જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી
Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
તબીબી અભ્યાસ છોડીને ભારતના સૌપ્રથમ પ્રોફેશનલ વોલીબોલ ખેલાડી તરીકે અબુધાબી અને ઈટાલીમાં ધૂમ મચાવનારા જીમ્મીનું ૧૯૮૭માં ૩૨ વર્ર્ષની વયે ઈટાલીમાં જ માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું હતું
મ હાન ખેલાડીઓ તૈયાર નથી, પણ જન્મે છે તેવી અતિ પ્રચલિત દંતોક્તિ અસાધારણ પ્રતિભા અને તેને વિકાસ માટે મળેલા અનુકૂળ વાતાવરણના સમન્વયને દર્શાવે છે. આમ છતાં ગમે તેટલી વિશિષ્ટ પ્રતિભા હોય પણ જ્યાં સુધી તે કસોટીના સંઘર્ષને પાર ન કરે ત્યાં સુધી ઊંચાઈને હાંસલ કરી શકતી નથી. આ માટે પોતાની જાતને તત્કાલીન પડકારો માટે તૈયાર રાખવા માટે મહેનત એ પાયાની શરત છે અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. તેના સહારે જ વિશિષ્ટ પ્રતિભાઓ એવી અસાધારણ સિદ્ધિ હાંસલ કરી શકે છે, જે પૂરોગામી અને અનુુગામીઓ વચ્ચે ઉત્તુંગ શિખર સમાન ગૌરવપૂર્ણ સ્થાન મેળવે છે અને સુવર્ણની જેમ દરેક પેઢીને તેના ઝળહળાટથી ચકિત કરે છે.
ભારતમાં બહોળી લોકપ્રિયતા અને વ્યાપ ધરાવવા છતાં વોલીબોલની રમતમાં રાષ્ટ્રીય ટીમના પર્ફોર્મન્સ તેમજ તેના સ્ટાર ખેલાડીઓ અંગે સામાન્ય નાગરિકો લગભગ અંધારાંમાં જ જોવા મળતા હોય છે. ક્રિકેટના ભગવાન તરીકેની તેંડુલકરની ઓળખ તો સર્વવિદીત છે. જોકે, ભારતીય વોલીબોલની રમતના ભગવાન તરીકેેનું ગૌરવ ધરાવતા જીમ્મી જ્યોર્જના નામથી જૂજ રમતચાહકો જ પરિચીત હશે. કેરળના આ છ ફૂટ અને બે ઈંચની ઉંચાઈ ધરાવતા ખેલાડીએ એક જમાનામાં ટાંચા સાધનો અને મર્યાદિત સંસાધનો છતાં પોતાની પ્રતિભાને બળે ભારતીય વોલીબોલને વિશ્વફલક પર આગવું મહત્વ અપાવ્યું હતુ, જેના કારણે તેના અવસાનના સાડા ત્રણ દશક બાદ પણ આજે તેનું નામ ભારતીય રમત ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે.
કેરળના કન્નુર વિસ્તારના પેરાવૂર નજીકના થુન્ડિયીલમાં જન્મેલા જીમ્મી જ્યોર્જે ખેલાડીઓ માટેની અને ભારતીય વોલીબોલ માટેની લોકમાન્યતાઓને બદલી નાંખવાની સાથે સાથે અબુ ધાબી અને ઈટાલીની વોલીબોલ લીગમાં પોતાની આગવી રમતની સાથે સાથે જબરજસ્ત જમ્પ અને પાવરફૂલ સ્મેશને સહારે ખળભળાટ મચાવ્યો. જીમ્મીએ ભારતને ૧૯૮૬ની સેઉલ એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક અપાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે એશિયન ગેમ્સ વોલીબોલમાં ભારતનો ત્રીજો અને આખરી ચંદ્રક હતો. ભારતીય વોલીબોલની સ્વર્ણિમ પેઢીના પ્રહરી એવા જીમ્મીએ પોતાની વિશિષ્ટ પ્રતિભા અને આગવા કૌશલ્યને સહારે ભારતીય રમત ઈતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે.
જીમ્મીના પિતા જોસેફ જાણીતા વકીલ હતા. તેની માતા મેરી ઘર પરિવારની દેખરેખ રાખતી. જીમ્મીનો જન્મ ૮ માર્ચ, ૧૯૫૫ના રોજ થયો હતો. તે જ્યોર્જ પરિવારના આઠ પુત્રોમાં બીજા ક્રમે હતો. કેરળની રમત સંસ્કૃતિના સંસ્કાર તેને શરુઆતથી મળ્યા અને તેમાં ય વોલીબોલ તરફનું આકર્ષણ તો જાણે પિતાએ તેેને વારસામાં આપ્યું હતુ. જોસેફ ખુદ એક યુનિવર્સિટી લેવલના પ્લેયર રહી ચૂૂક્યા હતા અને તેઓ તેમના સંતાનોને રમતમાં આગળ વધવાની પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડતાં.
પરિવારની શિસ્તબદ્ધ જીવન શૈૈલી અને સ્વાસ્થ્ય અંગેની સભાનતાને કારણે જીમ્મીમાં એક આદર્શ ખેલાડી તરીકેના ગુણોનો આપમેળે વિકાસ થયો. તેની ફિટનેસ સમવયસ્કોમાં પ્રભાવશાળી હતી. આ જ કારણે વોલીબોલની સાથે સાથે તે સ્વીમિંગમાં પણ સ્પર્ધાઓમાં ભાગ લેતો અને મેડલ જીતતો. અચ્છો ખેલાડી હોવાની સાથે તે મેધાવી પણ હતો અને તેના જ કારણે ચેસની રમતમાં પણ તે ભલભલા ખેલાડીઓને હંફાવતો. રમતના મેદાનની સાથે સાથે જીમ્મીના અભ્યાસનું રિપોર્ટ કાર્ડ પણ તેની વિશિષ્ટ પ્રતિભાનો ચમકારો દેખાડતો. આ કારણે શાળાજીવનથી જ તેેના શિક્ષકોને લાગતું કે, આ છોકરો એક દિવસ મોટું નામ કાઢશે.'
વોલીબોલ તો જ્યોર્જ પરિવારના લોહીમાં ધબકતું હતુ. જોસેફ-મેરીના આઠમાંથી ચાર પુત્રોએ તો રાષ્ટ્રીય સ્તરે કેરળની ટીમના રમીને અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. શાળાકીય વોલીબોલમાં અસાધારણ દેેખાવ કરનારા જીમ્મીને ૧૯૭૧માં માત્ર ૧૬ વર્ષની વયે કેરળની વોલીબોલ ટીમમાં સ્થાન મળ્યું હતુ. તેણે નવ વખત એટલે નવ વર્ષ નેશનલ ચેમ્પિયનશિપમાં કેરળનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તેણે ૧૯૭૩માં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી વોલીબોલ ચેમ્પિયનશિપમાં પહેલા જ વર્ષે કેરળ યુનિવર્સિટીના કેપ્ટન તરીકે પ્રવેશ કર્યો અને ટીમને ચેમ્પિયન બનાવી. તેનો આ સિલસિલો લગલગાટ ચાર વર્ષ સુધી ચાલ્યો. ઓલ ઈન્ડિયા ઈન્ટર યુુનિવર્સિટીના દેખાવને સહારે તેને ૧૯૭૪ની તહેરાન એશિયન ગેમ્સ માટેની ભારતીય વોલીબોલ ટીમમાં સ્થાન મળી ગયું. તેને ૨૧ વર્ષે અર્જુન એવોર્ડ પણ એનાયત થયો. તે અર્જુન એવોર્ડ જીતનારો તે સમયનો સૌથી યુવા ખેલાડી હતો.
આ દરમિયાન જ અભ્યાસમાં તેની તેજસ્વીતાને કારણે તેને થિરુવનંતપુરમની સરકારી તબીબી શિક્ષણની કોલેજમાં પણ પ્રવેશ મળી ગયો. એક તરફ વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં એડમીશન મેળવવા માટે ભારે સંઘર્ષ કરતાં જ્યારે જીમ્મીએ તો વોલીબોલ રમતાં રમતાં મેડિકલમાં એડમીશન મેળવી લીધું હતુ. અલબત્ત, વોલીબોલ તરફ તેનો ઝુકાવ જારી જ રહ્યો. અભ્યાસ અને રમતની વચ્ચે અટવાયેલા જીમ્મીને શું પસંદ કરવું તેની સંપૂર્ણ છૂટ તેના પરિવારે આપી. આ દરમિયાન જ તેની મુલાકાત ભારતીય વોલીબોલ ટીમનો કેમ્પ લેવા આવેલા રશિયન કોચ સર્ગેઈ ઈવાનોવિચ ગાવરિલોવની સાથે થઈ.
તિરુવનંતપુરમમાં યોજાયેલા એક સપ્તાહના વોલીબોલ કેમ્પમાં સર્ગેઈની નજર આ ઉભરતાં સિતારા પર પડી. તેમણે જ જીમ્મીને પ્રોફેશનલ વોલીબોલ ખેલાડી બનવાની સલાહ આપી. તે સમયે ભારતમાં પ્રોફેશનલ ખેલાડી બનવાનું સાહસ કરવા વિશે કોઈ વિચારતું સુદ્ધાં ન હતુ, ત્યારે સર્ગેઈની સલાહ પર જીમ્મીએ આ મુશ્કેલ નિર્ણય લીધો અને મેડીકલ કોલેજ છોડી દીધી. આજીવિકા માટે તેણે કેરળ પોલીસમાં પૂર્ણકાલિન નોકરી પણ સ્વીકારી લીધી.
અસાધારણ કુદકાને કારણેે જાણીતા જીમ્મીને હરિફ ટીમ પર એડવાન્ટેજ મળતો. તે એટલી ઉંચાઈથી સ્મેશ મારતો કે હરિફ ટીમના બ્લોકરના હાથની ઉપરથી બોલ જતો રહેતો. ૧૯૭૯માં તેણે અબુ ધાબી સ્પોર્ટસ કલબમાં જોડાવાનું નક્કી કર્યું ત્યાં પર્શિયન ગલ્ફ વોલીબોલમાં ધૂમ મચાવી. અબુ ધાબી કલબ તરફથી તેે ત્રણ વર્ષ રમ્યો અને પશયન ગલ્ફનો શ્રેષ્ઠ ખેલાડી પણ જાહેર થયો. ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ બાદ તે ઈટાલીના પાલાવિલો ટ્રેેવિસો કલબમાં જોડાયો, જ્યાં તેને દુનિયાના શ્રષ્ઠ વોલીબોલ ખેલાડીઓની સામે અને સાથે રમવાનો અનુભવ મળ્યો. જેના કારણે તેની રમતમાં વધુુ નિખાર આવ્યો અને તેની આક્રમકતા વધુ ઘાતક બની. જીમ્મીએ યુરોપીયન વોલીબોલ લીગમાં રમનારા પહેલા ભારતીય ખેલાડી તરીકેનું પણ ગૌરવ હાંસલ કર્યું.
પ્રોફેશનલ વોલીબોલ ખેલાડી તરીકેની ઝળહળતી કારકિર્દી છતાં જીમ્મીએ ક્યારેય રાષ્ટ્રીય ટીમમાં રમવાનો ઈનકાર કર્યો નહતો, ક્યારેય થાકનું બહાનું બનાવીને બ્રેકની માગણી કરી નહતી. તહેરાનમાં ૧૯૭૪ અને બેંગકોકમાં ૧૯૭૮માં એશિયન ગેમ્સમાં ભાગ લેનારા જીમ્મીએ ૧૯૮૬માં સેઉલમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તે એશિયન ગેમ્સમા ભારતની સાથે જાપાન, ચીન અને સાઉથ કોરિયા અંતિમ ચારમાં ક્વોલિફાય થયા હતા અને લીગ રાઉન્ડના અંતે વિજેતા જાહેર થયા. ભારતનો ચીન અને સાઉથ કોરિયા સામે પરાજય થયો. જોકે ભારતેે પાંચ વખતના ચેમ્પિયન જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ભારતની આ બ્રોન્ઝ મેડલ જીતનારી વોલીબોલ ટીમમાં પુસાર્લા વેંકટા રામના પણ હતા. તેમની પુત્રી પુસાર્લા વેંકટા સિંધુએ ભારતને બેડમિંટનમાં બે ઓલિમ્પિક મેડલની સાથે એક વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો ખિતાબ પણ અપાવ્યો છે.
જીમ્મી જ્યોર્જના પરિવારે ભારતીય વોલીબોલને જ નહીં, પણ અન્ય રમતોમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ભારતની મહાન એથ્લીટ અને એક સમયની દિગ્ગજ લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જ જીમ્મીની ભાભી છે. જીમ્મીના ભાઈ બોબી જ્યોર્જે એથ્લેટિક્સના કોચ તરીકે અસાધારણ દેખાવ કરતાં ભારતને નવી ઊંચાઈએ પહોંચાડવા માટેે અથાક મહેનત કરી છે. બોબી અને અંજુ જ્યોર્જના માર્ગદર્શનમાં ભારતીય લોંગ જમ્પમાં શૈલી સિંઘ નામની આશાસ્પદ ખેલાડી હાલ તૈયાર થઈ રહી છે.
એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલના એક વર્ષ બાદ હૈદરાબાદમાં યોજાયેલી ગોલ્ડ કપ ઈન્ટરનેશનલ વોલીબોલ ટુર્નામેન્ટમાં જીમ્મીની ટીમે ટાઈટલ પણ જીત્યું હતુ. ઈટાલીયન લીગમાં જીમ્મીની લોકપ્રિયતાની સાથે ડિમાન્ડ
પણ વધી રહી હતી. ૧૯૮૭-૮૮ની સિઝનમાં ઈટાલીની ટોપ ડિવિઝન લીગની કલબ યુરોસ્ટાઈલ-યુરોસીબાએ જીમ્મીને કરારબદ્ધ કર્યો હતો, પણ ૩૦ નવેમ્બર, ૧૯૮૭ના રોજ ઈટાલીમાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં તેનું કરુણ મોત નીપજ્યું હતુ. જીમ્મીના અવસાનના સમાચારથી ભારત અને ઈટાલીના રમત વર્તુળોમાં ભારે શોકની લાગણી ફેલાવા પામી હતી.
અકસ્માતના એક સપ્તાહ બાદ જીમ્મીના પાર્થિવ દેેહને તેના વતનમાં પાછો લાવવામાં આવ્યો ત્યારે હજ્જારોની સંખ્યામાં વોલીબોલના ચાહકો તેની અંતિમયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. અકાળે અસ્ત થયેલા ભારતીય વોલીબોલના સિતારાની યાદમાં કેરળમાં આજે પણ કેટલાક સ્ટેડિયમો અને મેદાન આવેલા છે. જોકે, તેની મહાનતાનો પૂરાવો તો એ છે કે, ઈટાલીયન લીગમાં માત્ર છ જ વર્ષનો સમય પસાર કરનારા જીમ્મીએ ત્યાં એવો પ્રભાવ પાડયો હતો કે, જેના કારણે ઈટાલીના બ્રેસિયા પ્રોવિન્સના મોન્ટીચિએરીમાં એક ઈન્ડોર સ્ટેડિયમને ૧૯૯૩માં પાલાજ્યોર્જ નામ આપવામાં આવ્યું. ઈટાલીની કોલેટ્ટો કલબની નજીકના એક માર્ગને પણ જીમ્મી જ્યોર્જ નામ આપવામાં આવ્યું છે, જે ઈટાલીયન પ્રજાએ તેના આંગણે ખેલનારા ભારતીય વોલીબોલના સુપરસ્ટારને આપેલું એક વિશિષ્ટ સન્માન છે.
જોકે, ઈટાલીમાં હજુ પણ જીમ્મી જ્યોર્જની યાદ ધબકતી રહી છે. અલબત્ત, કરુણતા એ છે કે, ભારતીય વોલીબોલના આ ભગવાનને વોલીબોલના જાણકાર વર્તુળો અને કેરળની બહાર ઓળખ મળી શકી નથી.