આ યુગમાં આવું પણ બની શકે છે! .

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
આ યુગમાં આવું પણ બની શકે છે!                         . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ઘંટાકર્ણ મહાવીરના હાથમાં સંકલ્પનું તીર છે અને એ સંકલ્પ છે આત્મજ્ઞાાનની પ્રાપ્તિનો. એમની મૂછોમાં મૃત્યુંજય છે અને એ છે જીવનમાં નિર્ભયતાનો

કો ઈ ગયા જમાનાની નહીં, પરંતુ આજના યુગના મહાઆશ્ચર્યની વાત કરવી છે. આજથી દોઢસો વર્ષ પૂર્વે વિ. સં. ૧૯૩૦માં ઉત્તર ગુજરાતની ધન્ય નગરી વિજાપુરમાં જેમનો જન્મ થયો અને એકસો વર્ષ પૂર્વે વિ.સં. ૧૯૮૧માં એ જ વતન વિજાપુરમાં જેમણે વિદાય લીધી એવા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન સ્વયં એક આશ્ચર્ય છે.

પહેલું આશ્ચર્ય એ કે બાળપણમાં સરસ્વતી માતાની છબી આગળ જ્ઞાાનપ્રાપ્તિ માટે પ્રાર્થના કરનાર વિજાપુરના આ કણબી પટેલ વિદ્યાર્થી બહેચરદાસને માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરવા મળ્યો. એ બહેચરદાસમાંથી સત્યાવીસમા વર્ષે દીક્ષા લઇને મુનિશ્રી બુદ્ધિસાગરજી બન્યા. એ પછી એમની સર્જનયાત્રાનો પ્રારંભ થયો. માત્ર ચોવીસ વર્ષમાં એમણે એકસોને ચાલીસથી વધુ ગ્રંથો લખ્યાં. એમની પાસે ગ્રંથવાચનની સ્વામી વિવેકાનંદ જેવી અદ્ભુત યૌગિક શક્તિ હતી. રોજ પાંચસો પૃષ્ઠ વાંચી શક્તા અને એ ગણતરીએ એમના જીવનમાં જુદાં જુદાં ગ્રંથોનાં આઠ લાખ અને ઓગણીસ હજાર પૃષ્ઠો વાંચ્યા હતાં. છે ને આ યુગનું આશ્ચર્ય !

એમનાં ચોવીસ વર્ષનાં સાધુજીવનનાં ૮,૭૬૦ દિવસમાં એકસો વખત 'આગમસાર', ત્રણ વખત 'શ્રી આચારાંગ સૂત્ર', આઠ વખત 'શ્રીમદ્ ભગવદ્ગીતા' એમ અનેક ગ્રંથોનું પુન:પુન: વાંચન કર્યું. બાળપણમાં તેઓ કદી કાગળ પર પગ મૂક્તા નહીં. નાની વયે પણ એ બધાનાં સોગન ખાય, પણ સરસ્વતી માતાનાં ન ખાય. ૧૪૦ જેટલા ગ્રંથો લખ્યાં, પણ જીવનમાં ટેબલ કે ઢાળિયાનો ક્યારેય ઉપયોગ કર્યો નથી ! પોતાના ઘૂંટણ પર ડાયરી મૂકીને કોઈ અવાવરું ભોંયરામાં બેસીને લેખનકાર્ય કરતા. જીવનનાં અંતિમ દિવસમાં ગ્રંથ પૂર્ણ કરવાની ઇચ્છા હતી. બન્યું એવું કે પ્રુફરીડરની માતા બીમાર પડી હતી. તેથી કામ અટકે તેમ હતું તો તેમણે એમનો તાવ પોતે લઇ લીધો હતો, એવી ઘટનાની ગવાહી મળે છે.

વિ.સં. ૧૯૭૧ના ભાદરવા વદિ એકમનાં દિવસે અહીં 'ઝટ મેઘ વરસાવો' નામે પ્રભુની પ્રાર્થના કરતા કાવ્યની રચના કરી અને થોડા જ સમયમાં દુષ્કાળ નિવારક વર્ષા થઇ હતી. તો એવી જ રીતે એમણે 'કબૂતર' વિશે કાવ્ય લખ્યું હતું અને એમની ડાયરી પર આવીને કબૂતર બેસી ગયું ! આ ઘટનાની નોંધ એમની અંગત રોજનીશીમાં મળે છે.

સામાન્ય રીતે સહુ કોઈ એક 'શ્રીમદ્ ભગવદ્ગીતા'થી પરિચિત હોય, તો યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ 'આત્મદર્શનગીતા', 'પ્રેમગીતા', 'ગુરુગીતા', 'જૈનગીતા', 'કૃષ્ણગીતા', 'અધ્યાત્મગીતા' અને 'મહાવીર ગીતા' એમ સાત ગીતાઓનું સર્જન કર્યું. ગુજરાતી છ ધોરણનો અભ્યાસ હતો. ગુજરાતીમાં તો ઠીક, બલ્કે સંસ્કૃત અને હિન્દીમાં પણ સાહિત્ય સર્જન કર્યું. એમાં પચીસ ગ્રંથો તો તત્ત્વજ્ઞાાન અને અધ્યાત્મજ્ઞાાનથી ભરપૂર છે. બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ સચવાયો છે, તો સંસ્કૃત ભાષામાં પણ બાવીસ જેટલાં ગ્રંથોની રચના કરી છે અને ચોવીસ ગ્રંથોમાં એમનું કાવ્યસર્જન વહે છે. વિચાર કરો કે કશીય કાવ્યરચનાની તાલીમ લીધી નહોતી, એમ છતાં પંદરમા વર્ષે બાળક બહેચરદાસે દોહા, ચોપાઈ, છંદ અને સવૈયામાં પ્રારંભિક કવિતાઓ લખી અને એ પછી એમની નિસર્ગદત્ત પ્રતિભા એવી ખીલી કે જેને પરિણામે ભજન, ઊર્મિગીત, રાષ્ટ્રગીત, અવળવાણી, ખંડ કાવ્ય, કાફી, ચાબખા, ગહુલી, કવ્વાલી, ગઝલ જેવાં અનેક કાવ્ય પ્રકારોમાં એમની કલમ વિહરે છે. એમનાં જીવનકાળ દરમિયાન એમણે ત્રણ હજારથી વધુ કાવ્યોનું સર્જન કર્યું. એમની ભજનો અને સ્તવનોની પુસ્તિકાની સોળ-સોળ આવૃત્તિ થઇ હતી. સાબરમતી નદી વિશે સૌથી વધારે કાવ્યો લખનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી છે. એમણે ચારસો જેટલાં કાવ્યો લખ્યાં હતાં. એમાંથી ૧૦૭ કાવ્યોનું ૨૦૦ પૃષ્ઠનું પુસ્તક 'સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય' પ્રકાશિત કર્યું. આથી તો સાબરમતી રિવરફ્રન્ટ પર એમની યૌગિક મુદ્રા ધરાવતી પ્રતિમા મુકાવવી જોઇએ.

એ જ રીતે પોતાના વતન વિજાપુર ગામ પ્રત્યે એમને અખૂટ ચાહના હતી. જે ધરતી પર જન્મ લીધો અને ખેલ્યાં. જ્યાં કેળવણી પ્રાપ્ત કરી અને જ્યાં આત્મોન્નતિનો માર્ગ મળ્યો, એ વિજાપુરનો ઘણો મોટો ઉપકાર તેઓ માનતા હતા અને આજે એક વિશેષ વાત એ છે કે એ જ વિજાપુરના શ્રી વિજાપુર વિશા શ્રીમાળી જૈન મહાજન મંડળ (મુંબઇ) અને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પાંચમ પરિવાર વિજાપુર (મુંબઇ) એ એકત્રિત થઇને યોગનિષ્ઠ આચાર્યશ્રીની ૧૫૦મી જન્મશતાબ્દીનું બોરીવલીના કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નંબર-૩માં ભવ્ય ઉજવણી કરી રહ્યું છે અને એની પાછળ માતુશ્રી કાંતાબેન રસિકલાલ શાહ (વિજાપુર-મુંબઇ), જ્યોતિબેન મનિષભાઇ શાહ, હેતાલી, દર્શિલ, હિનલ જેવા વતનપ્રેમથી ઉજવણી કરે છે. વળી યોગનિષ્ઠ આચાર્યશ્રીની ૧૫૦મી જન્મશતાબ્દી અને એકસોમી પુણ્ય શતાબ્દીની ઉજવણી પાછળ આચાર્યશ્રી અરવિંદસાગરસૂરીશ્વરજીની પ્રેરણા કારણભૂત છે.

મહત્ત્વની બાબત એ છે કે વિજાપુર વિશે યોગનિષ્ઠ આચાર્યશ્રીએ પહેલા એક પુસ્તિકા લખી હતી અને એ પછી વિજાપુરનો એક બૃહદ્ વૃત્તાંત ગ્રંથ લખ્યો હતો. ભાગ્યે જ કોઈ નગરનો આવો ઇતિહાસ અને પોતાની જન્મભૂમિ માટેનાં આવા પ્રેમનું પ્રાગટય જોવા મળે. યોગનિષ્ઠ આચાર્યશ્રી વિજાપુર ગામમાં જન્મ્યા હતા તો એ સમયે એ ગામ વડોદરાનાં રાજવી સયાજીરાવ ગાયકવાડનાં રાજ્યમાં એટલે કે ગાયકવાડી રાજ્યમાં સમાવેશ પામતું હતું. યોગનિષ્ઠ આચાર્યશ્રીએ વડોદરાનાં રાજમહેલમાં શ્રી સયાજીરાવ ગાયકવાડના લક્ષ્મીવિલાસ રાજમહાલયમાં 'આત્મોન્નતિ' વિષય પર પ્રવચન આપ્યું અને 'આત્મા શું છે ?' એ સમજાવીને આત્માની ઉન્નતિ વિશે રસભરી ચર્ચા કરી.

મહારાજા સયાજીરાવને દેશ-વિદેશના પ્રસિદ્ધ વક્તાઓ અને વિદ્વાનોનો ગાઢ પરિચય હતો, પરંતુ એમને આ વ્યાખ્યાન એવું અદ્ભુત લાગ્યું કે વ્યાખ્યાન પૂરું થતા મહારાજા સયાજીરાવ બોલી ઊઠયા, 'ઓહ ! જો આવા વધુ સંતો ભારતમાં હોય તો દેશોદ્વાર ઘણો નજીક આવે.' તેઓએ વડોદરા રાજ્યમાં પાઠયપુસ્તક તરીકે શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું સાહિત્ય ભણાવવાનાં હુક્મો કર્યા હતા. વિજયાદશમીના દિવસે થતી પાડાના વધની કુળ પરંપરા શ્રીમદ્જીનાં ઉપદેશથી બંધ કરાવી. યોગનિષ્ઠ આચાર્યશ્રીએ માણસા, પેથાપુર, વરસોડા, ઇડર વગેરેનાં રાજવીઓને માંસાહાર, દારુ અને જુગાર જેવા વ્યસન છોડયાં. અહિંસા, અસહકાર, ખાદી અને સ્વદેશી વ્રતમાં ઊંડો રસ લીધો અને એથીયે વિશેષ દલિત વર્ગને અભ્યાસ કરી શકે તે માટે નિશાળોની સ્થાપના કરી.

સામાન્ય રીતે મુનિઓ ઉપાશ્રયમાં વ્યાખ્યાન કરે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી જાહેર ચોકમાં વ્યાખ્યાન કરતા અને ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો. શાળાઓ, કૉલેજો અને ખુલ્લાં મેદાનોમાં પ્રવચન કર્યું. જૈન બાળકો માટે ગુરુકુળો કેવા હોવા જોઇએ એની સહુથી પહેલાં વાત કરનાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી, જૈન યુનિવર્સિટીની કલ્પના આપનાર પણ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી હતા.

યોગનું ઉત્તુંગ શિખર એટલે યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી ભાગ્યે જ એકલ-દોકલ માનવી જ્યાં ફરકવાની હિંમત કરે એવા સાબરમતીનાં વાંધાઓ એ કોતરોમાં તેઓ નિર્ભયતાથી ઘુમતા હતા અને ગુફા જેવી કોઈ જગા મળે, તો ત્યાં જાપ જપવા બેસી જતા હતા, ક્યાંક પદ્માસન લગાવીને ધ્યાનમાં બેસી જાય અને ચાર-ચાર દિવસ સુધી આવા સ્થળે અખંડ સમાધિ લઇને બેસી રહે. કોઈ વગડામાં જિનમંદિર મળે કે સાબરમતી નદીનાં કિનારે રેતનો બેટડો હોય, ત્યાં અપૂર્વ સમાધિમાં ડૂબી જતા, કોઈ કોઈ વાર આ સમાધિ ત્રણ ત્રણ દિવસ ચાલે અને રાત્રિનાં સમયે હઠયોગની સમાધિમાં મગ્ન થઇ જતા હતા.

મહુડીમાં ત્રણ દિવસ પદ્માસન લગાવી અંગોનું હલનચલન કર્યા વિના નિષ્ચેષ્ટ ધ્યાનમાં રહ્યા અને એમાંથી શ્રી ઘંટાકર્ણ મહાવીરના સાક્ષાત્ દર્શન થયા અને એની એમણે મૂર્તિ બનાવડાવી. એની પાછળ મનથી ગુલામ, હૃદયથી વહેમી અને સ્વભાવથી ભીરુ બની ગયેલી પ્રજામાં પ્રચંડ આત્મવિશ્વાસ જગાડવાનો હેતુ હતો. એ કાર્ય સિદ્ધ પણ કર્યું. એ ઘંટાકર્ણ મહાવીરના હાથમાં સંકલ્પનું તીર છે અને એ સંકલ્પ છે આત્મજ્ઞાાનની પ્રાપ્તિનો. એમની મૂછોમાં મૃત્યુંજય છે અને એ છે જીવનમાં નિર્ભયતાનો. એમના કદમ આગળ છે એનો અર્થ છે અધ્યાત્મ પુરુષાર્થના પથ પર સતત પ્રગતિ. એમનો યોગી જેવો લંગોટ જ્ઞાાન-સાધના દર્શાવે છે, તો એમની આંખ દર્શન-ધ્યાન બતાવે છે અને મુગટ ચારિત્ર બતાવે છે.

એક અનોખી વાત યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આજથી એકસો વર્ષથી પણ વધુ વર્ષ પૂર્વે ઇ.સ. ૧૯૧૧ (વિ.સં. ૧૯૬૭)માં અપૂર્વ ભવિષ્યદર્શન આલેખતું 'એક દિન એવો આવશે' એક કાવ્ય લખ્યું છે. જેમાં સહુ દેશોમાં સ્વાતંત્ર્યનો મહિમા થશે, સાયન્સનો વિકાસ થશે, હુન્નરકળાનાં સામ્રાજ્યનું જોર થશે અને એક ખંડમાંથી બીજા ખંડમાં ઘરમાં બેસી વાત થશે. એવી ક્રાંતદર્શી અને આજે સાચી પૂરવાર થયેલી વાત એમના કાવ્યમાં પ્રગટ કરી છે. સાચે જ એમ લાગે છે કે એમની પ્રતિભા એ જ સ્વયં ચમત્કાર છે !

મનઝરૂખો

ઇટલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાનાં દુ:ખો જોઇને દ્રવી જતું હતું. બીજાં બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતાં હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુ:ખને જોઇને વેદના થતી હતી. એનામાં દીન-દુખિયાં પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે એની સ્થિતિ જોઇને એમને મદદ કર્યા વિના રહી શક્તો નહિં.

એક વાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીઓએ એને થોડા પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બીમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઈ રહ્યો. સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાશુશ્રૂષાની જરૂર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, 'આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.' ત્યારે સીસોએ એના પિતાને કહ્યું કે, 'મારે માટે કોઈ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બીમારની સેવા કરવાનું છે.' અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહીં, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો. એક વાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુ:ખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠા કર્યાં. સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે પ્રસરી ગઇ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન 'ધ પુઅર બ્રધર્સ ઑફ અસીસી' શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુ ને વધુ લોકો જોડાતા ગયા અને થોડા સમય બાદ એ સંગઠનનું નામ 'ફ્રાંસિસ્કોપ' રાખવામાં આવ્યું. રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાલીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજેય દીન-દુખિયાંઓનો સહારો બની રહ્યું છે અને સીસોને 'સેંટ ફ્રાન્સિસ ઑફ અસીસી'ના રૂપે સહુ યાદ કરે છે.

ક્ષણનો સાક્ષાત્કાર

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનાં પરાજય પછી લગભગ એકેએક ખેલાડીની, સુકાનીની, કોચની, બોર્ડના અધ્યક્ષની - એમ સહુ કોઈ પર ટીકાની પસ્તાળ પડી છે. ગોલંદાજી વેધક નહોતી. ફિલ્ડિંગ સાવ કંગાળ હતી, ટીમમાં કોઈ વ્યૂહરચના નહોતી. બધા પેપરમાં ઝીરો માર્ક મેળવનાર જેવી સ્થિતિ પાકિસ્તાનની થઇ છે, પરંતુ જેમ હારનું પૃથ્થકરણ થાય છે, તેમ જીતનું પણ પૃથ્થકરણ થવું જોઇએ. ૧૯૭૧માં અજિત વાડેકરની ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં પહેલી વાર ટેસ્ટ મેચ અને ટેસ્ટશ્રેણી જીતીને આવી. ત્રણ મેચ ડ્રો થઇ અને એક મેચમાં ભારતને જીત મળી. એ પછી ઇંગ્લેન્ડને પણ એની ધરતી પર બે-શૂન્યની હાર આપી. આમ બંને દેશની ધરતી પર વિજય મેળવી 'રબર' મેળવ્યું એ સમયે મેં લખ્યું હતું કે, 'આ જીતનું પણ પૃથ્થકરણ થવું જોઇએ.' એનું કારણ એ છે કે ઘણીવાર અમુક ખેલાડી પર વિજય આધારિત હોય છે. વેસ્ટ ઇન્ડિઝમાં દીલિપ સરદેસાઈની બેટિંગ અને ઇંગ્લૅન્ડમાં ચંદ્રશેખરની બોલિંગે કામિયાબી મેળવી, પરંતુ અમુક ખેલાડી પર આધારિત વિજય એ ભવિષ્યના વિજયની ગેરંટી આપતો નથી.

ક્યારેક અગ્રણી ખેલાડી ઇજાગ્રસ્ત થતા ટીમનું સમતુલન જોખમમાં આવે છે. બુમરાહ અને હાર્દિક પંડયાની ગેરહાજરીમાં આપણને એનો અનુભવ થઇ ચૂક્યો છે. આથી ૧૯૭૧માં જીત મળતા મેં કરેલી પૃથ્થકરણની વાત કોઇએ સ્વીકારી નહીં. કહ્યું કે અજીત ! જીતને સંભાળજે ! પણ બન્યું એવું કે ૧૯૭૪માં ગાવસકર, વિશ્વનાથ, ચંદ્રશેખર એન રાઘવન જેવાં ખેલાડીઓ હોવા છતાં ઇંગ્લૅન્ડમાં ભારતે કારમો પરાજય અનુભવ્યો. શૂન્ય રનમાં ચાર વિકેટ પડી ગઈ અને ફક્ત ૪૨ રનમાં દાવ સમેટાઈ ગયો. ત્રણે ટેસ્ટમાં ઘોર પરાજય થયો. કેટલાક વિવાદોને કારણે મેદાનની બહાર પણ પરાજય પામ્યા. ૧૯૭૧ના વિજય સમયે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય મેળવનારું ક્રિકેટ બેટ પહેલા ઇન્દોરના ગાર્ડનમાં મુકવામાં આવ્યું હતું અને ૧૯૭૪માં ભારતનો પરાજય થતા એને ગુસ્સે ભરાયેલા ક્રિકેટ પ્રેમીઓએ તોડી નાખ્યું હતું. જો કે એ પછી એમની મરામત કરીને એને નહેરુ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં રાખવામાં આવ્યું. વિજયનો એક જુદો જ નશો હોય છે, પણ એની સાથે એનું પૃથ્થકરણ જરૂરી હોય છે, તે હકીકત છે.


Google NewsGoogle News