Get The App

કલ તુમ સે જુદા હો જાઉંગા, વો આજતુમ્‍હારા ‌હિસ્‍સા હૂઁ

Updated: Mar 23rd, 2025


Google News
Google News
કલ તુમ સે જુદા હો જાઉંગા, વો આજતુમ્‍હારા ‌હિસ્‍સા હૂઁ 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- શીર્ષક કાવ્‍યાત્‍મક છે, પણ તેમાં બલુ‌ચિસ્‍તાનનો મનસૂબો બખૂબી વ્યક્ત થાય છે. પોણોસો વર્ષથી પાક લશ્‍કરના ગમબૂટ તળે દબાયેલું બલુ‌ચિસ્‍તાન બાઉન્‍સ-બેક કેમ કરી રહ્યું છે?

- બલુ‌ચિસ્‍તાનનું અલગતાવાદી જૂથ પાક સરકાર સામે ‌વિદ્રોહે ચડે તેની સામે ભારતને કશી લેવા દેવા ખરી? પ્રથમદર્શી કદાચ ન લાગે, પરંતુ આવતી કાલે બલુ‌ચિસ્‍તાન છૂટું પડી જાય તો તેની સકારાત્‍મક અસર છેક કાશ્‍મીરમાં પડે તેમ છે. 

અહીં ચર્ચાનો આરંભ ભલે પા‌કિસ્‍તાનના બલુ‌ચિસ્‍તાન પ્રાંતથી થઈ રહ્યો છે, પણ ચર્ચાનું સમાપન ભારતના કાશ્‍મીર પર થવાનું છે. ‌બલુ‌ચિસ્‍તાન, સિંધ, પંજાબ અને ખૈબર પુખ્‍તુનખ્‍વા એમ ચાર નોખાં, થૂંકે દીધેલાં, થીંગડાં વડે પા‌કિસ્‍તાન પાછલાં પોણોસો વર્ષથી ટકી રહ્યું છે. આવતી કાલે બલુ‌ચિસ્‍તાન નામનું એક થીંગડું રખે ખરી પડે, તો તેનાં ભારતના પક્ષે કેવાં સકારાત્‍મક પ‌રિણામો આવી શકે તે સમજવા જેવું છે. પરંતુ ભ‌વિષ્‍યના એ સંભ‌વિત ‌સિને‌રિઓની વાત સુધી પહોંચવા માટે પહેલાં ભૂતકાળમાં પોણોસો વર્ષ પાછળ જવું પડે તેમ છે.

વર્ષ ૧૯૪૭નું હતું કે જ્યારે ભારતીય ઉપખંડમાં ઇ‌તિહાસની ભેગાભેગી ભૂગોળ પણ પોતાની રૂખ બદલવાની તૈયારી કરતી હતી. અખંડ ભારતના ભાગલા નક્કી થતાં આપણી તરફ સરદાર પટેલે સેંકડો દેશી રાજ-રજવાડાંનું ‌વિલીનીકરણ હાથ ધર્યું તેમ પેલી તરફ પા‌કિસ્‍તાનમાં મહમદ અલી ઝીણાએ પણ મુઠ્ઠીભર રજવાડાંને પા‌કિસ્‍તાની મુઠ્ઠીમાં ભરી લેવા માટે કાર્યવાહી આરંભી. એ વાત જુદી કે ઝીણાને તેમાં ખાસ સફળતા ન મળી. જેમ કે, બહવાલપુર નામનું દોઢસો વર્ષ પુરાણું રજવાડું વર્ષો સુધી સ્‍વતંત્ર રહ્યું. છેક ૧૯પપમાં તે પા‌કિસ્‍તાનમાં ‌વિલીન થયું. ખૈરપુર નામના રજવાડા પર પણ પા‌કિસ્‍તાનનો હકદાવો ૧૯પપ પહેલાં સ્‍થા‌પિત થઈ શક્યો ન‌હિ.‌ વિલીનીકરણના નામે દેશી રજવાડાંની ‌વિકેટ ખેરવી નાખવામાં મહમદ અલી ઝીણાને મળેલી નોંધપત્ર સફળતા હોય તો હીર નામનું રજવાડું કે જેનો વ્‍યાપ માત્ર સવા પાંચ હજાર ચોરસ ‌કિલોમીટર જેટલો હતો. 

ક્ષેત્રફળની દૃ‌ષ્‍ટિએ સૌથી વજનદાર રજવાડું કલાત નામનું હતું, જેના શાસક અહમદ યાર ખાન કમ સે કમ સાડા ત્રણ લાખ ચોરસ ‌કિલોમીટરના ‌વિશાળ પ્રદેશ પર ભોગવટો ધરાવતા હતા. વર્તમાન બલુ‌ચિસ્‍તાનના એ પ્રદેશને ઝીણા કોઈ પણ રીતે નવો‌દિત પા‌કિસ્‍તાનમાં સમાવવા માગતા હતા. ભાષા,સંસ્‍કૃ‌તિ, રહેણીકરણી, પરંપરા વગેરે બાબતે કલાત રજવાડાના (બલુ‌ચિસ્‍તાન પ્રાંતના) લોકોને પા‌કિસ્‍તાનના મુખ્‍યત્‍વે પંજાબીઓ તથા પઠાણો જોડે કશી જ ‌નિસ્‍બત ન‌હિ. સમાનતાનો એકમાત્ર ધાગો એ સૌને સાંકળી લેતો હોય તો તે ધર્મનો હતો. પા‌કિસ્‍તાની પંજાબી-પઠાણોની જેમ કલાત રજવાડાના બલુચો પણ મુ‌સ્‍લિમ ધર્મી હતા.

મહમદ અલી ઝીણાએ ધર્મના નામે અલગ રાષ્‍ટ્ર (પા‌કિસ્‍તાન) માગ્યું અને મેળવ્યું હતું. હવે તેમણે અહમદ યાર ખાન સામે પણ ધર્મનું જ પત્તું ખેલી કલાતને પા‌કિસ્‍તાનમાં ભેળવવા પ્રયાસ કર્યો. પરંતુ એ પત્તું હુકમનું પાનું સા‌બિત ન થયું. અહમદ યાર ખાને ‌સિફત અને સંયમથી જનાબ ઝીણાનો પ્રસ્‍તાવ ઠુકરાવી દીધો.

જો કે, ઝીણા પગ વાળીને બેસી રહે તે માંહ્યલા નહોતા. અહમદ યાર ખાનને ‌વિલીનીકરણ માટે સમજાવવા માટે અપનાવેલી ઠાવકી રાજદ્વારી ભાષા તેમણે પડતી મૂકી અને ધાક-ધમકી પર ઊતરી આવ્યા. આ તરફ અહમદ યાર ખાન પોતાના ‌નિર્ણયમાં મક્કમ રહ્યા—અને મક્કમ રહેવા માટે તેમની પાસે લો‌જિકલ કારણ હતું. અખંડ ભારતના ભાગલા પૂર્વે ‌બ્રિ‌ટિશ‌હિંદ સરકારે The Indian Independence Act of 1947 નામનો કાયદો ઘડ્યો હતો, જેની રૂએ અખંડ ભારતના રાજ-રજવાડાંએ ભાગલા વખતે ક્યાં તો ભારતમાં અગર તો પા‌કિસ્‍તાનમાં ભળી જવાનું હતું. સ્‍વતંત્ર રાષ્‍ટ્ર તરીકેનો દરજ્જો ભોગવવાનું રાજ-રજવાડા માટે The Indian Independence Act of 1947 કાયદાની રૂએ અશક્ય હતું. 

આ કાયદામાં કલાત રાજ્ય અપવાદ હતું. કારણ કે અંગ્રેજોનો તેના પર ક્યારેય ભોગવટો રહ્યો નહોતો. ઊલટું, કલાતને ખુદ ‌બ્રિ‌ટિશ‌હિંદ સરકાર સ્‍વતંત્ર રાષ્‍ટ્ર તરીકે જોતી હોવાથી તેના રાજકીય મસ્‍લામાં માથું મારતી નહોતી. 

આમ, અખંડ ભારતના ભાગલા પડે કે ન પડે તેનાથી કલાતને કશું લાગતું વળગતું નહોતું. સ્‍વતંત્ર રાષ્‍ટ્ર તરીકે તે પોતાની ઓળખાણ જાળવી રાખવા માટે મુક્ત હતું. આથી મહમદ અલી ઝીણા કલાતના સાડા ત્રણ લાખ ચોરસ ‌કિલોમીટરનો પ્રદેશ હડપ કરવા માગતા હોય તો તેમની અનૈ‌તિક માગનો ‌કલાત રજવાડાના શાસક અહમદ યાર ખાન વિરોધ કરે તેમાં કશું અજુગતું યા અસાધારણ નહોતું.

કલાત યાને બલુ‌ચિસ્‍તાનના ‌વિ‌લીનીકરણ માટે ઓગસ્‍ટ, ૧૯૪૭થી ચાલતી શાં‌તિપૂર્ણ વાટાઘાટો વખત જતાં ઉગ્ર બની—અને છતાં અહમદ યાર ખાન નમતું જોખવા તૈયાર ન થયા ત્‍યારે ઝીણાની ધીરજ ખૂટી. માર્ચ, ૧૯૪૮માં તેમણે પા‌કિસ્‍તાન લશ્‍કરની આખી બટા‌લિયન કલાત પર ચઢાઈ કરવા મોકલી આપી. ‌વિમાનો વડે અહમદ યાર ખાનના મહેલ પર હવાઈ હુમલા કરાવ્યા અને તેમને જીવતા પકડી ‌વિ‌લીનીકરણ દસ્‍તાવેજ પર સહી‌સિક્કા કરાવ્યા. પા‌કિસ્‍તાનનો ભૌગો‌લિક સાથરો રાતોરાત સાડા ત્રણ લાખ ચોરસ ‌કિલોમીટર જેટલો વધી ગયો. પોતાનો મનસૂબો પૂરો કરીને ઝીણા તો સપ્‍ટેમ્‍બર, ૧૯૪૮માં રુખસત પામ્‍યા, પણ જતાં જતાં બલુ‌ચિસ્‍તાનમાં ‌વિવાદ, ‌‌વિરોધ અને ‌વિગ્રહનાં બીજ રોપતા ગયા.

■■■

બીજનાં અંકુર ફૂટવાનો આરંભ ૧૯પપથી થયો કે જ્યારે પા‌કિસ્‍તાનની ઇસ્‍લામાબાદ સરકારે અહમદ યાર ખાનનો ખાન-એ-આઝમ હોદ્દો ‌છિનવી લીધો. આ હોદ્દાની રૂએ તેઓ બલુ‌ચિસ્‍તાન પ્રાંતના તેમજ પ્રજાના આગેવાન તરીકે પ્રસ્‍થા‌પિત હતા. પરંતુ હોદ્દો ‌ખૂંચવાયા બાદ તેમનું કોઈ રાજકીય વજૂદ ન રહ્યું. આથી બલુચ પ્રજાનો આમેય છેક ૧૯૪૮થી ભારેલો અ‌ગ્‍નિ ભભૂકી ઊઠ્યો. ઇસ્‍લામાબાદ સરકાર સામે બલુચોએ પહેલી વાર માથું ઊંચક્યું, પણ પાક લશ્‍કરે શસ્‍ત્રબળ વડે મામલો દાબી દીધો. ત્રણેક વર્ષ પછી વળી નવાજૂની બની. જૂન, ૧૯પ૮માં અહમદ યાર ખાને સ્‍વયંને બલુ‌ચિસ્‍તાનના ખાન-એ-આઝમ જાહેર કરી પ્રાંતની રાજકીય લગામ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો. ઇસ્‍લામાબાદ સરકારે તે પગલાને બળવો ગણાવી અહમદ યાર ખાનને જેલના સ‌ળિયા પાછળ ધકેલી દીધા. બલુચ પ્રજા ફરી પાછી ‌વિફરી. આપખુદ સરકાર ‌વિરુદ્ધ જનઆક્રોશ પરાકાષ્‍ટાએ પહોંચ્‍યો, પણ પા‌કિસ્‍તાનના તત્‍કાલીન સરમુખત્‍યાર જનરલ અયુબ ખાને સૈન્‍યબળ વડે બલુચોને દાબમાં લાવી દીધા. પા‌કિસ્‍તાની કારાવાસમાં કેદ અહમદ યાર ખાન ચારેક વર્ષ પછી છૂટ્યા એ વખતે બલુચોએ સરકાર ‌વિરુદ્ધ ફરી માથું ઊંચક્યું. બલુ‌ચિસ્‍તાનની આઝાદી માટે આંદોલનો થયાં, પણ પાક લશ્‍કર સામે ‌નિહથ્થા બલુચો ફાવી ન શક્યા.

■■■

પચાસના દાયકામાં મહમદ અલી ઝીણાએ કલાત રજવાડાની (વર્તમાન બલુ‌ચિસ્‍તાનની) ભૂ‌મિ છળથી પચાવી પાડી હતી. પરંતુ ત્‍યાર પછીની સરકારોએ બળ વડે તે ભૂ‌મિનું અને બલુચ પ્રજાનું શોષણ કરવામાં કોઈ કસર રાખી ન‌હિ. અહીંની ‌વિશાળ ભૂ‌મિ નીચે સોનું, તાંબું અને કાચું લોખંડ જેવી ધાતુઓની ભરમાર હતી. (હજી છે.) ખ‌નિજ તેલનો, કુદરતી ગેસનો તેમજ કોલાસાનો ‌બેસુમાર જથ્‍થો બલુ‌ચિસ્‍તાનના ભૂગર્ભમાં હતો. (હજી છે.) ઇસ્‍લામાબાદ સરકારે એ કુદરતી સંપદાનું બેફામ દોહન શરૂ કર્યું. જેમ કે, કોલસાની ખાણોમાંથી જે ટનબંધ કોલસો નીકળે તેનો મોટો જથ્‍થો પરબારો પા‌કિસ્‍તાનના પંજાબ પ્રાંતને મોકલી દેવાતો. ફાજલ જથ્‍થાને ‌વિદેશોમાં ‌નિકાસ વડે પાક સરકાર રોકડી કરી લેતી. બીજી તરફ, બલુ‌ચિસ્‍તાનના લોકોને જરૂર પૂરતોય કોલસો ન મળે. ચૂલો ચેતાવવા માટે તેમણે જલાઉ લાકડા પર નભવાનું થતું—અને ઉજ્જડ પ્રદેશમાં લાકડા વીણવા ઘણી વાર ત્રણથી ચાર ‌કિલોમીટર ભટકવું પડતું.

બલુ‌ચિસ્‍તાનના પેટાળમાંથી ખ‌નિજ તેલ ઉલેચી કાઢવા માટે પાક સરકારે ઠેરઠેર સોએક જેટલા તેલકૂવા નાખ્યા. ‌દિવસરાત કાર્યરત એ તેલકૂવા જે ખ‌નિજ તેલ કાઢે તે બધેબધું પાઇપલાઇન મારફત પેશાવર, કરાંચી, ઇસ્‍લામાબાદ, લાહોર પહોંચતું કરાતું. ખ‌નિજ તેલની જેમ નેચરલ ગેસ પર પણ બલુચ લોકોનો કોઈ અ‌ધિકાર ન‌હિ!

સોનું, તાંબું, કાચું લોખંડ, મૂલ્‍યવાન સ્‍ફ‌ટિક પથ્થરો, લીલી ઝાંયવાળો આરસ વગેરેની બેશ‌કિંમતી ખાણો બલુ‌ચિસ્‍તાનની, પરંતુ ખાણકામ વડે બધો મલીદો લઈ જાય ઇસ્‍લામાબાદ સરકાર! આ જાતની સફેદ લૂંટ બલુચ પ્રજા મૂંગા મોઢે જોતી રહી. ગરીબી, બેરોજગારી, રોડ-રસ્‍તાનો અભાવ, વીજળી-પાણી-તબીબી-શૈક્ષ‌ણિક જેવી પ્રાથ‌મિક જરૂ‌રિયાતોની અછત વચ્‍ચે તેમણે જીવવાનો વારો આવ્યો.

આખરે ૨૦૦પમાં નવાબ અકબર ખાન બુગ્‍ટી નામના શખ્‍સે બલુચોનું સશસ્‍ત્ર સંગઠન રચી ઇસ્‍લામાબાદ સામે બાંયો ચડાવી. બલુ‌ચિસ્‍તાનની નૈસ‌ર્ગિક સંપદા પર બલુચોનો માફકસર ‌હિસ્‍સો માગ્યો. પરંતુ ઇસ્‍લામાબાદમાં બેઠેલા વા‌લિયાનું વા‌લ્‍મિકીમાં માનસ પ‌રિવર્તન થવાપાત્ર નહોતું. ઊલટું, બગાવતનો ઊભરો દાબી દેવા માટે તત્‍કાલીન સરમુખત્‍યાર જનરલ પરવેઝ મુશર્રફે છૂપો કારસો રચી નવાબ અકબર ખાન બુગ્‍ટીની હત્‍યા કરાવી નાખી. આનો બદલો વાળવા માટે કેટલાક ‌વખત પછી બલુચ અલગતાવાદી સૈ‌નિકોએ મુશર્રફ પર રોકેટ હુમલો કર્યો. યોગાનુયોગે મુશર્રફ બચી ગયા.

ઇસ્‍લામાબાદની સરકાર જોડે બલુચ અલગતાવાદી સંગઠનનો સંઘર્ષ ત્‍યાર પછીયે ચાલુ રહ્યો. ખાસ કરીને પા‌કિસ્‍તાને બલુ‌ચિસ્‍તાનમાં ખાણકામનો ઇજારો ચીની કંપનીઓને આપ્યો તેમજ ગ્‍વાદર નામના બંદરનું બાંધકામ ચીનને સોંપ્‍યું ત્‍યારથી સંઘર્ષની હોળીમાં ઘી હોમાયું છે. ઇસ્‍લામાબાદ ‌વિરુદ્ધ બલુ‌ચિસ્‍તાનનો ‌વિગ્રહ હજી ચાલુ છે, જેના ભાગરૂપે માર્ચ ૧૧, ૨૦૨પના રોજ બલુચ સંગઠને પા‌કિસ્‍તાન રેલવેની જાફર એક્સ્પ્રેસ પેસેન્‍જર ટ્રેન હાઇજેક કરીને ૪૦૦ પ્રવાસીઓને ૩૦ કલાક બાન પકડી રાખ્યા. આ ઘટના પાછળ ભારતની જાસૂસી સંસ્‍થા RAW/ રો જવાબદાર હોવાનું પા‌કિસ્‍તાની પ્રવક્તા લેફ્ટનન્‍ટ-જનરલ અહમેદ શરીફ ચૌધરીએ (રોનું નામ લીધા ‌વિના) પ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું. લેફ્ટ-જનરલના શબ્‍દો આમ હતા,

“The main sponsor of terrorism in Pakistan is our eastern neighbour.”

ભાવાર્થ: બલુ‌ચિસ્‍તાનમાં આતંકી ગતિવિધિ પાછળ અમારા પ‌શ્ચિમી પડોશીની (વાંચો, ભારતની) ભૂ‌મિકા છે.

પાક લેફ્ટ-જનરલ ચૌધરીના કહેવાનું તાત્‍પર્ય સંભવત: એ કે ભારતની RAW સંસ્‍થાના જાસૂસો બલુ‌ચિસ્‍તાનના અલગતાવાદી સંગઠનને ઇસ્‍લામાબાદ સરકાર ‌વિરુદ્ધ લડવા માટે એક યા બીજી પદ્ધ‌તિએ પ્રેરે છે. પા‌કિસ્‍તાન ‌સામે એ રીતે છૂપું પ્રોક્સી વોર ખેલે છે, જેનો ઉદ્દેશ બલુ‌ચિસ્‍તાનને પા‌કિસ્‍તાનથી અલગ કરી સ્‍વતંત્ર રાષ્‍ટ્રનો દરજ્જો આપવાનો છે.

■■■

હકીકત જે હોય તે ખરી, પણ એક વાત ‌દીવા જેવી સ્‍પષ્‍ટ છે કે આવતી કાલે ધારો કે બલુ‌ચિસ્‍તાન નામનો ‌હિસ્‍સો અલગ થાય તો પા‌કિસ્‍તાનનું અ‌સ્‍તિત્‍વ જોખમમાં આવી જાય. કારણ કે,

બલુ‌ચિસ્‍તાનની જેમ ‌સિંધ પ્રાંત પણ પા‌કિસ્‍તાનથી છેડો ફાડી નાખવા માટે તડપે છે. આજકાલથી ન‌હિ, પણ છેક ૧૯૭૨થી કે જ્યારે ‌સિંધ પ્રાંતના આગેવાન ગુલામ મુર્તઝા સઇદે ‌‌‘જિયે ‌સિંધ’ નામની અલગતાવાદી ચળવળ શરૂ કરી હતી. ‌સિંધ પ્રાંતને ‌સિંધુદેશ તરીકે આઝાદ કરી દેવા માટે ત્‍યાંના વતનીઓ વર્ષોથી ઇસ્‍લામાબાદ સરકાર સામે ઝુંબેશ ચલાવે છે.

કાશ્‍મીરના ઉત્તરી ‌ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાન પ્રાંતને પણ પાક સરકાર જોડે ૩૬નો આંકડો છે. ઓક્ટોબર ૨૨, ૧૯૪૭ના રોજ પાક લશ્‍કરે અહીં એવો સશસ્‍ત્ર કેર વરતાવેલો કે ‌ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાન આજની તારીખેય તે ‌દિવસને Black Day તરીકે માતમમાં મનાવે છે. અહીંના ‌શિયા મુ‌સ્‍લિમોને પા‌કિસ્‍તાનના સુન્‍ની મુ‌સ્‍લિમો જોડે ઊભું ન બને. વળી ઇસ્‍લામાબાદની સરકારો બલુ‌ચિસ્‍તાનની જેમ ‌ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાનની નૈસ‌ર્ગિક સંપદાનું તેમજ રહીશોનું શોષણ કરતી આવી છે. આથી પ્રજામાં અંદરખાને આક્રોશનો લાવા ખદખદી રહ્યો છે.

ખૈબર-પુખ્‍તનખ્‍વાના પુશ્‍તુ તથા પઠાણો વળી તેમના પ્રાંતને અફઘા‌નિસ્‍તાન જોડે સાંકળી લેવા માટે મથામણ કરી રહ્યા છે. આ પ્રદેશ દૂરના ભૂતકાળમાં અફઘા‌નિસ્‍તાનનો જ ભાગ હતો.

બલુ‌ચિસ્‍તાન જો પા‌કિસ્‍તાન સાથેનો છેડો ફાડી નાખે તો ‌સંભવ વે કે તેના પગલે સિંધ, ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાન અને ખૈબર-પુખ્‍તનખ્‍વામાં પણ વર્ષોથી ચળવળ ચલાવતા અલગતાવાદી સંગઠનોને છૂટા થવા માટેનો જોરદાર બૂસ્‍ટર ડોઝ મળે. ધ્‍યાન રહે કે ૧૯૭૧માં પૂર્વ પા‌કિસ્‍તાનું બાંગલા દેશ તરીકે સર્જન થયું તેના પગલે ‌સિંધમાં ‌‘જિયે ‌સિંધ’ ચળવળે જોર પકડ્યું અને ‌સિંધુદેશ નામના સ્‍વતંત્ર રાષ્‍ટ્રની માગણી પ્રચંડ બની હતી. પાંચ થીગડાંના પેચવર્ક પા‌કિસ્‍તાનના મુખ્‍ય ત્રણ ‌હિસ્‍સા ખરી પડ્યા પછી બચે શું? માત્ર પંજાબનો પ્રાંત?

પેચવર્ક પા‌કિસ્‍તાનનું આવું ‌વિસર્જન થાય તો સમજો કે પાછલાં ચાલીસેક વર્ષથી ભારતને માઇગ્રેન દરદ દઈ રહેલો અને લગભગ આઠ હજાર જવાનોનો ભોગ લઈ ચૂકેલો ‘કાશ્‍મીર પ્રોબ્‍લેમ’ ફાઇનલી દૂર થયો! આના માટે ભારતે પડોશમાં સામ-દામ-દંડ-ભેદ ની‌તિ અપનાવવાની થાય (કે પછી પા‌કિસ્‍તાની પ્રવક્તા લેફ્ટનન્‍ટ-જનરલ અહમેદ શરીફ ચૌધરીએ બયાન આપ્‍યું તેમ ભારત બલુ‌ચિસ્‍તાનમાં એવી કોઈ ની‌તિ અપનાવતું હોય) તો તેમાં ખોટું શું છે?■

Tags :