WMO @75: આ સંગઠન ન હોત તો શું થાત?
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- વિશ્વ હવામાન વિજ્ઞાાન સંગઠનની સ્થાપનાને 75 વર્ષ થયાં છતાં આજેય દુનિયાના 55 ટકા લોકોને જ કુદરતી હોનારતોની સમયસર ચેતવણી મળે છે, કરોડો લોકો હજુય અંધારામાં રહે છે
મો ડર્ન હવામાનશાસ્ત્રનો વિકાસ ૧૭મી-૧૮મી સદીમાં થયો. ૧૭મી સદીમાં બેરોમીટરની શોધ થઈ. ૧૮મી સદીમાં હાઈડ્રોમીટર શોધાયું. લગભગ એ જ અરસામાં એનિમોમીટર બહેતર બન્યું. ૧૮મી સદી પછી વૈજ્ઞાાનિક ઢબે વાતાવરણનો અભ્યાસ થવા માંડયો. ડેટાનું એનાલિસિસ શરૂ થયું. અગાઉના વર્ષોનાં તાપમાન, વરસાદ, હવાની ઝડપ વગેરેની વ્યવસ્થિત નોંધ થવા માંડી. ૧૯મી સદી આવી ત્યાં સુધીમાં હવામાનશાસ્ત્રનો ઠીક-ઠીક વિકાસ થઈ ચૂક્યો હતો એટલે માનવો વાતાવરણ સમજવામાં કુશળ બન્યા.
આમ તો માનવજાત અને હવામાનશાસ્ત્રનો સંબંધ સદીઓ જૂનો છે. નિરીક્ષણોથી માણસે વાતાવરણના બદલાતા મિજાજને પારખીને એની આગાહી શરૂ કરી હશે. આકાશમાં કલર બદલાતો કે હવાની દિશા બદલાતી તો એના પરથી અતિવૃષ્ટિ થશે કે દુકાળ પડશે એની અટકળો થતી હતી. મોટાભાગના ધર્મોમાં હવામાનને લગતી આગાહીઓને ભવિષ્યકથન સાથે જોડવામાં આવતી. જે આ પ્રકારનું ભવિષ્ય કહી શકે તેમને ઈશ્વરીય કૃપા છે એવી લગભગ ધર્મોમાં રૂઢ માન્યતા હતી.
પરંતુ યુરોપના નવજાગૃતિકાળ પછી જે ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું એમાંનું એક ક્ષેત્ર એટલે હવામાનશાસ્ત્ર. ૧૯ સદીના અંતે હવામાનશાસ્ત્રએ વિજ્ઞાાનની અલાયદી શાખા તરીકે ઓળખ બનાવી હતી. તેના ભાગરૂપે ૧૮૭૩માં હવામાનને લગતું એક વૈશ્વિક સંગઠન બન્યું, જેનું નામ હતું - ઈન્ટરનેશનલ મીટિરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન. એનો હેતુ નામમાં જ સ્પષ્ટ હતો - દુનિયાભરમાંથી વાતાવરણને લગતી જે માહિતી મળે એનો રેકોર્ડ રાખવો અને તેના આધારે હવામાનનું એનાલિસિસ કરવું. આ સંગઠને ગ્લોબલ કોન્ફરન્સ પણ ગોઠવવાનું શરૂ કર્યું. વૈજ્ઞાાનિક પદ્ધતિથી હવામાનને સમજવા મથતાં બધા એક્સપર્ટ્સ એવી કોન્ફરન્સમાં એક મંચ પર આવતા અને એકબીજાના અનુભવો શેર કરતાં. એમના અહેવાલો સંગઠન પ્રસિદ્ધ કરતું.
પણ નામ પ્રમાણે એ ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ન હતું. આંતરરાષ્ટ્રીય એટલે એ સમયની સમજ પ્રમાણે યુરોપના દેશોના સંશોધકો એમાં રસ લેતા. અમેરિકન નેવીને દરિયાનું વાતાવરણ, દરિયાનો મિજાજ જાણવામાં રસ હતો એટલે અમેરિકન નેવીના અધિકારીઓ સંગઠનમાં સક્રિય હતા. એ સિવાયની દુનિયામાં ખાસ વૈજ્ઞાાનિક ઢબે હવામાનનો અભ્યાસ થતો ન હતો અને થતો હતો તો પણ આ સંગઠનને એમની જરૂર ન હતી. મોટાભાગના દેશો પાસે તો કે નાના-મોટા રાજ્યો પાસે હવામાનને સમજવાની પોતાની પદ્ધતિ હતી. કુદરતી હોનારતોને આમેય ઈશ્વરીય કોપ માનીને જે નુકસાની થતી એને હરિ ઈચ્છા સમજીને સ્વીકારી લેવામાં આવતી.
***
બીજા વિશ્વયુદ્ધ પછી અનેક ક્ષેત્રોની જેમ આમાંય પરિવર્તન આવ્યું. ઈન્ટરનેશનલ મીટિરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન વિખેરાયું ને સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સંસ્થા તરીકે ૧૯૫૦ની ૨૩મી માર્ચે વર્લ્ડ મીટિરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન-ડબલ્યુએમઓ એવા નવા નામે અસ્તિત્વમાં આવ્યું. સંગઠનના નામમાં આંતરરાષ્ટ્રીય હટાવીને વિશ્વ શબ્દ ઉમેરાયો હતો. નામમાં ભલે નજીવો ફરક હતો, પરંતુ કામમાં ઘણો ફરક પડયો હતો. પહેલાં સંગઠનની કામગીરી યુરોપ-અમેરિકા પૂરતી જ સીમિત હતી. યુએનની પેટા સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવેલું આ સંગઠન ૧૯૫૦ પછી આખી દુનિયામાં સક્રિય થયું. યુએનના સભ્ય હોય એવા તમામ દેશો આ સંગઠનના પણ સભ્ય બન્યાં. એ દેશોના વાતાવરણનો ડેટા મળવા માંડયો અને તેનું વૈજ્ઞાાનિક ઢબે એનાલિસિસ પણ શરૂ થયું.
ક્યા દેશમાં કેવા પ્રકારની કુદરતી હોનારતો વધુ ત્રાટકે છે? ક્યા દેશના વાતાવરણમાં અણધાર્યું પરિવર્તન થઈ રહ્યું છે? ક્યા દેશમાં તાપમાનનો પારો સતત ને સતત ઊંચો જઈ રહ્યો છે? ક્યા દેશમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળે છે? ક્યો ખંડ સર્વાધિક ગરમ રહે છે? એન્ટાર્ક્ટિકા જેવા શીતપ્રદેશનો ક્યો ભાગ ગરમ થતો હોવાથી સજીવ સૃષ્ટિને અસર થાય છે? ક્યા મહાસાગરોનું પાણી ગરમ થાય છે અને તેના કારણે વાતાવરણમાં કે એના તટવર્તીય દેશોમાં કેવા પરિવર્તનો આવી શકે છે? દુનિયાના એવરેજ તાપમાનના આધારે કયુ વર્ષ સૌથી ગરમ હતું? એની પાછળ ક્યા કારણો જવાબદાર છે? - આ વિષયો ડબલ્યુએમઓના કાર્યક્ષેત્રમાં આવ્યાં હોવાથી માનવજાતની હવામાન વિશેની સમજ વધુ વિકસી. પ્રચાર માધ્યમોમાં પણ વાતાવરણને લઈને જવાબદારી વધી. પરિણામે સામાન્ય લોકોમાંય જાગૃતિ આવી.
ખેતી પર વાતાવરણની કેવી અને કેટલી અસર થાય છે ત્યાંથી માંડીને પાણીની સંભવિત અછત, લા નીના અને અલ નીનો જેવા દરિયાઈ પ્રવાહોની હવામાન પર પડતી અસરોથી લઈને ટૂરિઝમના કારણે સજીવસૃષ્ટિ પર કેવી અને કેટલી અસર થાય છે ત્યાંથી માંડીને પ્રદૂષણ અને વધતું તાપમાન માનવ સ્વાસ્થ્ય સામે કેટલું જોખમ સર્જે છે એ બધા પર ડબલ્યુએમઓ વિગતવાર અહેવાલો તૈયાર કરે છે. ૭૫ વર્ષમાં આ સંગઠને કંઈ કેટલાય ક્ષેત્રોમાં સંશોધન, જનજાગૃતિનું કામ તો કર્યું જ છે, તેમ છતાં હજુ ઘણું એવું છે જેમાં ૭૫ વર્ષેય જોઈએ એવું પરિણામ મળ્યું નથી. એવી જ એક ખૂબ જ મહત્ત્વની બાબત છે - સમયસર ચેતવણી આપવાની મજબૂત સિસ્ટમનો અભાવ.
***
વર્લ્ડ મીટિરોલોજિકલ ઓર્ગેનાઈઝેશનની સ્થાપનાને આ વર્ષે ૭૫મું બેઠું. અમૃત મહોત્સવની થીમ છે - ક્લોઝિંગ ધ અર્લી વૉર્નિંગ ગેપ ટુગેધર. કોઈ હોનારત દરવાજે દસ્તક દેતી હોય ત્યારે તુરંત જ લોકોને ચેતવણી આપી દેવી. અત્યારે એ ચેતવણી આપવાની સિસ્ટમમાં ગાળો રહી જાય છે. શક્ય એટલી ઝડપે ચેતવણી આપવાની પ્રોપર સિસ્ટમ જ આખી દુનિયામાં ગોઠવાઈ નથી. સમયસર ચેતવણીના અભાવે સેંકડો લોકો ભૂકંપ-પૂર-વાવાઝોડાં-ભૂસ્ખલન જેવી કુદરતી હોનારતોમાં ફસાઈ જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે કે પછી જીવ ગુમાવે છે.
ચેતવણી આપવાની સિસ્ટમમાં જે સમય લાગે છે એ ઘટાડવા માટે ડબલ્યુએમઓ આટલા વર્ષોથી પ્રયાસો કરે છે છતાં દુનિયાના ૫૫ ટકા લોકોને જ સમયસર હોનારતોની ચેતવણી મળે છે. આટ-આટલી ટેકનોલોજી વિકસી પછી વાવાઝોડું ત્રાટકવાનું હોય કે પૂરપ્રકોરની શક્યતા હોય કે પછી અસહ્ય ઠંડી- ગરમીનું મોજું ફરી વળવાનું હોય ત્યારે લોકોને સાવધાન કરવાની વ્યવસ્થિત કહેવાય એવી પદ્ધતિ ૧૦૮ દેશો પાસે છે. વૉર્નિંગ સિસ્ટમ તૈનાત કરવામાંય છેલ્લાં એક જ દશકામાં બાવન ટકાનો વધારો થયો છે, એ પહેલાં તો માંડ ૫૦-૫૫ દેશો પાસે સમયસર લોકોને સાવચેત કરી શકાય એવી ટેકનોલોજી હતી. ૧૯૩ દેશો યુએનના સભ્ય છે. એમાંથી ૮૫ દેશોમાં કુદરતી હોનારતોની ચેતવણી આપવાની કોઈ જ વ્યવસ્થા નથી. એ દેશોમાં બધું રામ ભરોસે ચાલે છે. કરોડો લોકો કુદરતી આફતો ત્રાટકે ત્યાં સુધી અંધારામાં રહે છે.
અને આ સિસ્ટમની જરૂર કેમ છે? ડબલ્યુએમઓ કહે છે એમ હોનારતો સમયે જો સમય રહેતાં ચેતવણી મળી જાય તો મૃત્યુઆંક ૯૭ ટકા સુધી ઘટાડી શકાય છે. વળી, આફતોના કારણે જે તે દેશના અર્થતંત્રને માર પડવાનો હોય એમાંય ૨૧થી ૨૫ ટકા સુધીની નુકસાની ઘટાડી શકાય છે.
વેલ, ૭૫ વર્ષમાં એટલીસ્ટ આખી દુનિયામાં વૉર્નિંગ સિસ્ટમ ગોઠવાઈ હોત તો એ વર્લ્ડ મીટિરોલોજિકલ ઓર્ગેનાઈઝેશનનું એક અગત્યનું કામ ગણાયું હોત. છતાં એટલું તો ખરું કે જો આ સંગઠન ગ્લોબલી કાર્યરત ન હોત તો વાતાવરણને લગતી કેટલીય બાબતોથી સામાન્ય લોકો સદંતર અજાણ હોત. વાર્ષિક ક્લાઈમેટ રિપોર્ટથી લઈને કાર્બન ડાયોક્સાઈડના સ્તર સુધી કે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનથી માંડીને એન્વાર્યમેન્ટ પ્રોગ્રામ સુધી ડબલ્યુએમઓ કામ કરતું ન હોત તો કદાચ આબોહવા હવામાનશાસ્ત્રીઓનો નહીં, ભવિષ્યવેત્તાઓનો વિષય હોત!
હવામાનનો એકેય પોપ્યુલર શબ્દ ડબલ્યુએમઓએ કોઈન કર્યો નથી!
આજે આપણે હવામાનને લગતાં ઘણાં શબ્દો વાંચતાં-સાંભળતા હોઈએ છીએ. એમાં 'ક્લાઈમેટ ચેન્જ' સૌથી જાણીતો શબ્દ છે. આબોહવા બદલાઈ એ સંદર્ભમાં આ શબ્દ દુનિયાભરમાં પ્રચલિત છે. 'ક્લાઈમેટ' શબ્દના મૂળિયા તો છેક ૧૯મી સદી સુધી પહોંચે છે, પરંતુ 'ક્લાઈમેટ ચેન્જ' શબ્દ સ્વેન્તે અરહેનિયસ અને જોસેફ ફોરિયર જેવા સંશોધકોએ પ્રયોજવાનું શરૂ કર્યું હતું. જોસેફ ફોરિયરે જ ૧૮૨૭માં પ્રથમ વખત 'ગ્રીનહાઉસ ઈફેક્ટ'ની વાત કરી હતી અને એ પછીથી 'ગ્રીનહાઉસ ગેસ' શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો.
૧૯૭૫માં જિઓકેમિસ્ટ વાલેસ બ્રોકરે ક્લાઈમેટ ચેન્જના મથાળાથી એક લેખ લખ્યો હતો. એમાં તેણે પૃથ્વી સતત ગરમ થઈ રહી છે એ અર્થમાં 'ગ્લોબલ વૉર્મિંગ' શબ્દ લખ્યો. ત્યારબાદ યુએનની એજન્સીઓ સહિત સૌને આ શબ્દ પસંદ પડી ગયો હતો. ૧૯૯૦ પછી આ બંને શબ્દો વધુ પ્રયોજાવા લાગ્યા. ૧૯૮૦ના દશકામાં અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં કામ કરતાં પ્રોફેસર વોલ્ટર જી. રોઝેને 'બાયોલોજિકલ ડાઈવર્સિટી' શબ્દ લખ્યો હતો, એમાંથી એનું ટૂંકું સ્વરૂપ 'બાયોડાઈવર્સિટી' ૧૯૯૦ બાદ કોઈન થયો હતો.
'હીટવેવ' શબ્દ હવે ઉનાળામાં બહુ જ વાંચવાં-સાંભળવામાં આવશે. આ શબ્દ છેક ૧૮૯૩થી ઉપયોગમાં છે. એમાં વળી દરિયાના હીટવેવ માટે 'મરીન હીટવેવ' શબ્દ પણ પ્રયોજાવા લાગ્યો છે. ૨૦૦૮થી અમેરિકન પત્રકારોએ આ શબ્દ લખવાનું શરૂ કર્યું એટલે એ દુનિયાભરમાં જાણીતો બન્યો. ૨૦૨૩માં યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસે 'ગ્લોબલ વોર્મિંગ' શબ્દમાં ફેરફાર કરીને 'ગ્લોબલ બોઈલિંગ' શબ્દ આપ્યો. એનો અર્થ એવો હતો કે વિશ્વ ગરમ થઈ રહ્યું છે એ વાત જૂની થઈ ગઈ છે. હવે પૃથ્વી શેકાઈ રહી છે. આ ગ્લોબલ બોઈલિંગ શબ્દ ધીમે ધીમે આગામી વર્ષોમાં પોપ્યુલર થશે.
રસપ્રદ બાબત એ છે કે આમાંથી એક પણ શબ્દ વિશ્વ હવામાન વિજ્ઞાાન સંગઠને આપ્યો નથી, પણ હા, દુનિયાભરના એક્સપર્ટે જુદી જુદી બાબતોને ધ્યાનમાં રાખીને એને લગતા જે સચોટ શબ્દો આપ્યાં એને દુનિયાભરમાં જાણીતા કરવાનું કામ વિશ્વ હવામાન વિજ્ઞાાન સંગઠને ચોક્કસ કર્યું છે.