હું નાડ પારખી લઉં છું .
ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
'કિર્તન.. માય લવ. આજે આપણી જિંદગીનો સુવર્ણ અવસર છે. તારા જન્મદિવસે હું તને પિતા બનવાની ભેટ આપું છું...'
સૌ મ્યા અને કિર્તનના લગ્ન થયે લગભગ બાર વર્ષ થયા હતા. બંને મુંબઈમાં સેટલ થઈ ગયા હતા, બંને સારી નોકરી કરતા હતા. લક્ઝુરિયસ નહીં છતાં અપરમિડલ ક્લાસને શોભે એવી સરસ જિંદગી પસાર કરતા હતા. બંનેના જીવનમાં સુખ અને સુવિધાઓ હતી પણ સાથે સાથે એક એવું દુઃખ હતું જે બંનેને વારંવાર હતાશ કરતું હતું. બંનેના દાંપત્ય જીવનમાં એક બાળકની ખોટ હતી. બાળક રહે તે માટે સૌમ્યા અને કિર્તને ઘણી દવાઓ કરી, ડોક્ટરો બદલ્યા, બાધા-આખડીઓ રાખી, આઈવીએફ કરાવ્યું પણ કોઈ ફરક પડતો નહોતો. બંને માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરીને મુંબઈ ભાગી આવ્યા હતા. જો સાણંદમાં રહ્યા હોત તો નક્કી ઓનર કિલિંગ થકી બંનેનો ભોગ લેવાઈ ગયો હોત.
સંતાનનો અભાવ હવે સૌમ્યાને વધારે કઠતો હતો. બંને મન મનાવતા અને સાથે સાથે પ્રયાસ પણ કરતા હતા. આ દરમિયાન સૌમ્યાની મુલાકાત તેની જૂની સાથી કર્મચારી મૈત્રી સાથે થઈ. બંને એક હોટેલમાં ભેગા થઈ ગયા હતા. મૈત્રી પોતાના દોઢ વર્ષના પુત્રને લઈને આવી હતી. સૌમ્યાને આ જોઈને આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. તેણે આ વિશે મૈત્રી સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે, તેને કોઈ રિલેટીવે તેને ડો. પ્રયાગનો રેફરન્સ આપ્યો હતો. તેઓ નેચરોપથી અને કુદરતી ઉપચારના જાણીતા ડોક્ટર હતા. તેમની પાસે ડિગ્રી નહીં પણ મહાવરો, અનુભવ અને પરિણામો વધારે હતા. તેમને આયુર્વેદ અને કુદરતી ઉપચારનું સારું નોલેજ હતું. તેમની જ ટ્રિટમેન્ટથી મને કુદરતી રીતે સંતાનપ્રાપ્તી થઈ. ડો. પ્રયાગ ધરમપુર પાસે એક ગામમાં પોતાનું નેચરક્યોર સેન્ટર ચલાવે છે. સૌમ્યાએ મૈત્રી પાસેથી તમામ વિગતો મેળવી લીધી અને તેમની પાસે ટ્રીટમેન્ટ કરાવવાનું નક્કી કરી લીધું.
સૌમ્યાએ ઘરે આવીને આ વાત કિર્તનને પણ કરી. બંને વિકેન્ડમાં મૈત્રીએ બતાવેલા એડ્રેેસ ઉપર પહોંચી ગયા. સૌમ્યા અને કિર્તનનો જ્યારે વારો આવ્યો ત્યારે ડો. પ્રયાગે ખુરશીમાં બેઠેલી સૌમ્યાનો હાથ પકડયો અને નાડીની ગતિ માપવાનું શરૂ કર્યું.
'બેન, તમે બાર વર્ષના હતા ત્યારથી રજસ્વાલા થયા હતા અને ત્યારથી આજ દિન સુધી તમારા પિરિયડ્સ નોર્મલ નથી. તમારા શરીરમાં કાયમ ઝીણો તાવ રહે છે. તમે તેની અવગણના કરતા રહો છો. સૌથી મોટી વાત એ છે કે, તમને કુદરતી કે કૃત્રિમ રીતે ગર્ભ રહ્યો જ નહીં હોય અથવા રહેતો જ નથી.' - ડો. પ્રયાગ બોલ્યા અને સૌમ્યા તથા કિર્તન સાવ દિગમૂઢ થઈને તેમની સામે જોઈ રહ્યા.
'સાચી વાત છે. મારી કુખ ભરાય એટલા માટે જ અમે તમારી પાસે આવ્યા છીએ. ચારે બાજુથી નિરાશ થયેલા છીએ અને હવે તમે એકમાત્ર વિકલ્પ છો. મૈત્રીનું પરિણામ જોઈને હું તમારી પાસે આવી છું.' - સૌમ્યા આટલું બોલી ત્યાં તો તેનું ગળું રૃંધાવા લાગ્યું.
'બેન, ચિંતા ના કરશો હું કહું એ રીતે તમારે એક વર્ષ વિવિધ ઉપાયો અને પ્રયોગો કરવાના છે. શરૂઆતના ૯ મહિના તમારા ઘરે રહીને કુદરતી ઉપચારો કરવાના છે અને ત્યારબાદ ૩ મહિના તમારે અહીંયા રોકાવા આવવું પડશે. હું કહું એ રીતે ઉપચાર કરશો તો તમારી પીડા દૂર થશે અને તમે બેમાંથી ત્રણ-ચાર... ઈશ્વર જે આપે તે થઈ શકશો.' - ડો. પ્રયાગે કહ્યું.
'અમે તૈયારી છીએ. તમારી જે ફીસ હોય, તમે જે કરાવતા હોય તે બધું જ કરીશું. બસ અમારે સંતાન જોઈએ છે.' - સૌમ્યા અને કિર્તન બોલી પડયા. ડો. પ્રયાગે ત્યાં જ કિર્તનનો હાથ પકડીને નાડી ચેક કરી.
'ભાઈ તમારામાં વિચારવાયુ વધારે છે, ગુસ્સાનું પ્રમાણ વધારે છે તે ઉપરાંત ટેસ્ટિકલ ઉપર બાળપણની ઈજા અથવા તો કુદરતી કોઈ સમસ્યા છે જેના કારણે સ્પર્મ પ્રોડક્શન ઓછું થાય છે અને તેને બહાર નીકળવાની નસમાં વારંવાર સોજો આવે છે તેથી ઘણી વખત લોહી પણ પડે છે. હું તમને કેટલીક દવા આપીશ પણ ખાસ તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ કરવાનો છે. તમારે કામ કરતા પહેલાં વિચાર કરવાનો છે. આ કોઈ નિદાન નથી પણ અંગત અનુભવના આધારે સલાહ છે. હું તરત જ નાડ પારખી લઉં છું.' - ડો. પ્રયાગનું નિદાન સાંભળીને કિર્તન સાવ અચંબિત થઈ ગયો.
ડો. પ્રયાગે આગળ બંનેને ઉપચારો જણાવ્યા અને તે પ્રમાણેની જડીબુટ્ટીઓ અને ઉકાળા લખી આપ્યા. બંને ડો. પ્રયાગના કહ્યા પ્રમાણે સારવાર કરવા લાગ્યા. બંનેની શારીરિક સ્થિતિ પણ સુધરવા લાગી હતી. ખાસ કરીને બીજા મહિનાથી જ સૌમ્યાને શરીરમાં જે ઝીણો તાવ અનુભવાતો હતો તે ક્યાંય ગાયબ થઈ ગયો. તેના શરીરમાં સ્ફુર્તિ આવી હતી. લગભગ ચોથા મહિનાથી તો તેને પિરિયડ્સ પણ સામાન્ય આવતા થઈ ગયા હતા. કિર્તનને પણ સમસ્યાઓથી છુટકારો મળ્યો હતો. બંને ખુશ હતા. આ રીતે નવ મહિના પૂરા થયા અને સૌમ્યાને સારવાર માટે ડો. પ્રયાગના સેન્ટર ઉપર આવવાનું થયું.
સૌમ્યા અહીંયા રહેતી અને કિર્તન વિકેન્ડમાં આવીને તેની સાથે રહેતો. બંને સારવારથી ખુશ હતા. ઘણી વખત કામનું ભારણ વધારે હોય તો કિર્તન આવી શકતો નહીં તો પંદર દિવસે એક વખત આવતો. આવી જ રીતે લગભગ બે મહિના પસાર થઈ ગયા. એક દિવસ સાંજે કિર્તન અનાયાસે ડો. પ્રયાગના સેન્ટર ઉપર પહોંચ્યો. તે સૌમ્યાને આપેલી કોટેજ તરફ જતો હતો ત્યારે તેણે કોટેજમાંથી ડો. પ્રયાગને બહાર નીકળતો જોયો. કિર્તન દોડીને તે તરફ ગયો પણ ડો. પ્રયાગ બીજા કોટેજમાં જતા રહ્યા. કિર્તને પાછા વળીને સૌમ્યાના કોટેજનો દરવાજો ખોલ્યો તો અંદરનું દ્રશ્ય જોઈને ડઘાઈ ગયો.
સૌમ્યા સાવ નગ્ન અવસ્થામાં બેડ ઉપર સુતી હતી. તેના કમરથી નીચેના ભાગ ઉપર કોઈ તેલ અથવા તો પ્રવાહી લગાવ્યું હોય તેવું જણાતું હતું. સૌમ્યાની આંખો ઉપર રૂમાલ બાંધેલો હતો. કિર્તન જોઈને તરત જ ગુસ્સે થઈ ગયો પણ તેણે ગુસ્સાને કાબુ કર્યો. તે કોટેજની બહાર આવતો રહ્યો અને સામેની તરફ ગાર્ડનમાં જઈને બેન્ચ ઉપર ગોઠવાયો. તેને સમજાતું નહોતું કે શું કહેવુે કે શું કરવું. તે ગમ ખાઈ ગયો. લગભગ કલાક બાદ સૌમ્યા કોટેજની બહાર આવી અને તેણે સામે કિર્તનને બેઠેલો જોયો.
એ વિકેન્ડ દ્વિધામાં જ પસાર થઈ ગયું. કિર્તન પરત મુંબઈ ગયો પણ હવે તેનું મન અને મગજ ધરમપુરમાં જ અટવાયેલા હતા. બીજા શનિવારે તે વહેલી સવારે ધરમપુર પહોંચી ગયો ત્યારે તેણે જોયું કે, ડો. પ્રયાગ અને સૌમ્યા હાથ પકડીને ચાલતા હતા. બંનેના ચહેરા ઉપર સ્મિત હતું. કિર્તનને વિચાર આવ્યો કે કદાચ હવે સૌમ્યાનું મન બદલાઈ ગયું છે. તે ડો. પ્રયાગ સાથે રિલેશનમાં બંધાઈ ગઈ લાગે છે. તેણે આ વિશે આડકતરી રીતે સૌમ્યા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ ખાસ કોઈ જવાબ મળ્યો નહીં. આ રીતે ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. સૌમ્યા અને કિર્તન પાછા મુંબઈ જતા રહ્યા. એક મહિના બાદ માત્ર એક દિવસ માટે સૌમ્યાને ધરમપુર બોલાવાઈ હતી. કિર્તન તેને શનિવારે લઈને આવ્યો હતો. તે રાત્રે કિર્તન પોતાના ફોન ઉપર વ્યસ્ત હતો ત્યારે તેણે ફરી સૌમ્યા અને કિર્તનને એકબીજાનો હાથ પકડીને ઊભેલા જોયા. લગભગ પાંચેક મિનિટ થઈ હશે ત્યાં ડો. પ્રયાગે સૌમ્યાના કપાળ ઉપર કિસ કરી અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
કિર્તન આ જોઈને ધૂંઆપૂંઆ થઈ ગયો હતો. તેણે મનોમન નક્કી કર્યું કે હવે આ સ્થિતિનો અંત લાવવો પડશે. તે ફોન પૂરો કરીને આવ્યો ત્યારે સૌમ્યા રૂમમાં જતી રહી હતી. તેણે કશું જ કહ્યું નહીં અને બંને ઉંઘી ગયા. સવારે ટ્રીટમેન્ટ શરૂ થઈ અને લગભગ સાંજે ચાર વાગ્યે બંને ઘરે જવા રવાના પણ થઈ ગયા. આ વાતને એક મહિનો થયો ત્યાં કિર્તનનો જન્મદિવસ આવ્યો.
તેણે સૌમ્યા માટે એક સરપ્રાઈઝ સેલિબ્રેશન પ્લાન કર્યું હતું. તે ઓફિસથી અડધો દિવસ વહેલી રજા લઈને નીકળી પડયો. તે ઘરે આવ્યો ત્યારે સૌમ્યા બેડરૂમમાં ઉંઘતી હતી. તે સૌમ્યાને જગાડવા ગયો ત્યાં જ મોબાઈલ રણક્યો. તેણે ડ્રોઈંગ રૂમમાં જઈને ફોન ઉપાડયો.
'હેલ્લો સ્વીટુ... મારા મતે હવે સમય પાકી ગયો છે. આજે આપણે કિર્તનને જણાવી દેવું જોઈએ. હું થોડીવારમાં પાછો આવું છું તું તૈયાર રહેજે.' - ડો. પ્રયાગે આટલું કહીને ફોન મૂકી દીધો.
ફોન પૂરો થતાની સાથે જ કિર્તનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે પાસે પડેલી પાણીની બોટલ ગુસ્સામાં સામેની તરફ ફેંકી અને બેડરૂમની બહાર દિવાલે લગાવેલો બંનેની તસવીરનો કાચ ગયો.
સૌમ્યા આ અવાજ સાંભળીને દોડતી દોડતી બેડરૂમની બહાર દોડી આવી પણ ફ્લોર ઉપર પાણી ઢળ્યું હોવાથી તેનો પગ લપસ્યો અને તે ફસડાઈ પડી. સૌમ્યા સોફાની બાજુમાં પછડાઈ. કિર્ર્તન આ જોઈને તેને ઊભી કરવા દોડયો. તેણે જોયું તો સૌમ્યા નિશ્ચેતન પડી હતી. તેના ગળામાંથી લોહી નીકળતું હતું. એક કાચનો ટૂકડો તેના ગળામાં વાગ્યો હતો. કિર્તને જોયું તો સોફા ઉપર એક બર્થડે કાર્ડ પડયું હતું. તેણે કાર્ડ ખોલ્યું તો અંદર લખ્યું હતું,
'કિર્તન.. માય લવ. આજે આપણી જિંદગીનો સુવર્ણ અવસર છે. તારા જન્મદિવસે હું તને પિતા બનવાની ભેટ આપું છું. ડો. પ્રયાગના સ્વરૂપે મને મારો ખોવાયેલો ભાઈ પાછો મળી ગયો. પ્રયાગ મારા કાકાનો જ દીકરો છે જે અમારા પરિવારની રૂઢિઓથી કંટાળીને બાળપણમાં ઘર છોડીને જતો રહ્યો હતો. સારવાર દરમિયાન અમે બંને એકબીજાના પરિચયમાં આવ્યા અને સ્થિતિ સ્પષ્ટ થઈ. આજે અમે તને અમારા સંબંધ અને આપણા સંબંધના પરિણામની સરપ્રાઈઝ આપવાના છીએ. હેપ્પી બર્થ ડે. આજે તારો કિર્તન તરીકે અને આપણા સંતાનના પિતા તરીકે નવો જન્મ દિવસ છે. આઈ લવ યુ.'
કિર્તનના શરીરમાંથી જાણે કે ચેતના જ જતી રહી હતી. તે સૌમ્યાના ઠંડા પડેલા શરીરને અને હાથમાં રહેલા બર્થ ડે કાર્ડને જોયા કરતો હતો ત્યાં જ ડોરબેલ વાગ્યો. તેણે દરવાજો ખોલ્યો તો સામે ડો. પ્રયાગ હતો. પ્રયાગ અંદર આવ્યો ત્યાં જ તેની નજર સૌમ્યા ઉપર પડી જે લોહીના ખાબોચિયાની વચ્ચે પડી હતી. તેણે સૌમ્યાની નાડી પકડી અને તરત જ છોડી દીધી. પ્રયાગ સામે ઊભેલા કિર્તનની સામે જ્યારે કિર્તન ત્યાં લોહીના ખાબોચિયા પાસે બેઠેલા પ્રયાગની સામે જોઈ રહ્યા હતા.