આ૫ણે સૌ નિરર્થકને ખરીદવામાં જીવન વેડફીએ છીએ
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- 'બેટા, આ ટ્રન્ક સ્મરણમાં રાખજે. તેને ક્યારેય ભૂલતો નહીં. તારા મન, હૃદય કે જીવનમાં જો કોઈ અધ્યાત્મિક વિરાસત કે ખજાનો ભર્યા હોય તો તે દરેક પળે સૌને વહેંચતો રહેજે
ક્ષણને સંઘરવાની કોશિશ કર નહીં, ઓ બેઅદબ
તું ફકીરને પૂછમા : ઘરમાં પટારો પણ નથી. - કવિ શ્રી હરીશ મીનાશ્રુ
વિશ્વની લગભગ બધી ત્યાગ-વૈરાગ્યની ધારાઓમાં સંધ્યાકાળે ખાલીખમ્મ પણ સ્વચ્છ ભિક્ષાપાત્રનો ભારે મહિમા છે. તેમાં પાત્રની સાથે દિવસ પણ ઉટકી નાખવાનો હોય છે. સાધુને બચાવવાની વૃત્તિમાંથી પણ બચવાનું છે. કારણ કે બચવું અને બચાવવું માત્ર પ્રવૃત્તિ નથી, વૃત્તિ પણ છે. અજ્ઞાાનનું સૌથી મોટું લક્ષણ છે ક્ષમતા અને યોગ્યતા વિનાની દાવેદારી. આવો એક ઉદાહરણથી સમજીએ....
એક વાર એક મઠમાં મઠાધિપતિ અને એક નવ-દિક્ષીત શિષ્ય વાતો કરતા બેઠા હતા.
શિષ્ય : ફાધર, મારું હૃદય વિશ્વપ્રેમથી છલકાય છે અને મારો આત્મા શેતાનની તમામ લાલચોથી પણ મુક્ત છે. તો હવે સાધનામાં મારે શું કરવાનું બાકી રહ્યું તે મને કહો...
મઠાધિપતિ : બેટા, એક વ્યક્તિ મૃત્યુ પામી છે. તેની અંતિમવિધિમાં હાજર રહીને સાંત્વના આપવા જવાનું છે. ચાલ, તું મારી સાથે..
(આ સંવાદ બાદ બન્ને તે ઘરે જઈને પરિવારજનોને મળે છે. મઠાધિપતિએ મૃત્યુની અનિવાર્યતા સમજાવી. ત્યાં તેમની નજર ઓરડાના ખૂણે પડેલ એક ખખડધજ લોખંડની ટ્રન્ક પર પડી.)
મઠાધિપતિ : આ ટ્રન્ક માં શું છે?
પરિવારજન : આમાં મૃત સ્વજન ના નવાં અણ-વપરાયેલા વસ્ત્રો છે આજે તો તે જીર્ણ-શીર્ણ અને સડી ગયા છે. ક્યારેક કોઈ શ્રેષ્ઠ પળે કે પ્રસંગે પહેરીશ તેમ વિચારીને તેમણે આ સંઘર્યા હતા. અલબત્ત, તેવી પળ કે પ્રસંગ આવ્યા નહીં તેથી આ બધા વસ્ત્રો વ્યર્થ જ વેડફાયા.
જ્યારે બન્ને મઠે પાછા ફરતા હતા ત્યારે મઠાધિપતિ શિષ્યને કહે છે 'બેટા, આ ટ્રન્ક સ્મરણમાં રાખજે. તેને ક્યારેય ભૂલતો નહીં. તારા મન, હૃદય કે જીવનમાં જો કોઈ અધ્યાત્મિક વિરાસત કે ખજાનો ભર્યા હોય તો તે દરેક પળે સૌને વહેંચતો રહેજે. નહીંતર તે ભંગાર ટ્રન્ક બની જશે.'
આપણે સૌ નિરર્થકને ખરીદવા, સાંચવવા અને સંતાડવામાં જીવન વેડફી નાખીએ છીએ. આપણે કોઈનો આભાર, અહોભાવ વ્યક્ત નથી કરતા અને હા આપણો રાજીપો કે સ્મિત પણ દબાવી રાખીએ છીએ. અર્થાત્ નથી આપણી મુઠ્ઠી ખૂલતી કે નથી મન ખુલતુ. અરે લગ્ન જીવનના ૫૦ વર્ષ એક જ ખંડમાં સાથે શ્વાસ લીધા પછી પણ આપણે એકમેકને મૈત્રીના વંદન કે સલામ નથી કરતા. આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણી ટ્રન્ક ખાલી ખમ્મ મળે તેવી પ્રાર્થના. તેમાંથી વસ્ત્રો, સોનું દસ્તાવેજો નહીં પણ પ્રેમ-મૈત્રીમાં મળેલ કરમાયેલા ફૂલો અને તેની સુવાસ મળે. તેમાંથી વસ્તુ નહીં પણ સહજતા અને સમગ્રતાથી જીવાયેલ જીવનનો ઉજાસ મળે...