મહોરાંની માજુલી કળાની મઢુલી
રસવલ્લરી-સુધા ભટ્ટ
મહોરાં : સત્રિય નૃત્ય-નાટયનો પ્રાણ
વિસ્તાર એક, વૈવિધ્ય અપાર, કળા બેશુમાર, પ્રકૃતિ સૌંદર્ય ભારોભાર હોય તો એને શું કહેવાય ? ઈશ્વરકૃપાનો નહિ પાર. આવા પ્રદેશમાં વિચરણ કરવા મળે તો સૌભાગ્ય અપરંપાર, હા, આ વાત છે આપણા જ દેશના પૂર્વોત્તરના રાજ્યોની - અને તેમાંય આસામના કાઝીરંગા પાર્ક (ગેંડાનાં ઘર)થી સાવ નજીક એવા જોરહાટ શહેરના પાદરે આવેલ ઘાટથી બ્રહ્મપુત્ર નદી પાર કરીને માજુલી દ્વીપે વિહરવાનો મોકો મળે તો ધન્ય ધન્ય થઈ જવાય ! અલબત્ત, પાણીના સતત સહવાસને કારણે અહીંની જમીનમાં ધોવાણ, ખારાશ, ભીનાશ અને નદીના રેતાળ કાંપની ઉપસ્થિતિ અનુભવાય છે જે ધીરે ધીરે નુકસાનકર્તા પણ સાબિત થતી જાય છે. ખેર ! માજુલી ટાપુ પરની ફળદ્રુપ માટી અને વાયરે વળી વળીને - લળી લળીને, પોતાની કાયામાં થતાં ઘર્ષણથી સૂર રેલાવીને મસ્ત ડોલતા વાંસવન બ્રહ્મપુત્રની દેન છે. હિમાલયન હિમખંડ (ગ્લેશિયર)નું પીગળેલું શીતળ, અમૃતસમ જળ, ભારે વર્ષા અહીંની નદીનાં વારિને પોષે છે માજુલીના આશરે ૩૫૨ ચો.મિ.મી. એરિયાના કણેકણમાં તેથી જ તો કળાનો આત્મા નિવાસ કરે છે. આ ટાપુ વિવિધ કળાઓનું પિયર છે - મોસાળ છે જ્યાં એ કળાઓ જન્મી, ઉછરી અને વિકસી છે. અનેક સત્રો (સંસ્થાઓ - જ્યાં ધર્મ, વિવિધ કળાનું સામંજસ્ય જોવા મળે છે) આજે પણ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. અલબત્ત, સેંકડો સત્રો આજથી પાંચસો વર્ષો પૂર્વે હતાં, પરંતુ વર્તમાનમાં માત્ર સાડત્રીસ સત્રો છે જે નિષ્ઠાપૂર્વક લુપ્ત થતી જતી કળાનું જતન કરી રહ્યાં છે.
મેઈકઅપની અધૂરપનો ઉપાય
વંશપરંપરાગત ચાલી આવતી માસ્ક કલ્ચર પ્રવૃત્તિ બહુદિશ છે. નૃત્ય-નાટયમાં પહેરવેશ તરીકે વપરાતાં મહોરાં ભીંતનાં સુશોભન પણ બને છે. એક કલાકૃતિ તરીકે તે વિશ્વભરમાં પોંખાયાં છે. નાનકડાં, હાથવગાં, સુંદર રમકડાં જેવાં મહોરાં બાળકોમાં અતિપ્રિય હોય છે. દરેક સ્વરૂપે તેના ભાવ ભિન્ન ભિન્ન હોય છે. માજુલી જતા પ્રવાસીઓ તેને સંભારણાં (સુવિનિયર) તરીકે પણ ખરીદીને ભેટરૂપે સ્વજનોને આપતા હોય છે. દેશ-પરદેશથી ઉત્સુક કલાકારો મહોરાં બનાવવાની કળાનું પ્રશિક્ષણ લેવા પણ અહીં આવી એમાં પારંગત બને છે અને એને અનુરૂપ નૃત્ય-નાટયમાં પણ ભાગ લઈ કૃતકૃત્યતાનો ભાવ અનુભવે છે. આમ, પૂર્વીય સત્રિય અને મહોરાં કળા વૈશ્વિક બની જાય છે. માજુલીનાં સામોગુરિ સત્રમાં ''સંગીત કલા કેન્દ્ર'' પરાપૂર્વથી ચાલી આવતી સંસ્થા છે જેમાં શ્રી ધીરેન ગોસ્વામી, પિતાશ્રી કોશાકાન્ત ગોસ્વામીનો વારસો જાળવી રહ્યા છે જેને માટે એમને સંગીત નાટક અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. જેનાં મૂળિયાં માટીસોતાં છે એવા ધીરેનજી વિનમ્ર ભાવે મહોરાં બનાવવાની પ્રક્રિયા ક્રમિક વિકાસાનુસાર સમજાવે ત્યારે કળા અને કળાકારમાં સંતાયેલી સરળતા સરિતાની જેમ વહેવા માંડે. મહોરામાં મૂળ 'વસ્તુ-થીમ' છે વાંસ. અષ્ટકોણિયા આકારમાં ગૂંથી તેનું માળખું બનાવવામાં આવે. જે પાત્ર નક્કી કરે તેના આકારને બ્રહ્મપુત્રના કાંપની માટીમાં છાણ ભેળવી લીંપણ કરવામાં આવે. ઉપર પાતળું સુતરાઉ કાપડ મઢી ફરી લીંપણ કરી સખત બનાવે. ચહેરાની આકૃતિ ઉપર ગાર-માટી-છાણનો ફરીથી લેપ કરી તેને સૂકાયા બાદ રંગનો 'વોશ' મારી આકાર, ઉપાકાર ઉપસાવે, પાત્રાનુરૂપ ભાવનું ઉમેરણ કરે. જૈવિક રંગો વડે સજાવે. હેંગુલ પથ્થરમાંથી લાલ, હેંતુલ પથ્થરમાંથી પીળા (હિંગોળ) મિનરલ રંગ અને વનસ્પતિજન્ય ગળીનો ભૂરો રંગ મેળવે અને ભેળવે.
માજુલી દ્વીપ પર મહોરાં કળા મહોરે
મોનેસ્ટ્રી કે મઠ કે મંદિર તરીકે પણ જાણીતા સત્રો સત્રિય નાટક માટે વિશ્વ પ્રસિદ્ધ છે, તો, કલાકારોના ચહેરા ઉપરનાં મહોરાનું પણ માજુલી ઉદ્ભવ સ્થાન છે. પંદરમી સદીમાં થઈ ગયેલ ગુરુ શ્રી શંકરદેવ ગોસ્વામીએ સૌ પ્રથમ મહોરાં બનાવ્યાં. ભાગવતના પાત્રોનાં કાલ્પનિક ચિત્રો તેમણે ''સિત્તો (ચિત્રો) ભાગવત્'' ગ્રંથમાંથી પ્રેરણા લઈને બનાવ્યાં. આ ગ્રંથમાં પૌરાણિક પાત્રોનાં પ્રેરણાસભર ચિત્રો મળી આવે છે એ આધારે આજે પણ આ પ્રણાલી ચાલુ રહી છે. ગુરુજીએ પ્રથમ માસ્ક એટલા માટે બનાવ્યું કે સત્રિય નૃત્ય અને 'ભાવના' નાટયમાં પાત્રના મેકઅપ માત્રથી સ્પષ્ટતા થતી ન હતી. પાત્રને વધુ સ્વાભાવિક અને યથાયોગ્ય બનાવવા તેમને બાહ્ય ઉપકરણની જરૂર પડી અને ગુરુજીએ સૌ પ્રથમ ગરૂડનું મહોરું બનાવ્યું. બસ, પછી તો નરસિંહ, બ્રહ્માજી, રામાયણનાં પાત્રો, પક્ષીઓ, દશાવતારનાં પાત્રો, અને અન્ય પૌરાણિક પાત્રોના મહોરાં લગાડીને નાટયકારોએ એ પ્રથા પ્રસ્થાપિત કરી દીધી. આજ દિન લગી મુખા, મુખૌટા, માસ્ક, મુખમુખા, બડામુખા, હલન-ચલન કરતા મહોરાં નામની વિવિધ ઓળખ સાથે એનું અસ્તિત્વ બરકરાર છે. જૂની કળા જળવાય છે - તો સાથે સાથે નવીનતા પણ ઉમેરાય છે. ત્રણ પ્રકારનાં મહોરાં પ્રચલિત છેઃ (૧) મુખભાવના (ચહેરો ઢાંકે તે), (૨) લોટો કોઈ (મોટાં કદનાં હોય), (૩) છો મુખા (માથા અને શરીર માટેનાં મહોરાં - જે છાતી સુધીનાં પણ હોઈ શકે). ગુરુજીની શીખ મુજબ 'અંકિત્ય નાટય' માટે લાંબા પણ વજનમાં હળવાં મહોરાં બનાવાય.
વિષય, પાત્ર, શૃંગારને જીવંત કરે તે મહોરાં
રંગ મિશ્રણની છટા પણ આ કલાકારો પાસે છે. કેસરી, લીલો રંગ મૂળ રંગમાંથી મેળવે. અંદર ગુંદર અને બીલાંનાં બીનો રસ ઉમેરે. આસામના પારંપરિક દોરા રંગોનાં શુકન કરી મહોરાંના ચહેરાને પોલિશ કરી ચમકાવી દે. પાત્રના વાળ શણના તાંતણાંમાંથી ઉગાડે જાણે! રાવણના હાથ વાંસથી બનાવે. અહીંના અન્ય વરિષ્ઠ કલાકાર પદ્મશ્રી હેમચન્દ્ર ગોસ્વામીને પણ સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળ્યો છે. તેઓના પોતાના સત્રને 'સત્સંગ સત્ર' કહી નૃત્ય-નાટય (જાતરા) અને મહોરાંમાં મ્હાલે છે. પોતાના ગૃહ મંદિરમાં ધવલ મિટ્ટીનું આંગણું પવિત્ર માની તેમાં કીર્તન, કૃષ્ણ ઉપાસના, નવનિધ ભક્તિ આદિનું આયોજન કરે અને મહેરાંની રચનામાં નૂતોન (નૂતન) પ્રયોગ કરે. પાત્રના મુખ ઉપર મુખૌટામાં છેદ પાડી આંખ, નાક, કાન, હોઠને મંચ અપાવે. અસલી મુખે સંવાદ કરાવે ત્યારે જડબું રીતસરનું હલે ! શાસ્ત્રવર્ણનમાં પરંપરાને માન આપી 'પ્રલંબાસુર' બનાવ્યો - જેના ચહેરાના અંગેઅંગ હલે ! રાક્ષસોનાં (ધેનુકાસુર) શરીર આખાં હલે - જેને બડામુખા (દસ ફૂટ) મુખા પહેરાવે. ૨૦૧૮ના પ્રજાસત્તાક દિનના ટેબ્લોમાં દશ માથાળા રાવણની પ્રસ્તુતિ વર્તુળાકાર શિર સાથે કરી. યુરોપમાં ''કૃષ્ણ ઈન ધ ગાર્ડન ઓફ આસામ'' નામક પ્રદર્શન યોજ્યું. વર્ણનાત્મક, ક્રિયાત્મક અને ભાવાત્મક પ્રસ્તુતિ આ સામના 'ગમછા' (ઉપરણા) સહિત હેમચન્દ્રજીએ કરી. આ સિવાય સિમેન્ટના મોતી બનાવી, રંગ કરી, વિંધ પાડી કલાકારો રસિકોને આકર્ષે એ છોગામાં !
લસરકો : બનહોતે કથિતો, જોપતી તે પછિતો. (વાંસની પટ્ટીઓ અને બાસ્કેટ મળશે) ઉપહાસ, કરતબ કરતા માસ્ક ખેલ કરે અને નવરસ પીરસે.