આપણા શહેરો 'બ્લ્યુ ઝોન' ક્યારે બનશે? .
- જંક ફૂડ,સિગારેટ અને શરાબ પર જંગી ટેક્સ, ક્વોલિટી ફૂડ પર ડિસ્કાઉન્ટ... કારની કિંમત બમણી અને કેટલાક હજાર ડગલા ચાલો એટલે ગિફ્ટ વાઉચર
- હોરાઈઝન-ભવેન કચ્છી
- નેશનલ જિયોગ્રાફીના પ્રવાસી પત્રકાર ડાન બ્યુટ્ટનર વિશ્વના દેશોના નાગરિકોને ગુણવત્તાસભર જીવન સાથે શતાયુ બનાવવાની શુભ ભાવના ધરાવે છે
ને શનલ જીયોગ્રાફીના પ્રવાસી પત્રકાર ડાન બ્યુટ્ટનરને વિચાર આવ્યો કે વિશ્વના એવા દેશ કે પછી કોઈ દેશના પ્રદેશ કે જ્યાં નાગરિકો ગુણવત્તાસભર અને સ્વાસ્થ્યપ્રદ જીવન વીતાવતા હોય તેમજ વિશ્વની સરેરાશ આયુષ્ય કરતા જેઓનું આયુષ્ય વધારે હોય તેમને શોધી કાઢવા. એટલું જ નહીં ક્યા કારણોને લીધે આ પ્રજા આવી ગુણવત્તા ધરાવે છે તેનો અભ્યાસ કરીને વિશ્વ સમક્ષ મૂકવા. વિશ્વનો નકશો પાથરીને તેઓ બેઠા અને જે આવા દેશ કે પ્રદેશ લાગ્યા તેમના પર બ્લ્યુ શાહીથી કુંડાળુ દોરીને નિશાની કરી. આવા દેશ કે પ્રદેશને સહજ રીતે 'બ્લ્યુ ઝોન' તરીકેની ઓળખ મળી. ૨૦ વર્ષ પહેલાં તેઓએ આ અભિયાનનો પ્રારંભ કર્યો ત્યારે પ્રથમ પાંચ વર્ષમાં તો તેઓને ચાર આવા ઝોન મળી આવ્યા કેમ કે આ ઝોન અંતરિયાળ ગામડા કે પર્વતીય વિસ્તારોમાં શહેરોથી દૂર તેમની સંસ્કૃતિ અને સભ્યતા અને ભોજન શૈલી સાથે જ જીવન વ્યતીત કરતા હતા. શહેર આ નાગરિકોએ કદાચ જોયા જ નહોતા.જે પાંચ આવા પ્રદેશ બ્લ્યુ ઝોન તરીકે ઓળખાયા તેમાં ઓકિનાવા (જાપાન), ઈકારિયા (ગ્રીસ), લોમા લિન્ડા (કેલિફોર્નિયા),સારડિનીયા (ઇટાલી) અને નિકોયા ( કોસ્ટા રિકા)નો સમાવેશ થતો હતો.પણ ડાન બ્યુટ્ટનર અને તેની સંશોધક ટીમને વિચાર આવ્યો કે વિશ્વને જો ગુણવત્તાસભર અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવી હોય તો આધુનિક દેશ કે શહેરનું મોડેલ તેઓને બતાવવું જોઈએ. અને તેઓના માપદંડમાં સિંગાપોર ખરું ઊતર્યું. હવે સિંગાપોર છઠ્ઠો 'બ્લ્યુ ઝોન' દેશ તેઓ એ જાહેર કર્યો છે.
ડાન બ્યુટ્ટનરે આ બ્લ્યુ ઝોન દેશ કે પ્રાંતમાં એવી તો કેવી આહાર વિહારની પદ્ધતિ અને શાસન પ્રણાલી તેમજ સ્વાસ્થ્યપ્રદ આબોહવા છે તેનો વિશ્વને પરિચય કરાવવા "live untill 100 : The secret of blue zones" નામની દસ્તાવેજી બનાવી છે જે નેટફ્લિક્સ પર પણ ઉપલબ્ધ છે.
ડાન બ્યુટ્ટનર કહે છે કે 'વિશ્વના દરેક નાગરિકને કમ સે કમ ૧૦૦ વર્ષ જીવવાનો અધિકાર છે.અને બ્લ્યુ ઝોન પ્રોજેક્ટનો આશય જ એ છે કે વધુને વધુ પ્રાંત, પ્રદેશ કે દેશ તેમના નાગરિકોનું સરેરાશ આયુષ્ય વધે તે માટે સંયમી અને સભાન બને.
સિંગાપોરના મોડલનું ઉદાહરણ આપીને તેઓએ વિશ્વના નાગરિકોએ આ માટે શું કરવું અને શું ન કરવું તેના નિયમો તો બતાવ્યા જ પણ તેઓ તેવા નિષ્કર્ષ પર પણ આવ્યા કે માત્ર નાગરિકોથી આ લક્ષ્ય હાંસલ નહીં થાય. કોર્પોરેશન, રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ સ્વચ્છતા, સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપરાંત બગીચા,ચાલવાના ટ્રેક, ફૂટપાથ, ભોજન અને પીણા, વ્યસન બાબત જાગૃતિ ફેલાય તે માટેના કેમ્પેઇન વધારવા પડશે. હાનિકારક જંક ફૂડ, પીણા અને તમાકુની બનાવટો પર ઊંચા વિશેષ વેરા નાંખવા જોઈએ.
સિંગાપોર છેલ્લા બે દાયકાથી સતત આ પાસાઓમાં ધ્યાન આપી રહ્યું છે અને તેઓને ફળ પણ મળ્યું છે.
૧૯૬૦માં જન્મેલ વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ત્યાં ૬૫ વર્ષનું રહ્યું પણ ૨૦૦૦ની સાલમાં જન્મેલ ૭૫ અને ૨૦૧૫માં જન્મેલ વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ૮૫ હશે તેવું અનુમાન અભ્યાસના આધારે કરાય છે. સિંગાપોરમાં ૨૦૦૦ની સાલમાં શતાયુ ધરાવનારા ૭૦૦ હતા તેની તુલનામાં આજે ૧૫૦૦ નાગરિકો એક સો વર્ષનું આયુ ધરાવે છે. ૮૦ અને ૯૦ પ્લસ નાગરિકોની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે.
સિંગાપોરમાં જંક ફૂડ, સિગારેટ અને મદ્યપાન પર અન્ય દેશો કરતા ઘણો વધુ ટેક્સ લાદવામાં આવ્યો છે. અમુક નિશ્ચિત અંતરે હરિયાળા પાર્ક બનાવવામાં આવ્યા છે. સિંગાપોર ગાર્ડન સિટી તરીકેની ઓળખ મેળવી ચૂક્યું છે. પાર્ક અને ગાર્ડન વધુ હોવાના લીધે નાગરિકોમાં ચાલવાનું, કસરત કરવાનું અને સામાજિક બનવાનું પ્રમાણ વધ્યુ છે. પાર્ક પાસે હોસ્પિટલ, ધુમાડા અને ઉકરડા નથી હોતા. વૃક્ષ અને છોડ નયનરમ્ય હોય છે. સામાજિક ઉપદ્રવીઓને સિક્યોરિટી રવાના કરે છે. જંગલની લાગણી અર્પે તેવા ટ્રેક પણ બનાવાયા છે.
પ્રત્યેક ખાદ્ય સામગ્રી અને પીણા પર તેમાં કેટલું સુગર, સોલ્ટ કેટલી માત્રામાં છે અને કેલરી કેટલી છે તેનું લેબલ લગાવેલું હોવું ફરજિયાત છે. પેકિંગ કે ફૂડ ટેસ્ટિંગ વગર કંઈ વેચી શકાતું નથી. ખૂમચા કલ્ચર માટે લાયસન્સ અનિવાર્ય છે. સાદા કપડાં પહેરીને રેસ્ટોરા કે ખૂમચાના માપદંડોનું કર્મચારીઓ ચેકીંગ કરતા રહે છે અને ઉદાહરણીય દંડ કે જેલની સજા ફટકારી શકાય છે. બ્રાઉન રાઈસ, મલ્ટીગ્રેઇન ફૂડ , સ્વાસ્થ્યપ્રદ ફૂડ અને સ્વાસ્થ્યપ્રદ કરિયાણું અને તેની વાનગી પ્રમાણમાં સસ્તી રાખવામાં આવે છે અને હાનિકારક પર વિશેષ ટેક્સ હોય છે.
કદાચ આયુષ્ય રેખા લંબાવવામાં તે હદની સફળતા ન મળે તો પણ 'બ્લ્યુ ઝોન' માપદંડ ગુણવત્તાસભર જીવનને પણ એટલું જ મહત્વ આપે છે.નાગરિકોને એવો પરમ સંતોષ થવો જોઈએ કે તેઓએ ક્વોલિટી જીવન જીવીને જીવન લીલા સંકેલી. પ્રદૂષણ,બેફામ ડ્રાઇવિંગ, તનાવ આપતો ટ્રાફિક, ભીડ, ગંદકી, જંક ફૂડ, વ્યસન બાદની બીમારી, હોસ્પિટલમાં સબડવું, હૃદય, કિડની, ફેફસા અને કેન્સરની બીમારી, સાંધા અને ઘૂંટણના દુ:ખાવાની તકલીફ દેશના કે પ્રાંતના નાગરિકોમાં ન્યૂનતમ હોય તેવી જીવન શૈલી અને સરકારની નીતિ સિંગાપોરમાં પ્રવર્તે છે.
નાગરિકોને સિંગાપોરમાં જાહેર પરિવહન માટે પ્રોત્સાહિત કરાય છે. જાહેર સિટી બસ લગભગ રહેણાંક વિસ્તારની નજીક જ સ્ટેન્ડ ધરાવે છે જેથી ઓફિસ કે ધંધા પર જવું નાગરિકોને અનુકૂળ પડે છે.
પરિવાર દીઠ એક કાર રાખો તો જ પાર્કિંગ મળે એક કરતા વધુ કાર ધરાવનારને ખૂબ ઊંચી કિંમતે બીજી કાર મળે. કારનું લાયસન્સ જ કારની કિંમત જેટલું હોય. જેથી કાર પોસાય જ નહીં. ઉદાહરણ તરીકે ટોયોટા કેમરી હાયબ્રિડ કાર અમેરિકામાં ૨૮,૮૦૦ ડોલરમાં પડે તેની સિંગાપોરમાં. કિંમત ૧,૫૫,૮૦૦ ડોલર છે. પેટ્રોલ પણ જાણી જોઈને મોંઘું રખાયું છે. માર્ગ પર વાહન ચલાવો તો ટેક્સ પણ ભરવો પડે. એકંદરે એવા કાયદા છે કે નાગરિકોને ચાલવાનું કે સાયકલ પર જવાનું અનુકૂળ પડે.
ફૂટપાથ પર ચાલો એટલે તમારા ડગલા ગણાઈ જાય અને અમુક હજાર પગલાં ચાલો એટલે ગ્રોસરી કે શોપિંગ વાઉચર પણ મળે છે.
ઓછામાં ઓછી જગ્યાનો નાગરિકોની સુખાકારી માટે કઈ રીતે ઉપયોગ કરવો તે જોવા જેવું છે. દબાણ કે રસ્તા પર આડેધડ પાર્કિંગનો સવાલ જ નથી.
તમને થશે કે જીવનની ગુણવત્તા, સ્વાસ્થ્ય અને વધુ આયુષ્યને આ બધા સાથે શું સંબધ પણ આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રદૂષણ, બેફામ ડ્રાઇવિંગ, ટ્રાફિક, દબાણ ,પાર્કિંગ વગેરે બ્લડ પ્રેશર અને હૃદય રોગ માટે નિમિત્ત બને છે. ફેફસાની બીમારી પણ આવા પરિબળોને માટે કારણભૂત છે. સિંગાપોરના નાગરિક સાંજે ઘેર પરત આવે છે ત્યારે પ્રસન્ન અને ઉર્જાસભર હોય છે. સિંગાપોરમાં વિશ્વમાં સૌથી ઓછા હૃદય રોગના દર્દીઓ છે. સરકારી હોસ્પિટલો ફોર સ્ટાર હોટલ જેવી છે. આપણે ત્યાં તો કરોડોના ખર્ચે સરકાર પ્રોપર્ટીનુંઉદ્ઘાટન કરે.. તેને જાણી જોઈને જર્જરીત થવા દેશે અને ફરી ભ્રષ્ટાચાર થઈ શકે એટલે નવીનીકરણ કરશે. પુલ અને રસ્તા બધું જ જાણી જોઈને તૂટી જાય તેવું બનાવશે. સિંગાપોરમાં ભ્રષ્ટ નેતા, કોન્ટ્રાકટર ને જેલભેગા કરી દેવાય છે.
સિંગાપોરનું ચાંગી એરપોર્ટ જ સિંગાપોરનું દર્પણ છે. વિશ્વનું નંબર રેન્ક એરપોર્ટ છે.
ડાન બ્યુટ્ટનર કહે છે કે 'તમારી ક્ષમતા કરતા ૨૦ ટકા ઓછું ભોજન લો. પ્લાન્ટ બેઝ્ડ ભોજનને સ્થાન આપો. પાર્કમાં નિયમિત ચાલો કે કસરત કરો. રોજ તનાવમુક્ત રહેવાના તમને અનુકૂળ હોય તે પ્રયત્ન કરો. હકારાત્મક અને તરોતાજા લોકોની મિત્રતા રાખો. ઈર્ષાળુઓ અને નકારાત્મક સર્કલને દૂરથી સલામ કરી દેજો. જંક ફૂડ અને પીણા પર નોંધપાત્ર કાપ મૂકો. પરિવાર જોડે રહો. સામાજિક બનો. ખાંડ અને મીઠું (સોલ્ટ) સફેદ ધીમું ઝેર છે તેમ સમજો.
સિંગાપોરમાં જે સંતાન તેમના વડીલો જોડે રહેતા હશે તેઓને સરકાર આર્થિક પ્રોત્સાહન અને વિશેષ સબસિડી આપે છે. સિંગાપોર અમેરિકાની જેમ નર્સિંગ હોમ કલ્ચરને આગળ નથી કરતું.
સિંગાપોરના સમાજ શાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાાનીઓ નાગરિકોને સલાહ આપે છે કે કોઈપણ ધર્મ કે ઈશ્વર પરત્વે શ્રદ્ધા રાખો અને ઓછામાં ઓછું ચાર વખત ધર્મ સ્થળે દર્શન કે પ્રાર્થના માટે જાવ.કેમ કે તેનાથી તનાવમુક્ત રહેવાતું હોય છે.
સિંગાપોરમાં ચ્યુઇંગ ગમ પર સખ્ત પ્રતિબંધ છે. ગન અને ડ્રગ કેસમાં સંડોવાય તેને આકરી જેલની સજા થાય છે. અમેરિકામાં શૂટિંગની ઘટનામાં વર્ષે એક લાખના મૃત્યુ થાય છે જ્યારે સિંગાપોરમાં આવા સરેરાશ ત્રણ જ મૃત્યુ નોંધાય છે.
આમ આવા તમામ પરિબળોને લીધે સિંગાપોર 'બ્લ્યુ ઝોન' દરજ્જો પામ્યું છે.
આપણા નેતાઓ, કોર્પોરેટર સિંગાપોર જેવા દેશનો સ્ટડી ટૂર માટે પ્રવાસ તો કરે છે પણ દાનત જ ખોરી અને ભ્રષ્ટ હોઇ શહેર એક જમાનામાં હતું તેના કરતાં પણ કથળ્યું છે. ઊંચી ઈમારતો કે લાઈટના ઝગમગાટથી શહેર વિકાસ પામ્યું તેમ ન કહેવાય.નાગરિકોનું જીવન ધોરણ, શિસ્ત અને સરકારની નિષ્ઠા ઉમદા હોવી જોઈએ.
ચાલો આપણો દેશ કે શહેર બ્લ્યુ ઝોન જેવો ભલે ન બને આપણે આપણું જીવન અને પસંદ તો બ્લ્યુ ઝોનમાં સ્થાન પામે તેવી બનાવીએ.
અને છેલ્લે..
ડેનમાર્કમાં માખણ, મલાઈ ધરાવતું દૂધ, ચીઝ, પિત્ઝા, માંસ, તેલ અને પ્રોસેસ્ડ ફૂડ પર અન્ય ટેક્સ ઉપરાંત 'ફેટ ટેક્સ'નો બોજ ગ્રાહક પર નાંખવામાં આવે છે જેના લીધે તેની ખરીદીમાં તો ઘટાડો જોવા મળે જ છે પણ તેનો અતિરેક સાથે ઉપયોગ કરનારને પણ દોષની લાગણી જન્મે છે.સ્વાસ્થ્ય અંગે આ રીતે આર્થિક બોજ નાંખી સભાનતા કેળવવામાં ડેનમાર્ક સરકારને સફળતા મળી છે અને તેમના નાગરિકોમાં છેલ્લા વર્ષોમાં અગાઉની તુલનામાં બીમારીનું પ્રમાણ ઘટયું છે અને સરેરાશ આયુષ્ય વધ્યું છે.
જાપાનમાં દૂષણ પરના ટેક્સને સીન એટલે કે પાપ કરો છો તેમ માની સીન ટેક્સ તરીકે ઓળખાય છે.
મેક્સિકોમાં જંક ફૂડ પર સાત ટકા ટેક્સ લગાવાય છે અને કાર્બોનેટેડ પીણા પર સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. આવા ટેક્સને કારણે ખરીદીમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોલંબિયામાં તો જંક ફૂડ પર જ સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ઉપરાંત નોર્વે, ચીલી, જાપાન અને ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રાલયને તેમના દેશના નાગરિકોમાં મેદસ્વીપણું ઘટાડવાના લક્ષ્યાંકો આપ્યા છે.