સુબ્રાતા રોયનું સ્વપ્ન .
- આજકાલ-પ્રીતિ શાહ
- સુબ્રતા રૉયે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેને આટલી સફળતા મળશે. તેની ફી ઘણી ઓછી હતી. શરૂઆતમાં તો બધા વિષયની સિત્તેર-એંશી રૂપિયા હતી
કા લકાતાના મધ્યમવર્ગીય પરિવારમાં સુબ્રતા રૉયનો જન્મ થયો હતો. છ ભાઈબહેનોમાં પાંચમા સંતાન તરીકે જન્મેલા સુબ્રતાએ કૉલકાતાના પશ્ચિમ પુટીઅરી વિસ્તારમાં આવેલી પુટીઅરી બ્રજમોહન તિવારી બૉય્ઝ હાઇસ્કૂલમાંથી બારમું ધોરણ ઉત્તીર્ણ કરીને કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૯૩માં હેરમ્બા ચંદ્ર કૉલેજ સાઉથમાંથી બી.કોમ.ની ડિગ્રી મેળવી. પિતા કાશ્મીરમાં ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને માતા સ્થાનિક સ્ત્રીઓને સીવણ શીખવતી હતી. તેમાંથી બહુ થોડી આવક થતી હતી. તેથી આર્થિક મુશ્કેલીને કારણે સુબ્રતાએ બાળકોને ટયૂશન આપવાનું શરૂ કર્યું. પોતાના ઘરમાં જ આઠમા ધોરણથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને શીખવતા હતા. તેની શીખવવાની પદ્ધતિ એટલી સરસ હતી કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ તેની પાસે આવવા લાગ્યા અને ટૂંક સમયમાં જ પાંચ વિદ્યાર્થીઓથી શરૂ કરેલ ટયૂશન ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા, તેથી કૉલકાતાના ટોલિગંજની બાજુમાં હરિદેવપુરમાં વિવેકાનંદ ટયૂટોરિયલ હોમના નામે કોચિંગ ક્લાસ શરૂ કર્યા. ત્રણ-ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સાડા ચારસો સુધી પહોંચી ગઈ.
સુબ્રતા રૉયે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેને આટલી સફળતા મળશે. તેની ફી ઘણી ઓછી હતી. શરૂઆતમાં તો બધા વિષયની સિત્તેર-એંશી રૂપિયા હતી. ધીમે ધીમે તે ત્રણસોથી પાંચસો રૂપિયા થઈ. નાનપણથી જ તેમની પાસે ચિત્રકલા અને સ્કેચ કરવાની કલા હસ્તગત હતી, તેથી અકેડેમી ક્ષેત્રે તાલીમ લેવાનું નક્કી કર્યું, પરંતુ કોઈ ખ્યાતનામ સંસ્થામાં જઈને શીખવાને બદલે ટોલીગંજના સ્ટુડિયોમાં ગ્રાફિક ડિઝાઈનર તરીકે નોકરી કરીને શીખવા લાગ્યા. તેઓ શીખતા ગયા તેમ તેમ વિદ્યાર્થીઓને પણ ઍનિમેશન શીખવતા ગયા. આ અનુભવે ૧૯૯૬માં એમણે ઍનિમેશન ઍકેડેમીની સ્થાપના કરી, જે પાછળથી મૂપલ ઍકેડેમી તરીકે જાણીતી થઈ. આ સમયગાળામાં તેમની મુલાકાત તેની ભાવિ પત્ની સંચયિતા સાથે થઈ. તેનામાં એક અનોખું કલાકૌશલ્ય હતું. તેણે કોચિંગ ક્લાસ સંભાળ્યા અને સુબ્રતા રૉય ઍનિમેશન ઍકેડેમી પર વિશેષ ધ્યાન આપવા લાગ્યા. ૨૦૧૨માં દોઢ હજાર સ્કવૅર ફીટનો ફ્લેટ ભાડે રાખ્યો અને હાઈ-ટેક ઍનિમેશન સ્ટુડિયોની શરૂઆત કરી. રાજકીય હાસ્ય-વ્યંગ્યના તેમના ઍનિમેશન ઍકેડેમી ટેલિવિઝન ચેનલ પર ખૂબ સફળ રહ્યા અને એક ટી.વી. ચેનલે એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો. થોડા વખતમાં કૉલકાતા અને તેની નજીકના ટીવી સ્ટેશનો માટે પણ તેઓ ઍનિમેશન બનાવવા લાગ્યા. તેમણે ડિઝની, કાર્ટૂન નેટવર્ક અને પોગો જેવા બાળકોના કાર્યક્રમ પર ધ્યાન આપ્યું. મુંબઈની મુખ્ય ઑફિસનો સંપર્ક સાધ્યો. શરૂઆતમાં તો સહકાર મળ્યો નહીં, પરંતુ મુંબઈ કરતાં બંગાળમાં ઓછી કિંમતમાં પ્રોડક્શન થશે તે સમજાવવામાં સુબ્રતા રાય સફળ થયા.
ધીમે ધીમે ચેનલમાં તેમના કામની સ્વીકૃતિ થવા લાગી. તેઓ બાયજુના શૈક્ષણિક કાર્યક્રમોમાં ઍનિમેશન બનાવી આપતા હતા, પરંતુ એ સંસ્થાએ ૨૦૧૭ પછી એકાએક ફંડિંગ બંધ કરી દીધું. આ સમયે કર્મચારીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પાંચ મહિના સુધી કોઈ પણ પ્રોજેક્ટ વિના તેમને પગાર આપ્યો. તેઓ તેમની આવડત અને કૌશલ્યથી પરિચિત હતા, તેથી તેમને છોડવા નહોતા માગતા. તેમની આવડતનો ઉપયોગ કરીને તેમણે 'ટયુટોપિઆ' નામની ટયુટોરિયલ એપ બનાવી. તેમણે જોયું કે પ. બંગાળમાં દસમા ધોરણમાં સી.બી.એસ.ઈ. અને આઈ.સી.એસ.ઈ.ના વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જાય છે અને તેની સંખ્યા પંચોતેર હજારની છે. જ્યારે વેસ્ટ બેંગાલ સેકન્ડરી એજ્યુકેશન પરીક્ષામાં આશરે બાર લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થાય છે. એમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ બંગાળી માધ્યમમાં અભ્યાસ કરે છે અને તેમને ઊંચી ટયૂશન ફી પોષાતી નથી. તેમના માટે સુબ્રતાએ ટયૂટોપિઆ એપ બનાવી. બીજા લોકો શૈક્ષણિક એપનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ત્રીસ હજાર રૂપિયા લે છે, પરંતુ સુબ્રતાએ માત્ર ત્રણ હજાર રૂપિયા ફી રાખીને ૨૦૨૧ની ૧૪ ફેબ્રુઆરીએ આ એપ શરૂ કરી, જેથી બાર લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય થઈ શકે. અત્યારના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ઘણી વાર તેઓ શિક્ષણ વિષયક સામગ્રી કાર્ટૂન દ્વારા પણ શીખવે છે. તેમને આનંદ એ વાતનો છે કે અત્યાર સુધીમાં દસ લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને ગુગલ પ્લે સ્ટોરમાં પાંચથી ૪.૮નું રેટિંગ હાંસલ કર્યું છે. ટયૂટોપિઆ સાથે શિક્ષણેતર અને ફાઈન આર્ટ્સ પ્રવૃત્તિ કરાવતું ટયૂટોપિઆ પ્લસ ફીચર નિ:શુલ્ક આપવામાં આવે છે. જેમાં ખ્યાતનામ વ્યક્તિ દ્વારા ચેસ, મૉડર્ન બંગાળી ગીતો, પઠન, રબીન્દ્ર સંગીત, ઓડિસી નૃત્ય, રોબોટિક્સ, સ્પોકન ઇંગ્લિશ શીખવવામાં આવે છે. સુબ્રતા રૉય તેમની ઍકેડેમીમાં એનિમેશન, ગ્રાફિક્સ, મોશન ગ્રાફિક્સ વિઝયુઅલ ઇફેક્ટ, વેબ ડિઝાઈનિંગના સર્ટિફિકેટ અને ડિગ્રી કોર્સ ચલાવે છે. મૂપલ ઍકેડેમી ઍકેડેમી, હાઈ-ટેક ઍકેડેમી સ્ટુડિયો અને ટયૂટોપિઆનું કુલ ટર્નઑવર ૯૩ કરોડ છે. સુબ્રતા રાયનું સ્વપ્ન છે કે ભારતના ઍકેડેમી હબ તરીકે કૉલકાતાનો વિકાસ થાય.
આંચલનો અડગ સંકલ્પ
ટૅક્નૉલૉજીના નવાં સંશોધનો અને તેની સર્વિસથી ઍપ આધારિત ડીલીવરીએ ઘણી દિવ્યાંગ વ્યક્તિઓને માટે સ્વતંત્ર જીવન સુલભ બનાવી દીધું છે
જી વનમાં જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે વ્યક્તિનાં સ્વપ્નો સાકાર થવામાં અવરોધ ઊભો થાય છે. આવા સમયે કેટલીક વ્યક્તિઓ નિરાશામાં સરી પડે છે, પરંતુ આંચલ ભટેજા જેવી વ્યક્તિઓ દ્રઢ સંકલ્પથી પ્રતિકૂળતાઓને પાર કરીને પોતાનાં સ્વપ્ન સાકાર કરે છે. પંજાબના ભટિંડામાં રહેતી આંચલના જન્મ સમયે કેટલીક મુશ્કેલીઓ ઊભી થવાને કારણે જન્મથી જ તેની દ્રષ્ટિ નબળી હતી. જીવનના એક મહત્ત્વપૂર્ણ વળાંક પર જ તેની આંખોની રોશની ચાલી ગઈ. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પહેલાં જ આ આઘાતજનક ઘટના બની. આંચલ કહે છે કે એક તો રૂઢિચુસ્ત પુરુષપ્રધાન સમાજમાં પુત્રી તરીકે જન્મવું અને તેમાં પણ પ્રજ્ઞાાચક્ષુ તરીકે જીવવું અત્યંત કપરું હતું. લોકો આવીને તેના માતા-પિતાને કહેતા કે ખબર નહીં આણે કેવા ખરાબ કર્મ કર્યા હશે? આઘાતજનક વાત તો એ છે કે માતા-પિતાથી નહીં અટકતાં લોકો આંચલને સીધું જ કહેતા કે, 'ભગવાન તારા પાપ માફ કરે.'
એક વખત રસ્તામાં એને એક મહિલા મળી અને તે કહેવા લાગી કે પૂર્વજન્મના પાપને કારણે તેની દ્રષ્ટિ જતી રહી છે. આંચલ તેને જવાબ આપવા જતી હતી, પરંતુ પિતાએ એને અટકાવીને કહ્યું કે બધા સાથે દલીલ કરીને તારા સમય અને શક્તિ વેડફીશ નહીં. શરૂઆતમાં એના પિતા સહિત ઘણા લોકો એવું માનતા હતા કે હવે તે આગળ અભ્યાસ કરી શકશે નહીં, પરંતુ અભ્યાસ ચાલુ રાખવા માટે આંચલ મક્કમ હતી. તે સમયે તેની મુલાકાત એક પ્રજ્ઞાાચક્ષુ વ્યક્તિ સાથે થઈ જે સ્ક્રીન રીડરવાળા કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા હતા. આંચલ એમની પાસેથી ઘણું શીખી અને ડિજિટલ એક્સેસિબિલિટી ઉપકરણ સાથે તેની શિક્ષણયાત્રા શરૂ થઈ. તેણે પોતાના અભ્યાસક્રમની ઓડિયો-બુક્સના સહારે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો.
આંચલની ઇચ્છા વકીલ બનવાની હતી. તેના માટે એણે પુષ્કળ મહેનત કરી અને કોમન લૉ એડમિશન ટેસ્ટ (ક્લેટ) આપી. તેમાં ઉત્તીર્ણ થઈને બઁગાલુરુની નેશનલ લો સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. અહીં અભ્યાસ કરવાવાળી તે પ્રથમ પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિની બની. તે જ્યારે પ્રથમ વર્ષમાં હતી, ત્યારે રાઇટરની મદદથી પરીક્ષા આપતી હતી, પરંતુ તેના પ્રોફેસરે તેને ટાઈપ કરવાની સલાહ આપી. શરૂઆતમાં મુશ્કેલ લાગતી બાબત અંગે આંચલ ખચકાટ અનુભવતી હતી, પરંતુ ધીમે ધીમે ટાઈપ કરવા લાગી. તે પોતાનું લેપટોપ લઈને પરીક્ષા હોલમાં ગઈ અને ટાઈપ કરીને પરીક્ષા આપી. આશ્ચર્યની વાત તો એ બની કે પ્રજ્ઞાાચક્ષુઓને સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે, પરંતુ આંચલ હંમેશાં ત્રણ કલાકમાં તેનું પેપર પૂરું કરી દેતી અને પછી તો બધી પરીક્ષા લેપટોપથી જ આપી. આ રીતે ૨૦૨૩માં તેણે તેનો અભ્યાસ પૂરો કર્યો. અત્યારે ભારતની જાણીતી લૉ ફર્મમાં વકીલ તરીકે કામ કરી રહી છે.
ટૅક્નૉલૉજીના નવાં સંશોધનો અને તેની સર્વિસ વિશેષે ઍપ આધારિત ડીલીવરીએ ઘણી દિવ્યાંગ વ્યક્તિઓને માટે સ્વતંત્ર જીવન સુલભ બનાવી દીધું છે. અત્યારે તે ટેલિકોમ મીડિયા અને ટૅક્નૉલૉજી લૉમાં કામ કરે છે, ત્યારે તેના મિત્રો મજાકમાં કહે છે કે એની પૂરી જિંદગી વર્ચ્યુઅલ સ્પેસમાં છે, કારણ કે તે કરિયાણાનો સામાન, ટેક્સી જેવી દરેક ચીજ માટે એપનો ઉપયોગ કરે છે. વિશ્વમાં આજે એક અબજ દિવ્યાંગ વ્યક્તિ છે. આ બધાને ડિજિટલ સુલભતા પ્રાપ્ત થાય તે માટે ગ્લોબલ એક્સેસિબિલિટી ડે ઉજવવામાં આવે છે અને તેનું નેતૃત્વ વેબ એક્સેસિબિલિટી ઈન માઈન્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞાાચક્ષુ વકીલોને ક્યારેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે તેમના ક્લાયન્ટ દ્વારા આપવામાં આવેલો ડેટા ઘણી વખત એક્સેસ થતો નથી. કેસ ફાઈલ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ નથી હોતી તેમજ દસ લાખથી વધુ જોવાતી વેબસાઈટોમાં પંચાણું ટકાથી વધારે હોમ પેજમાં એક્સેસિબિલિટીની સમસ્યા હતી, તેથી ઘણી વખત તેને અન્ય પર આધારિત રહેવું પડે છે. આંચલ કહે છે કે ઘણી વખત આઈ.ટી. સ્ટાફને પૂરી જાણકારી હોતી નથી કે સ્કીન રીડર કઈ રીતે કામ કરે છે અને ઑફિસમાં કામ કરવા માટેના સોફ્ટવેર સાથે તેને કેવી રીતે જોડી શકાય. વકીલોએ દસ્તાવેજ તેમજ બ્રીફ તૈયાર કરવાના હોય છે. આમાં પ્રજ્ઞાાચક્ષુઓને તકલીફ પડશે એમ માનવામાં આવે છે, પરંતુ આવી સ્થિતિમાં સમજદારીથી કામ કરવામાં આવે તો મુશ્કેલી પડતી નથી. આંચલે વિદ્યાર્થી તરીકે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની ઑફિસમાં ઈન્ટર્નશિપ કરી હતી. ત્યાં તેને બધી સુવિધાઓ આપવામાં આવી હતી. ઈન્ટર્નશિપ પૂરી થતાં જ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે એને પત્ર લખીને જણાવ્યું કે તેના દ્વારા તૈયાર કરેલી બ્રીફનો ઉપયોગ કરવામાં તેમને કોઈ તકલીફ પડી નથી. આજે આંચલ ભટેજા સફળ વકીલ તરીકે કામ કરે છે.
આંચલ ભટેચાની યાત્રા વ્યક્તિ દ્રઢ સંકલ્પથી પોતાનાં સ્વપ્નાં કેવી રીતે સાકાર કરી શકે છે, તેની તો છે જ, પરંતુ ટૅક્નૉલૉજીની સુલભતા અને જાગૃતિને અપનાવવાથી સમાવેશી દુનિયાનું સર્જન થઈ શકે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે, તેની પણ છે.