કેટલાક પ્રેતાત્માઓ સ્વજનોનો સંપર્ક સાધી એમને સહાયરૂપ બને છે!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- નાના બાળકોની માતા હોય એવી મહિલાઓનું મરણ થાય ત્યારે ઘણીવાર તે પોતાના બાળકોની સારસંભાળ લેવા પ્રેતાત્મા રૂપે આવતી હોવાની ઘટનાઓ પણ બને છે
સોસાયટી ફોર સાઈકિકલ રિસર્ચના સ્થાપક, બ્રિટિશ કવિ અને ભાષાશાસ્ત્રી ફ્રેડરિક ડબલ્યુ.એચ. માયર્સ (Frederic W.H.Myers) એમના પુસ્તક 'હ્યુમન પર્સનાલિટી એન્ડ ઈટસ સરવાઈવલ ઑફ બોડિલી ડેથ (Human Personality and its survival of Bodily Death) માં લખે છે કે મૃતાત્માઓ મનુષ્યની એ શક્તિનો પડછાયો છે જેનો સતત પ્રવાહ મરણ પછી પણ ચાલુ રહે છે. એમનો સંપર્ક સાધીને માનવી લાભાન્વિત પણ થઈ શકે છે. મરણ પછી આત્મા પુનર્જન્મ ધારણ કરે એ વચ્ચેની સ્થિતિમાં તે પ્રેતદશામાં રહે છે. ત્યાં રહીને પણ તે પોતાની અતૃપ્ત ઈચ્છાઓ પૂરી કરવા યથા શક્ય પ્રયત્નો કરે છે. કેટલીક વાર તે પ્રેતાત્મા આહવાન બેઠક (seance)માં કોઈ માધ્યમ (Medium) થકી સંદેશો આપે છે, કેટલીક વાર બીજાના શરીર પર કબજો જમાવી પોતાની અતૃપ્ત ઈચ્છા કે વાસના સંતોષવાનો પ્રયત્ન કરે છે, તો કેટલીક વાર પૂર્વ દેહના સ્વરૂપથી પ્રેત રૂપે આવીને સંદેશો આપે છે કે કોઈ મહત્વપૂર્ણ કામગીરી પણ કરી જાય છે. માયર્સે સબ-કોન્સિયસ માઈન્ડ, સબલિમિનલ સેલ્ફ અને મેટેથિરિયલ વર્લ્ડ (metetherial World)ની અવધારણા રજૂ કરી હતી.
લંડનમાં રહેતી મિસિસ માર્ગો વિલિયાસ એકવાર પ્રેતાત્મા આહવાન બેઠકમાં સામેલ થઈ હતી. તે ૧૯૭૬ ના એપ્રિલ મહિનાનો એક દિવસ હતો. એક મૃતાત્માએ તેને સંદેશ આપ્યો - 'મારું નામ ડૉ. રોબર્ટ યંગ છે. હું કેમ્પટાઉનની લડાઈમાં કામગીરી કરતો હતો. અડેટ નામનું યુદ્ધ જહાજ જેમાં હું જઈ રહ્યો હતો તે દુર્ઘટનાનો ભોગ થવાથી દરિયામાં ડૂબી ગયું હતું અને બીજા બધાની સાથે મારું પણ મરણ થઈ ગયું હતું.' તે મૃતાત્માનો હેતુ કેવળ પોતાનો પરિચય આપવાનો જ હતો.
પ્રેતાત્મા આહવાન પ્રયોગ દરમિયાન શ્રીમતી માર્ગો વિલિયાસને પ્રાપ્ત થયેલો સંદેશો સાચો છે કે કેમ તે જાણવાની ઈચ્છા થઈ. એટલે તેણે બ્રિટનના ડિફેન્સ વિભાગનો સંપર્ક સાધ્યો. જૂની ફાઈલોના રેકોર્ડમાંથી તે યુદ્ધ વખતની બધી વિગતો પ્રાપ્ત થઈ. પ્રેતાત્માએ આપેલો સંદેશો એકદમ સાચો સાબિત થયો. ડૉ. રોબર્ટ યંગ નામનો સર્જન કેમ્પટાઉનના યુદ્ધમાં ભાગ લેનાર યુદ્ધ જહાજમાં જતો હતો ત્યારે ઈ યા ઈ તોફાનનો ભોગ બનવાથી ૪૦ સૈનિકો સાથે મરણ પામ્યો હતો.
માર્ગો વિલિયાસને પ્રેતાત્માના સંદેશા સાચા હોય છે. એવી પ્રતીતિ થતાં તેણે આવા પ્રયોગો ચાલુ રાખ્યા. એકવાર બીજા એક પ્રેતાત્માએ તેને સંદેશો આપ્યો - 'મારું નામ એડવર્ડ રોડસ છે. હું એક શ્રમજીવી મજૂર હતો. ૧૯૭૦માં યોર્કશાયરની એક કોલસાની ખાણમાં કામ કરતાં મારું મરણ થયું હતું. કોલસાની ખાણમાં કામ કરતાં મારું મરણ થયું હતું. મારા મૃતદેહને સ્વેશ નામના સ્થાને દફનાવી દેવામાં આવ્યો હતો. તમે મારો સંદેશો મારા કુટુબીજનોને પહોંચાડો એવું હું ઈચ્છુ છું. મારો મૃતદેહ યોગ્ય રીતે દફનાવાયો નથી. તે વખતે જે પ્રાર્થના અને વિધિ-વિધાન કરવામાં આવે છે તે કરાયા નથી, તે ફરીથી કરાવો તો મારો પ્રેત અવસ્થામાં છુટકારો થાય. મારા આત્માને એનાથી શાંતિ મળશે.'
આ સંદેશો મળ્યા પછી માર્ગો વિલિયસે તેની યથાર્થતા જાણવાનો પ્રયાસ કર્યો. તેણે નેશનલ કોલ બોર્ડનો સંપર્ક સાધ્યો. ૧૯૭૦માં યોર્કશાયરની કોલસાની ખાણમાં કયા મજૂરો કામ કરતા હતા તેમના નામ અને તેમની વિગતો પ્રાપ્ત કરી. તેમાં એડવર્ડ રોડસનું નામ પણ હતું અને તે વર્ષે જ તેનું ત્યાં મરણ થયું હતું. તેણે કહ્યું તે પ્રમાણે જ બધું બન્યું હતું. પછી માર્ગો વિલિયાસે તેના કુટુંબીજનોનો સંપર્ક સાધ્યો. તેમણે જણાવ્યું કે રોડસ ખૂબ જ ધાર્મિક વૃત્તિનો હતો. તે હંમેશાં ઈશ્વરને પ્રાર્થના કરતો હતો અને દર અઠવાડિયે અચૂકપણે ચર્ચમાં જતો હતો. વિલિયાસે તેમને જણાવ્યું કે રોડસ પ્રેતાત્મા રૂપે તેની સમક્ષ પ્રગટ થયો હતો અને પોતાની દફનવિધિ વખતે યોગ્ય વિધિ થઈ ન હતી તે ફરી કરાવવા તેણે સંદેશો મોકલાવ્યો હતો. કુટુંબીજનોએ એવી ઈચ્છા પૂરી કરી અને યોગ્ય વિધિ-વિધાન અને પ્રાર્થના સાથે તેને ફરી દફનાવવામાં આવ્યો હતો.
નાના બાળકોની માતા હોય એવી મહિલાઓનું મરણ થાય ત્યારે ઘણીવાર તે પોતાના બાળકોની સારસંભાળ લેવા પ્રેતાત્મા રૂપે આવતી હોવાની ઘટનાઓ પણ બને છે. થોડા વર્ષો પહેલાં રાજસ્થાનના ચિતોડ જિલ્લાના અકોલા ગામમાં આવી ઘટના બની હતી. ત્યાંના એક જમીનદારની પત્નીનું યુવાન અવસ્થામાં જ બાળકને જન્મ આપ્યા બાદ થોડા મહિના પછી મરણ થઈ ગયું. તે તેના મરણ પૂર્વેના અસલ રૂપમાં જ આવતી. કોઈ જુએ તો તેને એમ ન લાગે કે તે મૃત મહિલાનો પ્રેતાત્મા છે. ઘરના લોકો તેને આવકારતા. તે બાળકની સાથે કલાકો પસાર કરતી. ગામના અનેક લોકો તેને જોવા પણ આવતા. વિસ્મય ઉપજાવે એવી બાબત એ હતી કે તે લોકોની સાથે વાતચીત પણ કરતી. આમ તો એ બાળકનો ઉછેર કરવાના શુભ આશયથી જ આવતી અને કોઈને કનડગત કરતી નહોતી પણ કુટુંબના કેટલાક લોકોને તે ગમતું નહોતું. તે કહેતા - ગમે તેમ પણ આ પ્રેતાત્મા કહેવાય. ઘરમાં એનું રોજ આવવું ઠીક નહીં. અડોસ-પડોસના કેટલાક લોકોને ડર પણ લાગતો. એટલે એને આવતી બંધ કરવા ધાર્મિક વિધિ કરાવી. તેણે પ્રેત રૂપે પોતાના ઘેર આવવાનું બંધ કર્યું એ પહેલાં તેણે પોતાના પતિને એક ગુપ્ત ખજાનાની જગ્યા બતાવી અને ત્યાંથી પુષ્કળ ધન મળશે એમ જણાવ્યું. પણ તે સાથે એક કડક સૂચના આપી - 'આ ખજાનાના ધનનો ઉપયોગ માત્ર આપણા બાળકના ઉછેર અને વિકાસ માટે જ કરજો. જો એમ નહીં કરો તો તમારું બધું જ ધન ગુમાવી દેવાનો વખત આવશે. તમે દુર્ભાગ્ય અને દુ:ખમાં પડી જશો.' જમીનદારે તેની પત્નીના પ્રેતાત્માની છેલ્લી સૂચનાનું અક્ષરશ: પાલન કર્યું અને તે ખજાનાનું ધન પોતાના બાળકના ઉછેર અને વિકાસ માટે જ કર્યું. આમ, તે મહિલાના પ્રેતાત્માએ પોતાના બાળકના કલ્યાણ માટે મરણ બાદ પણ પ્રયાસો કર્યા હતા.
રાજસ્થાનના મેવાડ પ્રદેશના મંડેરા ગામની દરજી કુટુંબની એક યુવાન મહિલા બાળકને જન્મ આપ્યાના થોડા દિવસો બાદ મરણ પામી હતી. મરણ સમયે તેને નવજાત બાળકની બહુ ચિંતા હતી. રાતના સમયે તે પ્રેત રૂપે પોતાના ઘરમાં આવતી. શરૂઆતમાં તો એનું પ્રેત જોઈ ઘરના લોકો ગભરાયા હતા પણ તે કોઈને હેરાન કરવા નહીં, મદદ કરવા આવે છે. તે જોઈ નિશ્ચિંત બની ગયા હતા. તે મહિલા પોતાના બાળકને ખોળામાં લઈને રમાડતી, તે ભૂખ્યું થાય ત્યારે તેને સ્તનપાન કરાવતી. તેને ઘોડિયામાં મૂકી હાલરડાં ગાઈ સૂવડાવતી. બાળક સૂઈ જાય પછી પોતાના પતિ અને સાસુ-સસરાની સેવા પણ કરતી. સવારે બાળક જાગે એટલે એને સ્તનપાન કરાવી, નવડાવી, વસ્ત્રો પહેરાવી અદ્રશ્ય થઈ જતી. તેનું બાળક મોટું અને સમજણું ન થાય ત્યાં સુધી આ ઘટનાક્રમ સતત ચાલુ રહ્યો હતો. પ્રેતાત્મા મૂળ સ્વરૂપે પ્રત્યક્ષ રૂપે પોતાના ઘેર આવી કુટુંબીજનો સાથે રહે તે અદ્ભુત ઘટનાઓ કહેવાય.