ભણકાર .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- મૌલીએ નક્કી કર્યું, ફરી ચિત્રો દોરીશ. સ્ટેશનરી સ્ટોરમાંથી કેન્વાસ, રંગ, પીંછી હાથમાં લેતાં રોમાંચ થયો, આંસુ વહેવા લાગ્યાં...
'મૌલી, ઊઠવું નથી? જો, ટાઇમ થઈ ગયો છે.' આલોકનો અવાજ સાંભળીને ઊંઘરેટી આંખો સાથે મારો હાથ બાજુમાં ગયો તો જાણે ખાલી કૂવામાં ડોલ પડી! અરે, આલોક ક્યાં!
મૌલીને યાદ આવ્યું કે આલોક તો કંપનીની મિટિંગ માટે બહારગામ ગયો હતો- આ તો રોજ સવારે પાંચ વાગે આલોકનો અવાજ સાંભળવાની ઝબકવાની ટેવ પડી હતી, તે ભણકાર સંભળાયો. બેય સંતાનો, પિન્ટુ-ચિન્કી, પણ પ્રવાસે હતાં. મૌલીએ નક્કી કરેલું કે નવરાશના આ દિવસોમાં ઘઉં ભરાવી લઈશ, મસાલા અને અથાણાં કરી લઈશ. મૌલી પતિ અને સંતાનોની જવાબદારીમાંથી થોડા દિવસ માટે મુક્ત થઈ. 'નદીના ઊંડા જળમાં ડૂબકી લગાવી સપાટી પર પાછી ફરતી વ્યક્તિના જેવી નકરી હળવાશનો અનુભવ થયો.' તેણે વિચાર્યું, 'મસાલા-અથાણાંને માર ગોલી! આ દિવસો માત્ર મારા છે. એટલે કે અમોલા ગુપ્તાના... રફ-ખરબચડી સપાટીવાળા કોરા કેન્વાસ જેવા છે આ દિવસો. તેના પર જેવાં ચિત્રો દોરવાં હશે, દોરી શકાશે.'
'ભણકાર' વાર્તા મૌલીના મુખે, પ્રથમ પુરુષ એકવચનમાં, કહેવાઈ છે. મૌલી વહેલી સવારે ચાલવા નીકળી પડી. તેને યાદ આવ્યું કે તે આલોકની પાછળ પાછળ ચાલતી, તેના પગલાંની મોટી છાપમાં પોતાની પગલી સમાવતી. તેણે નિશ્ચય કર્યો કે હવે આલોકના પગલામાં પગલું નથી સમાવવું, પણ જોડાજોડ ચાલવું છે. ઘરે આવીને મૌલીએ દોઢ ચમચી ખાંડ સાથે આદુ-મસાલાવાળી ચા બનાવી. આલોકને આવી ચા ન ભાવતી, પણ આજે તે નહોતો. ચાના કપ સાથે હીંચકે બેઠી. તેને બહુ ગમતો હીંચકો, પણ ઝૂલવાની ફુરસદ જ ન મળતી. તેણે વિચાર્યું, સાંજે મેથીની ભાજીનાં મૂઠિયાં બનાવીશ, બાફેલાં. આલોકને તેવાં ન ભાવે, માટે તળેલાં- સીઝેલાં બનાવવા પડતાં. મૌલીએ આલોકની સર્વ ઇચ્છાઓ સ્વીકારી લીધેલી. 'આલોકના સંસારની દેખભાળ એ જ મારી દુનિયા હતી... એ ક્ષણો તાજી હતી, વલોણું વલોવી તારવેલા તાજા માખણ જેવી... તો પછી આજે.. મુક્તિનો, ઉત્સવનો કેમ અનુભવ થાય છે?' ક્યાંક ગોરંભાયેલો અવાજ સંભળાયો, 'તું છે અમોલા ગુપ્તા, જેના પેઇન્ટિંગને કોલેજમાં દર વર્ષે ફર્સ્ટ પ્રાઇઝ મળતું હતું...' ક્યારે મોરની કળા સંકેલાઈ ગઈ? કેવી રીતે બધું રુટિન ઘસડબોળો બની ગયું? 'અમોલામાંથી બની ગઈ હું મૌલી-મૌલા, મમ્મા-મમ્મી.'
મૌલીએ નક્કી કર્યું, ફરી ચિત્રો દોરીશ. સ્ટેશનરી સ્ટોરમાંથી કેન્વાસ, રંગ, પીંછી હાથમાં લેતાં રોમાંચ થયો, આંસુ વહેવા લાગ્યાં. રિક્ષા પકડીને આર્ટગેલેરીમાં ગઈ. મારાં ચિત્રોનું પ્રદર્શન કદી યોજાશે, એવી ઝંખના જાગી. એક યુવક તન્મયતાથી દોરતો હતો. મૌલીએ તેનું ચિત્ર સુધારી આપ્યું. યુવકે આભાર માન્યો, 'આય'મ સાગર.' મૌલીને યાદ આવ્યું, પોતે આલોકને પહેલી વાર મળેલી ત્યારે કહેલું, 'આઇ એમ અમોલા, જેનું કોઈ મૂલ્ય થઈ ન શકે એવી.' આલોકને ધાબા પર સૂવું ન ગમતું, એકલી હતી માટે અમોલા ધાબા પર પથારી કરીને સૂતી. અરધી રાતે આલોક-પિન્ટુ-ચિન્કીના વિચારો વિંટળાઈ વળતાં થાકીને નીચે ગઈ. સવારે ઓરડાનાં બારણાં બંધ કર્યાં, ફોનનું રિસીવર નીચે મૂક્યું, કેન્વાસ સામે જોઈ રહી. મનમાં આખું ચિત્ર ઊપસવા લાગ્યું. 'બે રંગોનું મિશ્રણ કર્યું, હાથમાં પીંછી લીધી, ત્યાં જ અવાજ સંભળાયો : મમ્મી, આટલું હોમવર્ક તો તપાસી દે!'
'ભણકાર' વાર્તા પારુલ કંદર્પ દેસાઈએ લખી છે. સાહિત્યમાં 'શું કહેવાયું' તેના કરતાં 'કેવી રીતે કહેવાયું' તે વધુ અગત્યનું ગણાય. લેખિકાએ પ્રયોજેલાં ઉપમા-રૂપક જોઈએ. નાયિકાએ પથારીની પડખે હાથ મૂકીને જોયું તો પતિ નહોતો, 'જાણે ખાલી કૂવામાં ડોલ પડી.' શહેરી જનને નવતર લાગે તેવો ઉત્પ્રેક્ષા અલંકાર. પતિ પાસેથી વધુ પ્રાપ્તિની આશા નથી, માટે 'ખાલી કૂવો.' ઘરસંસારથી બે'ક દિવસ મુક્ત થયેલી નાયિકા કહે છે, 'નદીના ઊંડા જળમાં ડૂબકી લગાવી સપાટી પર પાછી ફરતી વ્યક્તિના જેવી નકરી હળવાશનો અનુભવ થયો.' હવા માટે જેણે વલખાં મારવા પડયાં હોય, તે જ જાણે કે કેવો હાશકારો થાય. નાયિકા ચિત્રકાર છે, માટે નવરાશના દિવસોને 'રફ કેનવાસ જેવા' કહે છે: અહીં ઔચિત્યનો ગુણ છે. ગૃહસંસારમાં બહુ મથવું પડયું, પણ 'વલોવીને તાજા માખણ જેવી ક્ષણો' મળી : ગૃહિણીને મુખે આવી જ ઉપમા શોભે. એક્વેરિયમની માછલી માફક મૌલી સંકડાશ અનુભવતી હતી, ત્યારે યુવાન ચિત્રકારે તેને અફાટ સંભાવના બતાવતો હોય તેમ કહ્યું, 'આય'મ સાગર.' વાર્તામાં બે-ત્રણ શબ્દપ્રયોગો નિવારી શકાયા હોતથ 'કદમ-બકદમ, મદહોશ'ની ફારસી પદાવલિ બાકીની ભાષા સાથે વિસંગત લાગે છે. પરંતુ વાર્તાની શૈલી બહુધા સ્વાભાવિક અને તરલ છે.
પહેલી જ સવારે પતિના સ્વરનો આભાસ થયો. ચંદ્ર-તારાની નીચે ધાબા પર સૂતાં પણ પતિ-સંતાનોના વિચારો ઘેરી વળ્યા. એકાગ્રતાથી કેનવાસ પર પીંછી ફેરવવા ગઈ ત્યારે સંતાનનો ન બોલાયેલો સ્વર સંભળાયો. આમ વાર્તાનું શીર્ષક સાર્થક થાય છે. શું સ્ત્રી માટે કે શું પુરુષ માટે મનોવાંછિત જગત મેળવવું દુષ્કર હોય છે. નિદા ફાઝલી કહે છે તેમ:
કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં જમીં કહીં આસમાં નહીં મિલતા