દુનિયામાં લક્ઝરી બ્રાન્ડ્સના પાંચ કરોડ ગ્રાહકો ઘટયા!
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- 2008ની વૈશ્વિક મંદી પછી પહેલી વખત લક્ઝરી ચીજવસ્તુઓનું માર્કેટ ગબડયું છે. હજુ આવતા વર્ષે ગ્લોબલ લક્ઝરી માર્કેટમાં 20 થી 22 ટકાના ઘટાડાનો અંદાજ છે
૩ ૮૬ અબજ ડોલર - આ આંકડો છે ગયા વર્ષના બ્રાન્ડેડ પ્રોડક્ટના વેપારનો. ૨૦૨૪ના અંતે આ લક્ઝરી પ્રોડક્ટનું માર્કેટ ઘટીને ૩૬૯ અબજ ડોલર થઈ ગયું છે અને હજુય પડતીનો આ ક્રમ અટકી જવાનો નથી. ઈટાલીનું અલ્ટાગામા લક્ઝરી એસોસિએશન કહે છે કે ૨૦૨૫માં લક્ઝરી પ્રોડક્ટના માર્કેટમાં ઘટાડો થશે અને એ ૩૬૩ અબજ ડોલર સુધી ગગડી જશે. ચીન અને અમેરિકામાં લક્ઝરી પ્રોડક્ટનો ક્રેઝ ઘટયો હોવાથી ગ્લોબલ લક્ઝરી માર્કેટને મોટો ફટકો પડયો છે.
પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સના અહેવાલનું માનીએ તો ૨૦૨૦માં કોવિડનો હાહાકાર હતો ત્યારેય લક્ઝરી પ્રોડક્ટનું વેચાણ આટલું ઘટયું ન હતું. ૨૦૨૪માં અચાનક પાંચ કરોડ ગ્રાહકોએ લક્ઝરી પ્રોડક્ટ ખરીદવાનું બંધ કરી દીધું છે. ૨૦૨૫માં ૪ ટકાના દરે આ ઘટાડો થશે તો વધુ એકાદ કરોડ કસ્ટમર્સ ઘટી જશે. ૨૦૦૮માં વૈશ્વિક મંદી આવી પડી હતી ત્યારે લક્ઝરી માર્કેટ પર અસર થઈ હતી અને ગ્લોબલ માર્કેટમાં ૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે પછીના આટલા વર્ષોમાં ક્યારેક લક્ઝરી પ્રોડક્ટના વેચાણને આટલો મોટો ફટકો પડયો નથી.
ગ્લોબલ લક્ઝરી માર્કેટની પડતી પાછળ રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસના યુદ્ધ ઉપરાંત રાતા સમુદ્રનો વેપારી માર્ગ થોડો વખત બંધ રહ્યો એ બધા કારણો જવાબદાર છે. ૨૦૨૫માં માર્કેટ ઘટશે તે પાછળ ટ્રમ્પનો ટેરિફ ટેરર કારણભૂત ઠરશે. દુનિયામાં વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો હોવાથી અમેરિકન ધનવાન ગ્રાહકોએ ખર્ચ ઘટાડી દીધો છે. ચીનનું અર્થતંત્ર ધીમે પગલે મંદી તરફ ધકેલાઈ રહ્યું હોવાથી ચીની કસ્ટમર્સે પણ ખર્ચ ઘટાડયો છે. જગતમાં અત્યારે અનિશ્વિતતાનો માહોલ છે. મોંઘવારી ફાટી નીકળશે એવી ભીતિ છે. ગયા વર્ષે આઈટી સેક્ટરમાં મોટાપાયે છટણી થઈ તેની અસર પણ ગ્લોબલ લક્ઝરી માર્કેટ પર પડી છે.
===
વૈભવ, સમૃદ્ધિ, શ્રીમંતાઈ, જાહોજલાલી, ઐશ્વર્ય એટલે શું?
હાડમારી વિનાની લાઈફસ્ટાઈલ, સારું ભોજન, સારાં કપડાં, રહેવાની ઉત્તમ સગવડ, હરવા-ફરવા માટે સુગમ વાહનો, સેવા-ચાકરી-મદદ માટે મદદગારો... ધન-સંપત્તિ હોય તો જ આવી વૈભવી લાઈફસ્ટાઈલ પરવડે. એવી ધન-દૌલત એક જમાનામાં રાજા-મહારાજાઓ, ઉમરાવો, મોટા વેપારીઓના નસીબમાં હતી એટલે આવી જાહોજલાલી પણ તેમના નસીબમાં જ લખી હતી. સામાન્ય માણસો સૈન્યમાં ભરતી થઈ જતા કે ખેતી કરીને જીવન કાઢી નાખતા.
એક જમાનામાં રાજા-મહારાજાઓ માટે ૩૨ ભાતના ભોજન પીરસાતા, સ-રસ પીણું હાજર થતું. એ મોંઘું કાપડ પહેરી શકતા. સુખ-સુવિધાજનક મહેલોમાં રહી શકતા. નોકર-ચાકરોની સેવા લઈ શકતા.
એ સમયે આવું સુખ-સુવિધાભર્યું જીવન એટલે વૈભવશાળી જીવન. ત્યારે આવી લાઈફસ્ટાઈલ માટે 'લક્ઝરિયસ' શબ્દ પ્રયોજાતો ન હતો. 'લક્ઝરી' શબ્દ લેટિન ભાષાના 'લક્ઝુરિયા'માંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થતો હતો - જરૂરી છે એનાથી વધારે. આજે ઉત્તમ લાઈફસ્ટાઈલના સંદર્ભમાં વપરાતો લક્ઝરી શબ્દ રોમનો માટે નેગેટિવ હતો. ઉડાઉ જીવન જીવતા લોકોને રોમનો 'લક્ઝરિયા' કહેતા. લેટિનમાંથી લક્ઝરી શબ્દ ફ્રેન્ચ બન્યો ત્યારે એનો અર્થ થોડો બદલાયો હતો. જૂની ફ્રેન્ચમાં લક્ઝરીનો અર્થ થતો હતો વાસના. ૧૩૪૦માં જૂની અંગ્રેજીમાં લક્ઝરી શબ્દ શારીરિક સંબંધના સંદર્ભમાં વપરાયાનું પણ નોંધાયું છે. છેક ૧૭મી સદીના અંગ્રેજી લખાણોમાં ભોગવિલાસ, સમૃદ્ધિ, ઐશ્વર્યના પર્યાય તરીકે 'લક્ઝરી' શબ્દ વપરાતો થયો.
પણ મોંઘી ચીજવસ્તુઓને 'લક્ઝરી પ્રોડક્ટ' કહેવાનું તો ૧૯મી સદીના અંતે શરૂ થયું. ૧૯મી સદીમાં ચોક્કસ રીતે, અમુક સંખ્યામાં જ ઘણી ચીજવસ્તુઓ બનવા લાગી. જેને આપણે 'લિમિટેડ એડિશન' કહીએ છીએ એવી પ્રોડક્ટને તે વખતે લક્ઝરી પ્રોડક્ટ કહેવાતી. ખાસ બનાવાયેલા ચિત્રોથી લઈને તલવારો, સિંહાસનો, મૂકુટ, જૂતા, મદ્યપાન માટે પ્યાલા, રાજા-રાણીઓના સ્નાન માટે બનતા સુગંધી દ્રવ્યો વગેરેને તે જમાનામાં લક્ઝરી પ્રોડક્ટ કહેવાતી હતી.
અને આ વ્યાખ્યા વિશ્વયુદ્ધ પછી ઝડપભેર બદલાઈ ગઈ.
===
આજે લક્ઝરી કંપનીઓનો દુનિયાભરમાં જે દબદબો છે એની શરૂઆત બિયર અને દારૂની કંપનીઓથી થયેલી. ૧૭૭૭માં સ્થપાયેલી બ્રિટિશ કંપની બાસ બ્રિવેરી એવી જૂની કંપનીઓમાંની એક છે. આજેય એ આખી દુનિયામાં બિયર વેચે છે. ૧૮૩૭માં ફ્રાન્સના ધનવાનોને ધ્યાનમાં રાખીને હર્મિસ નામની કપડાની કંપની બની હતી. એ સૌથી જૂની લક્ઝરી બ્રાન્ડ છે. લુઈ વિટ્ટોન ૧૮૫૪માં બની હતી અને એ આજે જગતની સૌથી મોટી લક્ઝરી બ્રાન્ડ છે. એલવીના લેબલ સાથે આ કંપની કપડાં, જૂતા, પરફ્યુમ, ઘડિયાળ, જ્વેલરી, સનગ્લાસિસ સહિત કંઈ કેટલીય પ્રોડક્ટ બનાવે છે. ગ્લોબલ લક્ઝરી પ્રોડક્ટનો મોટો હિસ્સો એની પાસે છે.
પછી તો ચા-કોફીથી લઈને કપડાં-જૂતાં, બ્યૂટી પ્રોડક્ટ, જ્વેલરી, એસેસરીઝ, વેલનેસ કેર, કાર, શરાબ સુધી સેંકડો પ્રોડક્ટ્સ લક્ઝરી બ્રાન્ડના ટેગ સાથે વેચાય છે. તે એટલે સુધી કે હવે તો લક્ઝરિયમ ટેગથી મકાનોનું પણ માર્કેટિંગ થાય છે. હાઈ જ્વેલરી, ફાઈન વોચ, લક્ઝરી કાર, લક્ઝરી હોટેલ્સ, ફાઈન ફૂડ, ગૂડ વાઈન જેવા માર્કેટિંગથી લક્ઝરી પ્રોડક્ટ ધનવાનોમાં પોપ્યુલર થઈ. સામાન્ય લોકોથી હટકે લાઈફ સ્ટાઈલ હોય એવા ધનવાનોના વલણથી લક્ઝરી પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ મળ્યું.
બીજા વિશ્વયુદ્ધ સુધી અમુક જ પ્રોડક્ટ લક્ઝરી ગણાતી હતી, પરંતુ વિશ્વયુદ્ધ બાદ દુનિયાનું માર્કેટ ઓપન થયું. એક દેશની પ્રોડક્ટ ઈઝીલી બીજા દેશમાં પહોંચવા લાગી. બે-અઢી દશકા સુધી તો હજુય લક્ઝરી મેકર કંપનીઓએ ધનવાનો માટે જ લિમિટેડ એડિશનમાં પ્રોડક્ટ બનાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ ૧૯૮૦ પછી એમાં ધરખમ પરિવર્તન આવ્યું. અમેરિકન મધ્યમવર્ગ પાસેય સારો એવો ખર્ચ થઈ શકે એટલી રકમ આવવા માંડી. શહેરીકરણ વધ્યું હતું, સોશિયલ સ્ટ્રક્ચર બદલાયું હતું. ઘરમાં સ્ત્રી-પુરુષ બંનેની કમાણી આવવા માંડી એટલે મધ્યમવર્ગમાં ય લક્ઝરી પ્રોડક્ટ ખરીદવાનું આકર્ષણ વધ્યું. તેના પરિણામે કંપનીઓએ લક્ઝરી કપડાં-જૂતાં વગેરેના પ્રોડક્શનમાં ફેરફાર કર્યો. ને એ રીતે આખી દુનિયામાં લક્ઝરી પ્રોડક્ટનો દબદબો વધ્યો.
===
વેલ, ૨૦૨૩ના અંતે દુનિયામાં ૫૫ કરોડ લક્ઝરી ગ્રાહકો હતા. પરંતુ ૨૦૨૪ના અંતે એમાં પાંચ કરોડ ગ્રાહકો ઘટી ગયા છે. ૨૦૨૫માં પણ આ ટ્રેન્ડ યથાવત રહેશે તો આવતા વર્ષના અંતે ૪૦-૪૨ કરોડ લક્ઝરી કસ્ટમર્સ હશે.
કદાચ એટલે જ લક્ઝરી માર્કેટને હવે ભારતથી ઘણી આશા છે. ગ્લોબલ લક્ઝરી કંપનીઓ દુનિયામાં સર્જાયેલી લક્ઝરી કસ્ટમર્સની ઘટ ભારતમાંથી ભરપાઈ કરવાની ગણતરી માંડીને બેઠી છે. હવે લક્ઝરી માર્કેટના ગ્રોથની સ્ટ્રાઈક ભારત પાસે છે. ભારતીય લક્ઝરી કસ્ટમર્સ કેવી સ્ટ્રાઈક રેટ બતાવે છે તેના પર દુનિયાની નજર છે!
ગ્લોબલ લક્ઝરી માર્કેટ ડાઉન થયું, ભારતનું અપ થઈ રહ્યું છે
ભારતમાં મધ્યમવર્ગની ખરીદશક્તિ ઝડપભેર વધી રહી છે. દેશમાં એક મોટા વર્ગમાં અપર મિડલ ક્લાસ કે ધનવાનો જેવા કપડાં-શૂઝ-બ્યૂટી પ્રોડક્ટનો ક્રેઝ વધતો જાય છે. દેશના માર્કેટમાં દુનિયાભરની લક્ઝરી પ્રોડક્ટ ઈઝીલી મળી રહે છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાત્તા જેવા મોટા શહેરો તો ઠીક, નાના શહેરોમાં પણ હવે દેશી-વિદેશી બ્રાન્ડેડ ચીજવસ્તુઓના શો-રૂમ્સ બની ચૂક્યા છે. એક તરફ લક્ઝરી પ્રોડક્ટ મેકર કંપનીઓમાં જબરી હરીફાઈ જામી છે. બીજી તરફ ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચેય સ્પર્ધા હોવાથી ડિસ્કાઉન્ટ પ્રાઈસમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ મળી રહે છે, જે મધ્યમવર્ગ અને લોઅર મધ્યમવર્ગને આકર્ષે છે.
વિદેશી કંપનીઓ ત્રણ-ચાર દશકા પહેલાં ભારત જેવા દેશને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવતા ન હતા. હવે ભારતનું વિશાળ માર્કેટ તેમને આકર્ષે છે. ભારતના આવડા મોટાં માર્કેટને કોઈપણ કંપની ઈગ્નોર કરી શકે તેમ નથી. આ બધી જ કંપનીઓ હવે 'લાઈન'માં આવી ગઈ છે અને ભારતીયોની ખરીદશક્તિને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન, માર્કેટિંગ કરવા માંડી છે. અત્યારે માર્કેટમાં સ્થિતિ એવી છે કે લોકલ માર્કેટની પ્રોડક્ટમાં ૮૦ ટકા જેટલા ઉમેરી દો તો બ્રાન્ડેડ પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ કિંમતે મળી રહે છે. વળી, વિદેશી કંપનીઓ તો ભારતની પ્રોડક્ટ અને ભારત બહારની પ્રોડક્ટની ક્વોલિટી પણ જુદી રાખે છે. પ્રોડક્ટ, નામ, પેકેજિંગ એ જ, પરંતુ પ્રાઈસ અને ક્વોલિટીમાં ફરક હોય એટલે ભારતના માર્કેટમાં વેચવાનું ઈઝી બને.
આ બધા કારણોથી દેશનું લક્ઝરી માર્કેટ ઝડપભેર વિકસી રહ્યું છે. દુનિયામાં લક્ઝરી પ્રોડક્ટનો ડાઉનફોલ શરૂ થયો છે ત્યારે ભારતમાં એનું માર્કેટ સતત અપ થઈ રહ્યું છે. લેટેસ્ટ અહેવાલો પ્રમાણે ભારતનું લક્ઝરી માર્કેટ ૩.૧૬ ટકાના દરે વધી રહ્યું છે.
ભારતમાં સમૃદ્ધ ગ્રાહકો છ કરોડથી વધીને 10 કરોડ
ભારતમાં ધનવાન ગ્રાહકોની સંખ્યામાં તીવ્ર ગતિએ વધારો થઈ રહ્યો છે. આરબીઆઈના ડેટા પ્રમાણે દેશમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યામાં ૨૬ ટકાની ઝડપે વધારો થઈ રહ્યો છે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતમાં ક્રેડિટકાર્ડ ધારકોનો આંકડો ૧૦ કરોડને પાર પહોંચી ચૂક્યો છે. આ ક્રેડિટ કાર્ડ ધારકોમાંથી ૬૫ ટકા પોતાના કાર્ડનો ઉપયોગ લક્ઝરી પ્રોડક્ટ ખરીદવા માટે કરે છે. લક્ઝરી પ્રોડક્ટની શોપિંગ અને ક્રેડિટ કાર્ડને સીધો સંબંધ છે. ગોલ્ડમેન રિસર્ચના અહેવાલમાં કહેવાયું છે કે ભારતમાં ૨૦૨૩-૨૪માં છ કરોડ સમૃદ્ધ ગ્રાહકો હતા, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૧૦ કરોડ થઈ જશે. ૨૦૩૦ સુધીમાં તો દેશમાં સમૃદ્ધ ગ્રાહકોની સંખ્યા ૨૦ કરોડે પહોંચી જાય એવીય શક્યતા છે. આ સમૃદ્ધ ગ્રાહકો લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદે છે એટલે ભારતમાં એના માર્કેટમાં વૃદ્ધિ થઈ રહી છે.