Get The App

પાંખ વગરના માનવીએ ઝીલેલો વ્યોમવિહારનો પડકાર : વિમાનનો વિકાસ, વિજ્ઞાનનો વિજય!

Updated: Mar 23rd, 2025


Google News
Google News
પાંખ વગરના માનવીએ ઝીલેલો વ્યોમવિહારનો પડકાર : વિમાનનો વિકાસ, વિજ્ઞાનનો વિજય! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ગાડાંથી ગગન સુધી ઉડ્ડયનનો આ આખોય ભવ્ય ઇતિહાસ વાસ્તવમાં વીસમી સદીથી જ શરૂ થયો છે ! હજુ અવનવી સિદ્ધિઓ બાકી છે. 

વા લ્મીકિ રામાયણના આરંભે ઈશ્વાકુ વંશના રાજા સત્યવ્રતનીં વાત આવે છે, જેમને સદેહે સ્વર્ગમાં જવું હતું. વસિષ્ઠ મુનિને એ માટે મનાવવા પાછળ પડી ગયા એમાં ઋષિ નારાજ થયા અને એમને શ્રાપિત થઇ બેડોળ ચાંડાળનું રૂપ મળ્યું. જે હાલત જોઈ રાજવીમાંથી ઋષિ બનેલા વિશ્વામિત્રને દયા આવી અને એમણે એને શ્રાપમુક્ત કરી સદેહે સ્વર્ગે મોકલવા સંકલ્પ કર્યો. આજના વડોદરા પાસે થયેલા યજ્ઞામાં દેવતાઓ આહુતિ સ્વીકારવા ના આવતા ઋષીએ તપોબળથી એને હવામાં અદ્ધર કરી સ્વર્ગે મોકલવાનું શરુ કર્યું પણ ઇન્દ્રે ધક્કો મારતા એ પાછો પૃથ્વી પર પડતો હતો ત્યારે વિશ્વામિત્રે એને પડતો અટકાવ્યો ને ના ધરતી પર ના સ્વર્ગમાં એમ વચ્ચે અંતરીક્ષમાં લટકતા રહેલા ત્રિશંકુનો માંડ અંતે છૂટકારો થયો. એમાંથી અધવચ્ચે અટકી ને લટકી ગયેલ સ્થિતિ માટે શબ્દ વપરાય છે ત્રિશંકુ. 

જેમ કે આઠ દિવસ માટે જઈને ૨૮૬ દિવસથી લટકેલા રહેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનો અંતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ત્રિશંકુ અવસ્થામાંથી એમને માટે વિશ્વામિત્ર બનેલા ઈલોન મસ્કે અંતે છૂટકારો કરાવ્યો ! અઘરું છે, અવકાશયાત્રી તરીકે લાંબો સમય અવકાશમાં રહેવાથી ગુરુત્વાકર્ષણના અભાવે હાડકા ને કિડનીમાં તકલીફ થઇ શકે. સ્પેસસૂટના પણ પ્રશ્નો હોય. અને પાછા ફરવું પણ કાયમ જોખમી હોય છે. વાતાવરણના સંપર્કમાં કલ્પના ચાવલાને ગુમાવ્યા એમ યાન ભડકો થઇ સળગી ઉઠે કે આસમાનમાંથી દરિયામાં સલામત ઉતરાણ કરવાને બદલે બીજે ફેંકાઈ જાય કે દરિયામાં ડૂબકા ખાય બધું જ અગાઉ બન્યું છે. સુનિતા ને બૂચ કરતા પણ વધુ સમય રશિયાનો સર્ગેઈ ક્રિકાલ્યેવ ૩૧૧ દિવસ મેર સ્ટેશનમાં ફસાઈ ગયો હતો કારણ કે ઉડયો ત્યારે જે સોવિયેત યુનિયન હતું એ ૧૫ દેશોમાં ધરતી પર વિખેરાઈ ચૂક્યું હતું !

પણ આ નિમિત્તે જગતમાં ને સુનિતાને લીધે ભારતમાં જે રોમાંચ જાગ્યો એનો ઉપયોગ કરીને જરા માનવની ગગનગામી બનવાની મહેચ્છાના ઇતિહાસનું સાયન્સની નજરે 'રિકેપ' કરી લઈએ. મહત્વની તવારીખ એક લેખમાં ટચ એન્ડ ગો કરવા પડે પણ પેલું ચંદ્ર પર પગ મુકીને નીલ આર્મસ્ટ્રોંગે જે અમર વાક્ય કહેલું એ યાદ છે ને ? 'મારા જેવા માણસ માટે આ નાનકડું ડગલું છે, પણ માનવજાત માટે આ એક લાંબી છલાંગ છે.'

ચાલો એ હનુમાનકૂદકો કેવી રીતે લાગ્યો એના ફ્લેશબેકમાં.

***

આમ તો આ દંતકથા હોઈ સાલવારી નક્કી નથી. પણ ગ્રીસમાં ત્યારે નગરજનો ભારે કૌતુક સાથે એકઠા થયા હતા. સદીઓથી પંખીઓને આકાશમાં ઉડતા જોઇને માનવીના મનમાં ઊડવાની ખ્વાહિશ થતી, પણ અંતે એક ભડવીર નામે ઇકારસ નીકળી પડયો જાહેરમાં ઊડવા! પક્ષીઓનાં પીછાં લઇને મીણથી એના શરીર સાથે ચોંટાડી એના પિતા એન્જીનિયર એવા ડેડાલસે પુત્રની ઈચ્છા પૂરી કરવા કૃત્રિમ પાંખો બનાવી. ઊંચી ટેકરીની ટોચે ચડીને માર્યો હવામાં ભૂસકો! એમ તો હવાના દબાણ અને વજનની ગણતરી કરીને કૃત્રિમ પાંખો સમજણપુર્વક બનાવાઈ હતી, એટલે થોડીક મિનીટો સુધી હવામાં તરતો રહ્યો. પણ પિતાની સુચનાની અવગણના કરી એ તડકામાં ઉપર જવા ગયો, ત્યાં તો સૂરજની કાળઝાળ ગરમીથી મીણ પીગળવા લાગ્યું, અને માનવીની પહેલી વૈજ્ઞાનિક ઉડાનનો તેના મૃત્યુ સાથે કરૂણ અંત આવ્યો.

પણ એ જ ગ્રીસમાં એલેક્ઝાન્ડ્રીયાનો હીરો (નામ જ હીરો ને કામથી પણ હીરો !) જેવો સંશોધક ઈસ્વીસન ૭૦માં પેદા થયો જેણે વરાળની જેટ સ્ટ્રીમથી ટોર્ક આપતી ઉર્જા પેદા થાય એ શોધી કાઢયું. જેનો પાયો હજુ ઉંચી ઉડાન માટે કામ લાગે છે. પણ પછી સદીઓ સુધી સુષુપ્તઅવસ્થા રહી. પક્ષીઓને જોવાનું પણ ઉડવાનું કિસ્મત માણસજાતના લલાટે નહિ ! ૧૪૮૦માં જીનિયસ શબ્દની જીવતી વ્યાખ્યા એવા ઇટાલીના ભેજાબાજ  લિયોનાર્દો દા વિન્ચીએ ફ્લાઈંગ મશીન્સ પર કામ શરુ કરી આજના હેલીકોપ્ટરની પ્રાથમિક ડિઝાઈનના ડ્રોઈંગ ને મોડલ બનાવ્યા ને યુરોપમાં ફરી આ જીજીવિષા વિજ્ઞાનીઓમાં જાગી ઉઠી. ૧૭૪૦ના ફ્રાન્સમાં જોસેફ અને ઝાક મોન્ટગોલ્ફર એ બે ભાઈઓએ સફળતાપૂર્વક હોટ એર બલૂન ઉડાડયું અને માણસને ગગનવિહારી બનાવાનો રસ્તો ખોલ્યો.

પણ વિમાન હજુ બન્યા નહોતા અને રોકેટ ચીનમાં ફટાકડાના જ હતા. મથામણ એની ચાલતી હતી. ૧૮૬૫માં વિશ્વવિખ્યાત સાયન્સ ફિક્શન રાઈટર એવા ફ્રાન્સના જુલે વર્ને 'ફ્રોમ અર્થ ટુ મૂન' નવલકથા લખી (ગુજરાતી અનુવાદ 'ચંદ્રલોકમાં' જેના પર લેખ આખો અગાઉ લખ્યો છે.) એક મોટા તાળાની ચાવી આપી : ન્યુટનના આઘાત પ્રત્યાઘાતના નિયમનો ઉપયોગ કરી તોપની જેમ જબ્બર ધક્કો (થ્રસ્ટ) આપીને ગોળો આકાશમાં મુકવાનો. જે સિદ્ધાંત પર જ નાસા કે સ્પેસ એક્સ કામ કરે છે આજે પણ. છતાં ત્યારે તો એ કલ્પના હતી. ૧૯મી સદીમાં ફ્રાંસના ખગોળશાસ્ત્રી ફલામ્ મરિયોએ તો હતાશામાં એવું લખી નાખ્યું કે, 'આ નવી દુનિયા સમાન અવકાશી ગ્રહો સુધી કોઇ કોલંબસ નહી પહોંચે.' પણ એમણે એવું ભાવિ ભાખ્યું એના થોડા વર્ષોમાં જ રશિયન ક્રાંતિકારી ઇવાનોવિચ કિબાલચિચના મનમાં રોકેટનો વિચાર આવ્યો, અને ઝારે તેને ફાંસી આપી ત્યારે મરતા પહેલા તેનું ચિત્ર તે દોરતો ગયો. પછી કોન્સ્ટાન્ટીન ત્સિઓલ્કોવ્સ્કીએ તેને આગળ ધપાવ્યો.

રાઇટ બંધુઓ પહેલા પણ વિમાનો તો ઘણાં બન્યા. પણ હાથ કરતા વીંટીનું વજન વધુ હોય, તેમ તેમનાં તોતિંગ એન્જિનોના પ્રતાપે તેઓ દોડી શકે પણ સમાનવ ઊડી ન શકે ! અલગ અલગ દેશોમાં કામ થયા એમાં સૌથી આગળ પડતું નામ જર્મનીના ઓટો લીલિએન્થાલ (૧૮૪૮-૧૮૯૬)નું તો નામ જ ફ્લાઈંગ મેન પડી ગયું. આ ફાધર ઓફ ફ્લાઈટે બર્લિનમાં જગતની પ્રથમ એવિએશન કંપની સ્થાપી હતી. એણે ઉડ્ડયન ભરતું ગ્લાઈડર તો બનાવ્યું પણ એનો કન્ટ્રોલ રહેતો નહોતો લાંબા સમય સુધી અને એમાં જ એક દુ:ખદ અકસ્માતમાં ઉડવા જતા એનું મોત થયું. આપણે ત્યાં ધકેલ પંચા દોઢસો જેવા ગપગોલામાં પેલા શિવશંકર બાપુજી તાલપડેને હવાઈઝાદા ગણવાના ઝાડા ઘણાને થયા કે વડોદરાના મહારાજની સહાયથી મુબઈમાં એમણે વિમાન ઉડાડયું જાહેરમાં પણ અંગ્રેજોએ એ વાત દબાવી દીધી. આ કોરી ધાપ એટલે છે કે અંગ્રેજોને ના ગમતી ઘણી ઝીણી વાતો દબાઈ નથી તો આ ક્યાંથી છૂપી રહે. અને વળી એમનું ઉડાડેલું વિમાન સમાનવ યાન નહિ ડ્રોન ટાઈપ મોડેલ વિમાન હોવાના જ દાવા ગપ્પામાં પણ છે, એ તો એમના જન્મ પહેલા ૧૮૪૮માં જોન સ્ટ્રીંગફેલો નામના બ્રિટીશ એન્જિનિયરે ઊડાડેલુ હતું.

તો ચર્ચના એક બિશપના સંતાન હોઈ બાપના જ ધાર્મિક ઉપદેશની વિરુદ્ધ જનારા માથાફરેલ બે અમેરિકન ભાઈઓ વિલ્બર અને ઓરવિલ રાઇટે વિચાર્યુ કે વિમાનનું એન્જિન તો એવું હોય કે, જે પોતાના વજન કરતા પણ અનેકગણું વધુ વજન ખેંચી શકે. વીજળીથી ચાલતા એન્જિનમાં બેટરીનો બોજો લટકામાં આવે અને વરાળ એન્જિનમાં બોઇલરનું ભારેખમ બોનસ ભેગું આવે ! રાઇટ બંધુઓએ આ માટે મોટરકારમાં વપરાતું પિસ્ટનવાળું એન્જિન વાપરવાનું નકકી કર્યું. કોઇ ઉત્પાદકે તેમની વિનંતી ન સાંભળતા છ મહિનામાં જાતે જ સિલિન્ડર, પ્રોપલર અને પિસ્ટનવાળુ એન્જિન બનાવ્યું અને ૧૭મી ડિસેમ્બર ૧૯૦૩ના દિવસે પોતાનું 'ફલાયર' વિમાન પણ ઊડાડયું ! પછી તો એને હવામાં ટકાવી રાખી નિયંત્રણની ચેલેન્જ પાર કરીને ઇંગ્લિશ ચેનલ પાર કરી બતાવી. ૧૯૧૯માં એલકાક અને બ્રાઉન આટલાંટિક સમુદ્ર પર લાંબો સમય ઉડતા રહ્યા. ત્યારબાદ હાઇડ્રોજનથી ચાલતા જોખમી ઝેપલીનના હવાઇજહાજોનું ઘેલુ લાગ્યું હતુ દુનિયાને ! જર્મનીએ બીજા વિશ્વયુધ્ધમાં સીધી જ વિમાની પ્રગતિને હરણફાળ ભરાવી દીધી. જે સુપરસોનિક જેટ સુધી પહોંચી. 

અને ૧૨ એપ્રિલ ૧૯૬૧ની એક વાસંતી સવારે સોવિયત સંઘ (હવે માત્ર રશિયા)ના રેડિયો સ્ટેશને દુનિયાભરમાં 'ફલેશ' કરીને સમાચાર ચમકાવ્યા : 'મેજર યુરી એલેકસેયેવિચ ગાગારીને તેમના અંતરિક્ષયાન 'વોસ્તોક-૧'માં બરાબર ૯ અને સાત મિનિટે અંતરિક્ષમાં પ્રવેશ કર્યો છે.' આ લોકમાંથી પરલોકમાં સદેહે પ્રવેશ કરનાર પ્રથમ મનુષ્ય પ્રાણી યુરી ગાગારીને ૧૮ મિનિટમાં પૃથ્વી ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરીને બરાબર ૧૦-પપ કલાકે પુન: પૃથ્વી પર ડગ માંડયા, પ્રાચીન શાસ્ત્રોના નામનો ચીપિયો પછાડનારા દુનિયાના દરેક ધર્મોના કંઇક અર્ધદગ્ધ રૂઢિચુસ્તો સ્તબ્ધ થઇ ગયા.

એ દિવસે પૃથ્વી પરના પાંચ - છ ફૂટના માનવ અને અબજો કિલોમીટરના અગાધ આસમાન વચ્ચે પ્રથમ જીવંત સેતુબંધ રચાયો. ત્યારથી જગતભરમાં તેને 'વિશ્વ ઉડ્ડયન તથા અવકાશયાત્રી દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુરી ગાગારીન તો અવકાશી ડેલાની સાંકળ ખખડાવીને પાછા ફરેલા, પણ પછી રશિયાના જ એલેકસાઇ લેઓનેવ પોતાના યાન 'વોસ્ખોદ-ર'માં પૃથ્વીથી દૂરના ખૂલ્લા અંતરિક્ષમાં ૧૮ માર્ચ ૧૯૬૫ના દિવસે વીસેક મિનિટ લટાર મારી આવ્યા. પછી તો અમેરિકાને ચાનક ચડી અને ત્રણ અવકાશયાત્રીઓને 'નાસા' (અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા)એ ચંદ્ર પર મોકલી રશિયા ઉપર જાણે મોટો પોઇન્ટ 'સ્કોર' કર્યો ! એ વિગતો ખૂબ જાણીતી છે. પછી રશિયાએ માનવસંચાલિત પ્રયોગશાળા જેવું સ્પેસ રિસર્ચ સ્ટેશન 'સલ્યુત' અને અમેરિકાએ 'સ્કાયલેબ' આકાશી સરનામે પોસ્ટ કર્યું. અન્ય દેશોના ઉલ્લેખનીય પ્રદાનો છતાં માનવને ગગનના ગોખે ચડાવવામાં મુખ્ય મહારથીઓ તરીકે અમેરિકા અને રશિયા જ રહ્યા હતા. જેમના જ્ઞાનની ગંગોત્રી વળી બીજા વિશ્વયુદ્ધ બાદના જર્મન વિજ્ઞાનીઓ હતા!

સામસામેની કટ્ટર હરીફાઇના પરિણામે ઉદભવેલી આ 'સ્પેસરેસ' માટે... સંશોધકો અને અવકાશયાત્રીઓએ તો હુંફાળી મૈત્રી, સહકાર અને ખેલદિલીથી ખભેખભો મિલાવીને કામ કરેલું અને સમગ્ર પૃથ્વીને અઢળક ફાયદો પણ કરાવ્યો. આપણે ત્યાં આ ઘટના બહુ જાણીતી નથી, પણ સાપ - નોળિયા જેવી જીવસટોસટની દુશ્મનાવટ ધરાવતા રશિયા અને અમેરિકાએ ઉપર આકાશમાં એકબીજાની સ્પેસશિપનું જોડાણ કરી, વિજ્ઞાનની પ્રગતિ માટેની નિષ્ઠા અને સદભાવનો ઐતિહાસિક દાખલો બેસાડયો હતો !

૧૯૭૫ ની ૧૫મી જૂલાઇએ એલેકસાઇ લેઓનેવ અને વાલેરી કુબાસોવને લઇ રશિયન યાન 'સોયુઝ ૧૯' રશિયાના બાઇકોનૂરના કોસ્મોડ્રામથી ઉપડયુ. જરા આ 'કોસ્મોડ્રામ'ને સમજી લઇએ. હવામાં ઊડતા એરોપ્લેનના ઊડવાનું મથક 'એરોડ્રામ', તો 'કોસ્મોસ' અર્થાત્ બ્રહ્માંડમાં ઊડતા યાનોનું મથક તે કોસ્મોડ્રામ ! બરાબર સાડા સાત કલાક પછી અમેરિકાના ફ્લોરિડાના કેનેડી સેન્ટરના કોસ્મોડ્રામમાંથી છૂટયું 'એપોલો'. જેમાં થોમસ સ્ટેફોર્ડ, વેન્સ બ્ર્રાન્ડ અને ડોનાલ્ડ સ્લેટન બિરાજેલા હતા. જૂલાઇની ૧૭ તારીખે અવકાશમાં એપોલો અને સોયુઝ યાન, મોસ્કોમાં ઢળતી સંધ્યા હતી અને વોશિંગ્ટનમાં ઝળહળતો  સૂર્ય ચમકતો હતો, ત્યારે એકબીજા સાથે જોડાઇ ગયા! આ ઐતિહાસિક ઘટનાનું તો પછી પુનરાવર્તન પણ થયું છે!

આ જ ૧૨ એપ્રિલના રશિયાના નામે શરુ થયેલા અવકાશયાત્રી દિવસને ૧૯૮૧ની ૧૨મી એપ્રિલે અમેરિકન સ્પેસશટલ 'કોલંબિયા' બે અવકાશયાત્રીઓ સાથે ઉડાન ભરી અને ૧૯૮૪માં જ ૧૨ એપ્રિલના જ દિવસે ઉજજવળ ગૌરવથી ઘસી ઘસીને સાફ કરવામાં આવી,

 જયારે અમેરિકાની જ સ્પેસશટલ 'ચેલેન્જર'ના ઉડ્ડયનબાજોએ આકાશમાં જ બગડી ગયેલા સેટેલાઇટ 'સોલારમેકસ'ની મરામત કરી બતાવી ! આ ઈલોન મસ્ક હવે બનાવે છે એ સ્પેસશટલ પણ છે તો એક જાતનું વિમાન જ, પણ તેના થકી વિજ્ઞાનને સામાન્ય માનવ પણ અવકાશમાં જઇ શકે એવી આશા ઉભી કરી છે. એ રોકેટની માફક ઊડી, સાયન્સ ફિકસન ફિલ્મોની આકાશી નગરીની માકફ અંતરિક્ષમાં રહી, અટપટા કામ કરી, આપણા રોજિંદા વિમાનોની માફક ધરતી પર પાછુ ઉતરાણ કરે છે. જેથી તેને ફરીથી ઉપયોગમાં લઇ શકાય ! 

સામાન્ય રોકેટ કે યાન તો પાછુ આવે ત્યાં જ પૃથ્વીના વાતાવરણ સાથેના ઘર્ષણના પ્રતાપે ભસ્મીભૂત થવા લાગે. પણ સ્પેસશટલના સ્વપ્નદ્રષ્ટા ફોન બ્રાઉને આમ ન થાય એટલા માટે તેની બાહરી સપાટી પર ખાસ પ્રકારની ૩૦૦૦૦ જેટલી ટાઇલ્સ ચીપકાવવા વિચાર્યું હતું. પૃથ્વી પરથી તેને અવકાશમાં છોડાય ત્યારે તેની સાથે ઇંધણની ટાંકી, અડખેપડખે બે બુસ્ટર રોકેટો જોડવામાં આવે છે. આ ઝુંમખુ અંતરિક્ષના દ્વારે ટકોરા મારે, કે પેલા બે ધકકો આપનારા રોકેટો બળતણ ખલાસ થતા પુન: પૃથ્વી પર આવે છે. જેનો ફરી વપરાશ કરી શકાય છે. ઇંધણની ટાંકી ખલાસ થઇ ગયા પછી તેને અવકાશમાં જ છોડી, સ્પેસશટલનું એન્જિન ઊલટી દિશામાં ઝડપ ઘટાડે છે અને પછી તો ધરતીનું ગુરૂત્વાકર્ષણ બળ તેને ખેંચી લે છે ! મૂળ વાત આટલી છે, પણ એની બનાવટ સહેલી નથી એટલે ઘણી વાર કારમી નિષ્ફળતા મળે છે ને એમાંથી શીખી વિજ્ઞાન પોતાનો વિકાસ કરે છે !

આજે આરામથી આપણે આ વાતો ચર્ચીએ છીએ. પણ સુદૂર બ્રહ્માંડની મુસાફરી કરાવતો કોઇ 'અવકાશીયાત્રી દિવસ' તવારીખમાં નોંધાશે, એવું હજુ પોણી સદી પહેલાય કોઇ માનતું નહિ ! હસવા કે પછી રડવા જેવી વાત તો એ છે કે આજેય આપણામાંના નેવું ટકા માણસો વિજ્ઞાનની બાબતમાં આદિમાનવ કરતાં બહેતર અભિગમ ધરાવતા નથી. હજુયે આકાશ તેમના માટે બિલોરી ઘુમ્મટ છે, સૂર્ય સાત ઘોડાવાળા રથના સ્વામી દેવતા છે, તારાઓ ઇશ્વરના ટમટમિયાં છે. પૃથ્વી રકાબી જેવી સપાટ છે, ઉડ્ડયનની વાતો મૂર્ખાઈ છે, વિમાન જાદુ છે. ગ્રહો માત્ર કુંડળી કે નંગ છે... પ્રાચીન ભારતમાં અનેક વિદ્વાનોએ ખગોળશાસ્ત્રમાં  નોંધપાત્ર કામ કરેલું, પણ એ સંપૂર્ણ નહોતું અને પછી તેને સુધારીવધારી કોઇએ આગળ દાખવ્યું નહી, એ પણ એક કડવી વાસ્તવિકતા છે. કોરી કલ્પનાઓ અને નકકર હકીકતો વચ્ચે આભ - જમીનનું અંતર હોય છે. કિતાબમાં પુષ્પક વિમાનને ઊડતું બતાવવું બહુ આસાન અને સહજ છે. પણ જરા આજે ચર્ચા છે એવી અવકાશયાત્રાના એરોડાયનેમિક્સની એ ટુ ઝેડ ટેકનીકલ વિગતો જાણો, તેના સિધ્ધાંતો અને તેની પાછળના સદીઓથી ઘૂંટાઇને રચાયેલા વિજ્ઞાનને સમજો... પછી ખબર પડે કે ખરેખર એ કેવું અને કેટલું કઠિન તથા અદભૂત કાર્ય છે ! ફિલ્મમાં મિસ્ટર ઇન્ડિયા અદ્રશ્ય થાય એટલે ૫૦૦ વર્ષ પછી પૃથ્વી પર આવેલા એલિયન મને કે શેખર કપૂર પાસે આ સિદ્ધિ સાચુકલી હતી એવી વાહિયાત વાતને લીધે આપણા કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ વિદેશમાં જઈ સફળ થાય છે. વૈમાનિક શાસ્ત્રના નામે જે ગપગોળા મારવામાં આવે છે, એની સચ્ચાઈ શું છે એ તો ૧૯૭૪માં આપણા ભારતના અને પછી નાસાના વિજ્ઞાનીઓએ ધુપ્પલ કહેલું છે ને એટલે જ આપણે હજુ અમેરિકા, રશિયા, ફ્રાન્સના વિમાનો લેવા પડે છે, એ હમ્બગ પુસ્તક મુજબ તો સાદું ડ્રોન પણ સ્વદેશી બન્યું નથી !  'સ્ટાર વોર્સ' જેવી ફિલ્મો કે 'સ્ટાર ટ્રેક'  જેવી સિરીયલોને જગત પચાવી ગયું છે. ત્યારે આપણા આજના ષિતુલ્ય વિજ્ઞાનીઓ 'ઇસરો'માં  જે મહાનતમ કામ કરી રહ્યા છે તેની આપણે પુરતી કદર નથી કરી ! 

છતાં, અવકાશ અનંત છે અને માનવીની એષણાઓ પણ... 

ફાસ્ટ ફોરવર્ડ

સુનીતા વિલિયમ્સના પતિ માઇકલ જે. વિલિયમ્સ અને સ્વ.કલ્પના ચાવલાના પતિ સ્વ.જ્યાં પિયરે હેરિસન. બેઉ વિદેશી નાગરિક. આંતરજાતિય ને આંતરધર્મીય જ નહિ, આંતરરાષ્ટ્રીય પ્રેમલગ્નો ! દીકરીઓ પરદેશ શું, આકાશે ઊડશે. સક્ષમ બનીને પાંખ વિના પણ પરી થશે. જો એમને પરિપકવતા સાથે મરજી મુજબ પાર્ટનર પસંદ કરવાની સ્વતંત્રતા આપો તો - સ્વયંવરની સંસ્કૃતિ ધરાવતા દેશમાં સંવિધાનને માન આપીને !

Tags :