Get The App

ગર્ભાવસ્થા અને ડાયાબિટીસ- સારવાર

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ગર્ભાવસ્થા અને ડાયાબિટીસ- સારવાર 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

ગર્ભાવસ્થાના ડાયાબિટીસમાં સ્ત્રીને કઈ તકલીફો થઈ શકે?

સ્ત્રીનું વજન વધુ પડતું થઈ શકે, ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશરની બીમારી આવી શકે જે ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકેu(Pre-eclampsia), તારીખ કરતા વહેલી સુવાવડ થઈ શકે અથવા કસુવાવડ થઈ શકે, ગર્ભાશયમાં પાણીનું પ્રમાણ વધી જવાથી બાળકના વિકાસ પર અસર થઈ શકે, સ્ત્રીને પછીની સુવાવડ દરમિયાન ફરીથી ડાયાબિટીસ થઈ શકે અથવા બાળક આવ્યાના થોડા વર્ષો પછી કાયમ માટે ડાયાબિટીસ થઈ શકે.

ગર્ભાવસ્થાના ડાયાબિટીસમાં બાળકને શું અસર થઈ શકે?

જો ડાયાબિટીસને સરસ રીતે કાબુમાં ન રાખવામાં આવે તો આવનાર બાળકનું વજન વધારે હોઈ શકે અથવા બાળકનું માથું ખૂબ મોટું હોઈ શકે, બાળક વહેલું જન્મી શકે(Premature delivery),, જન્મે ત્યારે બાળકનું સુગર ખૂબ લો હોઈ શકે, બાળકને આગળ જઈને ટાઈપ ૨ ડાયાબિટીસ થઈ શકે, કેટલાક કેસમાં ખોડખાપણવાળું બાળક જન્મી શકે અથવા બાળકના જીવને પણ જોખમ થઈ શકે.

ગર્ભાવસ્થાના ડાયાબિટીસની સારવાર :

ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ?

કેલ્શિયમ, ફોલિક એસિડ અને લોહતત્વ મળે એવો ખોરાક લેવો જોઈએ. દર બે ત્રણ કલાકે થોડો-થોડો ખોરાક લેવો જોઈએ. ખાંડ અને ગોળથી બનેલી વાનગીઓ ના લેવી જોઈએ. આપણા વજનના ૩૦થી ૪૦ કિલોકેલેરી/વજન જેટલો ખોરાક લેવો જોઈએ. એટલે કે સામાન્ય વજનવાળી સ્ત્રીએ રોજની આશરે ૭૦૦થી૮૦૦ કેલરી વધારે ખાવી જોઈએ, ૬૦થી૭૦ ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ, આશરે ૩૦ ગ્રામ Fibre  ખાવા જોઈએ અને કાર્બોહાઈડ્રેટની માત્રા ૧૫૦થી૧૭૫ ગ્રામ ખાવી જોઈએ. શાકભાજી, કઠોળ, આખા અનાજ, ડ્રાયફ્રુટ અને ફળો લઈ શકાય પણ ફળોના રસ બને ત્યાં સુધી ન લેવા જોઈએ. ગર્ભાવસ્થાના ડાયાબિટીસમાં ૭૦ ટકા સ્ત્રીઓનો ડાયાબિટીસ ફક્ત ખોરાકના નિયમનથી જ કાબુ થઈ શકતો હોય છે.

વ્યાયામ ઃ ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ હોય કે ન હોય સ્ત્રીઓ જેટલી સક્રિય રહે, કાર્યરત રહે તેટલી તેમની તંદુરસ્તી સારી રહે છે. તેથી જો તમારા ડોક્ટરની મંજૂરી હોય તો રોજ ૩૦થી ૫૦ મિનિટ જેટલો વ્યાયામ અવશ્ય કરવો જોઈએ. ખોરાક લીધા પછી દરેક વખતે ૨૦થી ૩૦ મિનિટ રોજ ચાલવામાં આવે તો તમારું ખાધા પછીનું સુગર કંટ્રોલ કરવામાં એ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે.

મોનિટરિંગ કઈ રીતે કરવાનું?

તમે ઘરે ગ્લુકોઝમીટરમાં તમારું સુગર માપી શકો છો. સવારે ભૂખ્યા પેટે, નાસ્તા પછીના બે કલાકે, બપોરે જમીને બે કલાકે અને રાત્રે જમીને બે કલાકે આવી રીતે દિવસમાં ચાર વખત નિયમિત રીતે સુગર માપવું જોઈએ. જો શક્ય હોય તો નિયમિત રીતે CGMSની તપાસ પણ ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત સ્ત્રીએ તેના વજનનું પણ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન ૧૦થી ૧૨ કિલો જેટલું જ વજન વધવું જોઈએ.

દવાઓ અને ઇન્સ્યુલિન ક્યારે ચાલુ કરવાનું હોય?

જો ખોરાક નિયમનથી ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ કાબુમાં ન રહી શકે તો રાહ જોયા વગર ઇન્સ્યુલિનની સારવાર ચાલુ કરી દેવી હિતાવહ છે. ઘણા બધા પરીક્ષણો બાદ એવું સાબિત થયેલું છે કે ઇન્સ્યુલિન ગર્ભાવસ્થા દરમિયાન બીજી કોઈપણ દવાઓ કરતાં વધુ 

સુરક્ષિત છે. મોટેભાગે દરેક વખતે ખોરાક લેતા પહેલા એટલે કે સવારે નાસ્તા પહેલા, બપોરે જમતા પહેલા અને રાત્રે જમતા પહેલા ઇન્સ્યુલિન આપવાની જરૂરિયાત હોય છે. ઇન્સ્યુલિનનો ડોઝ તમારું ખાધા પછીનું સુગર કેટલું આવે છે તે મુજબ વધઘટ કરવામાં આવે છે. તદુપરાંત જો ભૂખ્યા પેટની સુગર વધારે રહેતી હોય તો Long Acting  ઇન્સ્યુલિનની પણ કેટલાક કેસમાં જરૂર પડે છે. જો ડોક્ટરને યોગ્ય લાગે તો જ Metforminની દવા ગર્ભાવસ્થા દરમિયાન વાપરવામાં આવે છે. બીજી કોઈપણ જાતની ડાયાબિટીસની ગોળીઓ ગર્ભાવસ્થામાં વાપરવામાં આવતી નથી.

સુવાવડ પછી શું ધ્યાન રાખવું?

જો સ્ત્રીને પ્રેગ્નન્સી પહેલાથી ડાયાબિટીસ હોય તો તેણે અગાઉ મુજબ જ સારવાર ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલુ રાખવી જોઈએ. Gestational diabetes હોય તો તે સુવાવડ પછી મોટેભાગે જતો રહેતો હોય છે. પરંતુ તેમ છતાં, સુવાવડ પછી છથી આઠ અઠવાડિયા દરમિયાન નિયમિત રીતે સુગરની તપાસ કરતા રહેવી જોઈએ, ત્યારબાદ પણ દર ૬ કે ૧૨ મહિને ડાયાબિટીસની તપાસ અવશ્ય કરતા રહેવી જોઈએ, વજન નિયંત્રણમાં રાખવું જોઈએ, નિયમિત રીતે વ્યાયામ પણ કરતા રહેવું જોઈએ. 


Google NewsGoogle News