક બીજી ચેન્ના પણ ચેન્નમ્મા બની પ્રજાની આરાધ્યનાયિકા તરીકે પૂજાયેલી !
બેલગાંવથી ૮ કિલોમીટર દૂરના કિન્નુરના રાજા મલ્લારાજાની બીજી પત્ની તરીકે તેમના મહેલમાં ૧૬ વર્ષની ઉંમરે પ્રવેશેલી એ ચેન્નાના પતિને પેશ્વાએ બંદી બનાવતાં તેમનું બીમારીમાં જ અવસાન થયું. પછી સાવકા પુત્ર શિવલિંગે અંગ્રેજોની લલચામણી વાતોમાં ફસાઈ સંધિ કરેલી. શિવલિંગના અચાનક દેહાંત બાદ પ્રૌઢ ચેન્નાએ ગાદી સંભાળી, પહેલું કામ અંગ્રેજોના પોલિટિકલ પપેટ શોને રાજય બહાર ખદેડવાનું કર્યું. વાતો અને વિચારોમાં એ કાળે સ્ત્રીસન્માન અને સ્ત્રીઉદ્ધારના મોટા ઝંડાધારી થઈને ફરતાં બ્રિટિશરોને ભારતની આવી પ્રગતિશીલ નારીઓ દીઠીય નહોતી ગમી !
અંગ્રેજોની સામે ખુલ્લેઆમ યુદ્ધ લડી એજન્ટ થૈકરેને ચેન્નાએ ૧૮૨૪માં યુદ્ધમાં હરાવ્યો અને મરાવ્યો. યાદ રહે કે, ૧૮૫૭ના સ્વાધીનતાસંગ્રામના ૩૩ વર્ષ પહેલાં બ્રિટિશ ચાલબાજી સામે વિપ્લવનો ઝંડો ભારતભરમાં પ્રથમ વાર ઉઠાવનારી એક સ્ત્રી શાસક હતી, જે કોઈ અનામતની ટેકણલાકડી વિના પણ ખુદ્દરીથી સિંહાસન સુધી પહોંચી ગયેલી ! આખરે કીડી પર કટકના ન્યાયે બ્રિટિશરોએ આ ચિનગારી રગદોળી નાખી ! ૨૩ વર્ષની ઝાંસીની વીર સામ્રાજ્ઞાી મહારાણી લક્ષ્મીબાઈની માફક જ ! આધુનિક ગણાતા અંગ્રેજો બાલરાજા ને કબૂલ રાખે પણ વિધવા રાણીને રાજગાદી ના આપે !
આ બન્ને ચેન્નમ્માઓની વચ્ચેના કાળમાં ૧૭૩૦ની આજુબાજુ જન્મીને ઇન્દૌરના પાટવીકુંવરની રાણી બનનાર અહિલ્યાબાઈ હોલકરે શ્વસુર મલ્હારરાવ હોલકરના અને પ્રયત્નોના પ્રતાપે પતિ અને સસરાના નિધન પછી એવી આસાનીથી એકલપંડે શાસન કરેલું, કે તેની વીરગાથાઓ અને સ્મૃતિઓ હજુય લોકજીવનમાં વણાયેલી છે ! અને આ બધી ઘટનાઓની શતાબ્દીઓ અગાઉ ૧૨૩૬માં રૂઢિચુસ્તતા અને સ્ત્રીસમાનતાના મુદ્દે જ જે આજેય આલોચના પાત્ર છે - અને ઈરાનમાં હિજાબ ફરજિયાત ફરવાના મુદ્દે સ્ત્રીને કટ્ટરવાદી મુલ્લાઓ મારી નાખે છે - એવા ઇસ્લામે હિન્દુસ્તાનમાં રઝિયા સુલતાન નામની પ્રથમ નારીશાસકનો ઉદય જોયો હતો ! ધર્મ, પરંપરા, કાવાદાવા, શત્રુઓ, પ્રજામત સંધળાથી વિરુદ્ધ જઈ, એક સમયે ગુલામ રહી ચૂકેલા દિલ્હીનરેશ ઇલ્તુમશે ભલભલા ભાયડાઓની ઉપરવટ પુત્રી રઝિયાના હાથમાં હિન્દુસ્તાનની કમાન સોંપેલી... ને રઝિયા લઘુમતી ક્વોટાના જોરે આગળ ન્હોતી આવી. રાણી દુર્ગાવતીથી નાયિકાદેવી જેવા અનેક ચરિત્રો છે આપણી પાસે.
મહિલાઓ રાજનીતિમાં પતિ, પિતા કે પરિવારના જોર પર આવી તો શકે છે, પણ સ્વયંમાં શક્તિ હોય તો આ બધી ઓળખ ફગાવી પોતાની સ્વતંત્ર મિસાલ પ્રજ્જવલિત કરી ઇતિહાસનાં અવિનાશી પૃષ્ઠો પર કંડારી શકે છે. છેલ્લા દાયકાઓમાં જગતભરે સશક્ત અને સર્વસત્તાધીશ કે સરમુખત્યાર મિજાજની મહિલા ભાગ્યવિધાત્રીઓ જોઈ છે. અત્યારે પણ ન્યુઝીલેન્ડમાં વિશ્વકક્ષાએ લોકપ્રિય થઈ પછી પરિવાર માટે રાજીનામું આપનાર જેર્સિંડા આર્ડન કે ફિનલેન્ડમાં માત્ર ૩૪ વર્ષે પાર્ટી કરતા કરતા વડાપ્રધાન થનાર સાના મરીન હારી ગયા. પછી હમણાં જી૨૦માં આવી ઘણા ભારતીયોના દિલ જીતી લેનાર ઇટાલીના પ્રમાણમાં યુવા વડાપ્રધાન જીઓજયા મેલોની વડાપ્રધાન સાથે બગીચામાં ઉષ્માપૂર્ણ મુલાકાત ગોઠવી છવાઈ જનાર ડેનમાર્કના મેટે ફ્રેડરિકસન તો યાદ હશે.
બ્રિટનમાં પણ ક્વીન એલિઝાબેથ દ્વિતીય વખતે જ હજુ ત્યાંની સંસદમાં વિન્સ્ટન ચર્ચિલ હારોહાર જેમનું સ્ટેચ્યુ છે જ્યાં ઘણા સાંસદો ઝૂકે છે, એ માર્ગારેટ થેચર આયર્ન લેડી તરીકે લીજેન્ડ બની ગયા. પછી થેરેસા મે કે લિઝ ટ્રસને એવી પ્રસિદ્ધિ ના મળી. પણ યુરોપમાં અજોડ અવિજીત શાસક તરીકે જર્મનીમાં એન્જેલા માર્કેલનું શાસન એવું રહ્યું કે એ નિવૃત્ત ના થયા ત્યાં સુધી એમને કોઈ હરાવી જ ના શક્યું ને જર્મની સ્ટ્રોંગ સત્તા ફરીથી બની ગયું. ઇઝરાયલમાં પાડોશી આરબ રાષ્ટ્રોને અચાનક આવી પડેલા યુદ્ધમાં ધૂળચાટતા કરી દેનાર લેડી ગોલ્ડા મીર પરથી તો ફિલ્મ આવી રહી છે અત્યારે !
અને આપણાં ઇન્ડિયા ઇઝ ઇન્દિરા કહેવાયું જેમના માટે ને અટલજીએ બાંગ્લાદેશ બનાવતા ૧૯૭૧ના યુદ્ધ પછી સંસદમાં દુર્ગા કહ્યા એ ઇન્દિરા ગાંધી ! નેહરુના દીકરી હોવાથી કેબિનેટમાં આવેલી ગૂંગી ગુડિયા તરીકેની છાપ ભૂંસી એકચક્રી ને એકહથ્થુ શાસન પક્ષ અને દેશ પર કરી બતાવ્યું. કટાક્ષમાં કહેવાતું કે ભારતની રાજનીતિમાં ઇન્દિરા જ એકમાત્ર 'મરદ' છે ! આપણી પાડોશમાં સંકુચિત ઇસ્લામિક દેશ ગણાતા હોવા છતાં મૂળિયાં તો ભારતના છે એટલે પાકિસ્તાનમાં બેનઝીર ભુત્તોને પોતાના પગલે સત્તા મળી ને હજુ એનો પક્ષ ને પુત્ર રાજ કરે છે. પાકિસ્તાનથી અલગ પડેલા બાંગ્લાદેશમાં તો ખાલિદા ઝિયા અને શેખ હસીના એ ને મહિલાઓ વચ્ચે જ સત્તાની ખેંચતાણ હતી જેમાં હસીના ક્યાંય આગળ નીકળી ગયા. શ્રીલંકામાં તો માતા પુત્રી સિરિમાવો બંડારનાયકે ને ચંદ્રિકા કુમારતુંગા દેશના વડા બન્યા. મ્યાનમારમાં આંગ સાન સૂ કી આજે જેલમાં હોય પણ એમની ક્રાંતિનો ઈતિહાસ અજાણ્યો નથી. થાઇલેન્ડ ને સાઉથ કોરિયાએ પણ ઓલરેડી એકવીસમી સદીમાં મહિલા નેતૃત્વ જોઈ લીધું છે.
પણ આખી દુનિયામાં ફ્રીડમ અને ઈકવાલિટીનો ઝંડો લઈ ફરતા અમેરિકા હજુ ફિમેલ પ્રેસિડેન્ટ બાબતે રૂઢિચુસ્ત છે. હિલેરી પણ એના પગથિયાં સુધી એટલે પહોંચ્યા કે પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની હતા. પણ હારી ગયા. કમલા હેરિસ તો જો બાઇડન કરતા વધુ તેજ છે ને આપણાં માટે ગૌરવ કે ભારતીય મૂળના છે. અગાઉ ગર્વનર રહી ચૂકેલા ને પ્રેસિડેન્ટ બનવા માંગતા નિક્કી હેલી ને તુલસી ગબાર્ડ પણ ભારતીય વંશ ધરાવે છે ! સાર : ચાન્સ જ્યાં મળે ત્યાં, ભારતની મહિલાઓના લોહીમાં રાજનીતિની કુનેહ છે !
વીસમી સદીના વિશ્વે આ નામો ઉપરાંત કોરીઝોન એકવીનો (ફિલીપાઈન્સ), ડૉ. મારીયા દા લુર્દ પિન્ટાચિલગો (પોર્ટુગલ), મેરી રોબિન્સન (આયરલેન્ડ), પિડડિસ ફિન ભોગેડોટાર (આઇસલન્ડ), ગ્રો હાર્લેમ બ્રુટલેન્ડ (નૉર્વે), અડી ફૂઈની બાવદ્રા (ફિજી), ઈસાબેલ એજેને (ચિલી), કીમ કોમ્પબેલ (કેનેડા), તાન્સુ સીલર (તુર્કી), અગાથા અનરીલીબજયામ્બી (રવાન્ડા), મારિયા એસ્ટેલા (આર્જેન્ટીના), વાયોલેટા બારિઓસ (નિકારાગુઆ)... જેવા ફિમેલ પાવરનો અનુભવ કરેલો. હજુ ઘણી લંબાઈ શકે એવી આ સૂચિમાં દક્ષિણ એશિયાના ત્રીજા વિશ્વના જુનવાણી, પરંપરાવાદી, નારીમુક્તિના નામે મોં મચકોડનારા, ગરીબ અને ભ્રષ્ટાચારીનું પશ્ચિમ લેબલ માટે છે એ રાષ્ટ્રોએ પ્રતિકૂળ પવનની વચ્ચે પણ એક કે બે ઐતિહાસિક નારીઓને પ્રધાનમંત્રીપદે પહોંચતાં અને ટકી રહેતાં જોઈ છે ! પણ વાત વિગતે કરી એમ આધુનિકતા અને સ્ત્રીસ્વાતંત્ર્યમાં પૃથ્વીગ્રહ પર સૌથી આગળ રહેવામાં ફુલાઈને ફાળકો થઈ જતા અમેરિકાના પ્રમુખપદે કોઈ સ્ત્રી હજુ સુધી બિરાજમાન થતી જોવામાં નથી આવી !
કદાચ રાજનીતિમાં સ્રીને આગળ આવવાની પ્રેરણા આપતું ચાલકબળ સમાનતાવાદી સમાજ કે અલગતાવાદી અનામત નહીં, પણ ખુદની પહેચાન બનાવવા માટે સામંતશાહી પુરુષપ્રધાન માનસ સાથે નિરંતર કરવો પડતો સંઘર્ષ હશે ! જેણે પછાત દેશોમાંય વગર અનામતે નારાયણી સમાન નારીઓ દ્વારા પુરુષ રાજકારણીઓની બકરી ડબ્બે પુરાતાં નિહાળી છે ! ક્લિયોપેટ્રા (ઈજિપ્ત)થી લઈને મેરાઈન (ફ્રાંસ) સુધીનું એક પણ યાદગાર નારીનેતૃત્વ સત્તા શકરામાં ભીખની માફક માગવા નહોતું ગયું, પણ તેમને સત્તા જરૂર પડે તો ભારાડી પુરૂષોના પંજામાંથી છીનવી લેતાં પણ ફાવતું હતું.
એની બેસન્ટ (૧૯૧૦ તથા ૧૯૨૫) કે નીલી સેનગુપ્તા (૧૯૩૩)ને કાંગ્રેસ પ્રમુખ થઈ ચૂકેલા. રાષ્ટ્રધ્વજની ડિઝાઇન વિચારનાર મેડમ કામા કે અનેકવિધ હોઠે નામ ગજવનાર રાજકુમારી અમૃત કૌર જેવી વ્યક્તિઓએ પોતાના કાંડે નામ બનાવેલું ! ૧૮૯૪માં કોર્નેલિયા સોરાબજી નામની હિન્દની પ્રથમ ી વકીલ બનેલી જેને છેક ૧૯૨૩માં પ્રેક્ટિસ કરવાની રજા મળેલી ! ૧૯૨૬માં ભારતીય ીઓને બ્રિટીશરોનો શરતી મતાધિકાર મળ્યા બાદ માર્ગારેટ કઝીન્સે સ્થાપેલા ઇન્ડિયન વૂમન્સ એસોસિએશનના પ્રતિનિધિરૂપે મહિલા ઉમેદવારોએ વિધાન પરિષદોની સ્થાનિક ચૂંટણીઓમાં વગર અનામતે ઝંપલાવેલું ! મદ્રાસ લેજીસ્લેટિવ કાઉન્સિલમાં શ્રીમતિ ડો. મુથુસ્વામી રેડ્ડી ચૂંટાઈને ઉપપ્રમુખ પણ થયેલા. આજ દિન સુધીમાં સેંકડો ી રાજયપાલો, ધારાસભ્યો, પ્રધાનો, અધ્યક્ષો અને અધિકારીઓ જોઈ ચૂકેલા ભારતે ૧૯૫૭માં પ્રથમ ી મેયર કે ૧૯૫૦માં પ્રથમ સ્રી સનદી અધિકારીને સૂત્રો સંભાળતી જોઈ છે. ૧૯૮૯માં મીર સાહેબ ફાતિમા સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ બન્યાં ત્યારે સાન્ડ્રા કે ઓ'કુનુંરે અમેરિકામાં આ પ્રકારનો હોદ્દો સંભાળ્યા પછી એ વિશ્વભરમાં આવો માત્ર બીજો જ કિસ્સો હતો ! અલબત્ત ૧૯૩૭માં જ ભારતે અન્ના ચાંડી નામની મહિલાને પ્રથમ મુન્સિફ અને પછી ન્યાયાસન શોભાવતી જોયેલી ! આનંદીબાઈ જોશી ૧૯મી સદીમાં પ્રથમ ભારતીય મહિલા ડોક્ટર થયેલા. સુમતિ મોરારજી જેવા ઉદ્યોગસાહસિકો પણ આપણે જોયા છે.
અમેરિકા યુરોપમાં મહિલા સાંસદોનો રેશિયો હવે સુધરીને ૨૫-૩૦ ટકા પર છે. સૌથી વધુ મહિલા પ્રતિનિધિઓમાં રવાંડા કે ક્યુબા કે સ્વીડન કે મેક્સિકો કે યુએઈ જેવાં બચુકડાં રાષ્ટ્રો છે, લેટિન અમેરિકામાં તો ૩૬% જનપ્રતિનિધિ સ્ત્રીઓ હોય છે. ત્યારે ભારત, ચીન, જાપાન, અમેરિકા આદિ વિરાટો આ વાતમાં વામનો સામે વામણા દેખાય છે. રાધર ભારત અત્યાર સુધી દેખાતું હતું. હવે નહિ દેખાય.
ભારતમાં હવે સ્ત્રી ઉમેદવારોની સંખ્યા વધી છે. પણ ચૂંટાયેલાનું પ્રમાણ એટલું વધતું ન્હોતું આજે પણ વિધાનસભા કે સંસદમાં એ ૧૦-૧૫% આસપાસ જ રહે છે. મોટે ભાગે મહત્વના ખાતા પણ એમને મળતા નથી હોતા. ત્યારે અત્યારના ૫૪૨માં ૮૨ની જગ્યાએ હવે ૧૮૧ સાંસદો સ્ત્રીઓ હશે ૨૦૨૪ની ચુંટણી પછી ! ખરેખર મહિલાઓની ચિંતા આ બધા કરશે તો તેમને અન્યાયકર્તા અસંખ્ય ઘટનાઓ માટે કાનૂનો તત્કાળ સંશોધિત કરવા જોઈએ. જેમ કે અમુક કોમમાં સ્ત્રીઓના જનનાંગોના છેદનનો રિવાજ છે કે અમુકમાં વિધવાવિવાહ પર અઘોષિત પ્રતિબંધ છે. ક્યાંક બુરખો તો ક્યાંક ઘૂંઘટ ફરજિયાત છે. ઘરમાં સ્ત્રી વધ્યું ઘટયું છેલ્લે જમે એ કુપોષણ છે. માત્ર અમુક પરંપરાગત કપડાં પહેરેલી સ્ત્રીઓ જ આદર્શ ગણાય ને બાકીની પોતાની રીતે આધુનિક આનંદ કરે તો તરત ચારિત્ર્યહીન કહેવાય ! અરે સાંસદ બનેલ નુરજહાં કે મીમી જેવાઓને પણ સાંભળવું પડે છે જિન્સ પહેરે તો !
સ્વયંવરનો વારસો ધરાવતા દેશમાં ભણેલી સ્ત્રી પણ જીવનસાથી કે સાસરે ગયા પછી પહેરવેશના નિર્ણય જાતે ના લઈ શકે. વેતનમાં સરખું કામ ને નામ હોવા છતાં ભેદભાવ થાય, સ્ત્રી એકલા જમવા કે ફિલ્મ જોવા જતા પણ શરમાય કે ગભરાય... આવા અનેક મુદ્દે ક્રાંતિ થશે નહિ તો પણ ીઓ છીનવી લેશે આ હકો એક દિવસ. લખી રાખજો. .
બાકી રોટેશનમાં ફરતી રહે એ રીતે બેઠકો અનામત રાખવાનું ગતકડું ગામ કે જિલ્લા અને નગરપાલિકાઓમાં વર્ષોથી અમલમાં છે. કઠપૂતળી જેવી સ્ત્રીઓને ચૂંટી કાઢવાનું નાટક ભજવાતું રહે છે. સરેરાશ ભારતીય નાગરિકની હાલતમાં આવા સ્થાનિક નારીસભ્યોએ સમ ખાવા પૂરતો ય સુધારો કર્યો નથી ! ગરીબ કે ગર્ભવતી સ્ત્રી આજેય ગામડામાં રસોઈ, ખેતી, ભરતગૂંથણ, પશુપાલન, પાણી, કપડાં, સફાઈ, બાળસંભાળમાં જ ૨૪માંથી ૧૮ ક્લાકો પસાર કરે છે.
મહિલા સશક્તિકરણના મુદ્દે માર, કૂર ને મસાલો કરવાથી ભારતની નારીના અન્યાય, અત્યાચાર અને અસમાનતા દૂર નહી થાય. એ માટે સાક્ષરતા જ નહીં, ઉચ્ચ શિક્ષણ પર અને સ્ત્રીની સામાજિક-સાંસ્કૃતિક મુક્તિ પર ધ્યાન આપવું પડશે. ધાર્મિક કારણે ચુંટાઈ જતા ગોડસેપૂજક પ્રજ્ઞા ઠાકુર જેવા સાંસદો કરતાં આપબળે આગળ આવેલી મહિલા બસ ડ્રાઇવર નારી જાગૃતિનું પ્રતીક ગણાય ! લાંબા ગાળાનો પણ નક્કર પથ વધુ ને વધુ સ્ત્રી વહીવટી અધિકારીઓ, નોકરિયાતો, કળાકારો, ખેલાડીઓ, વ્યાવસાયિક નિષ્ણાતો, ઉદ્યોગ સાહસિકોનો ફાલ ઉતારી તેને નિર્ણયમાં આત્મનિર્ભર બનાવવાનું પીઠબળ આપવામાં છે. સરકારી કે ઉદ્યોગ ક્ષેત્રે આપને ત્યાં મહિલાઓના આંકડા નાનકડા દેશોની સાપેક્ષે પણ કંગાળ છે. હજુ કન્યા ભ્રૂણહત્યા આપણે ત્યાં થાય છે. રિયલ ઈસ્યુ સૌથી મોટો એ છે કે ભારતનો સરેરાશ પુરુષ હજુ જડસુ છે, ને કાયમ માટે પરિવારમાં રસોડાના રાજકારણ રમવાની પ્રેક્ટિસ ધરાવતી એવરેજ સ્ત્રી એના કરતા વધુ મોડર્ન થઈ ચૂકી છે ! જો રાજકારણમાં દરેક રબડીની પાછળ એક લાલુ હોય છે, તો દરેક જહાંગીરની પાછળ એક નુરજર્હા પણ હોય છે ! સ્ત્રીના પડદા પાછળના દોરીસંચારથી પુરુષની રાજનીતિને પ્રભાવિત કરવાની અગણિત ઘટનાઓ ઇતિહાસે જોઈ છે. પુરુષોએ લીધેલા અઢળક રાજકીય નિર્ણયો તેની માતા, પત્ની, પુત્રી કે પ્રેયસી દ્વારા સમજાવાયેલા કે સૂચવેલા જોવા મળતા રહ્યા છે, જોવા મળતા રહેશે !
તો સ્વાગત છે, રાજકારણમાં પડદાની પાછળ ને બદલે આગળ વધુ સ્ત્રીઓ આવે એના શ્રીગણેશનું ! શ્વેતાશ્વેતર ઉપનિષદ તો કહે છે શક્તિપૂજક ભારતનું... ત્વં સ્ત્રી, ત્વં પુમાનસિ, ત્વં કુમાર ઉતવા કુમારી અર્થાત્
'તું જ સ્ત્રી છે, તું જ પુરુષ છે,
તું જ કુમાર અને કુમારિકા પણ તું જ છે.'
ફાસ્ટ ફોરવર્ડ
રોમન સમ્રાટ જુલિયસ સીઝરે બાહુબળ ને ધનભંડાર વાપરીને, અનેક જોખમી લડાઈઓ લડીને, કેટલાય યોદ્ધાઓ ગુમાવીને, ઈજિપ્ત સહિત કેટલાય સામ્રાજ્યો જીતી લીધા...
અને રાણી કલિયોપેટ્રાએ લોહીનું એક ટીપું રેડયા વિના આખેઆખા સીઝરનું દિલ જીતી લીધું !