સોરી, Sorry સોરી .
- થોડામાં ઘણું-દિલીપ શાહ
દિલગીરીની સરખામણીમાં આ અંગ્રેજી 'સોરી' (Sorry) ચલણમાં ઘા ઉપરનાં મલમનું કામ કરી જાય છે. આ વિદેશી શબ્દ 'સાપ ગયા ને લીસોટા રહ્યા'ની જેમ રોજેરોજ ઘૂંટાઈને લગભગ ઘરેલૂ થઈ ગયો એમ લાગે.
કોકની સાથે અથડાઈ જાવ - ભૂલથી કોઈના ખોટા ઘરની ડોરબેલ દબાઈ જાય... ધક્કો વાગતા સમતુલા ગુમાવીને કોઈકને અંગસ્પર્શ (મેટ્રો... એસ.ટી., ટ્રેન, ટિકિટ લાઈન..) થઈ જાય 'સોરી' સામેની વ્યક્તિનાં હોઠ પર એક સીન્થેટીક સ્માઈલ લાવી દે છે. આંખ સુધી ડોકિયાં કરતો ગુસ્સો પીછેહટ્નાં મોડ પર આવી જાય છે. ગાળના શબ્દો અચાનક ફરાળી બની... ઈટ્સ ઓલરાઇટ. ડોન્ટ વરી... જોયું '?' 'સોરી' બે અક્ષરી આ શબ્દ યુનોની સલામતિ સમિતિનાં એજન્ડાનું કામ કરતો હોય એમ લાગે.
હનુમાનજીએ લાવેલી સંજીવની જેવી અસર આ 'સોરી'માં છે. લાગણીઓને ઘવાતી અટકાવે છે. ગરમ થતા વાતાવરણ... હવામાનમાં અચાનક જ પલટો આવી જાય છે. ધૂળ, ડમરી શમી જતાં હોય એમ લાગે. તંગ વાતાવરણ કરફયુ વખતની શાંતિ જેવું થઈ જાય !
ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની ઐસીતૈસી, શહેર હોય કે ગામડું 'સોરી' શબ્દનું સામ્રાજ્ય બધે ફેલાયેલું લાગે.
અંગ્રેજોને ભલે આપણે ધિક્કારીએ, ઈતિહાસની ટૂંકનોંધમાં એઓની નોંધ લઈએ પણ આ થેંક્યુ... ગુડ બાય, ગુડ નાઈટ, O.K., નો મેન્શન, ફાઈન, એક્સેલન્ટ, વાઉ, કોન્ગ્રેચ્યુલેશન, પ્રાઉડ ઑફ યુ, ઉપરાંત ૧૪ ફેબુ્રઆરીનો હાર્ટ-મેસેજ આઈ લવ યુ ની જેમ 'સોરી' શબ્દ આ વોટસએપ, ફેસબુકની દુનિયામાં અડ્ડો જમાવીને બેસી ગયા છે... આની સામે ધરણા... આંદોલન... ચળવળ એ અન્ના હજારેનો વિષય છે.
ઉગ્ર કક્ષાએ ઝઘડતા દોસ્તો... પ્રેમીઓ... ભાગીદારો... પાડોશીઓ 'સોરી'ની ફેવીકોલથી 'સ્માઈલ પ્લીઝ' સેલ્ફી લેતા થઈ ગયા છે. ખરેખર 'સોરી' એ શબ્દ નથી સંકટ સમયની સાંકળ છે... સમયસર ખેંચો.'
મરી મસાલા:-
કુદરત પણ પૂર, દુકાળ, ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી, રોગચાળો, મોટાપાયે પૃથ્વી પર મોકલ્યા પછી કદાચ 'સોરી' બોલતી હશે !