પિતાની અનિચ્છા છતાં કોચના પેરેન્ટીંગને કારણે તિલકની ક્રિકેટ કારકિર્દીને નવી જીવનરેખા મળી !
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- આર્થિક મુશ્કેલીથી ઘેરાયેલા વર્મા પરિવારના પુત્રની અસાધારણ પ્રતિભાને નિખારવા કોચ સલીમ બયાશે તેનો ક્રિકેટનો ખર્ચ ઉઠાવી લીધો
સ્વપ્ન એ દરેકની આંખોમાં ઉગતાં ફૂલ જેવું છે. જેને પામવાની ઝંખના તો સહુને હોય છે, પણ જેઓ તેને વાસ્તવિક સ્વરુપ આપવા માટે પ્રયાસ કરે છે, તેને ભાગ્યનો પણ સહારો પણ મળે છે. જોકે આ બધા માટે ખંત અને મહેનતની શરતને પૂરી કરવી પડે છે. આ મહેનત અને લક્ષ્યને હાંસલ કરવાનો ઈરાદો જ પરિસ્થિતિને પ્રતિકૂળમાંથી સાનુકૂળ બનાવી દે છે. એક સમયે ઘોર અંધારા સમા ભાસતા ભવિષ્યમાં અચાનક જ આશાનું એક એવું કિરણ ચમકી ઉઠે છે, તે જ વ્યક્તિને સફળતાના ઉજાસ તરફ દોરી જાય છે.
એક સમયે આંધ્રપ્રદેશની સરહદમાં આવેલા હૈદરાબાદને આજે તેલંગણાની રાજધાની તરીકેની ઓળખ મળી છે. ભારતીય ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવતા હૈદારબાદમાં વસતા અત્યંત સાધારણ તેલુગુ પરિવારમાં જન્મેલા નાનકડા છોકરાએ કુમળી વયે આંખોમાં સેવેલું સ્વપ્ન આજે એવી રીતે સાકાર થયું છે કે, જેની નોંધ આખી દુનિયાને લેવી પડી છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ તરીકે ઓળખાતા ટી-૨૦માં વિસ્ફોટક બેટ્સમેન તરીકે છવાઈ ગયેલા ૨૨ વર્ષના તિલક વર્માની પ્રતિભાએ તેની અસાધારણ સ્ટ્રોક પ્લે અને આક્રમક મિજાજ થકી આગવું આકર્ષણ જમાવ્યું છે. તેની સાથે સાથે ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત પણ આપી દીધો છે.
સાઉથ આફ્રિકાની ધરતી પર રમાયેલી ટી-૨૦ શ્રેણીમાં સતત બે મેચમાં બે વિસ્ફોટક સદી ફટકારવાની સાથે તિલકે ભારતીય ક્રિકેટની રેકોર્ડ બુકમાં પોતાનાના નામનું આગવું અને અમીટ તિલક કરી દીધું છે, જેણે ક્રિકેટના ઈતિહાસમાં અને ચાહકોના માનસપટલ પર ચિરકાલીન છાપ છોડી છે. ટી-૨૦ના ફોર્મેટમાં જ નહીં પણ આંતરરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવી ક્રાંતિ લાવનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા ત્રણ વર્ષમાં તેની પ્રતિભાને ડંકો વગાડી દીધો છે.
આત્મવિશ્વાસની સાથે ક્રિકેટના સૌથી યુવા વયના ફોર્મેટને છાજે જેવી શૈલીમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવાની કુશળતાએ તિલકને અને તેના પરિવારને નામ અને દામની રીતે અણધાર્યો ઉછાળ આપ્યો છે. તેના થકી જ તિલક કરોડપતિ ક્રિકેટરોમાં સ્થાન મેળવી શક્યો છે. આઈપીએલમાં છેલ્લી ત્રણ સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ જેવી ધરખમ ફ્રેન્ચાઈઝી તરફથી રમતાં આ યુવા ખેલાડીએ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને ટીમ ડેવિડ જેવા સુપરસ્ટાર્સની વચ્ચે પોતાની આગવી ઓખળ ઉભી કરી છે.
આંતરરરાષ્ટ્રીય ટી-૨૦માં તિલકે ૨૦ મુકાબલાની ૧૯ ઈનિંગમાં ૫૧.૩૩ની સરેરાશ અને ૧૬૧.૨૫ના સ્ટ્રાઈકરેટથી ૬૧૬ રન ફટકાર્યા છે, જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. જોકે તિલકની બેટિંગનો મિજાજ અને તેની પ્રતિભાને જોતા આગામી સમયમાં તે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈ પર પહોંચાડશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. ભારતીય ક્રિકેટની આ ઉભરતી પ્રતિભાની ક્રિકેટની સફર ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થયેલા સુપરસ્ટાર જેવી રહી છે.
હૈદરાબાદમાં રહેતા નામ્બૂરી નાગારાજુ એક ઈલેક્ટ્રિશીયન તરીકેનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. જ્યારે તેમની પત્ની ગાયત્રી દેવી ઘર-પરિવારનું ધ્યાન રાખતાં. અત્યંત સંઘર્ષમય જિંદગી જીવતા આ તેલુગુ પરિવારમાં પહેલા સંતાન તરીકે તિલકનો જન્મ થયો. પિતાની મર્યાદિત આર્થિક આવકને કારણે તિલકની જીવનશૈૈલી પણ ચોક્કસ ચોકઠામાં બંધાયેલી હતી. પિતા તેને ડોક્ટર બનાવવા માગતા હતા, જેથી તે ભણી-ગણીને પરિવારને મદદરુપ થઈ શકે. જ્યાારે તિલકનું મન ક્રિકેટ તરફ વધુ ઢળેલું રહેતું.
ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ૨૦૧૧માં વન ડે વર્લ્ડ કપ જીતીને આગવો ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ક્રિકેટના સૌથી ગૌરવમય વર્ષોમાં સ્થાન ધરાવતા ૨૦૧૧માં જ તિલકની પ્રતિભાની ઓળખ તેના કોચ સલીમ બાયશે કરી. સલીમ રજાના દિવસે બાર્કાઝમાં આવેલા અબ્બાસ સ્ટેડિયમમાં જતા અને ત્યાં રમતાં છોકરાઓની પ્રતિભા પર ઉડતી નજર નાંખતાં. યોગાનુંયોગ તિલક પણ ત્યાં ટેનિસ બોલ ક્રિકેટ રમી રહ્યો હતો. તિલક સહજતાથી બોલને ફટકારતો હતો, તે જોઈને સલીમ પ્રભાવિત થયા. તેમણે તિલકને તેમની એકેડમીમાં જોડાવા માટેની ઓફર મુકી.
જોકે, તિલક પરિવારની પરિસ્થિતિથી વાકેફ હતો, તેણે કહ્યું કે, મારી ઈચ્છા તો ક્રિકેટ રમવાની છે, પણ મારા માતા-પિતા તેના માટે તૈયાર નહીં થાય. સલીમે મહામહેનતે તેના માતા-પિતાને મનાવ્યા અને તિલકના ક્રિકેટ અને અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની સાથે તેને લાવવા-લઈ જવા સુધીની જવાબદારી ઉઠાવી લીધી. ૧૨ વર્ષની ઉંમરે તિલકની ક્રિકેટની પદ્ધતિસરની તાલીમ શરુ થઈ. બાલાપુરથી ૧૧ કિલોમીટરનો પ્રવાસ ખેડીને હૈદરાબાદમાં આવેલા ચંદ્રાયનગુટ્ટા ખાતે પહોંચતો અને ત્યાંથી સલીમ તેને મોટરબાઈક પર ૪૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને લિંગમપલ્લી ખાતે આવેલી એકેડમીમાં લઈ જતાં. ત્યાં તાલીમ બાદ તે શાળામાં અભ્યાસ કરતો અને મોડી સાંજે જ્યારે તેઓ પાછા ફરતાં ત્યારે તિલક બાઈકની પાછળ ઘસઘસાટ ઊંઘી જતો. સલીમ વાંરવાર તેને ઉઠાડતાં કારણ કે તેમને ડર હતો કે, આ છોકરો ક્યાંક પડી ન જાય.
કોચની સૂચના પર તિલકના પિતા નાગારાજુુએ એકેડમીની નજીક ઘર લઈ લીધુ. તેની કુદરતી પ્રતિભા કોચના માર્ગદર્શનને કારણે ઝડપથી ચમક દેખાડવા માંડી. સ્થાનિક ક્રિકેટમાં રનના ઢગલા ખડકનારા તિલકે રાષ્ટ્રીય સ્તરના એજ ગૂ્રપ ક્રિકેટમાં આગવો પ્રભાવ પાડયો. વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-૧૬ થી લઈને અંડર-૨૩ સુધીની ટુર્નામેન્ટ્સમાં તિલકે તેના પાવરફૂલ સ્ટ્રોક પ્લે અને આગવા મિજાજનો પરચો બોલરોને દેખાડયો હતો. કોચ સલીમની દરેક વાતને તિલક અક્ષર: અનુસરતો. તિલક મોબાઈલ ફોનનો ઉપયોગ સાવ નહીવત્ કરતો. અન્ય ખેલાડીઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય,ત્યારે તિલક ટેબલ ટેનિસ કે અન્ય રમતો રમતો કે પછી સાથી ખેલાડીઓની સાથે વાતચીત કરતો. ઘરઆંગણાના શાનદાર દેેખાવ બાદ ૨૦૨૦ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં રનરઅપ બનેલી ભારતીય ટીમમાં સામેલ તિલક વર્માનો દેખાવ સાધારણ રહ્યો હતો. આ કારણે તેને આઈપીએલમાં સામેલ થઈ શક્યો નહતો. કોચ સલીમે આ તબક્કે તિલકને સલાહ આપી કે, જો તારે આઈપીએલમાં રમવું હોય તો બધા કરતાં કંઈક વિશેષ કરીને બતાવવું પડશે, તો જ તારી નોંધ લેવાશે. કોચના આ શબ્દોની તિલક પર ઘેરી અસર થઈ. તેેણે ત્યાર બાદ વર્ષ ૨૦૨૧ની સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટ્રોફીની સાથે ઘરઆંગણાના ક્રિકેટમાં આક્રમક બેટિંગનો પરચો દેખાડયો.
તિલકને ૨૦૨૨ની સિઝન અગાઉની હરાજીમાં માત્ર ૨૦ લાખને બેસ પ્રાઈસ સાથે સમાવવામાં આવ્યો અને મુંબઈ ઈન્ડિયન્સે તેને ૧.૭ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. આઈપીએલની હરાજીમા રાતોરાત કરોડપતિ બનેલા તિલક વર્માએ તેના પરિવાર અને કોચે કરેલા સંઘર્ષની પળેપળ યાદ છે. આ જ કારણે તેણે આઈપીએલની કમાણી તેના પિતાના હાથમાં મુકી દીધી.
મુંબઈ ઈન્ડિયન્સની મુ્શ્કેલ સિઝનમાં તિલક વર્માએ તેના આગવા પાવરહિંટીગથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતુ અને સુપરસ્ટાર્સની વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. આઈપીએલની બે સિઝનમાં તિલકે કરેલા કમાલને કારણે તેને ભારતની ટી-૨૦ ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું અને ટુંકા ગાળામાં જ તેણે સતત બે ટી-૨૦માં બે સદી ફટકારવાની સિદ્ધિ સાથે અનોખો રેકોર્ડ નોંધાવી દીધો છે. તિલકની પ્રતિભાને જોતા આગામી સમયમાં રાષ્ટ્રીય ટીમની સફળતાની સાથે તિલકના અવનવા અને આશ્ચર્ય પમાડે તેવા રેકોર્ડ્સ નોંધાશે તેમાં કોઈ બેમત નથી.