કામકલારૂપ કામાખ્યાની પ્રપંચલીલા સાથે શરૂઆત થઈ નરકાસુરના પતનની!

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
કામકલારૂપ કામાખ્યાની પ્રપંચલીલા સાથે શરૂઆત થઈ નરકાસુરના પતનની! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- કામાખ્યા પ્રત્યેક કામનાઓને પૂર્ણ કરનારી કામેશ્વરી છે. શાસ્ત્ર તેમને 'મહામાયા'ની ઉપમા આપે છે. સદાશિવને અત્યંત પ્રિય (હરપ્રિયે) છે! 

ગ યા અઠવાડિયે પ્રધાન તંત્રપીઠ કામાખ્યાના પૌરાણિક ઈતિહાસ અંગે વિસ્તારપૂર્વક વાત માંડી. ભગવાન વિષ્ણુ, ભૂદેવી અને એમના પુત્ર નરક સાથે પ્રાગજ્યોતિષપુર (આજનું કામાખ્યા ક્ષેત્ર)માં પ્રવેશ મેળવ્યા પછી એમણે જોયું તો મહાદેવ દ્વારા ગુપ્ત રાખવામાં આવેલી આ નગરી ઉપર કિરાતગણનું રાજ હતું. તેઓ તામસિક વૃત્તિ ધરાવતી પ્રજા હતી, જે માંસાહાર ઉપર જીવિત રહેતી! પ્રાગજ્યોતિષપુરમાં પ્રવેશ મેળવ્યા પછી ભગવાન વિષ્ણુએ જોયું કે કિરાતગણ તમામ પ્રકારની સુસંસ્કૃત સભ્યતાથી દૂર રહીને અજ્ઞાાનતાના અંધકારમાં જીવન જીવી રહ્યાં છે, ત્યારે એમણે નરકને પ્રાગજ્યોતિષપુરની ધુરા સંભાળવાનો આદેશ આપ્યો. 

પોતાના પ્રદેશમાં અજાણ્યા લોકોને આવેલાં જોઈને કિરાતગણ ક્રોધિત થઈ ગયો. આ ગણનો જે રાજા હતો, એનું નામ હતું : ઘટક! તે અત્યંત બળશાળી હતો અને આક્રોશમાં આવીને પોતાની ચતુરંગ સેનાની સાથે તેણે વિષ્ણુ અને નરક ઉપર હુમલો કર્યો. એ અબૂધને જાણ સુદ્ધાં નહોતી કે સ્વયં હર અર્થાત્ શિવ જેમનું ધ્યાન ધરે છે, એવા હરિ એટલે કે વિષ્ણુ સામે તે યુદ્ધ કરવાની ચેષ્ટા કરી રહ્યો છે! ભીષણ યુદ્ધને અંતે ઘટકે પોતાનો પરાજય સ્વીકારી લીધો. કિરાતગણ દ્વારા નરકની શરણાગતિ સ્વીકારવામાં આવી. ભગવાન વિષ્ણુએ નરકને સમગ્ર પ્રાગજ્યોતિષપુરની પ્રજા અને શરણાર્થીઓની રક્ષાની જવાબદારી સોંપી. સાથોસાથ, ભગવાને ચેતવણી પણ આપી કે આ સ્થાન પર સ્વયં મા કામાખ્યાનો વસવાટ છે. ભગવાન બ્રહ્મા અને મહાદેવ પણ અહીં નિવાસ કરે છે, માટે ધર્માચરણ નિતાંત આવશ્યક છે. 

નીલપર્વત ઉપર વિદ્યમાન મા કામાખ્યાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નરકે છેક શિખર સુધી વેદશાવિદ બ્રાહ્મણોનો વસવાટ કરાવ્યો. પોતાની પ્રચંડ સાધના અને ભક્તિને કારણે નરક દિવસે ને દિવસે અત્યંત શક્તિશાળી બનતો ગયો. ત્રેતાયુગ પૂર્ણ થયો અને દ્વાપરયુગની શરૂઆત થઈ. આ દરમિયાન નરકની મિત્રતા શોણિતપુરના રાજા બલિપુત્ર બાણાસુર સાથે થઈ. સંગ એવો રંગ! આસુરી વૃત્તિના જીવ સાથે રહીને નરક પણ સમયાંતરે અસુર બની ગયો. તે હવે નરકને બદલે નરકાસુર તરીકે ઓળખાવા લાગ્યો. પૂજા-ભક્તિ-સાધનામાંથી તેનું મન વિરક્તિ પામી ગયું. ભગવાન વિષ્ણુ અને ભૂદેવીની અર્ચના ઉપરાંત મા કામાખ્યાની સાધનાનો પણ તેણે ત્યાગ કરી દીધો.  

તેની મતિ એટલે હદ સુધી ભ્રષ્ટ થઈ ગઈ કે એક સમયે મા કામાખ્યાનો ભક્ત રહી ચૂકેલો નરકાસુર હવે એમની સાથે વિવાહ કરવાના સ્વપ્ન જોવા લાગ્યો! શક્તિ પ્રાપ્ત કરવાનું ભૂત તેના મસ્તક ઉપર એ હદે સવાર થયું કે તે સારા-નરસાનો ભેદ ભૂલીને પોતાની જ આરાધ્યા સાથે લગ્નજીવનની કલ્પના કરવા માંડયો. 

દેવીની આકરી તપસ્યા થકી નરકાસુરે મા કામાખ્યાને પ્રસન્ન કર્યા. નરકાસુરને દર્શન આપવા માટે જ્યારે મા પ્રગટ થયાં, ત્યારે તેણે મહાદેવી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. મા કામાખ્યા તો કામેશ્વરી છે, રાજરાજેશ્વરી છે, લલિતા છે! એમનાથી કંઈ જ છૂપું નથી. સમસ્ત બ્રહ્માંડ જેમની પ્રપંચલીલા હોય, એમના માટે નરકાસુર તો વળી કઈ બલા..!? 

મા કામાખ્યાનો એક સુંદર પ્રણામ મંત્ર છે : 

कामाखये काम-सम्पन्ने कामेश्वरि हर-प्रिये 

कामनां देहि मे नित्यं कामेश्वरि नमोडस्तु ते ।।

કામાખ્યા પ્રત્યેક કામનાઓને પૂર્ણ કરનારી કામેશ્વરી છે. શા તેમને 'મહામાયા'ની ઉપમા આપે છે. સદાશિવને અત્યંત પ્રિય (હરપ્રિયે) છે! એમના માટે આ સંસાર એમનું લીલાક્ષેત્ર છે. નરકાસુરને લીલાનો એક ભાગ બનાવવા માટે તેમણે લગ્નનો પ્રસ્તાવ તો સ્વીકાર્યો પરંતુ શરત એ મૂકી કે જો નરકાસુર પ્રાત:કાળ પહેલાં (એક રાતની અંદર) નીલાચલ પર્વતની તળેટીથી શિખર સુધી પગથિયાં તૈયાર કરાવી આપે, તો વિવાહ નક્કી! કૂકડો બાંગ પોકારે એ પહેલાં આ કાર્ય સંપન્ન થવું જોઈએ. 

નરકાસુર માટે તો આ સાવ સરળ હતું. પોતાની આખી સેનાને તેણે કામે વળગાડી અને એક રાતની અંદર માર્ગ તૈયાર કર્યો. મા કામાખ્યાને આ વાતની જાણ થતાં એમણે કૂકડાને વહેલી બાંગ પોકારવાની પ્રેરણા આપી. નરકાસુરનું કાર્ય સમાપ્તિને આરે હતું, એની ગણતરીની ક્ષણો પહેલાં જ કૂકડાએ બાંગ પોકારી. 

નરકાસુર મા કામાખ્યાની આ પ્રપંચલીલાથી અજાણ હોવાને કારણે હતાશ થઈ ગયો. જે થોડું ઘણું કામ બાકી હતું, એ અધૂરું મૂકીને તે પોતાના મહેલમાં પરત ફરી ગયો. જે સ્થાન પર આ ઘટના બની હતી, એ સ્થાન આજે પણ કામાખ્યામાં ધબકે છે. જગ્યાનું નામ છે: કુકુરકટા! દારંગ જિલ્લામાં આજની તારીખે પણ એ અપૂર્ણ પગથિયાં જોવા મળે છે. સ્થાનિકોએ નરકાસુરના આ અપૂર્ણ કાર્યને નામ આપ્યું છે :  મૈખેલોજ માર્ગ! 

આ ઘટના પછી કઈ રીતે કામાખ્યા શક્તિપીઠની તાસીર બદલી અને કઈ રીતે ત્યાં વામાચાર શરૂ થયો એ અંગે વિગતે વાત કરીશું આવતાં અંકે!


Google NewsGoogle News