આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલિજન્સ વિનાનું જીવન
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- એક જમાનામાં આવા વહેમો સામે લડનારી વ્યક્તિઓ અને સંસ્થાઓ હતી. રૂઢિઓનો સામનો કરીને સમાજ સામે બાથ ભીડનારા બહાદૂરો હતા. કોણ જાણે કેમ પણ આજે એમાં દુષ્કાળ પ્રવર્તે છે
સમય બદલાય છે, વખત વહી જાય છે, નવી શોધ થાય છે અને અદ્ભુત સંશોધન થાય છે, છેક ચંદ્ર પર લટાર લગાવીએ છીએ અને ડિજિટલ ક્રાંતિનો જયનાદ ગજવીએ છીએ. તેમ છતાં કોણ જાણે કેમ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં પણ મારણ મંત્ર, સંમોહન-વિદ્યા અજમાવવી જેવી બાબતોમાં શ્રદ્ધા ધરાવનારા અને તે મુજબ વર્તનારા માણસો મળે છે. વશીકરણ અને ઉચ્ચાટનની વિદ્યામાં માને છે અને ભૂત, પ્રેત, ચૂડેલ, ડાકણના ભયાવહ ભ્રમ નબળા મનના માનવીમાં વિસ્તાર કરતો જાય છે. જેનો ભય લાગે એની એ સતત વાત કરતો હોય છે. વિજ્ઞાાનના આકાશમાં ભલે ઉડ્ડયન કરીએ, પણ વાસ્તવિક ધરતી પર સચ્ચાઈ ભૂલવી ન જોઈએ.
કોઈ વળી કહે છે કે અષ્ટદલ યંત્ર લખીને મંત્ર જપવાથી કે હોમ કરવાથી કૂખ છૂટે અને સંતાન થાય, તો વળી છ ખૂણાનો યંત્ર લખી શ્વેત વસ્ત્રો પહેરી, શ્વેત આસન પર ઉગમણી દિશામાં મુખ રાખીને ધોળી માળાથી એ મંત્ર સવા લાખવાર જપવાથી તથા દ્રાક્ષ, ચારોળી, બદામ અને ટોપરુ હોમવાથી ધન મળે છે એવા ભવિષ્યના વરતારા કરે છે. તો વળી નવા ઘરેણાં, નવા ઢોળિયા કે નવા કપડાંને કાળા હીરનો દોરો વીંટે છે. મોટા જમણ સમયે દૂધપાક કરતા દૂધમાં કોઈની નજર બેસે નહીં, તે માટે કોલસાનો ટૂકડો તાવડામાં નાખે છે. આવા કેટલાંય શુકન-અપશુકનથી આપણો સમાજ ઘેરાયેલો છે.
ગુજરાતમાં ઈ. સ. ૧૮૫૦માં જે પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાં ૧૭૪ વર્ષ પછી પણ કોઈ ઝાઝું પરિવર્તન જોવા મળતું નથી. ઈ. સ. ૧૮૫૦માં કવિશ્રી દલપતરામે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે 'ભૂત' વિશેનો નિબંધ લખ્યો અને એ પછીના વર્ષે એ 'ભૂત' નિબંધ પ્રકાશિત થયો. એ પછી આ નિબંધની ઘણી આવૃત્તિઓ પ્રગટ થઈ, અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં એનો અનુવાદ થયો, પરંતુ હકીકત એ છે કે આટલી બધી પ્રગતિ છતાં સમાજમાં પ્રવર્તેલા વહેમોમાં ઘણું ઓછું પરિવર્તન આવ્યું છે.
હજી આજે પણ કુમળા બાળકોનાં દેવીને રિઝવવા બલી ચડાવવામાં આવે છે, નજર ઉતારવા માટે વિવિધ નુસખાઓ અજમાવવામાં આવે છે, આકાશી ગ્રહોની ચાલ પ્રમાણે બદલાતા જીવનની વાત થાય છે અને ઘણી વ્યક્તિઓ પોતાની ઉન્નતિ અને અવનતિ માટે ગ્રહદશાને કારણભૂત માનવા લાગ્યા. એ પછી રાશિભવિષ્યની બોલબાલા થઈ. ફળ જ્યોતિષની ઘણી વાતમાંથી એકાદ બે બંધ બેસે એટલે લોકો માનવા લાગે છે કે ફળ જ્યોતિષ સચોટ વર્તારો કરનારું શાસ્ત્ર છે. આની પાછળ વ્યક્તિની માની લેવાની વૃત્તિ કારણભૂત છે અને આજે તો રાજનેતાથી માંડીને પોતાના વર્તમાન કે ભવિષ્યથી પીડાતી ઘણી વ્યક્તિઓ એને શરણે જતી હોય છે.
એક જમાનામાં આવા વહેમો સામે લડનારી વ્યક્તિઓ અને સંસ્થાઓ હતી. રૂઢિઓનો સામનો કરીને સમાજ સામે બાથ ભીડનારા બહાદૂરો હતા. કોણ જાણે કેમ પણ આજે એમાં દુષ્કાળ પ્રવર્તે છે. પરિણામ એ આવ્યું કે આ ૨૦૨૪ના વર્ષમાં પણ લોકો આવા ભૂત-પ્રેતની વાતો સત્યઘટના તરીકે વર્ણવે છે. કોઈ તો એનો જાતઅનુભવ વર્ણવે છે. ક્યાંક આમલી, કેરડો કે બાવળમાં ભૂત રહેતું હોય, કે ક્યાંક કોઈ વ્યકિતનું ઉજ્જડ જગામાં મૃત્યુ થયું હોય ત્યાં એ ભૂત થઈને ભમતો હોય, ક્યાંક ચાર શેરીઓના ચોકમાં ભૂત રહેતું હોય છે, તો ક્યાંક પીપળાના ઝાડમાં ભૂત વસતું હોય છે, ક્યાંક મૃતદેહમાં પેસીને એ બોલતું હોય છે, તો ક્યાંક એ પશુ વગેરેનું રૂપ લઈને અગ્નિના ભડકા જેવું થઈને કોઈને ડરાવતું હોય છે. આવી માન્યતાઓને કારણે ઘણી વ્યક્તિઓ આખી જિંદગી ભયના ઓથાર હેઠળ જીવે છે. ડર, વિષાદ અને હતાશાને પોતાનો આત્મવિશ્વાસ ગીરવે મૂકે છે.
આજે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરતો હોય, પણ બરાબર એ જ જમાનામાં ઘણી બધી ઇન્ટેલિજન્સ વગરની વાતો માનવામાં આવતી હોય છે, ત્યારે આવા વહેમો સાથે બાથ ભીડનાર માલપરાના હીરજી ભિંગરાડિયા અને ગોદાવરીબહેન ભિંગરાડિયાના સ્વાનુભવો સમાજને એક સચી દિશા દર્શાવનારા છે. આપણે મૃત્યુ વિશે શુકન-અપશુકન અને માન્યતાઓનો ઢગલો કર્યો છે અને આજના વિજ્ઞાાનયુગમાં પણ શિક્ષિત વ્યક્તિઓ પણ એનું અંધ અનુસરણ કરતા હોય છે.
આનું માર્મિક ઉદાહરણ આપતા શ્રી હીરજીભાઈ ભિંગરાડિયા કહે છે કે, 'અમારા પડોશીના સગામાં એક વયોવૃદ્ધ દાદાનું મૃત્યુ થયું. પડોશીએ કહ્યું કે, 'તમારે બે જણાએ ખોટક્યાના કામમાં આવવાનું છે', પણ આમ કરતાં કરતાં વીસ-બાવીસ વ્યક્તિઓ તૈયાર થઈ. મોટું વાહન લઈને ખરખરે જઈ આવ્યા. એ સ્વાભાવિક છે કે કોઈનું મૃત્યુ થાય, ત્યારે એમના નજીકના સગા-સંબંધીઓ એમના દુ:ખમાં ભાગીદાર બનવા માટે અને આશ્વાસન આપવા માટે જાય તે જરૂરી છે, પરંતુ જેને મૃત વ્યક્તિ સાથે કશોય સંબંધ નહોતો, એને અવસાન નિમિત્તે જવાનો શો અર્થ ?
કેટલાં બધાં લોકોનાં સમય, શક્તિ અને ધન વેડફાય છે. વળી આપણે ત્યાં મૃત્યુની ઘટનાને વારંવાર વાગોળવાની રીત છે. મૃત્યુ થનારને સાંત્વના આપવાને બદલે એના સારા-નરસા જીવન વિશે વાત કરવાની ઘણાને ટેવ હોય છે. ક્યાંક તો બેસણાંનો સમય પૂરો થવાની નજીકમાં હોય, ત્યારે ગામ-ગપાટાં ઉપરાંત કેટલાક અખબારનો ફિલ્મી મસાલો રસભેર વાંચતા હોય છે. વાતાવરણમાં એકાએક ખળભળાટ તો, ત્યારે સર્જાય કે થોડી ઓળખાણ પણ જોશીલું આક્રંદ કરનાર વ્યક્તિ આવીને એવી મોટી પોક મૂકતા હોય છે કે જેને કારણે વાતાવરણમાં અણધારી ગમગીની છવાઈ જાય અને પોક મૂકનારનો અવાજ સહુને પાછા પાડી દે.
એક દિવસ કે જેટલાં દિવસ બેસણું રાખ્યું હોય એટલા દિવસ કાણે આવનાર વ્યક્તિ માથે ફાળિયાં ઓઢી, મોટો અવાજ તાણીને રડતાં રડતાં આવે. સ્ત્રીઓ છાતી કૂટતી આવે એ હજી પણ જોવા મળે છે. એ રિવાજ દેખાડો નથી તો શું છે ? એમાં પણ આ પાણીઢોળની વિધિ કરવામાં આવે છે. વિધિ વખતે વાછરડીના ગળામાં સાત ધાનની પોટલીઓ ટીંગાડી કુટુંબીજનોએ એને પૂંછડે પાણી રેડવા માટે ક્યાંક ક્યાંયથી આવીને હાજર થઈ જવાનું હોય છે. કહેવાય છે કે આમ કરવાથી સદ્ગત વૈતરણી નદી પાર ઉતરી જાય છે.
આવી જ રીતે પાણીઢોળનો દિવસ હોય છે. આ દિવસે શોક ભાંગ્યા પછી પાછા કારજ નિમિત્તે સહુ ભેગા મળતા હોય છે અને લાડુનું ભોજન કરતા હોય છે. આ તે કેવું ? મૃત્યુ એ દુ:ખનો પ્રસંગ છે. એ કોઈ વયોવૃદ્ધનું થયું હોય તો પણ એ ઘટના દુ:ખદ તો કહેવાય. આવી દુ:ખદ ઘટના વખતે તાણી તાણીને રડી લેવાનું અને પછી ધરાઈ ધરાઈને મીઠાઈ ઝાપટવાની તે કેવું ? સગાં-સંબંધીઓ દુ:ખમાં ભાગ પડાવવા આવ્યા હોય તે ઇચ્છવા યોગ્ય છે, પરંતુ પ્રસંગની ગંભીરતા સમજીને સાદું ભોજન અપાય તે જરૂરી છે.
આપણી બુદ્ધિ સરેઆમ નિષ્ફળ જાય એવી તો ઘણી બાબતો અહીં જોવા મળે. જે વ્યક્તિ સાધન-સંપન્ન હોય એને ત્યાં કાણ્ય ગળી કાણ્યની રૂપે યોજવામાં આવે છે. આમાં જેઓ મોઢે આવેલા હોય એ બધાને ખૂબ આગ્રહ કરી કરીને મિષ્ટાન્ન જમાડીને પછી જ જવા દેવામાં આવે છે.
આવી કેટલીય અજીબોગરીબ ઘટના મૃત્યુમાં જોવા મળે છે. લગ્ન અને મૃત્યુને વહેમના બંધનમાં આપણે કેટલા બધાં બાંધી દીધા છે ! કોઈ અપરણિત છોકરો હોય, પછી તે યુવાન કે આધેડ વયનો હોય, પરંતુ એનું મૃત્યુ થાય તો એની પાછળ લીલ પરણાવવી પડે. જો આમ ન કરવામાં આવે તો એ મૃત્યુ પામનારનો જીવ અવગતિએ જાય. આમાં જે રીતે લગ્નમાં વિધિ કરવામાં આવે છે, એ જ રીતે ડાભડા નામના એક પ્રકારના ઘાસાંથી વર-કન્યા બનાવવામાં આવે. એમાં મરનાર વ્યક્તિના આત્માને મૂકીને રીતસર ફેરા ફેરવી લગ્ન કરવાનો રિવાજ છે. આ સઘળાનો અર્થ શો ? સમયની ઘોર બરબાદી, નાણાંનો અતિશય દુર્વ્યય અને બુદ્ધિનું સંપૂર્ણ દેવાળું.
આવો જ એક રિવાજ 'પિતૃઓને પાણી પાવાનો' છે. ભાદરવી અમાસના દિવસે હાથમાં ઝારી-લોટા લઈ ધરો, બોરડી, પીપળ નીચે નદી કાંઠે જઈને પિતૃઓને તૃપ્ત કરવાના બહાને પાણી રેડવામાં આવે છે. એકવાર સંત એકનાથજીએ આવું કૌતુક દીઠું એટલે તેઓ પોતે નદીના વહેણમાં ઊભા રહી ખોબે ખોબે દક્ષિણ દિશામાં પાણી ઉડાડવા લાગ્યા. સંતની આવી વિશિષ્ટ રીતથી આશ્ચર્ય પામીને કોઈએ એમને પૂછયું, 'અરે એકનાથજી ! તમે આ શું કરી રહ્યા છો ?'
સંત એકનાથે કહ્યું, 'હું મારા ખેતરમાં પાણી સીંચુ છું.'
આ સાંભળી પ્રશ્ન પૂછેલાએ વધુ આશ્ચર્ય પામ્યો અને કહ્યું કે, 'તમે આ નદીની વચ્ચે ઊભા રહી ખોબે ખોબે પાણી ઉડાડો છો, એ કંઈ તમારા ખેતરમાં પહોંચે ખરું ?'
સંત એકનાથે કહ્યું, 'અરે ભલાભાઈ ! મારું ખેતર તો નદીની સાવ નજીક છે. જો નદીનું પાણી ઉડાડું અને મારા સાવ નજીક આવેલા ખેતરમાં ન પહોંચે તો તમારા વડવાઓને તમે આટલે બધે દૂરથી પાણી રેડો છો, એ થોડું પહોંચતું હશે ? તમારા વડવાઓ જ્યારે જીવતા હતા ત્યારે તમે પાણી પાયું હોત તો એમનો કોઠો ઠર્યો હોત. બાકી આવી બાબતોનો શો અર્થ ? આવા વહેમ અને રીતરિવાજની પાછળ તો સમય ગુમાવવાનો અને બુદ્ધિ ખોવાની.'
મનઝરૂખો
એક વાર અંધારી રાત્રે વિખ્યાત ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી ઘૂમવા નીકળ્ય. એ જમાનામાં આકાશના તારાઓની ઓળખ મેળવનારા ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી જેવો બીજો કોઈ ખગોળશાસ્ત્રી નહોતો. ચોતરફ એમની વિદ્યાની પ્રશંસા થતી હતી અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિના ભવિષ્યના જીવનની ગતિ બતાવવાની એમની કાબેલિયત પર સહુ કોઈ આફરીન પોકારી ગયા હતા.
રાત્રે ફરવા નીકળેલા આ સમર્થ ખગોળશાસ્ત્રી ખ્યાલ ન રહેતાં ઊંડા ખાડામાં પડી ગયા. મદદ કરવા માટે એ જોર જોરથી બૂમો પાડતા હતા. થોડો સમય તો કોઈ આવ્યું નહીં પણ એવામાં એક વૃદ્ધ સ્ત્રી એ રસ્તેથી નીકળી અને એણે જોયું તો ખાડામાંથી કોઈ મદદ માટે બૂમો પાડતું હતું. એ ગરીબ, નિરીક્ષર મહિલાએ ઘણી મહેનત કરીને એમને બહાર કાઢ્યા.
ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મીએ આ વૃદ્ધાનો આભાર માન્યો. વૃદ્ધા તો હસીને આગળ ચાલી. કીર્તિવંત ખગોળશાસ્ત્રીથી રહેવાયું નહીં એટલે એમણે એ વૃદ્ધાને અટકાવીને પૂછ્યું, 'તમે મને ઓળખ્યો ખરો ? હું આ જમાનોનો મશહૂર ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી છું. આકાશના તારાને જોઈને માણસની જિંદગીની ગતિ ભાખી શકું છું. તમે મને ખાડામાંથી બહાર કાઢ્યો ને મદદ કરી, તે માટે તમારું ભવિષ્ય જોઈને મારા પરના અહેસાનનો બદલો ચૂકવવો છે.'પેલી વૃદ્ધાએ હસીને કહ્યું, 'અરે ! જેને જમીન પરના ખાડાની જાણકારી ન હોય, એને વળી માનવીના ભવિષ્યની જાણકારી હોય ખરી ? પહેલાં તમે જે જમીન પર ચાલો છો, એને બરાબર જાણો, પછી તારાઓની ગતિનું માપ કાઢવા બેસજો.' વૃદ્ધાનાં આ વચનોએ ખગોળશાસ્ત્રીના હૃદય પર પ્રભાવ પાડયો. એમને સમજાયું કે જે જમીન પર ચાલો છો, તે જમીનનો વાસ્તવિક ખ્યાલ ન હોય, તો આકાશને જાણીને શું કરશો ? આ ખગોળશાસ્ત્રી આકાશના બદલે પાતાળના-ભૂગર્ભના ભેદ ઉકલેવા લાગ્યો અને ભૂસ્તરશાસ્ત્રી બન્યો. વૃદ્ધાના એક વાક્યે આકાશમાં નજર માંડીને બેઠેલા ખગોળશાસ્ત્રીના જીવનની દિશા બદલી નાખી.