Get The App

ઓપરેશન ફ્રેન્‍ક્ટનઃ કીડીએ જ્યારે કોશને ડામ દીધો

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
ઓપરેશન ફ્રેન્‍ક્ટનઃ કીડીએ જ્યારે કોશને ડામ દીધો 1 - image


- એકનજરઆતરફ - હર્ષલપુષ્કર્ણા

- બીજા ‌વિશ્વયુદ્ધની ‌મિશન ઇમ્‍પો‌સિબલ સાહસપોથીનું એક અજાણ્યું પ્રકરણ : બ્રિ‌ટિશ કમાન્‍ડોએ સોય વડે જર્મન સરમુખત્‍યાર ‌હિટલરનું નાક વાઢી નાખ્યાની સત્‍યકથા. (લેખાંક-1)

- લોખંડી કોશ વડે કીડીને ડામ દેવામાં મેજર હર્બર્ટ હેસ્લર માનતા નહોતા. ઊલટું, કોશને કીડીનો ડામ શી રીતે દઈ શકાય એમાં તેમને રસ પડતો—અને તદનુસાર તેઓ અવનવા પેંતરા યોજતા હતા.

ઈસ્‍વી સન પૂર્વે છઠ્ઠી સદીના ચીની લશ્‍કરી સેનાપ‌તિ સૂન ત્‍ઝૂનું એક વાક્ય છે : યુદ્ધની સર્વોચ્‍ચ કળા એ છે, જેમાં લડ્યા ‌વિના શત્રુને માત દેવામાં આવે !

વાંચવામાં વાક્ય કેટલું પ્રભાવી લાગે, પણ યુદ્ધમોરચે તેને અમલમાં મૂકવું પ્રે‌ક્ટિકલ હોતું નથી. આથી જ તો અવનવાં શસ્‍ત્રોનો આ‌વિષ્‍કાર થયો ત્‍યારથી આજ ‌દિન સુધી યુદ્ધની બાજીનાં પલડાં આયુધોનાં ત્રાજવે જોખાતાં આવ્‍યાં છે. જેમ કે, ૧૯૭૧ના ભારત-પાક સંગ્રામનો તખ્‍તો આપણી તરફેણમાં પલટી નાખવામાં ‌વિમાનવાહક જહાજ ‌‘વિક્રાંતે’ અને તેના તૂતક પરથી ઉડાન ભરી પૂર્વ પા‌કિસ્‍તાન પર તરખાટ મચાવનાર ‌‘સી-હોક’ તથા ‘એ‌લિઝે’ વિમાનોએ મુખ્‍ય રોલ ભજવ્યો હતો. બીજો દાખલોઃ રૂ‌પિયા ૬૪ કરોડની કટકી કૌભાંડને લઈ સંસદનાં બન્‍ને ગૃહોમાં વર્ષો સુધી ગરજેલી બોફર્સ તોપો ૧૯૯૯ના કાર‌ગિલ યુદ્ધમાં શત્રુ સામે એવી તો વરસી હતી કે પા‌કિસ્‍તાનને હાર અને ભારતને હારતોરાં મળ્યાં. 

બળ (વાંચો, શસ્‍ત્ર) વડે રણભૂ‌મિ પર ઇ‌તિહાસ સાથે ભૂગોળ પણ બદલાઈ હોય તેવાં ઉદાહરણોનો તોટો નથી. બીજી તરફ, એકેય ગોળી દાગ્‍યા ‌વિના બુ‌દ્ધિ વત્તા સરફરોશીના સ્‍ફોટક સંયોજન વડે શત્રુના મોંએ ફીણ લાવી દીધાં હોય તેવાં સાહસોનું ‌લિસ્‍ટ ખાસ લાંબું નથી. યુદ્ધની સર્વોચ્‍ચ કળાના એ ટૂંકા ‌લિસ્‍ટમાં જેનો અચૂકપણે સમાવેશ કરવો પડે તે આયોજનપૂર્વક ખેલાયેલા આંધળું‌કિયા સાહસનું નામ છે : ઓપરેશન ફ્રેન્‍ક્ટન!

આયોજન અને આંધળુ‌ંકિયા આમ તો ‌વિરોધાભાસી શબ્‍દો છે, પણ ઓપરેશન ફ્રેન્‍ક્ટનના કેસમાં તેમને એકસાથે વાપર્યા તેનું કારણ છે. બીજા ‌વિશ્વયુદ્ધમાં હાથ ધરાયેલા એ કમાન્‍ડો સાહસને અંજામ આપવામાં ‌બ્રિ‌ટિશ કમાન્‍ડોએ ઝીણામાં ઝીણું આયોજન કર્યું હતું. ભૂલ માટે કોઈ ગુંજાશ નહોતી, કેમ કે નાનીશી ચૂક ‌મિશનનો તો ઠીક, કમાન્‍ડો સૈ‌નિકોનો પણ અંત લાવી દે તેમ હતી. ધારો કે, ચૂક ન થાય અને અસંભવ ‌મિશન સફળ રહે, તોય કમાન્‍ડોના જીવતા પાછા ફરવાનો ચાન્‍સ સોએ એક ટકા જેટલો પણ નહોતો. છતાં ‌બ્રિટનના ૧૨ સરફરોશ કમાન્‍ડો સૈ‌નિકો માથે કફન બાંધીને નીકળી પડ્યા. ‌જિંદગીની બાજીનો આંધળું‌કિયો જુગારી દાવ તેમણે ખેલી નાખ્યો. બ્‍લાઇન્‍ડ બાજીનાં પત્તાં ‌બિછાવનાર ઘટનાક્રમ આમ હતો—

■■■

સપ્‍ટેમ્‍બર ૧, ૧૯૩૯ના રોજ જર્મન સરમુખત્‍યાર એડોલ્‍ફ ‌હિટલરે પડોશી દેશ પોલેન્‍ડને ખાલસા કરવા માટે ઝંઝાવાતી હુમલો કર્યો. જર્મની માત્ર ૩પ ‌દિવસમાં આખા પોલેન્‍ડને ગળી ગયું, છતાં ‌હિટલરને તૃ‌પ્‍તિનો ઓડકાર ન આવ્યો. એ‌પ્રિલ, ૧૯૪૦માં ડેન્‍માર્ક અને નોર્વે પર નાઝી લશ્‍કરની તવાઈ ઊતરી. એક મ‌હિના પછી ધ નેધરલેન્‍ડ્સ તથા લક્ઝેમ્‍બર્ગ નાઝી વાવટા નીચે આવ્યા અને પછી ફ્રાન્‍સ પર નાઝી ઘોડાપૂર ફરી વળ્યું. ત્રણેક માસ જેટલા અલપઝલપ સમયમાં તો આખું ફ્રાન્‍સ ‌હિટલરના ગમબૂટની એડી હેઠળ આવી ગયું. 

વર્ષ ૧૯૪૨ સુધીમાં યુરોપના ઘણા ખરા દેશો જીતી ચૂકેલા જર્મનીની બાહુબલી તાકાત ‌બ્રિટન માટે ‌ચિંતાનો ‌વિષય બની. કારણ કે ‌હિટલરની નજર હવે ‌બ્રિટન પર હતી. સદનસીબે નાઝી પંજામાંથી ‌બ્રિટન એટલા માટે બચી ગયું કે યુરોપની મુખ્‍ય ભૂ‌મિ અને તેની વચ્‍ચે ઇં‌ગ્‍લિશ ખાડીનો દ‌રિયો કુદરતી આડશ બનીને ઘૂઘવતો હતો. ‌બ્રિટન સુધી પહોંચવા માટે ‌હિટલર પાસે જળ અને હવાઈ એમ બે માર્ગો હતા—અને તે બન્‍ને મોરચે જર્મન ઘાત સામે ‌બ્રિ‌ટિશ સેના સણસણતો પ્ર‌તિઘાત આપી રહી હતી. આમ છતાં યુદ્ધનું કોઈ ઠોસ પ‌રિણામ આવતું દેખાઈ રહ્યું ન હોવાથી ‌બ્રિ‌ટિશ વડા પ્રધાન ‌વિન્‍સ્‍ટન ચ‌ર્ચિલ ‌‌‌ચિં‌તિત હતા. શત્રુનું જોર હણી લેવા માટે બનતા પ્રયાસો કરી છૂટવાનું તેમણે ‌બ્રિ‌ટિશ લશ્‍કરની ત્રણેય પાંખોના સેનાપ‌તિઓને ફરમાન આપ્યું.

આ આદેશના પગલે બીજા ‌બ્રિ‌ટિશ કમાન્‍ડો સૈ‌નિકોને વિ‌વિધ મોરચે ઘણાં મિશનો સોંપાયાં. શત્રુની છાવણીમાં ગુપચુપ ઘૂસી જવું, બળતણના તથા શસ્‍ત્રોના ભંડારો ફૂંકી મારવા, વ્‍યૂહાત્‍મક રીતે અગત્‍યના પુલો ઉડાવી દેવા વગેરે કાર્યો તેમના ‌મિશનમાં સમા‌વિષ્‍ટ હતાં. આવાં સેંકડો પૈકી એક કમાન્‍ડો સાહસનું નામ ઓપરેશન ફ્રેન્‍ક્ટન હતું, જે નાઝી હસ્‍તક ફ્રાન્‍સના Bordeaux (ફ્રેન્‍ચ ઉચ્‍ચાર : બોદો) નગરના કાંઠે ‌ડિસેમ્‍બર, ૧૯૪૨માં ખેલાયું.

■■■

વ્‍યૂહાત્‍મક રીતે બોદો નગર જર્મની માટે અત્‍યંત મહત્ત્વનું કેંદ્ર હતું, કેમ કે વ્‍યાપારી જહાજો મારફત આવતો ઔદ્યો‌ગિક સામાન ત્‍યાં ઠલવાતો અને ત્‍યાર પછી જમીનમાર્ગે જર્મની પહોંચતો કરાતો. આ સામાન વડે જર્મન કારખાનાંમાં ટેન્‍કો, ‌વિમાનો, તોપો, મશીન ગન, કારતૂસ વગેરે તૈયાર થતું. ઇન્‍ડોને‌શિયા અને મલયે‌શિયા જેવા અ‌ગ્‍નિ એ‌શિયાઈ દેશોમાંથી દ‌રિયાઈ માર્ગે આવતું રબર તો જર્મની માટે અ‌તિ આવશ્યક હતું. કારણ કે તે પુરવઠા ‌વિના લશ્‍કરી ખટારા, બખ્‍ત‌રિયા વાહનો તથા ગાડીઓનાં ટાયર બની શકે તેમ જ નહોતાં.

આમ, ‌જર્મન કરોડરજ્જુનો મણકો ભાંગવા માટે Bordeaux/ બોદોને સોફ્ટ ટાર્ગેટ બનાવી શકાય તેમ હતું. આ બંદરને કોઈક રીતે તબાહ કરી શકાય તો જર્મનીમાં ધમધમતાં શસ્‍ત્ર ઉત્‍પાદક કારખાનાંનાં ચક્રો ધીમાં પડે અથવા અટકી જાય તે સો ટકા સ્‍પષ્‍ટ વાત હતી. પરંતુ સામે લાખ ટકાનો સવાલ એ હતો કે વાઘની બોડ જેવા બોદો બંદરગાહમાં પ્રવેશવું શી રીતે? સશસ્‍ત્ર જર્મન ચો‌કિયાતોનો ત્‍યાં 24x7 પહેરો હતો. બારાની બન્‍ને તરફ હેવી મશીન ગન્‍સ તથા ‌વિમાન ‌વિરોધી તોપો ગોઠવવામાં આવી હતી. પાવરફુલ ફ્લડલાઇટ્સ ચોપાસનો ‌વિસ્‍તાર ફંફોસ્‍યા કરતી હતી.

‌લડાકુ ‌વિમાનો મારફત હવાઈ હુમલો કરવામાં સાર નહોતો, કેમ કે છેક ‌બ્રિટનથી ઉડાન ભરીને આવનાર પ્‍લેન મોટે ભાગે તો બોદો સુધી પહોંચી જ ન શકે. જર્મન વાયુ સેનાનાં ‌શિકારી કૂતરા જેવાં ‌વિમાનો અધરસ્‍તે જ ‌બ્રિ‌ટિશ પ્‍લેનને આંતરી લે તેમ હતાં.

બોદો પર સમુદ્રના રસ્‍તે પણ અટેક સફળ થાય તેમ નહોતો, કારણ કે બંદરગાહની આસપાસના દ‌રિયામાં જર્મન સબમરીનો ‌લોહીતરસી શાર્કની માફક આંટા મારતી હતી. ભૂ‌મિરસ્‍તે તો બોદો પહોંચવું જ અસંભવ, કેમ કે આખું ફ્રાન્‍સ નાઝી સેનાના કબજામાં હતું. આ સંજોગોમાં બોદોને ધમરોળવા માટે એક જ ‌વિકલ્‍પ હતો : છૂપો છાપામાર કમાન્‍ડો હુમલો—અને તેને અંજામ દેવા માટે ‌બ્રિ‌ટિશ સેના પાસે પણ એક જ ભરોસાપાત્ર ‌વિકલ્‍પ હતો : મેજર હર્બર્ટ હેસ્‍લર!

■■■

સોનેરી કેશ તથા મૂછને કારણે ‌‌ ‌બ્રિ‌ટિશ નૌકાદળમાં ‘બ્‍લોન્‍ડી’ના હુલામણા નામે ઓળખાતા મેજર હેસ્‍લર પેલા ચીની સેનાપ‌તિ સૂન ત્‍ઝૂની ‌ફિલસૂફીને કદાચ ગળથૂથીમાં લઈને જન્‍મ્‍યા હતા. શત્રુને બળ (શસ્‍ત્રો) વડે પરાસ્‍ત કરવા કરતાં બુ‌દ્ધિ વડે ‌પાડી દેવાના ચાલાકીભર્યા પેંતરા યોજવામાં તેમનો જવાબ નહોતો. લોખંડી કોશ વડે કીડીને ડામ દેવામાં તેઓ માનતા નહોતા. ઊલટું, કોશને કીડીનો ડામ શી રીતે દઈ શકાય એમાં તેમને રસ પડતો. અગાઉ નોર્વેના સ્‍કાપાફ્લો મોરચે ‌હિટલરની નાઝી સેના ‌વિરુદ્ધ કમાન્‍ડો ‌મિશનના સંચાલનમાં તેઓ ઝળકી ઊઠ્યા હતા. આથી બોદો બંદરગાહમાં ભાંગફોડ મચાવવાના ‌મિશન માટે ‌બ્રિ‌ટિશ નૌકાદળે તેમને યાદ કર્યા. મેન્‍શન્‍ડ ઇન ‌ડિસ્‍પે‌ચિસ, ઓર્ડર ઓફ ધ   બ્રિ‌ટિશ એમ્‍પાયર અને વોર ક્રોસ જેવા ‌ખિતાબ-પદક મેળવી ચૂકેલા મેજર હેસ્‍લરની છાતી ટૂંક સમયમાં વધુ એક મેડલથી શોભવાની હતી.

જાન્‍યુઆરી, ૧૯૪૨માં લંડનના વ્‍હાઇટહોલ નામના ઐ‌તિહા‌સિક મકાન ખાતે મેજર હર્બર્ટ હેસ્‍લરને હાજર થવાનું ફરમાન મળ્યું. નૌકાદળના વ‌રિષ્‍ઠ અ‌ધિકારીઓ દ્વારા તેમને બોદો બંદર ‌વિશે જાણકારી આપવામાં આવી. બારામાં શક્ય એટલી તબાહી મચાવવાની હતી, પણ એ કાર્ય શી રીતે પાર પાડવું તેના અંગે સૌ અ‌ધિકારીઓ હજી અંધારામાં હતા. મેજર હેસ્‍લરે પોતાના ‌દિમાગી ચમકારા વડે અંધકારમાં ઉજાસ પાથરવાનો હતો. ‌

■■■

એક વાત તો જાણે સ્‍વાભા‌વિક હતી કે બોદો સુધી પહોંચવું હોય તો વાયા ‌બિસ્‍કે અખાતનો જળમાર્ગ લેવો પડે. પરંતુ એ માટે નૌકાદળના જહાજનો ઉપયોગ ન કરી શકાય. કારણ કે જર્મન સબમરીનના સોનાર યંત્રમાં તેની હાજરી પકડાયા ‌પછી જહાજ ‌બિસ્‍કે અખાતના ત‌ળિયે પહોંચ્‍યા ‌વિના ન રહે. આથી કોઈ એવું સાધન વાપરવું પડે, જે તેના વામન કદને કારણે ન સોનારમાં પકડાય કે ન જર્મન રેડાર તેની હાજરી પારખી શકે.

ઘણું ‌વિચાર્યા પછી મેજર હર્બર્ટ હેસ્‍લરના ઉપજાઉ ‌દિમાગમાં યુરેકા!નો ફણગો ફૂટ્યો : અંગ્રેજીમાં જેને kayak/ કાયક તરીકે ઓળખવામાં આવે તે નાનકડી નાવનો ઉપયોગ કર્યો હોય તો કેમ? હલેસાં સંચા‌લિત આવું હોડકું તેના ‌મિ‌નિ કદને લીધે સોનાર તેમજ રેડાર તો ઠીક, અંધારી રાત્રે જર્મન ચો‌કિયાતોની પણ નજરમાં ન આવે. ‌કાયક મારફત બ્રિ‌ટિશ કમાન્‍ડો બોદોમાં ગુપચુપ ઘૂસે, બારામાં લાંગરેલાં જર્મન જહાજોના લોખંડી પડખે ચુંબકવાળી ‌લિમ્‍પેટ પ્રકારની સુરંગ ‌ચિપકાવી દે અને ‌ઊલટા પગે ત્‍યાંથી નીકળી જાય એટલે પત્‍યું!

અલબત્ત, યુદ્ધના સખત તંગ માહોલમાં કમાન્‍ડો ‌મિશન આટલી સરળતાથી સંપન્‍ન થતાં હોત તો બીજું જોઈએ શું? મેજર હેસ્‍લરે ‌વિચારેલો પ્‍લાન પહેલી નજરે સોહામણો લાગતો હોવા છતાં તેમાં અડચણોનો પાર નહોતો. જેમ કે, ‌કમાન્‍ડો ટુકડી વત્તા તેમની કાયક નૌકાઓ જોડે બ્રિટનથી નીકળેલી સબમરીને ‌બિસ્‍કે અખાત સુધી હેમખેમ પહોંચવાનું હતું. જર્મન સબમરીનોથી બચવા માટે બોદો બંદરગાહ સુધી જવાનો તો સવાલ જ નહોતો. આથી બોદોથી લગભગ ૧૧૦ ‌કિલોમીટર છેટે દ‌રિયામાં કમાન્‍ડો ટુકડીને ઉતારીને પાછા વળી જવાનું હતું. ટુકડીએ ત્‍યાર પછી બોદો સુધીનો લાંબો ફાસલો હલેસાં મારીને તય કરવાનો થાય. બાવડાં ઊતરી જાય એવું તે કષ્‍ટદાયક કામ હતું. ‌દિવસના ઉજાસમાં જર્મન ‌વિમાનો યા જહાજોની નજરે કદાચ ચડી જવાય, એટલે કમાન્‍ડો ટુકડીએ તેમનો દ‌રિયાઈ પ્રવાસ રાતના અંધકારમાં ખેડવો પડે એ વળી બીજી ચુનૌતી હતી. ધારો કે બધું હેમખેમ પાર પડે, તો પણ બોદોના બારામાં છેક અંદર સુધી પહોંચી શકાય તેની ગેરન્‍ટી શી?

ટૂંકમાં, મેજર હર્બર્ટ હેસ્‍લરના સાહસમાં સફળતા ‌વિરુદ્ધ ‌નિષ્‍ફળતાની ટકાવારી ક્યાંય વધુ હતી. આથી જ તેમણે જ્યારે કાયક વડે બોદો પર ધાડ પાડવાનો પ્રસ્‍તાવ ‌બ્રિ‌ટિશ નૌકાદળના ઉપરી અ‌ધિકારીઓ સમક્ષ મૂક્યો ત્‍યારે તેને તત્‍કાળ સ્‍વીકૃ‌તિ મળી ન‌હિ. ‌વિચાર, પુન‌ર્વિચાર અને ચર્ચાઓમાં ‌કિંમતી સમય નીકળી ગયો. આખરે સપ્‍ટેમ્‍બર, ૧૯૪૨માં મેજર હેસ્‍લરના ‌મિશનને લીલી ઝંડી મળી. ‘આગે બઢો’નો ઓર્ડર જેમના તરફથી મળ્યો તે ‌બ્રિ‌ટિશ નૌકા અ‌ધિકારીનું નામ હતું એડ‌મિરલ લુઇસ માઉન્‍ટબેટન! વખત જતાં તેઓ પરતંત્ર ભારતના પ્રથમ ગવર્નર-જનરલ અને અં‌તિમ વાઇસરોય બનવાના હતા.

■■■

કોઈ પણ છાપામાર કમાન્‍ડો ‌મિશનની એક ખૂબી હોય છે. ‌મિશનને અંજામ આપવામાં જેટલો સમય લાગે તેના કરતાં ક્યાંય વધુ સમય ‌મિશનને સફળતાથી અંજામ આપી શકાય એ માટેની તૈયારી પાછળ ખર્ચી નાખવો પડે છે. સપ્‍ટેમ્‍બર, ૧૯૪૨માં એડ‌મિરલ માઉન્‍ટબેટન તરફથી સંમ‌તિ મળતાં જ મેજર હર્બર્ટ હેસ્‍લરે સૂ‌ચિત ‌મિશનની પૂર્વતૈયારી આરંભી. નૌકાદળના કુલ ૧૨ ધી બેસ્‍ટ કમાન્‍ડોને પસંદ કરી ‌બ્રિટનના પોર્ટ્સમાઉથ સાગરકાંઠે તેમની કઠોર તાલીમ આરંભી. બાવડાં મજબૂત કરવાં, હલેસાં મારતી વખતે પરસ્‍પર તાલમેળ રાખવો, ખુલ્‍લા સમુદ્રમાં કલાકોના કલાકો કાય‌કિંગ કરવું, રા‌ત્રિના અંધકારમાં કાયક ચલાવવી અને સાથોસાથ ‌દિશાશોધન કરવું વગેરે તાલીમ બે-અઢી મ‌હિના ચાલી. દરમ્‍યાન મિશનની ગુપ્‍તતા અકબંધ રહે તે ખાતર ટ્રેઇ‌નિંગના ઉદ્દેશનો ફોડ પાડવામાં ન આવ્યો. રહસ્‍યસ્‍ફોટ છેક ‌ડિસેમ્‍બરના પ્રથમ સપ્‍તાહે થયો કે જ્યારે મેજર હર્બર્ટ હેસ્‍લરે પહેલી વાર પોતાની ટીમ સમક્ષ ‘ઓપરેશન ફ્રેન્‍ક્ટન’ની રૂપરેખા વર્ણવી. આત્‍મઘાતી પ્‍લાન એક‌ચિત્તે અને એકીટશે સાંભળી લીધા પછી કમાન્‍ડો ટુકડીનો સવાલ હતો, ‘ધારો કે, યેનકેન પ્રકારે બોદો સુધી પહોંચી ગયા, પણ ત્‍યાંથી પાછા શી રીતે ફરશું?’

‘ચાલીને...’ મેજર બોલ્‍યા.

આ ટૂંકો જવાબ ‘ઓપરેશન ફ્રેન્‍ક્ટન’માં રહેલા જાનના જોખમ ‌વિશે થોડામાં ઘણું કહી દેતો હતો.■ (ક્રમશઃ)


Google NewsGoogle News