Get The App

મથુરાની કૃષ્ણ જન્મભૂમિ મુદ્દે કાનૂની જંગ

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
મથુરાની કૃષ્ણ જન્મભૂમિ મુદ્દે કાનૂની જંગ 1 - image


હોટલાઈન-ભાલચંદ્ર જાની

શત્રુધ્નએ લવણ નામના રાક્ષસનો વધ કરીને મધુરા નામનું નગર વસાવ્યું. કાળક્રમે મધુરાનો ઉલ્લેખ મથુરા તરીકે થવા લાગ્યો

સ દીઓથી ચાલતા રામ જન્મભૂમિના વિવાદનો સુખદ અંત આવ્યો છે. એટલું જ નહીં, હવે તો અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે જ ભવ્ય રામ મંદિર બંધાઈને તૈયાર થઈ ગયું છે.

આવતી ૨૪ જાન્યુઆરીએ તો નવા, ભવ્ય રામમંદિરમાં બિરાજમાન રામલલ્લાના  દર્શન કરવા અયોધ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ ઉમટશે 

ઘણાં  લોકોને એ યાદ નહીં  હોય  કે  અયોધ્યામાં રામમંદિર બાંધવાના મુદ્દે જ વિવાદ  ચાલતો   હતો  તે વખતથી જ  કાશી-મથુરાના મુદ્દે ચડભડ શરૂ થઈ હતી.    વિશ્વ હિંદુ પરિષદ મથુરામાંના કૃષ્ણજન્મસ્થાને 'મુક્ત' કરાવવાની વાતો  ઘણા  સમયથી  કરી રહી છે.

તાજેતરમાં  અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વલણથી  ન્યાયનું  પલડું કૃષ્ણપ્રેમીઓની તરફેણમાં  ભારી હોય તેવું લાગે છે. 

 અલ્લાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ મયંકકુમાર જૈનના નેતૃત્વ નીચેની બેન્ચે એએસઆઇ દ્વારા જ્ઞાનવાપીની જેમ મથુરાની મસ્જિદનો સરવે કરાવવાની પણ છૂટ આપી દીધી છે. આ બન્ને મસ્જિદો હિન્દુઓના ધાર્મિક સ્થળો પર બનાવવામાં આવી હોવાનો દાવો કરાઇ  રહ્યો  છે.  

 આ દાવાને પુષ્ટિ આપતી વિગતો રજૂ કરતા અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તેમાં કમળાકાર સ્તંભો છે જે હિન્દુ મંદિરોમાં  જોવા 

મળે છે  તે ઉપરાંત તેમાં શેષનાગની આકૃતિ કંડારેલી છે. હિન્દુ પુરાણો પ્રમાણે શેષનાગે જ ભગવાન શ્રીકૃષ્ણની ઉપર છત્ર બની વસુદેવને યમુના પાર કરતા હતા ત્યારે તેમની રક્ષા કરી હતી. આ ઉપરાંત તે મસ્જિદના સ્તંભો ઉપર હિન્દૂ ધર્મના ચિન્હો તથા શ્લોકો કંડારેલા છે જે તે સ્તંભોના નીચેના ભાગમાં રહેલા છે.

 અરજી પ્રમાણે જે સ્થળે અત્યારે મસ્જિદ બાંધવામાં આવી છે તે સ્થળે મથુરામાં સદીઓ પહેલાં કંસનો કારાવાસ હતો. એ કારાવાસમાં જ શ્રીકૃષ્ણનું પ્રાગટય થયું હતું. એટલે જેલને શ્રીકૃષ્ણજન્મનું મૂળ સ્થળ માનીએ તો એ સ્થળની માલિકી મંદિરન મળવી જોઈએ એવી માગણી થઈ છે.  

 શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા  કરાયેલી  અરજીમાં  એવો દાવો કરવામાં આવ્યો છે કે કથિત શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ હિન્દુ મંદિરને તોડીને કરવામાં આવ્યું હતું.  અરજદારે સુપ્રીમ કોર્ટમાં દલિલ કરી છે કે વિવાદિત ભૂમિના સંબંધમાં કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને મસ્જિદ સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલા દાવાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વૈજ્ઞાનિક સરવે જરૂરી છે.  શાહી મસ્જિદ અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા તેનો વિરોધ કરાયો  હતો પરંતુ સુપ્રીમે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને બહાલી આપી છે. 

કોર્ટ સમક્ષ કરાયેલી પિટિશનમાં  એવો પણ દાવો કરાયો છે કે ૧૩.૩૭ એકર જમીન પર ઔરંગજેબ દ્વારા  મંદિર તોડીને ઇદગાહ તૈયાર કરવામાં આવી હતી. તેઓએ શ્રીકૃષ્ણના જન્મ અને મંદિર બનવા સુધીનો ઇતિહાસ  સુધ્ધાકોર્ટમાં રજુ કર્યો હતો.   એટલું જ નહીં,  હિન્દુ પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે અમે ઇદગાહ મસ્જિદના બદલામાં ત્રણ ગણી વધુ જમીન અન્ય સ્થળે આપવા માટે તૈયાર છીએ. હિન્દુ પક્ષના જવાબ બાદ હવે શાહી મસ્જિદ ઈદગાહ  કમિટીના અધ્યક્ષ જેડ હસને કોર્ટ બહાર વિવાદના ઉકેલના બદલે  કહ્યું  હતું  ં કે અમે મસ્જિદના માલિક નથી, અમે ખાલી દેખરેખ રાખીએ છીએ. અસલી માલિક તો જનતા છે અને તે જ નક્કી કરશે કે આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવો.  

અયોધ્યાનો રામમંદિરનો મુદ્દો   જેટલો જીવંત અને સ્ફોટક  હતો  એટલી મથુરાની કૃષ્ણ જન્મભૂમિ ભલે વિવાદાસ્પદ ન લાગતી હોય, પરંતુ ગમે ત્યારે અહીં પણ મતોનું રાજકારણ વરવું સ્વરૂપ ધારણ કરે તો ધાંધલ ધમાલ મચી જાય. મથુરા શહેરમાં આમ તો એકંદરે શાંતિ પ્રવર્તે છે. પરંતુ અહીંની કૃષ્ણ જન્મભૂમિના મંદિરને ઈદગાહની છાયામાંથી મુક્ત કરવા માટે શ્રીકૃષ્ણ જન્મસ્થાન વિકાસ સમિતિની રચના  વરસો પૂર્વે હિન્દુ આગેવાનોએ કરી છે. આ સમિતિ અયોધ્યામાં રામજન્મભુમિને આઝાદ કરવા જે જાતનું આંદોલન થયું તેવી ઝુંબેશ ચલાવે છે. એક બાજુ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો છે. તો સામા પક્ષે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામના યુવાન પુત્રએ મથુરામાં આદમસેનાને નામે વિરોધી દળ રચ્યો છે.

મથુરાના કૃષ્ણ મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વારે બોર્ડ મારેલું છે. જેમાં અહીંના ચાર હિન્દુ મંદિરો કેવી રીતે બનાવાયા અને નષ્ટ થયા તેની વાતો છે. આધુનિક વિવાદનું કારણ ચોથું મંદિર છે. જે ઓરછાના વીર સિંહદેવ બુંદેલાએ મુગલ સમ્રાટ જહાંગીરના શાસનકાળમાં બાંધ્યું હતું.

રામાયણમાં એવી કથા છે કે રામના નાના ભાઈ શત્રુધ્નએ લવણ નામના રાક્ષસનો વધ કરીને ઉત્તરભારતમાં મધુરા નામનું નગર વસાવ્યું. કાળક્રમે મધુરાનો ઉલ્લેખ મથુરા તરીકે થવા લાગ્યો. અહીં કાતરા કેશવદેવ નામના વિસ્તારમાં ૧૩ એકર જેટલી જમીનમાં મંદિરને નેસ્તાનાબૂદ કરીને ઔરંગઝેબે એક ઈદગાહ ખડી કરી હતી.

ફ્રેન્ચ મુસાફર ટેવર્નિયરે તેની મથુરા મુલાકાતના આલેખનમાં ૧૬૫૦માં અહીં મંદિર હોવાનો ઉલ્લેખ કર્યો છે, પણ ઔરંગઝેબે ૧૬૬૯માં, તેનો વિનાશ કરવાનો આદેશ આપ્યો હતો અને કેશવદેવના મંદિરના થાંભલા પરથી જ વર્તમાન ઈદગાહ બાંધવામાં આવી હતી. હાલમાં તમે કૃષ્ણ મંદિર જોવા જાવ તો  તેની લગોલગ, અડીને જ ઊંચી મસ્જિદ છે. મંદિરના કરતાં ય લાલપથ્થરની બનેલી મસ્જિદ વધુ ઊંચી છે. એટલે આ મંદિર જાણે મસ્જિદના પડછાયામાં ઊભેલી હોય તેવું લાગે. મસ્જિદના વિરાટ લીલા, સફેદ ગુંબજ મંદિર પર હાવી થતા હોય તેવું અગાઉ ભાસતું હતું. પરંતુ થોડાં વરસ પૂર્વે મંદિરના શિખરો ઊંચા લઈ જવાયા પછી હવે આ બે ધર્મસ્થાનકો વચ્ચે ઊંચાઈની બરોબરી થઈ હોય તેવું લાગે.

મંદિર-મસ્જિદનું આ સંકુલ પ્લેસ ઓફ વર્શિપ એક્ટ ૧૯૯૧ હેઠળ આવરી લેવાયો છે. ધારા મુજબ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આ સંકુલનું જે ધાર્મિક સ્વરૂપ હોય તે જાળવી રાખવું પડે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને એવો આદેશ આપ્યો છે કે કોઈપણ સંજોગોમાં કાશીની  જ્ઞાન વ્યાપી  મસ્જિદ તથા મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો ધ્વંસ થવો ન જોઈએ.

મથુરાના સ્થાનિક ઈમામ તથા અહીંના હિન્દુ સંન્યાસીઓ વચ્ચે જો કે સદભાવના પ્રવર્તે છે. તેઓ એવું કહે છે કે કેટલાક  રાજકારણીઓ જાણી જોઈને આ કૃષ્ણ જન્મભૂમિ અને મસ્જિદનો વિવાદ ઊભો કરી રહ્યાં છે. આજ સુધી મથુરામાં ભાગ્યે જ કોમી તોફાનો થયા છે. હવે કેટલાક માથાભારે લોકો અહીં દંગાફસાદ કરાવવા તલપાપડ છે.

 આ   બધા  વિવાદની વચ્ચે   ભાજપની સાંસદ હેમામાલિનીએ   પણ આશા વ્યક્ત કરી હતી કે અયોધ્યા અને કાશી પછી તેમના મતવિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનશે.   તેમણે આ માટે કાશી વિશ્વનાથ કોરિડોરનો હવાલો આપ્યો. હેમામાલિનીએ જણાવ્યું હતું કે રામજન્મભૂમિ અને કાશીના કાયાકલ્પ પછી હવે સ્વાભાવિક રીતે મથુરા અત્યંત મહત્ત્વનું છે. મથુરાની સાંસદ હોવાના નાતે હું કહીશ કે એક ભવ્ય મંદિર તો હોવું જોઈએ.  

અહીંના એક પ્રાધ્યાપક પોતાનું નામ ન આપવાની શરતે કહે છે 

કે ૧૯૬૨માં ઈન્ડિયન એક્સપ્રેસ જૂથના વડા રામનાથ ગોએન્કાએ જૂનાં કૃષ્ણમંદિરનો જીર્ણોદ્ધાર 

કરીને નવું મંદિર બંધાવ્યું હતું.

 પરંતુ એ મંદિર  મૂળ કૃષ્ણ જન્મભૂમિના સ્થાને નથી બંધાયું. અસલ મંદિર હતું તેના ઉપર તો મસ્જિદ ચણી લેવાઈ છે. કોઈ વિદેશી જો આ મંદિર અને મસ્જિદને અડોઅડ જુએ તો ભારતમાં  હિન્દુ-મુસ્લિમો વચ્ચે કેટલો સંપ છે તેવી છાપ પડે. પરંતુ  બીજી જ ક્ષણે સાચી વાત જાણતાં ભ્રમણા ભાંગી જાય. મંદિરના પ્રાંગણમાં પ્રવેશો કે તરત જ જાત જાતના પોસ્ટર, બેનર વાંચવા મળે. જેમકે હિન્દુકી રક્ષા કરો, ઊર્દુ હટાઓ વગેરે.

એક વાત નોંધવા જેવી છે કે મથુરામાં મુસ્લિમોની વસતિ બહુ ઓછી છે. અહીંના મુસલમાનો શાંતિપ્રિય છે. ઘણાં મુસ્લિમ યુવકો મથુરાની યાત્રા કરવા આવતા પ્રવાસીઓની સરભરા કરીને રોજીરોટી કમાય છે. કેટલાંક મુસ્લિમ છોકરા છોકરીઓ કૃષ્ણ ભગવાનની પ્રિય વાંસળી વેંચીને અથવા મોરપંખ વેંચીને આવક રળે છે.

એક જાણકારે અયોધ્યા અને મથુરાના વિવાદને એકબીજાથી સાવ નોંખા ગણાવ્યા એનો અભિપ્રાય એવો છે કે અયોધ્યાની જેમ મથુરામાં કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ બાબતે ધર્મસ્થાનની માલિકીનો કે બીજો કોઈ કાનૂની વિખવાદ નથી. આ  મંદિર-મસ્જિદ ભલે એકબીજાની પડખે હોય, પરંતુ તેમનું અસ્તિત્વ સાવ અલગ છે, બંનેના પ્રવેશદ્વાર પણ નોખાં છે. જ્યારે  અયોધ્યામાં રામ જન્મભૂમિના મોટાં હિસ્સા પર બાબરી મસ્જિદ ચણવામાં આવી હતી. તેને કારણે જ વિવાદ ઉગ્ર બન્યો હતો. વળી ઇદગાહમાં નમાજ પઢવામાં આવે છે. ખાસ કરીને શુક્રવારે અહીં મુસ્લિમ ભક્તોની ભીડ જામે છે.

 ૧૯૬૮માં કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટ વચ્ચે થયેલા કરારમાં સંકુલમાંની મિલકતના માલિકો કોણ છે તે અંગે સ્પષ્ટતા થઈ ગઈ હતી. પરિક્રમાનો કાર્યક્રમ જાહેર કરીને અગાઉ વિહિપે એવી સ્થિતિ ઊભી કરી હતી કે મંદિરના સંકુલની ચોથી દીવાલ જેવી મસ્જિદ પણ પરિક્રમાના  માર્ગમાં આવી જાય. આમ તો ૧૯૬૮ની સમજૂતીનો ભંગ થવાના ડરે કૃષ્ણ જન્મસ્થાનની પરિક્રમા જ કરાવવામાં નથી આવતી અને તે માટે પરવાનગી પણ  નથી અપાતી. બીજી તરફ દરેક ઈદના દિવસે સત્તાવાળા મસ્જિદના પ્રવેશદ્વાર પાસે સાફસુફી કરાવી મુસ્લિમોની આવજા માટે સલામતી બંદોબસ્ત કરે છે.

 થોડાં  વર્ષ પૂર્વે અચાર્ય ગિરિરાજ કિશોરે કહ્યું હતું કે 'અમે કોઈ સમજૂતીથી બંધાયેલાં નથી. અમે (હિન્દુઓ) એ જમીનના  માલિકી હક ધરાવતા હોવાથી તેનો કબજો મેળવવા માટે કાનૂની લડત ચાલુ રાખશું.'

કૃષ્ણ જન્મભૂમિ સ્થળની જગ્યા કરતા કેશવ દેવના પ્લોટ પર માલિકીનો દાવો કરતું શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ વર્ષોથી એવી રજૂઆત કરે છે કે શાહી ઈદગાહ મસ્જિદ અમારી જમીન પર ખડી છે. આ ટ્રસ્ટના પ્રવક્તા વિજય બહાદુર સિંહ કહે છે કે કતરા કેશવ દેવના ૧૩.૩૭ એકરના પ્લોટ પર કૃષ્ણમંદિર ઉપરાંત મસ્જિદ તથા ૫૦ મુસ્લિમ પરિવાર રહે છે. આ મુસ્લિમ નાગરિકો ઔરંગઝેબના વારસદાર હોવાનું મનાય છે.  

આ સ્થળના આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ આમ તો સામાન્ય જ છે અને શેરીઓની ગીચતા દેખાઈ આવે છે છતાંય આ વિસ્તારમાં ગોઠવવામાં આવેલી લશ્કરની કેટલીક ટુકડીઓ, સ્થાનિક કોસ્ટેબ્યુલરીના અધિકારીઓ અને અર્ધલશ્કરી દળના જવાનોની ભારે સંખ્યા અહીંની અસામાન્ય પરિસ્થિતિ પ્રત્યે લોકોને સાવચેત કરે છે.

આમ છતાંય અહીંનું વાતાવરણ ક્યારે બદલાશે  એ કહી ન શકાય એટલે શ્રીકૃષ્ણજન્મસ્થાન મંદિર અને શાહી મસ્જિદ, બન્નેનાં પ્રવેશદ્વારો પર મેટલ ડિટેક્ટરો ગોઠવી દેવામાં આવ્યાં છે. શસ્ત્રધારી સલામતી દળો બન્ને સ્થળોની ફરતે ગોઠવી દેવાયાં છે અને મસ્જિદની બરોબર પાસે આવેલા એક ખાલી મંદિરના પરિસરમાં વાડ બાંધવામાં આવી છે.

મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટના  જણાવવા મુજબ કોઈ પણ ભાંગફોડિયાં તત્ત્વોના પ્રયાસો સામે બન્ને ભક્તિસ્થળો સુરક્ષિત રાખવા માટે ૧૩.૭૭ એકર વિસ્તારની ફરતે સીઆરપીએફની ત્રણ કંપની, આશરે દોઢસો પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

આ વિશાળ ફલકને આવરી લેવા માટે અનેક સ્થળોએ માંચડાઓ (વૉચટાવર્સ) ઊભા કરવામાં આવ્યા છે અને કોઈ પણ અવાંચ્છનીય ઘટના ટાણે દોડી જાય તેવી બૉમ્બ ડિસ્મપોઝલ સ્કૉડ પણ ગોઠવવામા આવી છે. પોલીસ વિભાગ સાથે સંકળાયેલા બન્ને કોમના લોકો પાસેના વિસ્તારોમાં શાંતિથી રહે છે.   ૧૯૯૨ ના અયોધ્યાના બનાવ પછી અહીં પણ કેટલાક લોકોએ તોફાન મચાવવાના પ્રયાસો કર્યા હતા, કિંતુ કડક વહીવટી તંત્રે આ પ્રયાસોને કચડી નાખ્યા હતા.

મથુરાના કેટલાક આગેવાનોનું  એક જૂથ મંદિર-મસ્જિદના આ વરવો  વિવાદ વચ્ચે નવી જ ફિલસૂફી દર્શાવે છે. 

 ભારતની આ પવિત્ર ભૂમિ પર અનેક પ્રાચીન અને નવાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચ આવેલાં છે. આવા દેશમાં એકબીજાના પરિસરમાં આવેલાં કેટલાંક ધાર્મિક સ્થળોને લઈને કાયમી ઝઘડા કે વિવાદ કરવાનું યોગ્ય નથી. દેશની શાંતિ માટે કોઈ સમાધાનકારી ઉકેલ બન્ને પક્ષોએ શોધી કાઢવો પડશે પછી ભલેને તે એક પક્ષને સંપૂર્ણ રીતે માન્ય હોય કે ન હોય!

 ભૂતકાળમાં   ઈસમાઈલ ફારુકી (૧૯૯૫)માં આ નિરીક્ષણને સમર્થન આપતાં સુપ્રીમ કોર્ટે એવો પણ ઉમેરો કર્યો હતો કે, મસ્જિદ ઈસ્લામ ધર્મનું પાલન કરવાની પ્રથાનો અનિવાર્ય ભાગ નથી અને ત્યારબાદ ચુકાદામાંથી આ શબ્દો કાઢી નાખવા માટે કરાયેલી અરજીને પણ રદ કરી હતી અને આ બધાથી ઉપર ૨૦૧૯માં અયોધ્યા વિવાદ પર બંધારણીય બેન્ચે આપેલો નિર્ણય છે.

જો કાશી-મથુરા વિવાદોનો દેશની સર્વોચ્ચ અદાલત કોઈ ફેંસલો આપે  તો તે  દેશના હિતમાં અને ભાઈચારાના હિતમાં હશે તો કોઈનાં પણ ભવાં ઊંચાં થવાં ન જોઈએ.


Google NewsGoogle News