Get The App

સમાજની આંખો ઊઘાડનારો સેક્સલાઈફ સર્વે

Updated: Mar 23rd, 2025


Google News
Google News
સમાજની આંખો ઊઘાડનારો સેક્સલાઈફ સર્વે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- દેશના મોટાભાગના યુવકો  'વર્જિનિટી'ને ઝાઝું મહત્ત્વ આપતા નથી અને મોટેભાગે યુવક-યુવતીઓ પોતાના પ્રેમી-પ્રેમિકા સાથે પરણવા ઉત્સુક હોય છે

'સે ક્સ'. પ્રેમની જેમ અઢી અક્ષરના આ શબ્દને 'જુવાની' સાથે સીધો અને સૌથી નિકટનો નાતો છે. હકીકતમાં સેક્સી હોવું એટલે ગમે તે વયે  જવાનીના  જોમ-જુસ્સાથી  છલકાતા રહેવું. જીવનમાંથી સેક્સની સરિતા સુકાવા માંડે ત્યારે માનવું કે હવે બુઢાપો બારણે ટકોરા મારી રહ્યો છે અને ઘડપણનું ઘર ઢૂંકડું છે.  સેક્સ ઉર્ફે જાતીયતા એટલે વિજાતીય પાત્રને આકર્ષવાની અને તેનાથી આકર્ષાવાની ઊર્જા.

જોકે એક  જમાનો હતો  જ્યારે 'સેક્સ' શબ્દ સૂગવાચક મનાતો. સ્ત્રીની સામે પુરુષ કે પુરુષની સામે સ્ત્રી 'સેક્સ'ની જાહેરમાં ચર્ચા કરવામાં સંકોચ-શરમ અનુભવતાં. પરંતુ હવે તે સૂગના સીમાડા અને વડીલોની વાડાબંધી તોડીને સહજ-સ્વીકાર્ય બની ગયો છે. આજની યુવાપેઢી જાતીય કે  યૌનસંબંધની વાતચીત અને વર્ણનમાં ખાસી 'મેચ્યોર'(પુખ્ત) બની ગઈ છે. બેડરૂમની વાતો ડ્રોઈંગરૂમ કે કિચનમાં  કરવામાં અને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની સાથે 'સેક્સી જોક્સ' શેર કરવામાં તેને કશી શેહ-શરમ નડતી નથી. 

માત્ર પુરુષો જ સેક્સસંબંધોના સંવાદોમાં બિન્ધાસ્ત બન્યા છે, એવું નથી. આજની સ્કૂલગર્લ કે કોલેજકન્યા પણ વસ્ત્રાનીે પસંદગીની માફક  પોતાના મનગમતા 'માણીગર' અથવા મનપસંદ હિરો-હિરોઈનની બોડી-લેંગ્વેજ વિશે બોલવામાં  'બોલ્ડ' બની છે.  

માય મ્યુઝ નામની બેડરૂમ વેલનેસ બ્રાન્ડ દ્વારા ૫૦૦થી વધારે શહેર અને કસબાંઓને આવરી લઇ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતાં દસ હજાર જણાંને વિવિધ સવાલો કરી સેક્સ સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી આ તારણો કાઢવામાં આવ્યા છે. 

આ સેક્સ સર્વે અનુસાર ૫૫ ટકા ભારતીયો જાતીય સુખ માણ્યાવગર  રહી જતાં હોવાનું જાણવા મળ્યું છે.

રસપ્રદ બાબત એ છે કે પોતાની સેક્સ લાઇફ વિશે અસંતોષ જાહેર કરનારી મહિલાઓની ટકાવારી પુરૂષોની સરખામણીએ વધારે હતી.

સંયુક્તપણે કરેલા 'સેક્સ્યુઆલિટી' વિશેના આ વ્યાપક  સર્વેક્ષણમાં કેટલીક  રોચક-રસપ્રદ  વાતો બહાર આવી છે. 

દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, બેંગલોર, હૈદરાબાદ, પુણે, જયપુર, કોચી, પટણા અને લુધિયાના - આ બાર શહેરોમાં  પરિણીત-અપરિણીત વ્યક્તિઓને  પ્રશ્નો પુછાયા હતા અને કેટલાકના ઈન્ટરવ્યુ લેવાયા હતા, જેમાં  તેમની જાતિ(સ્ત્રી કે પુરુષ), વયજૂથ, વ્યવસાય, શિક્ષણ, સામાજિક-આર્થિક  દરજ્જો  અને મહિનાદીઠ આવકના આધારે તેમનાં અભિપ્રાય-મંતવ્યો લેવાયાં હતાં. 

 પ્રસ્તુત સર્વેક્ષણનાં તારણો મુજબ  મોટાભાગનાં યુવક-યુવતીઓએ કહ્યું હતું કે તેમણે ૨૦  વરસની ઉંમર  પહેલાં જ જિંદગીમાં પહેલીવાર 'સંભોગસુખ' માણ્યું હતું. ખાસ કરીને શહેરી જુવાનિયાઓમાંના ૬૫ ટકા યુવાનોએ કબૂલ્યું હતું કે તેમણે લગ્ન પહેલાં કામસુખનો આનંદ અનુભવ્યો હતો. 

સેક્સ સર્વેક્ષણનાં કેટલાંક તારણો

સમાગમનો પહેલો અનુભવ

૪૯ ટકાને ખૂબ જ અદ્ભુત અને રોમાંચક , જ્યારે ૩૫ ટકા માટે તે સામાન્ય કે  ઠીક-ઠીક,  ૯  ટકાને પીડાદાયક અને ૬ ટકાને ભયંકર લાગ્યો. 

અત્યારસુધીમાં કેટલી વ્યક્તિઓ સાથે સંભોગ માણ્યો ?

૭૬ ટકાએ એક જ વ્યક્તિ સાથે, ૧૭ ટકાએ  બે, ૪  ટકાએ  ત્રણ, જ્યારે ૧.૨ ટકાએ પાંચથી વધુ વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો હતો. 

પતિ કે પત્ની સાથે મહિનામાં કેટલીવાર સંબંધ બાંધો છો ?

૨૪ ટકા દંપતી મહિનામાં ૬ વખત, ૧૯ ટકા દર મહિને ૧૧થી ૨૦ વખત, ૧૩ ટકા બેએક વાર, ૭.૨ ટકા ૨૧થી ૩૦ વખત અને બે ટકા દંપતી મહિનામાં ૩૦થી વધુ વખત.

વેશ્યાગમન કેટલીવાર કર્યું છે?

૮૦ ટકાએ 'ક્યારેય નહિ' કહ્યું, જ્યારે ૧૦ ટકાએ બેએક વખત, ૩.૬ ટકાએ પાંચથી દસ વખત અને ૧ ટકાએ કહ્યું કે કેટલીવાર કર્યું તે 'યાદ નથી'.

સેક્સ દરમિયાન કઈ બાબત અણગમો ઉપજાવે છે ?

૫૮ ટકાને ગંદા દાંત અને ગંધાતું મોં, ૫૫ ટકાને શરીરની દુર્ગંધ, ૨૬ ટકાને મેલાં કપડાં, જ્યારે ૨૫ ટકાને દાઢીમૂછવાળો ચહેરો તથા જનનાંગો પાસેના નહિ કાપેલા કેશને કારણે સૂગ પેદા થાય છે.

સમાગમમાં પ્રથમ સાથી કોણ હતો?

૨૮ ટકા સાથે તેમનો જીવનસાથી, ૨૧ ટકા સાથે મિત્ર, ૫.૮ ટકા સાથે કોલેજનો સહાધ્યાયી, ૩ ટકા સાથે પાડોશી, ૨ ટકા સાથે સગોસંબંધી, ૧.૩ ટકા સાથે અજાણી વ્યક્તિ..

કઈ રીતે સંભોગ માણવો વધુ ગમે છે?

બાવન ટકાને નિતનવાં આસનો કે મુદ્રાઓ અજમાવવાં ગમે, ૪૮ ટકાને મુખમૈથુન, ૨૨ ટકાને ગુદામૈથુન, ૩૩ ટકાને  બીભત્સ ફિલ્મ જોવાની સાથે, ૨૬.૭ ટકાને સુગંધિત કોન્ડોમ સાથે. 

૨૯ ટકા પુરુષોએ કબૂલ્યું કે તેઓ એકથી વધુ સ્ત્રીઓ સાથે સમાગમ કરે છે, જ્યારે સ્ત્રીઓમાં એકથી વધુ પુરુષો સાથેના સંબંધની ટકાવારી ૧૯ ટકા છે. 

૫૧ ટકા માટે હસ્તમૈથુન એક કુદરતી પ્રક્રિયા છે, ૨૧ ટકા માટે તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખરાબ છે, ૩૦ ટકા માટે તેનાથી ઊંઘ સારી આવે છે, ૩૭ ટકા માટે  તે  ટેન્શનમાંથી છુટકારો મેળવવાની ઉત્તમ ક્રિયા છે, જ્યારે ૧૪ ટકા લોકો એ કર્યા પછી ગુનાનો અનુભવ કરે છે. 

૫૩ ટકા લોકો લિવ-ઈન-રિલેશનમાં માને છે, જ્યારે ૪૬ ટકા લોકો તેને અયોગ્ય માને છે. 

૭૦ ટકા લોકોએ કહ્યું હતું કે અપરિણીત કે એકલા  જીવવા કરતાં  લગ્ન કરી લેવાં  બહેતર છે, જ્યારે ૨૯ ટકા લગ્નને અનિવાર્ય માનતા નથી.

આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે 'મધુર મિલનની પ્રથમ રજની' કે  'સુહાગરાત' માટે  હવે 'લગ્ન'ની પૂર્વશરત અનિવાર્ય  રહી નથી. એ  જ  રીતે લગ્ન પછી પત્ની સિવાયની સ્ત્રી સાથેનો કામસંબંધ કે રતિસુખ પણ સ્વીકાર્ય બન્યું છે.(જનમોજનમની સગાઈ કે  ભવોભવનાં  બંધન આવા લોકો માટે જુનવાણી વાત છે)

આ ઉપરાંત ૩૦ ટકા યુવકોએ કહ્યું હતું કે તેઓ 'સમલિંગી સંબંધ(હોમોસેક્સ્યુઅલ રિલેશન)ને અકુદરતી, વિકૃત-વખોડવાલાયક કે નિષિદ્ધ  માનતા નથી. એટલું જ નહિ, પરંતુ આ યુવકોએ નિખાલસતાપૂર્વક કબૂલ્યું હતું કે તેમણે જીવનમાં  કમ-સે-કમ એકાદવાર સમલૈંગિક સંબંધસુખનો અનુભવ કર્યો હતો. 

જોકે  ૭૩ ટકા યુવક-યુવતીઓએ  બીજી એક મહત્ત્વની અને ચિંતાપ્રેરક હકીકત એ જણાવી હતી કે 'ઈન્સેસ્ટ' એટલે કે 'નજીકના સગા-સ્વજન સાથે કરાતો  સંભોગ આપણા દેશની એક ભારે ગંભીર સમસ્યા છે. સાથોસાથ સેક્સ પ્રત્યેના અભિગમમાં આવેલા ઉદારીકરણની સાબિતી આપતાં  લગભગ અડધોઅડધ એટલે કે ૪૯ ટકા અપરિણીત યુવાનોએ કહ્યું  હતું કે તેમની જીવનસાથી 'વર્જિન' ન હોય(લગ્ન અગાઉ તેનો કૌમાર્યભંગ થયો હોય) તોપણ  તેની સાથે પરણવામાં  તેમને કશો વાંધો નથી. જોકે આની સામે  ૭૦ ટકા અપરિણીત યુવતીઓએ કહ્યું હતું કે તેઓ 'કુંવારો' ન હોય અથવા લગ્ન પૂર્વે દેહસંબંધ બાંધી ચૂક્યો હોય, એવા યુવકને પરણવાનું પસંદ નહિ કરે. 

આ અભિપ્રાય આપણા સમાજની એક વાસ્તવિકતા સ્પષ્ટ કરે છે કે 'વર્જિનિટી' કે  'શિયળ'ને હજી  ભારતીય સ્ત્રી પોતાની એક મહામૂલી મૂડી માને છે.  આજકાલ લગ્ન પહેલાંના દેહસંબંધોનું પ્રમાણ વધી રહ્યું હોવા છતાં  સ્ત્રીઓ  'શીલ'ને  સર્વોચ્ચ સદ્ગુણ માને છે  અને શિથિલ ચારિત્ર્યની સ્ત્રીને સમાજ આદર-માનથી જોતો નથી. 

કેન્દ્રના સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના ભારતીય યુવા પેઢી વિશેના  એક અભ્યાસુ અહેવાલના આંકડા મુજબ  ''શહેરોના ૬૧ ટકા યુવકો  તેમની પ્રેમિકાને પત્ની બનાવવા માગતા હોય છે, જેમાંના ૪૩ ટકા યુવકો એ પ્રેમિકાને જ પરણી જતા હોય છે, જ્યારે ૭૮ ટકા યુવતીઓ પોતાના પ્રેમીને જ પતિ બનાવવા માગતી હોય છે  અને તેમાંની ૮૬ ટકા યુવતીઓ તેમના મજનૂઓ સાથે જ પ્રભુતામાં પગલાં માંડે છે.'' 

આના પરથી એક સમાજશાસ્ત્રી એવું તારણ કાઢે છે કે ''સ્ત્રીઓમાં  પોતાની કામેચ્છા પ્રદર્શિત કરવાની વૃત્તિ સતત વધી રહી છે. તેઓ પુરુષને માત્ર મિત્રભાવે જોતી નથી. પરંતુ પોતાના કામાવેગને સંતોષવા માટેનું એક માધ્યમ પણ બનાવવા માગે છે. 'ચેસ્ટિટી' કે  શીલ-સુરક્ષાની ભાવના 'સેક્સ' માણવાનો મોકો ન મળે ત્યાં સુધી જ અખંડિત રહે છે. અનુકૂળ સમય-સંજોગ મળતાંવેંત વસ્ત્રોની માફક તેના વિચારો પણ સરી પડે છે. માનુનીઓના આવા મિજાજનો સંકેત એ  છે કે  ભારતમાં સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો જેવાં કે બ્રા, પેન્ટી કે લિંગેરીનું વેચાણ વધી રહ્યું છે અને તેમાં વિવિધરંગી ફેન્સી અને ટૂંકામાં ટૂંકા કદની વિદેશી બ્રાન્ડ્સનો ઉમેરો થતાં તેની માગ પણ વધી છે. 

આ ઉપરાંત ઈન્ટરનેટની ઈ-કોમર્સ  વેેબસાઈટો પર કામાવેગ વધારનારાં અને રતિક્રીડાનો આનંદ વધારનારાં દ્રવ્યો જેવાં કે 'એડિબલ બોડી પેઈન્ટ', સેન્સ્યુઅલ બોડી પાવડર,  કિસ કરતી વખતે જાણે વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેવી અનુભૂતિ કરાવતી લિપ્સ્ટિક અને પુરુષો માટે પણ કામોત્તેજક જાંઘિયા જેવાં વસ્ત્રો,  ગ્રાહકોની ઓળખ ગુપ્ત રાખવાની ગેરન્ટી સાથે  તેમને તેમના ઘર કે ઓફિસની બહાર હાથોહાથ અમુક સ્થળે પહોંચાડવાની સગવડ નિર્માતા-કંપનીઓ કરી આપે છે. આવી ચીજવસ્તુઓની માગ નાનાં શહેરોમાં વધુ હોય છે, કેમકે મોટા સ્ટોર્સમાં કે છૂટક માલ વેચતા વેપારીઓની દુકાનોમાં તે આસાનીથી  મળતી નથી. 

આવાં 'એડલ્ટ ઉત્પાદનો'નું બજાર કૂદકે ને ભૂસકે ભારતમાં વધી રહ્યું  છે. વિશ્વભરમાં આવાં ઉત્પાદનોનું  વેચાણ  અંદાજે ૩૫અબજ ડોલર જેટલું છે, જ્યારે ભારતમાં ત્રણ અબજ ડોલર જેટલું છે અને આગામી ત્રણ વરસમાં તે બમણું વધીને છ અબજ થઈ જશે.

સેક્સ અંગે બદલાયેલો આ અભિગમ આપણને  દાંભિકતા અને દમનવૃત્તિમાંથી મુક્ત કરે છે એ તેનું જમાપાસું છે. પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ફરક સમજવા જેટલો સંયમ કેળવાય તે પણ એટલું જ જરૂરી છે. નહિતર જતેદહાડે  છેડતી, બળાત્કાર અને સ્ત્રીઓ સામેના અત્યાચારોની આંધીમાં સૂકા ભેગું લીલું પણ બળી જશે.

Tags :