Get The App

શિશુ આરોગ્ય માટે બેબીનામા ,

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
શિશુ આરોગ્ય માટે બેબીનામા                                  , 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- આજે બેબીનામા સાથે પચાસ બાળરોગના નિષ્ણાતો જોડાયેલા છે. તે ઉપરાંત ગાયનકોલોજિસ્ટ, ન્યૂટ્રીશનીસ્ટ અને અન્ય મેડિકલ નિષ્ણાતો પણ છે

પરિવારમાં બાળકનું આગમન થાય એટલે સમગ્ર પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે.  સાથોસાથ સંતાન-પ્રાપ્તિ બાદ માતા-પિતાના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તે બરાબર ઊંઘે છે કે નહીં? તે સતત ઊંઘ્યા કરે છે અથવા તો સતત રડયા કરે છે, તો શું કરવું? એમાંય હવે જ્યારે કુટુંબો વિભક્ત થઈ ગયા છે ત્યારે ખાસ.

આ બધી સમસ્યાનો ઉપાય ડૉ. સુમિત્રા મીના બેબીનામા ડિજિટલ પ્લેટફાર્મ દ્વારા આપે છે. રાજસ્થાનના દૌસા જિલ્લામાં જન્મેલી ડૉ. સુમિત્રા મીનાએ નાનપણમાં પોતાની બહેનને ગુમાવી હતી. જન્મ પછી થોડા સમયમાં જ સારવારના અભાવે તેનું મૃત્યુ થયું હતું, ત્યારે તો આ અંગે બહુ ઝાઝી સમજણ નહોતી, પરંતુ મોટા થતાં તેમણે બાળરોગ નિષ્ણાત થવાનું નક્કી કર્યું અને એ સ્વપ્ન ફળીભૂત પણ થયું. એમ.બી.બી.એસ. કર્યા બાદ દિલ્હીની લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજમાં બાળરોગમાં એમ.ડી.ની ડિગ્રી હાંસલ કરી અને ત્યારબાદ સફદરજંગ હૉસ્પિટલમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યું. ડૉ. સુમિત્રાએ જોયું કે ઇમરજન્સી રૂમમાં બે પ્રકારના માતા-પિતા આવતા હતા. એક સંતાન પ્રત્યે બિનજરૂરી ચિંતા સેવનારા તો બીજા એવા માતા-પિતા આવતાં કે જેમનું બાળક સાચે જ અત્યંત બીમાર થઈ ગયું હોય. રાત્રે બાળકને કંઈ થયું હોય તો સવાર સુધી રાહ જુએ. એનું એક કારણ એ પણ હોય કે હાસ્પિટલમાં રાત્રે જુનિયર ડૉક્ટરો પાસે સારવાર ન કરાવવી હોય અને અડધી રાત્રે વળી કયા ડૉક્ટર પાસે જવું? આને કારણે છ-આઠ કલાકમાં બાળકની તબિયત ઘણી કથળી જતી હોય છે. તેમને લાગ્યું કે આ બંને પરિસ્થિતિમાં સુધારો લાવવો જરૂરી છે.

ચાર-પાંચ વર્ષ પહેલાં ડૉ. સુમિત્રા જ્યારે માતા બન્યા, ત્યારે એમના પતિ પણ ચિંતાતુર થઈને વારંવાર પોતાના સંતાન વિશે પ્રશ્નો પૂછતા, પરંતુ ઘરમાં જ ડૉક્ટર હોવાથી ભયમુક્ત રહેતા. તેમણે વિચાર્યું કે અંતરિયાળ ગામોમાં કેટલાં બાળકો સારવારના અભાવે મૃત્યુ પામતા હશે? તેમાંથી બેબીનામાનો જન્મ થયો. તેમણે ૨૦૨૨માં બેબીનામા નામનું બાળકોની સંભાળ લેવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું. તેમના પતિ આશિષ મીના મુંબઈની આઈ.આઈ.ટી.ના સ્નાતક છે. એક દાયકાનો સ્ટાર્ટઅપનો અનુભવ ધરાવતા હોવાથી તેઓ નોકરી છોડીને બેબીનામાને સહાય કરે છે.

ડૉ. સુમિત્રા મીનાએ આ પ્લેટફોર્મ શરૂ કરતાં પહેલાં સંશોધન કર્યું. વૉટ્સએપ ગ્રુપ બનાવ્યું. શરૂઆતમાં તો ડૉ. સુમિત્રા પોતે જ ફોન કૉલ્સ અને મેસેજના જવાબ આપતા હતા. બહુ ઝડપથી સભ્ય સંખ્યા અઢીસોમાંથી પાંચસો થઈ ગઈ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને અન્ય પ્રદેશોના અંતરિયાળ ગામોમાંથી પણ માતા-પિતા ફોન કરવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે તેઓને રોજના એક હજાર પ્રશ્નોના જવાબ આપવો પડતો. ડૉ. સુમિત્રાએ ડૉક્ટરોની સંખ્યા વધારી. આજે બેબીનામા સાથે પચાસ બાળરોગના નિષ્ણાતો જોડાયેલા છે. તે ઉપરાંત ગાયનકોલોજિસ્ટ, ન્યૂટ્રીશનીસ્ટ અને અન્ય મેડિકલ નિષ્ણાતો પણ છે. રાત્રે અગિયાર વાગ્યા સુધી વૉટ્સએપ પર ચેટિંગ દ્વારા અને ફોન પર ચોવીસે કલાક તેઓ આ સર્વિસ પૂરી પાડે છે. વધુને વધુ માતા-પિતા સુધી પહોંચવા તેઓ ઈન્સ્ટાગ્રામ અને યૂટયૂબ પર પણ માહિતી આપે છે. તેઓ એક ફોન કોલ દીઠ સો રૂપિયા ફી લે છે અને જુદી જુદી સર્વિસ માટે જુદા જુદા પ્લાન બનાવ્યા છે.

બેબીનામાનો પ્લાન ૪૯૯થી શરૂ થાય છે. એસેન્શીયલ પ્લાન બે હજાર રૂપિયાનો છે, જેમાં તમે ડૉક્ટરો સાથે વૉટ્સએપથી જોડાઈ શકો. ચોવીસ કલાક વીડિયો કન્સલ્ટેશન અને મહિને એક વખત ચેક-અપ કરાવી શકો. હોલિસ્ટિક પ્લાન ૩૯૯૯ રૃા.નો છે. આ ઉપરાંત તેઓ સોલિડ ઈન્સ્ટ્રક્શન કોર્સ, બ્રેસ્ટફીડિંગ ટ્રેઇનિંગ પ્રોગ્રામ, બેબી ન્યૂટ્રીશન પ્રોગ્રામ અને સ્લીપ ટ્રેઇનિંગ પ્રોગ્રામ ચલાવે છે. હોલિસ્ટિક કેર પ્રોગ્રામમાં સાત હજાર બસો સભ્યો છે. અત્યાર સુધી ફ્રી વેબિનાર દ્વારા બે લાખ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જ્યારે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર સાડા ચાર લાખ જેટલા ફોલોઅર છે. અંતરિયાળ ગામમાં રહેતી માતાઓ માટે આ આશીર્વાદ સમાન છે, કારણ કે હરિયાણાના મહેન્દ્રગઢમાં રહેતી મનીષાને બાળકને ડૉક્ટર પાસે લઈ જવું હોય તો દોઢસો કિમી.ની મુસાફરી  કરવી પડે તેમ હતી. તો બીજી એક માતા કહે છે કે નાની નાની સમસ્યાઓ માટે વારંવાર ડાક્ટર પાસે જવું શક્ય હોતું નથી.

રાજસ્થાનમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને પોતાનું બાળક નોર્મલ નથી એવું લાગ્યા કરતંગ હતું. આઠેક ડાક્ટરને બતાવ્યું, પરંતુ સંતોષકારક નિદાન થયું નહીં. ડૉ. સુમિત્રા મીના સાથે વાત કરતાં તેમણે બાળકને ઓટિઝમ છે તેમ જણાવ્યું અને દિલ્હી થેરાપી માટે મોકલ્યા. ત્રણ મહિના પછી બાળકની માતાનો આંખમાં આંસુ સાથે આભાર માનતો ફોન આવ્યો. ડૉ. સુમિત્રા કહે છે કે તે એના જીવનનો સૌથી શ્રેષ્ઠ અને સુખદ દિવસ હતો. તેઓ ભારતમાં વધુને વધુ વિસ્તારો સુધી પહોંચીને માતા અને ડાક્ટરો વચ્ચેનું અંતર ઘટાડવા માગે છે.

આંસુ લૂછવાનો આનંદ

ડીનને 2010માં કેડીએસ સોફ્ટવેર કંપનીમાં સીઈઓ બનવાની તક મળી. ધ એક્સેસ ગ્રુપે આ કંપની ખરીદી અને તેમાં પ્રેસિડેન્ટ તરીકે કામગીરી કરી

જીવનના ચગડોળમાં ક્યારેક ઉપર તો ક્યારેક નીચે, ક્યારેક રસ્તા પર તો ક્યારેક મહેલમાં, ક્યારેક અમીર તો ક્યારેક ગરીબ પરિસ્થિતિમાં જીવતા કેટલાક લોકોમાં એક નામ છે ડીન ફોર્બ્સનું! દક્ષિણ-પૂર્વ લંડનના લેવિશમમાં ૧૯૭૮ની ૧૮મી ઑક્ટોબરે ડીનનો જન્મ થયો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી મોટો ડીન હતો. માતા-પિતા છૂટા પડયા બાદ માતા પર ત્રણેય બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડી. માતાને મસ્કુલર ડિસ્ટ્રોફીનો રોગ હોવા છતાં તે દસ-દસ કલાક સુધી ખૂબ મહેનત કરતી, જેથી ત્રણેય બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકે. માતાને એમ હતું કે જ્યાં સુધી તેનાથી કામ થાય છે, ત્યાં સુધીમાં રહેવા માટેનું એક ઘર બની જાય તો સારું, પરંતુ તે શક્ય ન બન્યું. માતાનું દર્દ વધી ગયું. ડીન અગિયાર વર્ષનો થયો ત્યાં સુધીમાં તો માતાને ઊઠવા-બેસવામાં તકલીફ પડવા લાગી. પાંચ-છ વર્ષ નાના ભાઈઓની બધી જવાબદારી ડીન સંભાળતો. સાંજનું ભોજન પણ બનાવતો.

બંને ભાઈઓને તૈયાર કરીને સ્કૂલે મોકલતો. ડીન પોતે સ્કૂલે પહોંચીને બધું દુ:ખ ભૂલી જતો, કારણ કે મિત્રો સાથે તોફાનમસ્તી ઉપરાંત ફૂટબોલ રમતાં એક નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરતો. ફૂટબોલમાં કારકિર્દી બનાવવામાં તે સફળ રહ્યો. તેને કારણે સ્કૂલમાં લોકપ્રિય બન્યો અને અભ્યાસ કરતાં મિત્રોની ઘણો નિકટ આવ્યો, જેમણે તેને પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરી. ડીન ફોર્બ્સ જ્યારે ૧૪ વર્ષનો હતો, ત્યારે તેના પરિવારે પ્રથમ વખત બેઘર બનવું પડયું. તેમને હોસ્ટેલમાં આશરો લેવો પડયો. આવી અનિશ્ચિતતા અને સંઘર્ષના દિવસોમાં પણ એ સેકન્ડરી એજ્યુકેશનમાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો. એ સમયે તેની ફૂટબોલ કારકિર્દી જોઈને સ્થાનિક ફૂટબોલ ક્લબ ક્રિસ્ટલ પેલેસે ડીન ફોર્બ્સ સાથે કરાર કર્યો. તેને લાગ્યું કે હવે તેના સંઘર્ષના દિવસો પૂરા થઈ ગયા છે. અત્યાર સુધી આર્થિક મુશ્કેલીમાં અને અભાવો વચ્ચે જીવેલા ડીને અમીર ફૂટબોલરો જેવી જીવનશૈલી પ્રત્યે આકર્ષાયો અને તેવી જીવનશૈલી અપનાવવા માટે હજારો યુરોનું દેવું કર્યું. એને એમ હતું કે હવે તેને ક્યાં વાંધો આવવાનો છે? પરંતુ ભાવિના ગર્ભમાં શું છૂપાયું છે તેની તેને ખબર નહોતી. ફૂટબોલ ક્લબ સાથે નવો કરાર થવાનો હતો, પરંતુ ક્લબે કરાર આગળ વધારવાનો ઇન્કાર કર્યો. આ સમયે તેને માથે અઠયાવીસ હજાર યૂરોનું દેવું હતું. ફરી એક વાર પરિવારે ઘર છોડવું પડયું.

તેને ચિંતા હતી કે પોતાના માથે થયેલું દેવું કેવી રીતે ચૂકવવું? તેના એજન્ટે એને ૧૯૯૫માં મોટોરોલા કોલ સેન્ટરમાં નોકરી અપાવી. સત્તર વર્ષની ઉંમરે નોકરી શરૂ તો કરી, પરંતુ ફૂટબોલ ભૂલાતું નહોતું. ઘણા દિવસો સુધી ફૂટબોલ ક્લબોમાં તપાસ કરતો રહ્યો, પરંતુ તેને ક્યાંય તક મળી નહીં. મોટોરોલામાં અત્યંત ધીરજપૂર્વક અને નિષ્ઠાથી નોકરી કરી. તેનું પરિણામ એ આવ્યું કે પાંચ વર્ષમાં સેલ્સ મેનેજર બની ગયો. ત્યારબાદ ઈ. સ. ૨૦૦૦ના એપ્રિલ મહિનામાં ટેલિકોમ સ્ટાર્ટઅપ પ્રિમાવેરા સિસ્ટમમાં નોકરીની સારી તક મળી અને મોટોરોલામાંથી રાજીનામું આપી દીધું. પ્રિમાવેરામાં નવ વર્ષમાં તેઓ વાઈસ પ્રેસિડેન્ટના પદ સુધી પહોંચી ગયા. પ્રિમાવેરાને અમેરિકી સોફ્ટવેર કંપની ઓરેકલે ખરીદી. ઓરેકલમાં પણ તેઓ વાઈસ પ્રેસિડેન્ટના પદ પર રહ્યા. એમણે માતા માટે ઘર ખરીદીને માતાનું સ્વપ્ન પૂરું કર્યું.

ડીનને ઈ. સ. ૨૦૧૦માં કેડીએસ સોફ્ટવેર કંપનીમાં સીઈઓ બનવાની તક મળી. ધ એક્સેસ ગ્રુપે આ કંપની ખરીદી અને તેમાં પ્રેસિડેન્ટ તરીકે કામગીરી કરી. ડીન ફોર્બ્સ ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા અને ૨૦૨૧માં સ્વીડીશ કંપની ફોર્ટેરોના સીઈઓ બન્યા, સાથોસાથ ઇક્વિટીમાં પણ ભાગીદાર બન્યા. ૨૦૨૨માં તેઓ લંડનની પ્રાયવેટ ઇક્વિટી ફર્મ કોર્ટેન કેપિટલમાં પણ ભાગીદાર બન્યા. આજે જીવનમાં મળેલી સફળતા અને સમૃદ્ધિ પછી પણ ડીન ફોર્બ્સ બાળપણને ભૂલ્યા નથી. માતાએ ત્રણેય સંતાનોને આપેલી શીખામણ કે જીવનમાં ગમે તેવા સંજોગો આવે તો પણ કમનસીબી પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના આશા અને ધીરજ ગુમાવવા નહીં. ડીન ફોર્બ્સ માને છે કે ફૂટબોલ ક્લબનો જાકારો ન મળ્યો હોત તો આજે આ જગ્યાએ ન હોત. ડીન અને તેમના પત્ની ડેનિયલ ફોર્બ્સ 'ફોર્બ્સ ફેમિલી ગૂ્રપ' નામનું સંગઠન ચલાવે છે, જે અનેક લોકોને મદદ કરે છે. તાજેતરમાં આફ્રિકી લ્યૂકેમિયા ટ્રસ્ટ માટે એમણે એક રાતમાં આશરે સાડા ચાર કરોડ રૂપિયા એકત્ર કરી આપ્યા. બ્રિટનના સૌથી પ્રભાવશાળી અશ્વેતોમાં તેમનું નામ ૨૦૨૫ની સૂચિમાં સૌથી ઉપર છે, પરંતુ ડીન ફોર્બ્સને તો ગરીબાઈના વિષચક્રને તોડવામાં રસ છે. તેઓ કહે છે કે, 'મારા દુ:ખદ અનુભવે જણાયું કે આ કોમ્યુનિટીમાં ઘણી પ્રતિભાઓ છે, પણ જરૂર છે માત્ર દરવાજો ખોલવાની. મારા માટે અન્ય લોકોએ દ્વાર ખોલ્યા હતા, હવે હું જરૂરિયાતમંદોની મદદ માટે દ્વાર ખોલીશ. 


Google NewsGoogle News