હોમો ફ્લોરેસીએન્સીસ મનુષ્યની એક રહસ્યમય પ્રજાતિ
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
- લેખક જે.આર.આર. ટોલ્કિન્સની કાલ્પનિક જાતિ 'હાબીટ્સ'ને મળતી આવે છે?
ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુ પર પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને અન્ય સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમને નવા અવશેષો મળ્યા છે. જે અત્યંત દુર્લભ પ્રારંભિક માનવ પ્રજાતિના છે. વિજ્ઞાનીઓ તેને હોબીટ તરીકે ઓળખાવે છે. આ હોબીટ શબ્દ તેમને 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' સીરીઝ લખનાર લેખક જે આર આર ટોલ્કિન્સ દ્વારા રજુ કરવામાં આવેલ નાના કદના માનવી હૉબીટ ઉપરથી મળ્યો છે. હોબિટ્સ એ જે.આર.આર. ટોલ્કિનની નવલકથાઓમાં આવતી મનુષ્યની એક કાલ્પનિક જાતિ છે. સરેરાશ માનવ કરતાં તેમની ઊંચાઈ અડધી હોય છે. લેખક જે આર આર ટોલ્કિન્સને હોબિટ્સને મનુષ્યના નજીકના સંબંધીઓ તરીકે રજૂ કર્યા છે. ક્યારેક ટોલ્કિનના લખાણોમાં, તેમના માટે હાફલિંગ શબ્દ પ્રયોગ થયેલ છે. આ ટીંગુજી પ્રજા ઉઘાડપગુ રહે છે. તેઓ પરંપરાગત રીતે ઊંચી ટેકરીમાં આવેલ ભૂગર્ભ મકાનોમાં રહે છે. જે ટેકરીઓની, મકાનની બારીઓ જોવા મળે છે. જોકે અન્ય હોબિટ્સ લોકો સામાન્ય મકાનોમાં રહે છે. તેમના પગમાં કુદરતી રીતે કઠિન ચામડાના તળિયા હોય છે. જેથી તેમને પગરખાંની જરૂર પડતી નથી. પગના પંજા વાંકડિયા વાળથી ઢંકાયેલા છે. ટોલ્કિન્સની કલ્પના ને સાચી પાડતા હોય તેવા વામન એટલે કે ઠીંગુજીના અવતાર જેવા, મનુષ્યની એક નવી જ પ્રજાતિના અવશેષો આર્કિયોલોજિસ્ટને મળ્યા છે. હોબીટ એટલે કે હોમો ફ્લોરેસિએન્સિસ તરીકે ઓળખાતી મનુષ્ય પ્રજાતિ કોણ હતી? તેમના પૂર્વજો કોણ હતા? ઠુંગુજી જેવાં વામન અવતારધારી 'હોબિટ' પ્રજાતિનું કદ શા માટે નાનું હતું? આવા અનેક પ્રશ્નો વિજ્ઞાનીઓને સતાવી રહ્યા છે.
વૉલેસિયા રીજન : પ્રાણીસૃષ્ટિની અસમાનતા
ફ્લોરેન્સ ઉપર લગભગ 1 લાખ વર્ષથી મનુષ્ય પ્રજાતિ વસવાટ કરતી હોવાનું અનુમાન કરવામાં આવે છે
ઇન્ડોનેશિયામાં જાવા અને બાલી ટાપુની પૂર્વમાં અને ટીમો ટાપુની પશ્ચિમ દિશામાં, ફ્લોરેન્સ ટાપુ આવેલો છે. જે લેસર સુંડા ટાપુઓનો એક ભાગ છે. તેની દક્ષિણમાં હિંદ મહાસાગર અને ઉત્તરમાં ફ્લોરેન્સ સમુદ્ર આવેલો છે. આ એક કઠોર પથ્થર પ્રદેશ છે. જ્યાં જ્વાળામુખી દ્વારા રચાયેલ પર્વતોની હારમાળાઓ આવેલી છે. આ પર્વતોમાં સૌથી ઊંચું શિખર માઉન્ટ કેલીમુટું છે. જે તેના ત્રણ અલગ અલગ રંગના ક્રેટર લૅક માટે જાણીતું છે. અહીં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની એક અલગ દુનિયા વસેલી છે. કોમોડો ટાપુ ઉપર, કોમોડો ડ્રેગન તરીકે ઓળખાતી પ્રજાતિઓનું પ્રાકૃતિક નિવાસ્થાન છે. ફ્લોરેન્સ ઉપર લગભગ ૧ લાખ વર્ષથી મનુષ્ય પ્રજાતિ વસવાટ કરતી હોવાનું અનુમાન કરવામાં આવે છે. આ ટાપુઓ ઉપર વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓ ધરાવતી આદિજાતિની પ્રજાતિઓ પણ વસે છે, જેમાં મુખ્યત્વે મંગગરાઈ, નગાડા અને સિક્કા અગ્રણી વંશીય જૂથ છે.
ફ્લોરેસ ટાપુ સંસ્થાનવાદી સત્તાઓથી પ્રભાવિત રહ્યું છે. ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ વસાહતો સ્થાપી હતી. ત્યારબાદ હોલૅન્ડના ડચ લોકોએ આ ટાપુ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું. યુરોપિય પ્રજાના સંપર્કમાં આવતા આ ટાપુ ઉપર નોંધપાત્ર રીતે કેથોલિક વસ્તી જોવા મળે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી વાત કરીએ તો, ફ્લોરેસ્ટ ટાપુએ 'વૉલેસિયા રીજન' તરીકે ઓળખાતા બાયો જીઓગ્રાફિકલ ક્ષેત્રનો એક ભાગ છે. વાલેસિયા રીજન નામ આલ્ફ્રેડ રસેલ વોલેસના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેઓ બ્રિટીશ પ્રકૃતિશાસ્ત્રી હતા. જેમણે વોલેસ લાઇનની પ્રજાતિઓના વિતરણમાં વિશિષ્ટ તફાવતો ઓળખી બતાવ્યો હતો. આ એશિયન અને ઓસ્ટ્રેલિયન ખંડીય છાંજલી વચ્ચે વૉલેસિયા રીજન આવેલો છે. ઊંડા પાણીની સમુદ્રધુની દ્વારા તે અલગ પડે છે. આ વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની અસમાનતા ઉડીને આંખે વળગે તેવી છે.
ફ્લોરેન્સ ટાપુ : વિજ્ઞાનીઓ માટે સોનાની ખાણ
2003માં અહીંથી હોમો ફ્લોરેસિએન્સિસ નામની એક નવી જ હૉમિનીડ પ્રજાતિના અવશેષો વિજ્ઞાનીઓને પ્રાપ્ત થયા હતા
ફ્લોરેન્સ ટાપુ ઉપર લિયાંગ બુઆ નામની ચૂનાના પથ્થરની બનેલી ગુફા આવેલી છે. પૂર્વ દિશામાં પૂર્વ નુસા ટેન્ગારા અને ઉત્તરમાં મંગગરાઈ રિજન્સીનું રૂટેંગ શહેર આવેલું છે. લિઆંગ બુઆ ગુફા પ્રાગૈતિહાસિક ભૂતકાળ અને પ્રારંભિક માનવીઓના ઉત્ક્રાંતિની ઝલક આપે છે. ચૂનાના પથ્થરમાં બનેલી આ ગુફા લગભગ ૫૦ મીટર લાંબી ૪૦ મીટર પહોળી અને ૨૫ મીટર ઊંચી છે. ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ડચ મિશનરી આ ટાપુ ઉપર આવી હતી. આ સમયે 'આ ગુફા પુરાતત્વીય મહત્વ ધરાવે છે' તેવી દસ્તાવેજી નોંધ પુરાતત્વવિદ્ થિયોડોર એલ. વર્હોવેન દ્વારા લેવામાં આવી હતી. આ ટાપુઓ ઉપર નાના શરીરવાળા હાથીના સંબંધીઓ જેને સ્ટેગોડોન્સ કહેવામાં આવે છે, તેના અવશેષો અહીં મળી આવ્યા છે. અહીં વિશાળકાય ઉંદરો, જેનું વજન લગભગ ૧૫ પાઉન્ડ જેટલું હોય છે તે પણ જોવા મળે છે. અહીં જોવા મળતા પ્રાણીઓના શરીરના કદ, પૃથ્વીના અન્ય ભાગમાં વસવાટ કરનાર તેમની જ પ્રજાતિના સજીવો કરતા અસામાન્ય રીતે મોટા અથવા નાના જોવા મળેલ છે.
૨૦૦૩માં અહીંથી હોમો ફ્લોરેસિએન્સિસ નામની એક નવી જ હૉમિનીડ પ્રજાતિના અવશેષો વિજ્ઞાનીઓને પ્રાપ્ત થયા હતા. જેનો સમયકાળ એક લાખ વર્ષથી ૬૦ હજાર વર્ષ પહેલાનો માનવામાં આવે છે. આ ગુફામાં પાષાણકાળનાં પથ્થરના ઓજારો મળી આવ્યા છે. જે ૧.૯૦ લાખ વર્ષથી માંડીને ૫૦૦૦૦ વર્ષ પ્રાચીન છે. આ ગુફામાં સૌપ્રથમ વૈજ્ઞાનિક સંશોધન માટેનું પ્રારંભિક અભિયાન થિયોડર એલ. વર્હોવે ચલાવ્યું હતું. ત્યારબાદ ઇન્ડોનેશિયાના એક અગ્રણી પુરાતત્વવિદ, પ્રોફેસર રાડેન સોજોનોએ પણ ગુફામાં, છ અલગ અલગ સ્થાન ઉપર ૩ મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરી અવશેષો મેળવવાની કોશિશ કરી હતી. ૨૦૦૧માં વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરવાનું અભિયાન ઈન્ડો ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
હોમો ફ્લોરેસીએન્સીસ : એક રહસ્ય મનુષ્ય પ્રજાતિ
નેચર કોમ્યુનિકેશન જર્નલમાં ૬ ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલ હોમો ફ્લોરેસીએન્સીસના નવા શોધાયેલા અવશેષોનાં અભ્યાસનું નેતૃત્વ ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર યુસુકે કૈફુ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્યાસના સહ-લેખકોમાં ઈન્ડોનેશિયાના જીઓલોજિકલ સર્વેના સેન્ટરનાં ઈવાન કુનયાવાન અને યુનિવર્સિટી ઓફ વોલોંગોંગના એસોસિયેટ પ્રોફેસર ગેરીટ વેન ડેન બર્ગનો સમાવેશ થાય છે. પુરાતત્વવિદોએ શોધી કાઢેલા અત્યંત દુર્લભ પ્રારંભિક માનવ જાતિના અંદાજે ૧ લાખ વર્ષ પ્રાચીન છે. ઇન્ડોનેશિયાના ફ્લોરેન્સ ટાપુ ઉપરથી આ અવશેષો મળ્યા હોવાથી, તેનું વૈજ્ઞાનિક નામ હોમો ફ્લોરેસિએન્સિસ રાખવામાં આવેલ છે.
૨૦૦૩માં સૌપ્રથમ હાબીટ મનુષ્યોના પુરાવા, દિવંગત પુરાતત્વવિદ્ માઇક મોરવુડની સહ-આગેવાની એક ટીમને લિયાંગ બુઆ ગુફામાં મળી આવ્યા હતા. પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે માનવીઓની નજીકની ગણાય તેવી મનુષ્ય પ્રજાતિના, આ માનવીઓ માત્ર ૩.૪ ફૂટ ઉંચા હતા. તેઓ ખૂબ જ નાનું મગજ ધરાવતા હતા. તેઓ આ ટાપુ ઉપર આજથી ૫૦,૦૦૦ વર્ષ પહેલા જીવતા હતા. આ સમયે, તેમના નજીકના પિતરાઈ ભાઈ જેવા, હોમો સેપિઅન્સ લાંબા સમયથી ઓસ્ટ્રેલિયાનાં દક્ષિણમાં સ્થાપિત થયા હતા. વિજ્ઞાન જગતમાં આંચકો આપનારી હોમો ફલોરેસિએન્સિસની નોંધપાત્ર શોધ, થોમસ સુતિકનાના નેતૃત્વ હેઠળની ઇન્ડોનેશિયન ટીમનો સહયોગ રહ્યો હતો.
અત્યાર સુધી અહીંથી ૧૫ જેટલી વ્યક્તિના આંશિક હાડપિંજર મળી આવ્યા છે. કુલ મળીને અહીંથી ૧૦૦ કરતાં વધારે હાડકા અને હાડકાના ટુકડા પુરાતત્વવિદોને હાથ લાગ્યા છે. ગુફામાંથી હાથના અને પગના હાડકા, દાંત, સંપૂર્ણ ખોપરી, અને કેટલાક અન્ય નોંધપાત્ર હાડકા અને તેના ટુકડા પુરાતત્વવિદોને મળી આવ્યા છે. જેમાં એક વીસ વર્ષની મહિલાનો સંપૂર્ણ અસ્થિપિંજર પણ છે. વિજ્ઞાનીઓએ તેને 'ન્મ્-૧ એલબી વન' નામ આપેલ છે. જેના અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ, હોમો ફ્લોરેસિએન્સિસનું શારીરિક બંધારણ અને વિશેષતાઓ જાણી શક્યા છે.
હોમો ફ્લોરેસિએન્સિસના પૂર્વજો કોણ હતા? એ જાણવા માટે, છેલ્લા એક દાયકાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે, વિજ્ઞાનીઓ ત્રણ અલગ અલગ પ્રકારની થીયરી રજૂ કરી રહ્યા છે.
હોમો ફ્લોરેસિએન્સિસના પૂર્વજો કોણ હતા?
પ્રથમ થિયરી મુજબ હોમો ફ્લોરેસિએન્સિસનો ઉદ્ભવ એશિયામાં વસ્તી પ્રજાતિ હોમો ઇરેક્ટસમાંથી થયો છે. ઈન્ડોનેશિયાના ટાપુ ઉપર આવ્યા બાદ, આ પ્રજાતિ વામન મનુષ્યમાં ફેરવાઈ ગઈ હતી. બીજી થીયરી મુજબ હોમો ફ્લોરેસિએન્સિસ, હોમો હેબિલિસ પ્રજાતિમાંથી અલગ થયેલ પ્રજાતિ છે. ત્રીજી થીયરીમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે હોમો ફ્લોરેસિએન્સિસ, મનુષ્યની અલગ પ્રજાતિ નથી. પરંતુ પૃથ્વી ઉપર વસનાર હોમોસેપિયન પ્રજાતિનું જ એક સ્વરૂપ છે. કોઈ ખાસ પ્રકારની શારીરિક ખામી અથવા રોગના કારણે, તેમનો વિકાસ અટકી ગયો હોવો જોઈએ, જેથી તેઓ કદમાં ઠીંગુજી થઇ ગયા હોય તેવી શક્યતા છે. ઉપરની ત્રણેય થીયરીમાંથી કોઈ એક થીયરી, નવી શોધાયેલ હોબીટ પ્રજાતિની વિશેષતાઓને સંપૂર્ણ રીતે સમજાવી શકતી નથી. કારણ કે કોઈ એક સિદ્ધાંતને સંતુલિત સ્વરૂપમાં સ્વીકારવા માટે, વિજ્ઞાનીઓ પાસે જરૂરી ડેટા અને માહિતી ઉપલબ્ધ નથી. હાલના તબક્કે વિજ્ઞાન જગતે હોમો ફ્લોરેસિએન્સિસનો મનુષ્યની એક અલગ પ્રજાતિ તરીકે સ્વીકાર કર્યો છે. મનુષ્યના ઉત્ક્રાંતિના ઇતિહાસ અને વંશવૃક્ષમાં હોમો ફ્લોરેસિએન્સિસ ક્યાં ગોઠવવી એ વૈજ્ઞાનિક ચર્ચાનો મુદ્દો છે. વિજ્ઞાનીઓ પાસે હજી પૂરતા પુરાવા નથી. ઉપલબ્ધ પુરાવાઓ ઉપર પૂરતું સંશોધન પણ થયેલ નથી. જેના કારણે કેટલાક પ્રશ્ન આજની તારીખે ઉત્તરહિન રહે છે. જેમાંના કેટલાક સવાલ છે... ફ્લોરેન્સ ટાપુ ઉપર દસ લાખ વર્ષ પ્રાચીન પથ્થરના ઓજાર મળી આવ્યા છે! તે કઈ હોમીનીન પ્રજાતિ દ્વારા બનાવવામાં આવ્યા હતા? ફ્લોરેન્સ ટાપુ ઉપર આ પ્રારંભિક માનવીઓ કેવી રીતે પહોંચ્યા હતા? શું આ ટાપુ પર મનુષ્ય અને હોમો ફ્લોરેસિએન્સિસ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ખરા? હોમો ફ્લોરેસિએન્સિસનું ડીએનએ, મનુષ્યની અન્ય કઈ પ્રજાતિ સાથે વધારે મેળ ખાય છે? આજની તારીખ સુધી હોમો ફ્લોરેસિએન્સિસનું જીનેટીક મટીરીયલ એટલે કે ડી એન એ અલગ તારવવામાં, વિજ્ઞાનીઓને સફળતા મળી નથી. હોમો ફ્લોરેસિએન્સિસને ઉત્ક્રાંતિની ટાઈમ લાઇનમાં ગોઠવવામાં સમયકાળના બંધનો નડે છે. મનુષ્ય વંશમાં લાંબા સ્પષ્ટ અંતરાલના કારણે, મનુષ્યની વામન આવૃત્તિ જેવા હોબિટની વાર્તામાં એક કરતાં વધારે છૂટક છેડાઓ જોવા મળે છે.