અધ્યયનનું અ-પાચન અને જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
- સાધનાના વિધિ-વિધાન થકી ષિ-મુનિઓએ સુનિશ્ચિત કર્યુ કે એક સામાન્ય મનુષ્ય પણ આત્મબળ વડે ઈશ્વર સુધી પહોંચી શકે
એક પ્રવચન દરમિયાન શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક ઓમ સ્વામીએ ખૂબ સુંદર વાત કહી હતી.
કોઈક જિજ્ઞાસુએ એમને પ્રશ્ન પૂછયો કે, 'શું જ્ઞાનમાર્ગ પર ચાલવાથી ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ શકે? શું માત્ર વૈદિક અને તાંત્રિક સાધનાનો પથ જ ભગવદ્પ્રાપ્તિ કરાવી શકે?'
પ્રત્યુત્તરમાં સ્વામીજીએ કહ્યું, 'આત્મસાક્ષાત્કારના માર્ગ પર કોઈનો એકાધિકાર નથી. શાસ્ત્રોએ વિભિન્ન માર્ગો થકી પરમસત્ય સુધી પહોંચવાનો રસ્તો બનાવી આપ્યો. એટલું ખરું કે માત્ર અધ્યયન પૂરતું નથી હોતું. જે જ્ઞાન ગ્રંથોમાંથી લેવામાં આવે, તેના પર જો ચિંતન-મનન ન થાય, તો તેનો કશો અર્થ રહેતો નથી. ષિ-મુનિઓએ આ કારણોસર જ સાધનારૂપી સિલેબસ બનાવી આપ્યો, જેની મદદ વડે સૌ કોઈ પાસે એક વિકલ્પ હોય ઈશ્વર સુધી પહોંચવાનો! સાધનાની પદ્ધતિને આધાર બનાવી, તેનું અનુસરણ કરીને જે પ્રાપ્તિ ષિ-મુનિઓએ કરી, એ આજના સમયમાં કરી શકવી સંભવ છે.'
આજના યુગમાં એવા અસંખ્ય લોકો છે, જેઓ શાસ્ત્રોને વાંચી તો જાણે છે પરંતુ તેમાં અંતર્નિહિત મર્મને સમજવાને બદલે રૂઢિગત સાંકળોને ધર્મના નામે આગળ કર્યે રાખે છે. ખોરાકને જો ગળચવામાં આવે તો તેનું સુવ્યવસ્થિત પાચન થવાને બદલે તે અંદર ને અંદર સડવા માંડે છે અને અંતે મળ વાટે બહાર નીકળી જાય છે. એમાંથી શરીરને ઝાઝું પોષણ મળે એવી સંભાવના નહીંવત્ હોય છે. એવી જ રીતે, માત્ર ઉપરછલ્લું વાચન અથવા અધ્યયન મનને તૃપ્તિનું ઠાલું આશ્વાસન જરૂર આપી શકે, પરંતુ અંતરાત્મા અથવા સ્વયંની ચેતનાને તેનો વિશેષ લાભ નથી મળતો હોતો. આખરે એ જ્ઞાન 'અતિજ્ઞાની' હોવાના અહંકાર તરીકે 'આત્મિક-મળ' બનીને ભાષણ અથવા પ્રવચન તરીકે બહાર નીકળી જાય છે. આવું જ્ઞાન સાંભળનારા લોકોને એ વાતની જાણ સુદ્ધાં નથી હોતી કે તેઓ જે 'મહાત્મા' પાસેથી કથામૃત પી રહ્યાં છે, એ વાસ્તવમાં વમનક્રિયા થકી પોતાનું અપાચ્ય અધ્યયન બહાર કાઢી રહ્યાં છે.
સાધનાના વિધિ-વિધાન થકી ષિ-મુનિઓએ સુનિશ્ચિત કર્યુ કે એક સામાન્ય મનુષ્ય પણ આત્મબળ વડે ઈશ્વર સુધી પહોંચી શકે અને તેને કોઈ માધ્યમની આવશ્યકતા ન રહે. વિધિ-વિધાનો સમજવાની લેખમાળાનો આ ત્રીજો મણકો છે. ગયા અઠવાડિયે આપણે મંત્રજાપ સુધીના વિધિ-વિધાનોનો તાર્કિક અર્થ સમજવાની દિશામાં આગળ વધ્યા હતાં. સાધનામાં મૂળ મંત્રજાપ પૂર્ણ થયા બાદ 'જપ-સમર્પણ'નું વિધાન આવશ્યક માનવામાં આવે છે.
સાધનાના માર્ગે આગળ વધ્યા પછી સાધકમાં સ્વાભાવિક રીતે અભિમાન આવી શકે, જેને ખાળવા માટે જપ-સમર્પણનનું વિધાન ઉમેરવામાં આવ્યું, જેથી સાધકને એ વાતનું ભાન રહે કે તેણે જે જાપ કર્યો, એ વાસ્તવમાં ઈશ્વરીય કૃપા અને પ્રેરણા થકી સંભવ બન્યું. મનુષ્યના આજ્ઞાચક્રમાં રહેલી રુદ્રગ્રંથિ અહંકારનું મૂળ છે, જે કર્તાભાવ પેદા કરે છે. સામે પક્ષે, પોતાની જાતને સમર્પિત કરી દેવાની પ્રક્રિયા માણસને કર્તાભાવથી દૂર હટાવવાનું કામ કરે છે. સાધનાનાં પથ પર તેની નિતાંત આવશ્યકતા હોય છે. જપ-સમર્પણ થકી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે સાધક પોતાના દ્વારા કરવામાં આવેલું આધ્યાત્મિક કર્મ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દઈને કર્તાભાવથી મુક્ત થઈ જાય. આ વિધાન થકી ક્યાંક ને ક્યાંક ઈશ્વર પણ સાધકને તેના જાપનું ફળ આપવા માટે બાધ્ય બની જાય છે.
ત્યારબાદ, યજ્ઞાના વિધિ-વિધાન શરૂ થાય છે. ગ્વેદિક કાળના દેવતાઓને પ્રારંભિક આહુતિઓ અર્પણ કર્યા પછી મૂળ મંત્રની આહુતિ આપવાની શરૂઆત થાય છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુની આહુતિ થકી ભગવાન યજ્ઞાપુરુષને પૂર્ણપણે જાગૃત કર્યા પછી મંત્રના પ્રધાન દેવતાને આહુતિ આપવામાં આવે છે. મૂળ મંત્રાહુતિ સંપન્ન થયા પશ્ચાત્ જે-તે દેવી-દેવતાઓના ગાયત્રી મંત્રની આહુતિ આપવામાં આવે છે. મંત્રશાસ્ત્રનું એક ગૂઢ રહસ્ય અહીં છુપાયેલું છે. મા લલિતા મહાત્રિપુરસુંદરીનું એક નામ છે: 'ગાયત્રી-વ્યાહ્રતિ:-સંધ્યા'! શાસ્ત્રોના વિધિ-વિધાનનો મૂળ ઉદ્દેશ્ય તો આત્માનું મિલન પરમાત્મા સાથે કરાવવાનો છે. જેઓ પ્રધાનદેવી છે, મૂળ પ્રકૃતિ છે, આદિ પરાશક્તિ છે, શ્રીવિદ્યા છે, મહાવિદ્યા છે એવા મા લલિતા મહાત્રિપુરસુંદરીને પ્રત્યેક યજ્ઞામાં આહુતિ આપવામાં આવે છે. પ્રત્યેક દેવી-દેવતાના ગાયત્રી મંત્ર વડે આપવામાં આવતી આહુતિ એ વાસ્તવમાં મા લલિતાને અપાતી આહુતિ છે. આ પ્રત્યેક આહુતિઓ મનુષ્યને એ સ્મરણ અપાવવા માટે છે કે તેમનું પ્રાકટય કોનામાંથી થયું છે અને એમનો અંતિમ ધ્યેય અથવા ગંતવ્યસ્થાન કોણ છે!