સુંદર શબ્દને કોરી ખાતા ઉટપટાંગ ઉંદર!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ફિમેલ બ્યુટી એટલે જ નમણાશ, આકર્ષણ, વાન, ઘાટીલા આકારનું જોબનવંતુ બદન! પણ કેટલાક ટ્રાન્સટકટકિયાને પોતાની પાસે નથી એ ભૂંસી નાખવું છે!
- મસ્કે ચુટકી લીધી : ઈન્ટરનેટ અચંબાથી આઘાતગ્રસ્ત! એક આકર્ષક બાયોલોજીકલી પૂર્ણ સ્ત્રી જેવી દેખાતી - યોગ્ય જગ્યાઓએ ઉભાર અને વળાંકો ધરાવતી - સપ્રમાણ ઘાટીલું વજન ધરાવતી નારી મિસ યુનિવર્સ જીતી ગઈ!'
ટ્રમ્પવિજય બાદ ફૂલ ફોર્મમાં રહેલા યશભાગી અને રસભોગી ભેજાંબાજ અમીર એવા ઈલોન મસ્કે તાજેતરમાં મિસ યુનિવર્સ સ્પર્ધા બાદ એમાં જીતેલી ડેન્માર્કની વિક્ટોરિયા કેઆરનો ફોટો એના ખુદના પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો. એ જ ૭૩મી મિસ યુનિવર્સ સ્પર્ધાની વાત થાય છે, જેમાં અમદાવાદની વીગન એવી રિયા સિંઘાએ ભાગ લઈ 'સોને કી ચિડિયા'વાળો ભારતપ્રેમી ડ્રેસ પહેરેલો ! વિક્ટોરિયા બ્લ્યુ આંખો અને સોનેરી વાળ વાળી પરીકથાઓ જેવી ગોરી પરી છે. મસ્કે આ જ બાબતની ચુટકી લીધી કે 'બ્રેકિંગ ન્યુઝ : ઈન્ટરનેટ અચંબાથી આઘાતગ્રસ્ત ! એક આકર્ષક બાયોલોજીકલી પૂર્ણ સ્ત્રી જેવી દેખાતી (યોગ્ય જગ્યાઓએ ઉભાર અને વળાંકો ધરાવતી) સપ્રમાણ ઘાટીલું વજન ધરાવતી નારી મિસ યુનિવર્સ જીતી ગઈ !'
થોડા સમય પહેલા (અને એની પહેલાના ચાર-પાંચ) લેખમાં અમે ટ્રમ્પવિજય પછીના લેખમાં પણ લખેલું એમ ઈલોન મસ્કને લબાડ લેફટુડા લુચ્ચા લિબરલિયા ગણાતા સુપરસેક્યુલર ડાબેરીડોબાડબલાઓ સામે તો પર્સનલ ખીજ છે. કારણ કે, એનો દીકરો કેલિફોર્નિયાની મોંઘીદાટ સ્કૂલમાં ભણતા ભણતા એવું શીખવા લાગ્યો કે પુરૂષ હોવું કે સ્ત્રી હોવું એની પણ ચોઈસ એ માનવ અધિકાર છે ! ભગવાન તો ભૂલ કરે, પણ આપણે સાયન્સની મદદથી કુદરતને નફરત કરીને પણ સેક્સ ચેન્જ કરાવી પુરૂષમાંથી સ્ત્રી કે સ્ત્રીમાંથી પુરૂષ બની શકાય !
પેલા એઈડ્સ જેવા રોગોનો ફેલાવો પણ માનવજાતમાં જ્યાંથી પેધો પડયો, એવા હોમોસેક્સ્યુઅલ લોકો એલજીબીટીક્યુ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર)ના નામે બચ્ચાંઓનું મનમોહક મેઘધનુષ હાઈજેક કરીને ફ્રીડમના નામે અતરંગી વાવટા લહેરાવતા રેલારેલી કાઢે છે, એમનાથી આગળ આ નવું ગતકડું ઝીંકાયું છે : જેન્ડર ન્યુટ્રાલિટી. ફિમેલને ફિમેલ નહિ રહેવા દેવાની, મેલને મેલ નહિ રહેવા દેવાના. નોર્મલ નેચરલ બ્યુટીફૂલ હોવું તો જાણે ભયંકર પાપ છે. કોઈક સાંઠીકડા ખપાટિયા હેંગર પર લટકતા દોરડાં જેવી છોકરી (?) ને ફેશન આઇકોન તરીકે ઠસાવી દેવામાં આવે છે કે ખાલી સુપુષ્ટ ફિગર ધરાવતી સ્ત્રીઓને જ સુંદર માનવી એ તો અન્યાય છે ! પછી પ્લસ આઇઝથી પીપલ ઓફ કલરના નામે ગમે તે ભદ્દીકૂબડી કાયાને પણ બ્યુટીફૂલ ગણી લેવાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો. પ્લેડન્ટલી પ્લમ્પ તો આમે ય ભારતીય સામુદ્રિક શાસ્ત્રની ગજગામિની નારી છે. ભીને વાન સાંવરીસલોની પણ આકર્ષક જ લાગે. પણ સળેકડી વાંસ પર ખોડેલા તંબૂ જેવી ફેશન કરતી યુવતીઓના સામા છેડે સાવ અનાકર્ષક સ્ત્રીને ધરાર સુપરસુંદરી ઠસાવવામાં આવે ત્યારે એવા ચાંપલાઓના મગજમાં વાળને બદલે 'ઉંદરી' થઈ ગઈ હોય એવું લાગે !
એવું નથી કે આ પબ્લિક ચોઈસ છે. પબ્લિકને આજે પણ હરીભરી કાયાની જ માયા છે. ઇન્સ્ટાગ્રામની ઈન્ડિયા ક્વીન સોફિયાથી શરૂ કરી આઈટેમ સોંગમાં પણ હીરોઈન કરતા વધુ ધમાલ મચાવી ગયેલી તમન્ના ભાટિયા જોઈ લો. સુપરહોટ તરીકે પોપ્યુલર સાઉથી રશ્મિકા મંદાણા કે અમલા પોલ જોઈ લો. પાતળી પરમાર પણ દિશા પટ્ટણી કે મલાઈકા જેવી હોય તો જોવી ગમે. બાકી જલવા તો નોરા ફત્તેહી કે જાહ્નવી કપૂરના ડાન્સના હોય, જે સર્જરી કરાવીને પણ વર્તુળાકાર વમળો ધરાવતી દેહ જ મેળવે. કારણ કે પ્રાકૃતિક રીતે એ જ તંદુરસ્ત છે. સરગવાની શિંગ શાક માટે સારી હોય, સાયન્ટિફિકલી એ તન-દુરસ્ત ના કહેવાય. કેટલી વખત યાદ દેવડાવવું કે માફકસરના ભરાવદાર ઉરેજો કે નિતંબો એ મેટિંગ એન્ડ કેરીઇંગ એ ચાઈલ્ડ માટે ક્વોલિફાઈડ બોડીનું કુદરતી ઘડતર છે. એટલે પ્રાચીન ભારતના મંદિરોના શિલ્પો / ચિત્રો કે સંસ્કૃતની વર્ણનોમાં સૌંદર્ય કદી સાગના સોટા જેવું કે મેથીના ગોટા જેવું નહિ હોય.
બરાબર સમજી લેજો, વાત અહીં ફક્ત ને ફક્ત બ્યુટીને લગતી છે. એનો અર્થ એ નથી કે શારીરિક ખોડ હોય, કે પછી દેખાવ કે ત્વચાનો રંગ કે ઉંચાઈ કે વાળ કે કોઈ પણ કારણસર કોઈ સ્ત્રી એટલી સુંદર ના દેખાય તો એનો અનાદર કરવો. ઈટ્સ રોંગ, બ્યુટી અનેક પ્રકારની હોય. બ્લેક બ્યુટી પણ હોય જ. યાદ કરો માઇકલ જેક્સન સંગ થિરકતી નિયોની કેમ્પબેલ કે આ વર્ષની જ મિસ યુનિવર્સમાં રનર અપ બનેલી નાઇજીરિયન નારી જ જોઈ લો. પણ બ્યુટીફૂલ હોવા માટે સ્ત્રીત્વ કે પુરૂષત્વ જેવું તો કશુંક હોવું જોઈએ કે નહિ ? રાણીનો અવાજ, કાજોલ કે તાજેતરમાં પિતા ગુમાવનાર રિયા સેનનો રંગ, વિદ્યા બાલનનો ઘેરાવો સ્ટાન્ડર્ડ ડેફિનેશન મુજબ બ્યુટીફૂલ ના કહેવાય તો પણ આખા ભારત નેશને એમને ટોચના ફિલ્મ સ્ટાર ગણ્યા છે. ઉદાહરણો તો નીતુ સિંહથી શ્રીદેવી જેવા અઢળક છે. પણ સ્ત્રી જેવું ફિગર, કોઈ સેક્સ અપીલનો સ્પાર્ક હોય કે નહિ ?
પરાણે પરાણે એ વિનાના ખડખડપાંચમ ખોખાને સુંદર 'વોક' કહેવાતા આધુનિક વામપંથી વિષાણુઓ ભલે ઠેરવે, લોકો જેકલીન કે કેટરીનાને, સાક્ષી તેવર કે શ્વેતા તિવારીને જ સુંદર માનશે, પેલી બોરડીના ઝાંખરા જેવી ફોરેનર ઝેન્ડયા કરતા સિડની સ્વિની જ વધુ ધ્યાન ખેંચશે. લુપિતા નિયોગી મહાન અભિનેત્રી છે, પણ દીવાલ પર પોસ્ટર તો ફિફ્ટી પ્લસ સલમા હાયેકના જ હશે.
પ્રિસાઈઝલી, ધેટ્સ ધ પોઈન્ટ. સંસ્કારને, સ્વભાવને, આવડતને, અક્કલને સુંદર દેખાવ સાથે કોઈ લેવાદેવા નથી. જેમનામાં આ બધું સરસ છે, એ બાહ્ય સૌંદર્ય બરાબર નહિ હોય, તો પણ દિલ જીતી લેશે. લાંબા સમય સુધી છાપ છોડી જશે. પોતપોતાના ક્ષેત્રમાં સફળતા મેળવશે. ટેલન્ટ ઇઝ બ્યુટીફૂલ. સક્સેસ ઈઝ બ્યુટીફુલ, ઇન્ટેગ્રિટી ઈઝ બ્યુટીફુલ. હ્યુમર ઈઝ બ્યુટીફુલ. હ્યુમાનિટી ઈઝ બ્યુટીફૂલ. સેન્સેટિવિટી, કેર, કમ્પેશન, વોર્મ્થ, ઇન્ટેલીજન્સ ઇઝ બ્યુટીફૂલ. ડોન્ટ બી અ ફૂલ!
પણ એને લીધે જે સાચે જ સુંદરતાનો દેહ ધરાવે છે, એની સાથે થોડો અન્યાય કરવાનો હોય ? બ્યુટી વિથ બ્રેઇન જેવું પણ કશુંક હોય છે. મેરેલીન મનરો કંઈ ફિલ્મોમાં બતાવે એવી ડમ્બ રિયલ લાઈફમાં નહોતી. સ્માર્ટ એન્ડ ઇન્ટેલીજન્ટ પણ હતી. આ જ કટારમાં જેના પર લેખ લખાયેલો એ હેડી જેવી જર્મન હીરોઈન તો સાયન્ટિસ્ટ હતી. એટલે પોઈન્ટ વન, બ્યુટીફુલ લૂક્સ હોય તો સ્ત્રી હોશિયાર ના જ હોય એવું કશું નથી. પોઈન્ટ ટુ, સુંદર દેખાવ હોય તો સ્વભાવ સુંદર ના જ હોય એવું પણ કશું સમીકરણ સિદ્ધ થયું નથી, થવાનું નથી. પોઈન્ટ થ્રી, કોઈ સુંદર ના દેખાતા હોય તો જિંદગી હારી ગયા કે પ્રભાવ નહિ પડે, એવું પણ કશું નથી.
તો પછી મામલો છે શું ? વોકડા વાયડાઓએ એ ઉપાડો લીધો છે કે ધરાર અસુંદરને સુંદર કહો, એ જ પ્રોબ્લેમ છે. એમાં લિમિટ ક્રોસ થઈ રહી છે. એમના જ પૂર્વજોએ બ્યુટી પેજન્ટમાં સાવ ફાલતું જેવા સવાલજવાબનો રાઉન્ડ ઉમેરાવ્યો. આપણી મિસ યુનિવર્સ હરનાઝ કૌર જેવી કાયા ઉપરના રાઉન્ડ જ જોવાની સ્પર્ધા છે, તો ખોટડો આ દંભ શું કરવાનો ? પછી સાવ ચિબાવલા ગોખાવેલા વકીલના સ્ટેટમેન્ટ કે પીઆર એજન્સીની પ્રેસનોટ જેવા જવાબો આવતા થયા.
ધીરે ધીરે આ ઘનચક્કરવેડા તો ચેડાનું સ્વરૂપ ધારણ કરતા ગયા ! કોવિડ વખતે જે ટીવી પર ભારતમાં બતાવવામાં આવેલું એવું 'કેમિલ્ટન' નાટક ન્યુયોર્કમાં બ્રોડવે પરના સૌથી સફળ મ્યુઝિકલ પૈકીનું એક છે. જે અમેરિકાના ફાઉન્ડિંગ ફાધર્સ ગણાતા ઘડવૈયા નેતાઓમાંના એક કેમિલ્ટન બાબતે છે. સરદાર પરની ફિલ્મમાં ગાંધી, નહેરૂ, સુભાષ પણ આવે એમ એમાં વોશિંગ્ટન, જેફરસન જેવા નેતાઓના પાત્રો પણ આવે છે. પણ સ્ટેજ પર એ બધા ગોરા નહિ પણ બ્લેક એક્ટર્સ ભજવે છે ! આ તે કેવું ? કામ ઉડીને હિસ્ટોરિકલ સીરિયલમાં દાંડીકૂચ કરતા બાપુ ઝુલ્ફાં લહેરાવતી જીન્સ પહેરેલી યુવતી થઈ જાય તો કેવું લાગે. પણ રંગભેદ સામે એક ઈનોવેટિવ કાઉન્ટર બેલેન્સ હતું તો ક્રિએટીવ પ્રેઝન્ટેશન તરીકે વખણાયું. ફાઈન.
પણ 'હેરી પોટર એન્ડ ધ કર્સ્ડ ચાઈલ્ડ' જેવો હેરી પોટરના સાત ભાગ પછી એનો પુત્ર હોગ્વર્ટસ જાય ને ફરી વોલ્ડેમોર્ટ સજીવન થાય એવા આઠમા ભાગનું નાટક બે ભાગમાં રજૂ થયું ત્યારે ચાહકોને આંચકો લાગ્યો ! એમાં હરમાયોની ગ્રેન્જર ઓપરાહ વિનફ્રે જેવી દેખાતી આધેડ બ્લેક સ્ત્રી હતી ! મૂળ લેખિકાએ સાત-સાત ભાગમાં જે પાત્ર વ્હાઇટ ગર્લનું લખ્યું, એ ઓવરનાઇટ બ્લેક થાય એ કેમ ગળે ઉતરી જાય ? એ પણ એમાં વોટસનને ફિલ્મોમાં જોયા પછી ? હેરી પોટર તોતિંગ બ્રાન્ડ છે, તો નાટક બંધ ના થયું પણ બે ભાગ ટૂંકાવીને એક કરવો પડયો ને જેની ચર્ચા થાય એવું યાદગાર તો ન જ બન્યું. વળી એલજીબીટીક્યુના સમર્થનની ભૂખ હોય એમ વાત્સલ પ્રિન્સિપાલ ડમ્બલડોરને 'ગે' બતાવતી સીરિઝ પણ શરૂ થઈ. પોટરફેન્સ કંટાળી ગયા ને ફેન્ટાસ્ટિક બીસ્ટસની પાંચ ભાગ માટે પ્લાન થયેલી ફિલ્મોનો ત્રણ ભાગમાં સંકેલો થઈ ગયો. આટલું કર્યા પછી પણ પોટરસર્જક જે.કે. રોલિંગે બે સાચી વાત હોમોસેક્સ્યુઅલ લોકો માટે કહી દીધી, તો ધરાર એબ્નોર્મલને ન્યુ નોર્મલ ઠેરવવા વિશેષાધિકારી ઠેકડાઠેકડી કરતા ઠીકરાઠોબારાઓએ એને ટ્રોલ કરી. ના ખુદા ભી મિલા, ના વિસાલે સનમ જેવો ઘાટ થયો. રાધર, ઘાટ બગડયો !
હમણા વોકડાબોકડાવે સ્કૂલ પછી સ્ટુડન્ટ સ્ત્રી કે પુરૂષ હોવું પસંદ કરે, એમ ઝુંબેશ ચલાવી છે કે 'લેડીઝ એન્ડ જેન્ટલમેન' જેવા સંબોધનો ના કરવા. આમે નાન્યતર પ્રાણીઓ પણ બેઠાં હોઈ શકે એમના સન્માનમાં ! (ભાષાશાસ્ત્ર મુજબ પ્રાણી હંમેશા નાન્યતર જ હોય. પશુ ઉભું થયું, પંખી બેઠું, જંતુ નીકળ્યું વગેરે. હી ઓર શી નહિ, ઈટ. એટલે શુદ્ધ શાસ્ત્રીય ખિંચાઈ જ કરી છે !) અમુક હોંશીલી એરલાઇન્સે ટ્રાન્સજેન્ડર્સ માટે તાબોટા પાડવા મિસ્ટર, મિસ, મિસીસ વગેરે બંધ કરી એમએક્સનું જેન્ડર ન્યુટ્રલ સંબોધન નક્કી કર્યું છે !
ખરેખરા બુદ્ધિમાનો તો આવા કલ્ચરવલ્ચર સામે ફની રીલ્સ બનાવી રહ્યા છે. માતાપિતા બાળકને નામને બદલે નંબરથી બોલાવશે, કારણ કે નામમાં તો સ્ત્રી કે પુરૂષનો જેન્ડર બાયસ હોય ! કાલ ઉઠીને આ બધા બચ્ચીઓના ફ્રોકની હોળી કરશે ને પુરૂષોની મૂછને બેન કરશે. એસ્ટ્રોઈડ ભટકાય એ પહેલા પૃથ્વી પર પ્રલય આવી જાય આમ તો!
એટલે જ દાખલો દેવા જેવો છે પેલો ઈમાન ખાલીદનો. પેલો અલ્જીરિયન બોક્સર બોગસિયો યાદ આવે છે ? જેને જન્મના પ્રમાણપત્રમાં સ્ત્રી લખેલું હોઈને ઓલિમ્પિક
કમિટીએ મહિલાની કેટેગરીમાં રમવા દીધો. જ્યારે મર્દાનગી નક્કી કરતા ટેસ્ટોસ્ટીરોન હોર્મોનનું લેવલ વધુ માપીને આંતરરાષ્ટ્રીય બોકસિંગ ફેડરેશને એને પાણીચું પકડાવેલું તો યે ! બિચારી જેન્યુઈન ફિમેલ પ્લેયરને એણે તો ધોઈ કાઢીને ખિખિયાટા કરતો મેડલ પણ લઈ ગયો, ને પછી વાળ સંવારી, મેકઅપ કરી લટ્ટુડાપટ્ટુડા કાઢતા ફોટા મૂકવા લાગ્યો તો જેને અંગ્રેજીમાં ગલીબલ કહેવાય એવા ડફોળિયાઓ કોઈ સાયન્સ કે કોમનસેન્સની સમજ વિના મોડર્ન દેખાવાના વહેમમાં 'એ બિચારીના મન પર કેવું ગુજરતું હશે' ને ! પીલુડાં પાડતા એની વકીલાતે ચડી ગયા ! પેલો નકલી મહિલા જેવો ટ્રાન્સજેન્ડર પણ નહિ, ભાયડો એવો ખાલીદ લીક થયેલા મેડિકલ રિપોર્ટમાં પાછળથી બાકાયદા પુરૂષ સાબિત થયેલો એવું એક ફ્રેન્ચ અખબારે લખેલું. એ વખતે પણ બાધા બાંગામારૂઓની આંખ ખોલવાની કોશિશ શાણા સમજદારોએ કરેલી ! ઈમાન ખાલીદ ભલે સ્ત્રી તરીકે નોંધાયો હોય, પણ સ્ત્રી માત્ર જનનાંગોથી નહિ, પાયાના જીવવિજ્ઞાાનમાં આવે એમ એક્સવાય ક્રોમોસોનથી પુરૂષ નક્કી થાય અને એક્સએક્સ ક્રોમોસોમથી સ્ત્રી. કુલ ૨૩ ક્રોમોસોમ યાને રંગસૂત્રોની જોડમાં છેલ્લી જ આ જેન્ડર યાને જાતિ નિર્ધારણ કરે.
એમાં માર્ટીના નવરાતિલોવા જો મેમરીમાં હોય ટેનિસ રમતી, એવી ખેલાડીઓ અંદરથી ભાયડાછાપ હોવા છતાં સ્ત્રીઓની કેટેગરીમાં ઘૂસીને લિટરલી જોર અજમાવે. (ધન્ય છે ક્રિસ ન સમજાયું ? તો જેન ઝી વાળા છો ! એવર્ટને ! એ ય ના સમજાયું ? તો જનરેશન એક્સ હશો ! ખીખીખી) ઈમાન ખાલીદ જેવા કેસ મેડિકલી ફાઈવ આલ્ફા રિડકટેઝ ડેફિશ્યન્સીના હોય.
અર્થાત એના બહાર ભલે સ્ત્રી તરીકે દેખાડતી વજાઇના હોય પણ શરીર અંદર ટેસ્ટીકલ્સ અને નાનકડી માઇક્રોપીનસ પણ હોય, રંગસૂત્રો પણ એક્સવાય યાને પુરૂષના હોય. બાયોલોજીકલી જીનેટિકલી એ મેલ જ હોય. જેમ પતરીના ભજીયા તળવામાં ક્યાંક અડધું કાચુપાકું ઉતરે એમ કુદરતના અમુક 'ઘાણવા' પણ ઘાલમેલવાળા નીકળે. એમાં વ્યક્તિનો વાંક ન કાઢીએ, પણ એને કંઈ ફિમેલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ ના ધરી દેવાનો હોય, એ સાદી સમજની વાત છે.
પણ પેલી દાઢીમૂછવાળી ટોપર છોકરીનો ફોટો જોઈને પણ આ વાયડાવોકડાવ કહેતા હતા કે અરરર, શરમ કરો એનો સ્વીકાર કરો. આખા ચહેરા કે શરીર પર વાળ હોય એ વાત જુદી (લાયન વુમન ફિલ્મ જોજો) પણ ફેસ પર દાઢી-મૂછનો નિકાલ તો આસાનીથી કોસ્મેટિકલી થઈ જાય, ને થોડી સારવારથી હોર્મોનલ બેલેન્સ પણ આવી જાય. પણ ના, આ તો ફરજીયાત જે સ્ત્રી જેવી નથી જ દેખાતી એને સત્ય પણ કહેવાનું નહિ. કહો તો તમે જાણે મોટા ગુનેગાર ! શૃંગાર નામનો આખો રસ જ નીચોવીને છોતરાં ચાવતા રાક્ષસો રખડવા લાગ્યા છે આસપાસ !
ફાસ્ટ ફોરવર્ડ
'હેલ્થના નામે હાડપિંજર ના થવાનું હોય !' (રીડરબિરાદર આત્મન દેસાઈ)