ધર્મના નામે ચાલતા પાખંડને ઉઘાડું પાડવું એ જ ધર્મ છે, એને ઢાંકવું એ અધર્મ છે!

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
ધર્મના નામે ચાલતા પાખંડને ઉઘાડું પાડવું એ જ ધર્મ છે, એને ઢાંકવું એ અધર્મ છે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- દરેક ધર્મોમાં આજે ત્યાગના નામે ભોગની બોલબાલા છે. સંસાર છોડવાની વાતો કરતા કરતા નવો ભપકાદાર સંસાર વસાવી લેવાય છે! મોબાઈલ કે બાઈક બગડે તો આપણે ખામી રિપેર કરવી જ પડે!

એ ક ભારે આસ્થાવાન મહિલા જંગલમાંથી યાત્રા કરતા કરતા સંઘમાંથી છૂટા પડી ગયા. ભગવાનના ભજન ગાતા ગાતા બીજાને ભાન ભૂલેલા કહીને ભક્તિના માર્ગે વાળવાની એમની આદત. પણ પોતે પ્રવાસનો રસ્તો ભૂલી ગયા. તે ગાઢ જંગલ શરૂ થયું. અને એમાં હિંસક શિકારી ઝરખનું ટોળું સામે દેખાયું.

બહેન તો ગભરાયા. તીર્થયાત્રા હોય કે હજ હોય, અકસ્માત થાય ત્યારે મોત તો ગમે તેવા શ્રધ્ધાવાનનો કોળિયો કરી જાય એ અનુભૂતિ એમને થવા લાગી. એમણે સાચા હૃદયથી પ્રાર્થના કરી ''હે ભગવાન, આ જંગલી જાનવરોને ધાર્મિક બનાવી દો!''

અચાનક આકાશમાં કડાકાભડાકા થયા. જોરથી પવન ફૂંકાયો. તેજના લિસોટા થયા. સ્ત્રીએ જોયું કે ઘૂરકિયાં કરતાં ઝરખ બધા આકાશ સામે જોઈને પ્રાર્થના કરવા લાગ્યા. એને હાશકારો થયો કે હવે બચી ગયા. એણે ચાલવા માટે પગ ઉપાડયા, ત્યાં તો ઝરખની ટોળીએ ઘેરી લીધી. બહેન કહે 'અરે, ચમત્કાર થયો, તમો ધાર્મિક બની ગયા અને માણસના અવાજમાં પ્રાર્થના કરવા લાગ્યા. એ મેં નજરે જોયું. હવે મારા પર હુમલો કેમ કરો છો ?''

ધાર્મિક વાચા ફૂટેલી એવા એક ઝરખે કહ્યું, ''હા, અમે અચાનક ધાર્મિક થયા, એટલે તો સામે ચાલીને આવું મીઠું ભોજન આપવા માટે પ્રાર્થના કરીને ઈશ્વરનો આભાર માન્યો! હવે જાત અમને સ્વેચ્છાએ સોંપો છો ભક્તિભાવે કે હુમલો કરીને પીંખી નાખીએ ?''

બોધ : ધાર્મિક થવાથી કોઈની પ્રકૃતિ ફરી જતી નથી. એ લોભી, ક્રૂર, ક્રોધી, શિકારી, લંપટ, જૂઠા, વિકારી, ખટપટી, લાલચુ, સ્વાર્થી, નાલાયક વગેરે હોય તો એ જ રહે છે. માત્ર હવે એમને પ્રભુના નામનું ઓઠું મળી જાય છે ! ને પડકાર કે પ્રતિકારને બદલે સામેથી આવતું ટોળું મળી જાય છે!

ધર્મના નામે ધતિંગ કોઈ નવીનવાઈની વાત નથી. આગે સે ચલી આતી હૈ. પણ હવે એ બધા ઢોંગને વિડિયો ને સોશ્યલ મીડિયાનો સથવારો મળ્યો છે. જેટલા ઇસરોના સાયન્સના વિડિયો નથી, એટલા તો ભૂવા અને ભૂત ભગાડવાના વિડિયો - આસપાસ ચાલે છે. મનોરંજન માટે હોરર ફિલ્મો જોનાર તો જાણે છે કે આ ભૂતાવળ સિરિયસલી નથી લેવાની. પણ કેટલાય માનસિક બીમારો છે, જે એમની મુસીબતો માટે મહેનત કરવાને બદલે માત્ર તાવીજમાદળિયાદોરાધાગા કે ગ્રહશાંતિના શરણે પડયા રહે છે. એવો સાદો સવાલ પણ પૂછતા નથી કે જે એમને બધા જ સુખો અપાવી દેવા માટે વૉટએવર જંતરમંતર કરે છે (જે વત્તેઓછે તમામ ધર્મો-સંપ્રદાયોમાં પણ છે જ) એ પોતે શું કામ દાનદક્ષિણા ઉઘરાવતા ફરે છે ? ખુદ જ કેમ પહેલા સુખીસંપન્ન નથી થઇ જતા ?

જો કે સવાલો પૂછવાની ધર્મક્ષેત્રે મનાઈ હોય છે. જેમ ડોક્ટર ન સમજાય એ દરેક બીમારીનું ખાતું એલર્જી કે જિનેટિક્સમાં ઉધારી દે, એમ બધી વાતમાં કર્મફળ એક આશ્વાસન છે. પણ અત્યારે તત્વદર્શનની વાત નથી કરવી. એના નામે ચાલતા શોષણખોરીના નાટકોની વાત કરવી છે. જગત આખામાં સમજુ લોકો એના પર અવાજ ઉઠાવે છે. હમણા ઇરાનમાં ખુદ ધર્મગુરૂ અને મઝહબી ઇન્સાફના નામે કેટલાય નિર્દોષોની કત્લના હુકમ આપનાર પ્રમુખ રઇસીનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું. આપણે તો સરકારી રાહે ઔપચારિક શોકસંદેશ પાઠવ્યો, પણ ઇરાનમાં રહેતી કે બળવાખોરી ને બિન્દાસ લાઈફસ્ટાઇલને લીધે ઈરાન છોડીને યુરોપઅમેરિકામાં રહેતી કેટલીયે સ્ત્રીઓએ સ્ત્રીઓના ચોટલાને લીધે પ્રમુખનું હેલિકોપ્ટર ક્રેશ થયું એવા કાર્ટૂન્સ બેધડક શેર કર્યા. ઇરાનમાં આક્રમક ને જડસુ મુલ્લાશાહી છે. કડક હાથે તોફાની તત્વ ગણીને મોકળાશના શ્વાસ માંગતી મહિલાઓ અને એમના પુરૂષ ટેકેદારોને કચડવામાં આવ્યા, જેલમાં નાખવામાં આવ્યા. ધર્મના નામે જે ઇરાન કે અફઘાનિસ્તાનમાં ચાલે છે, એ જ ધર્મવિરોધ સામ્યવાદને નામે રશિયા કે ચીનમાં ચાલતું. હજુ ય ઉત્તર કોરિયામાં ચાલે છે. શંકા-સવાલ કરનારનો ટોટો પીસી નાખવાનો. કલ્ટ સાયકોલોજી. આપણા આઇકોન, આપણા સ્તાલિન, માઑ, ખૌમેની વગેરેની સામે બોલે એ દેશદ્રોહી કે ધર્મદ્રોહી ગણાય. આ તે એવું કે અપરાધ કરનાર ગુનેગાર નહિ, પણ એની સામે અવાજ ઉઠાવનાર જ ગુનેગાર.

પણ રાજ્યતંત્રમાં સત્તાની ફેરબદલ કે ક્રાંતિ થાય છે. ધર્મસુધારણામાં તરત ગાડરિયા પ્રવાહના ઘેટાઓની ધાર્મિક લાગણી આડે આવે છે ! ઈન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ધર્મમાં જે કોઈ પૂજનીય નામો આજે ગણાય છે, એ બધા એમના સમયના ક્રાંતિકારી સુધારકો હતા. જેમણે ભક્તિના નામે ચાલતા પાખંડ સામે વિપ્લવ કરેલો, કે જૂની જડ પરંપરા પરાણે માનવાનો ઈન્કાર કરેલો. રામ પ્રચલિત પરંપરાથી વિરૂધ્ધ એકપત્નીવ્રતધારી રહ્યા ને સીતાત્યાગ બાદ પણ અન્ય પત્ની ના કરી. કૃષ્ણે ઈન્દ્રની પૂજાના નામે ચાલતા પાખંડ સામે બધાને એકઠા કરી, સમજાવી ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો અને કહેલું કે ''વરસાદ તો પ્રકૃતિના નિયમોને આધીન આવે કે જાય, એમાં ઈન્દ્ર માટેના યજ્ઞા ડરપોક બનીને કરવાની જરૂર નથી!''

હઝરત મોહમ્મદ પયગંબરે અંધશ્રધ્ધાથી વ્યાપેલી - અંધાધૂંધી સ્ટ્રીમલાઈન કરવા વ્યક્તિપૂજાની સખત મનાઈ (એ શરૂ ન થાય પાછલા બારણેથી એટલે જાનદાર તસવીરોની પણ મનાઈ) સાથે એકેશ્વરવાદ સ્ટ્રીમલાઈન કરવા સામે પૂરે લડીને ઇસ્લામની સ્થાપના કરી. ધર્મને નામે ચાલતા તત્કાલીન ઢોંગધતિંગથી યહૂદી પેદા થયા હોવા છતાં ત્યારના ધર્મગુરૂઓને કબરમાં પોઢેલા કહીને પ્રેમ અને કરૂણાની માનવીય વાતો કરનાર ઇસુ એટલા અળખામણા લાગ્યા કે ધર્મના કુકર્મો પર ઢાંકપિછોડો કરનારાઓએ કકળાટ કરી, જજની અંગત નામરજી છતાં ધર્મનું પાખંડ છતું કરવાના 'ગુનાસર' એમને જીવતા જ ક્રોસ પર જડી દીધા ! બુદ્ધ-મહાવીરે સ્વર્ગ-નરક, પાપ-પુણ્યોના નામે જામેલી પુરોહિતશાહી ને એની વધી ગયેલી અય્યાશ વિલાસીતા સામે કઠોર તપની ક્રાંતિ કરી. સાધનામાં વિહાર આપ્યો જેથી એક જગ્યાએ રહીને છકી ન જવાય. પ્રચલિત સ્વરૂપના ઈશ્વરનો ઇન્કાર કર્યો, તો એમની જ મૂર્તિઓ બની ગઈ. એવી જ સુધારાવાદી વાત શ્રમણધર્મોના અતિરેક સામે શંકરાચાર્યે કરી. ગુરૂ નાનકદેવની ક્રાંતિ બાદ ગુરૂઓની ગાદીની માથાકૂટ ન થાય માટે સુધારો કરી ગુરૂ ગોવિંદસિંહે ગ્રંથને જ શીખ ધર્મના ગુરૂ બનાવ્યો, તો ગુરૂગ્રંથસાહેબના અપમાન માટે પણ જીવતા મારી નાખવા જેટલો રોષ ફાટી નીકળે છે !

ઓશોએ એમની લાક્ષણિક શૈલીમાં સત્ય કહેલું કે પરમાત્મા તો માત્ર માણસ જ પેદા કરે છે. પણ માણસો એને હિન્દુ, મુસ્લિમ, યહૂદી, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, વૈષ્ણવ, જેવા - લેબલ્સ અને પેટાલેબલ્સમાં વંહેચી દે છે ! પણ એ તો આવું કહી ગુજરી ગયા એટલે ચાલે, આજે તો સાચું કહેવા માટે ''અમે બીજા જેવા જડબુદ્ધિ નથી, ત્રેવડ હોય તો બીજા ધર્મનું બોલો ત્યાં તો મારી નાખે'' એવું બોલીને સનાતનીઓ જ તૂટી પડે એવો માહોલ છે. સત્તા મેળવવા માટે ધર્મના નામે દરેક પક્ષોના રાજકારણીઓ ધુપ્પલથી બ્રેઈનવોશ ચાલવા દે છે. કોઈ મુસ્લિમોનું, કોઈ હિન્દુઓનું, કોઈ શીખોનું. પછી જૂઠ ને ગપ્પાથી ખદબદતા વાઇરલ મેસેજીઝ ચાટીને મોટું થયેલું એક ઝનૂની ભણેલા અભણોનું ટોળું મોટું છે. એમને દરેક આધુનિકતા, દરેક કળા, દરેક પ્રગતિ, દરેક વૈજ્ઞાાનિક તથ્ય, દરેક નવીનતા, દરેક સચ્ચાઈ અન્ય લોકોનું પ્લાન્ટેડ કાવત્રું જ લાગે છે. સહજ નિર્દોષભાવે કહેવાયેલી કોઈ સાચી વાત પણ પ્રોજેક્ટેડ ષડયંત્ર લાગે છે. સનાતનના નામે વાતો કરવી છે, ને આચરણ તાલિબાનની નકલ જેવું કરવું છે. એટલે ખૌમેનીના ફતવા ને છેલ્લા છરીના હુમલા પછી બ્રિટન-અમેરિકાના આશ્રયને લીધે સલમાન રશદી બચી ગયા પણ ગૌરી લંકેશ કે નરેન્દ્ર દાભોલકર કે એમ.એમ. કલબુર્ગીને કથિત હિન્દુત્વવાદીઓ જ મોતને ઘાટ ગોડસેએ ગાંધીને અને પ્રભાકરને રાજીવને મરાવી નાખ્યા, એમ ઉતારી નાખે છે એ અણગમતું સત્ય દેખાતું નથી !

ધાર્મિક લાગણીઓ તો ભારત જેવા દેશમાં દોઢ અબજને પોતપોતાની હોય. જે ક્યારેય ચોમાસામાં લાઇટ જાય કે સડક ધોવાઈ જાય ત્યારે દુભાતી નથી. હોડી ઉંધી વળી જાય, પુલ નવો તૂટી જાય, ગેમઝોનમાં કે હોસ્પિટલમાં આગ લાગી જાય ને નિર્દોષ બાળકો મરી જાય તો ય દુભાતી નથી. ટ્રાફિક ને ગંદકી, ભ્રષ્ટાચાર ને ગુંડાગીરીથી દુભાતી નથી. પણ કોઈ ફિલ્મ કે ચિત્ર કે કાર્ટૂન કે જોક કે પુસ્તક કે પ્રવચન કે લેખથી તરત દુભાઈ જાય છે.

 આ બટકણી લાગણી તો એમના મતાગ્રહ મુજબ જ દુનિયા ચલાવવાનો ઇગો છે. ધર્મ નથી.

એટલે જ ધર્મના નામે ત્યાગની વાતો હવે નર્યું નાટક છે. આવી વાત કરનારા બાબાબેબીઓ એમના વિડિયોની લાઇક્સ જોઈ ગેલમાં આવી જાય છે !  ગધેડાને તાવ એવી સાવ હમ્બગ ઠોકાઠોક શાસ્ત્રોના નામે સરજાહેર કરે છે, જેમાંની કેટલીય વાતો ગેરબંધારણીયને બાકીની સાવ ખોટી અવૈજ્ઞાાનિક હોય છે. પણ ભાવિકોનું ટોળું જોઇને એમને મદ ચડે છે. સંસારત્યાગ માટે દીક્ષા કે અલગ વસ્ત્રો આવ્યા, પણ હવે તો એ ધારણ કરનારા મંત્રી, સાંસદ, ધારાસભ્ય કે મુખ્યમંત્રી બની જાય છે ! બધા ધર્મોના ગુરૂઓ બીજાથી આગળ એમને બતાવવામાં આવે તો મનોમન મલકાય છે. સેંકડો રૂપિયા ખર્ચીને (વાંચો, બીજા ભાવિકો પાસે ખર્ચાવીને) તોતિંગ પોસ્ટર્સ, કેલેન્ડર્સ, મંડપો, મહોત્સવોનું માર્કેટિંગ શરૂ થાય છે. પોતે વાહન કે મોબાઈલ ન વાપરે, એ બીજા એ વાપરે એની સેવાઓ લે છે. બધા જ ધર્મસ્થાનકો કાળા નાણાનું દાન કોઈ નૈતિક આગ્રહ વિના સ્વીકારી જ લે છે ? આ તે સંસાર છોડયો કહેવાય કે નવો (એ પણ પોતાના કોઈ શ્રમ વિના મફતિયો !) વસાવ્યો કહેવાય ?

ભારતને વિશાળ વારસા છતાં સદીઓની ગુલામી સાંપડી એનું કારણ આ ધાર્મિક મિથ્યાભિમાન અને એને લીધે થયેલું વિભાજન હતું. ધર્મના નામે આર્થિક ને શારીરિક શોષણ ચાલતું હતું. વર્ણવ્યવસ્થાને ધર્મ ગણીને એમાં ફેરફાર કે નકાર વિના સજ્જડ જ્ઞાાતિવાદ કે ઉંચનીચની અસ્પૃશ્યતા આવી. જગત બદલાઈ રહ્યું હતું ત્યારે આપણે નરી શાસ્ત્રોની વિતંડાવાદી નકામી ચર્ચાઓ કરીને પછાત બની રહ્યા હતા. હતી એ શોધખોળ પણ ગુમાવી ને નવી તો કોઈ કરવા જાય, અરે પ્રવાસ કરે તો નાતબહાર કે ધર્મભ્રષ્ટ થઇ જતા (ભારતના ભાગલાના મૂળમાં મૂળે લોહાણા મોહમ્મદ અલી જીન્નાહના દાદાને અભક્ષ આહાર માટે હિન્દુ ધર્મમાંથી કાઢી મૂકવાની જડતા પણ એક કારણ હતી. જીન્નાહ વિના પાકિસ્તાન સંભવ જ નહોતું !) કુરિવાજોને ધર્મના નામે પ્રોત્સાહન મળતું. સ્ત્રીઓનું ખુલ્લેઆમ બેફામ શોષણ થતું. દસ્તાવેજી પુરાવા છે.

એમાં ઇસ્લામિક શાસકો તો છુટાછવાયા અપવાદ વિના ખુદ જ ધર્મઝનૂની હતા, પણ અંગ્રેજોના આવવા સાથે ઔદ્યોગિક ક્રાંતિના વિજ્ઞાાનની આબોહવા પણ આવી, શિક્ષણ અને વૈશ્વિક વાચન આવ્યું, સાહિત્ય ને કળાના પ્રસારના પ્રિન્ટિંગ કે સિનેમા જેવા નવા આયામો આવ્યા. એટલે ત્યારે અમુક સુખાકારી જોઈ કવિએ હરખાઈને 'હરખ હવે તું હિન્દુસ્તાન' જેવું પ્રશસ્તિકાવ્ય લખી નાખ્યું !

અને એ વખતે સમાજમાં ધર્મને નામે ચાલતા પાખંડ અને શોષણ સામે પડકાર ફેંકનારા શિક્ષિત સુધારકો પેદા થયા. મહાત્મા જ્યોતિબા ફૂલે, રાજા રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા પ્રખર સમાજ સુધારકોએ ધાર્મિક જડતા સામે અહાલેક જગાવી. હાલત તો આજે ફોરવર્ડને બદલે બેકવર્ડ થતી સાયકોલોજીમાં એવી છે કે આ બધાનું કર્યું કારવ્યું ધૂળમાં મળી રહ્યું છે. કેટલી મહેનતથી ધાર્મિકતાની જડતાની માનસિકતાની સાંકળો તોડી, એને વેલ્ડિંગ કરીને ફરી નાખવામાં આવે છે.

ગુજરાતીમાં તો સુધારાની તરફેણ કરતી કથાઓ લખાતી. વીર નર્મદને કવિ તરીકે 'વીર'ની ઉપાધિ કોઈ શસ્ત્ર લઇને યુદ્ધ કરવા માટે નહિ પણ સત્યની તરફેણમાં અડીખમ ટટ્ટાર ઉભા રહીને ડાંડિયો વગાડવા માટે મળી હતી. નરસિંહ મહેતાએ આદ્યકવિ તરીકે ગુજરાતને આ સ્ટેન્ડ આપ્યું હતું કે 'એ સહુ પ્રપંચ પેટ ભરવાતણા' આજે તો ધાર્મિક મિથ્યાભિમાનના કોમિક કેરેકટર્સ જીવરામ ભટ્ટ કે ભંદ્રભંદ્રમાં સુધારાવાદીઓના કટાક્ષ બદલ જડસુઓ હોબાળો કરી એમને અંગ્રેજોના એજન્ટ બતાવી દે, ને ભંદ્રભંદ્રને સનાતની પરંપરાના આર્ય રક્ષક ઠેરવી દે !

કારણ કે, આજે પ્રખર હિન્દુવાદી તરીકે જાણીતા અને અરૂણ શૌરીની વર્લ્ડ ઓફ ફતવાઝ પણ ગુજરાતીમાં ઉતારી ચૂકેલા લેખકની વેલ રિસર્ચ્ડ કથા પર સિદ્ધાર્થ મલ્હોત્રા આમિર ખાનના અર્ધહિન્દુ (ડિવોર્સ પછી મા રીના પાસે મોટા થયેલા) પુત્રને લઇને, સેટ પર મુખિયાજી રાખી, મૂળ પુષ્ટિમાર્ગનું ખોટું અર્થઘટન ન થાય એ કાળજી રાખીને ખૂબ ચર્ચાયેલા, ભણાવવામાં આવેલા 'મહારાજ લાયેબલ કેસ' પરથી ફિલ્મ બનાવે તો એને જૂઠ ને કાવત્રું દર્શાવી દે છે. અમુક મહારાજો એ વખતે ધર્મના નામે પત્નીની પ્રથમ સુહાગરાતના ભોગ જેવા વ્યભિચાર આચરતા એ બધું જે તે કેસમાં સાક્ષીઓ સહિત ચોપડે ચડેલું. જેમ સાયરસ મિસ્ત્રી મર્સિડિઝના એક્સિડન્ટમાં ગુજરી ગયા એમાં આખી મર્સિડિઝ કંપની ખરાબ ન હોય, પણ જો ખામીવાળી ડિઝાઇન હોય તો કાર પાછી પણ ખેચવી પડે, એ પ્રોડક્ટનો ફોલ્ટ ગણાય ને બ્રાન્ડનેમ સાચવતી જવાબદાર કંપનીઓ તો સામે ચાલીને કરે - ધર્મના નામે કોઈપણ તરકટ, છેતરપિંડી, દંભી વ્યભિચાર, શોષણ કરતા ઝડપાય તો એને ઉઘાડા કરવાથી ધર્મનું રક્ષણ થાય કે પતન થાય ? ઘરમાંથી કચરો સાફ કરવાનો હોય કે શણગારીને ઘર ગંદુ કરવા સાચવવાનો હોય ? વાઈરસને ફેલાવા દેવાય કે આઈસોલેશનને ટ્રીટમેન્ટથી નાબૂદ કરાય ? ધર્મમાં પેઠેલા સડાની અહં ખાતર સુરક્ષા કરવી ને સત્યનો અસ્વીકાર કરવો એ જ અધર્મ છે !

કરસનદાસ મૂળજી ગુજરાતે પેદા કરેલા હીરો હતા. જેમણે કરોડરજ્જૂથી પાખંડ સામે સ્ટેન્ડ લીધું. આવા સ્ત્રીઓને માયા કહી, કામાચારને પાપ કહી પછી એ ભોગવવાના ઢોંગ સામે તો અખાથી ભોજા ભગત જેવા દેહાણ કવિઓએ લાલબત્તી ધરી. એમાં તો સ્ત્રીથી દૂર રહેવાની આજ્ઞાાના સંપ્રદાય સ્થપાયા ને એમના સાધુઓના આવા ગેરકાનૂની કાંડ પણ આજે ય વાઇરલ થાય છે, ને તરત ઢાંકપિછોડો થઇ જાય છે ! જે તે વખતે અંગ્રેજ જજે સાચું જ કહેલું કે 'ધર્મશાસ્ત્રીની આજ્ઞાા નીતિ કે ઇમાન કે ન્યાયના સિદ્ધાંતોની ઉપરવટ ના હોય !' પણ અંગ્રેજોએ સ્થાપેલી સીસ્ટમ મુજબ ચાલતી કોર્ટમાં સેન્સર બોર્ડ હોવા છતાં કેસ થાય. કારણ કે સત્યની ફુગ્ગાને ટાંકણી જેવી બીક લાગતી હોય છે ! સનાતન તો એ છે જ્યાં સગા બાપને પણ ખોટું હોય એ કહેવા માટે એ ઋષિ હોવા છતાં નચિકેતા બોલે, ને બાપ સજા કરે તો પણ ધર્મરાજ યમ એની પાસે ઉપનિષદ રચાવે !

બધાની અલગ હોવાનો દાવો કરતા કરતા આપણે હવે એ લેવલે પહોંચી ગયા છીએ કે પાકિસ્તાનમાં ધર્મને નામે ચાલતા પાખંડ પર 'બોલ' અને 'ખુદા કે લિયે' બની શકે. અંગ્રેજીમાં ખ્રિસ્તી પાદરીઓના સેક્સ સ્કેન્ડલ પર 'સ્પોટલાઇટ', 'બાય ધ ગ્રેસ ઓફ ગોડ', 'ધ ક્લબ', 'વેરફેહલંગ', 'ફિમોમેના', 'બેડ એજ્યુકેશન', 'ધ મેગ્ડેબીન સિસ્ટર્સ'', 'પ્રાઈમલ ફિઅર', 'ધ નન' (હોરર નહિ, ફ્રેન્ચ), 'બેનેડેટ્રા', 'સીન્સ' જેવી ડઝનોના હિસાબે ફિલ્મ ને દા વિન્ચી કોડ સીરિઝ બની શકે, પણ પ્રમાણભૂત હકીકતો પરથી એ ગુજરાતી સમાજસુધારકની સંઘર્ષ કથા કહેતી 'મહારાજ' ભારતમાં કલંકકથા ગણીને ધારી તારીખે રિલીઝ ન થઇ શકે ! ભલે પાપાચાર ધર્મના નામે સમાચારમાં આવ્યા કરે ! આ તે આપણે આગળ ગયા કે પાછળ ?

કોઈ નાલાયક ધર્મગુરુ કાયદા વિરૂદ્ધ ંકુકર્મો કરે ત્યારે નીચો નથી દેખાતો ને એની સામે લડનાર શિક્ષિત સુધારાવાદીની વાત થાય ત્યાં ધર્મ નીચો દેખાય છે. હમારે બારહ હોય કે મહરાજ ફિલ્મો જોનારને ગમે તો જુએ. ના ગમે તો ફરજિયાત નથી. માત્ર ફેકટ ખોટી નથી એટલું ચેક કરવા સિવાય કોર્ટ પાસે ઘણા અગત્યના કેસ હોય છે, મહારાજ તો અગાઉ ચાલી ગયેલો જીતાઈ ચૂકેલો કેસ છે. બાકી કાલ ઊઠીને કોઈ મૂર્ખશિરોમણી કહેશે કે અંગ્રેજોએ ગળા કાપતા ઠગોને જેર કર્યા એ કાવતરું હતું, મૂળ તરફ પાછા જઈ અમીર અલી ઠગના સન્માન કરો ! દરેક સુધારામાં કાવતરા જોનારો સમજ વગરનો સમાજ હોય ત્યાં ઈવોલ્યુશનનું ડિવેલ્યુએશન થઈ જાય ! નાલંદાના મકાનના નહીં, સંપ્રદાયઘેલા મગજના રિનોવેશનની જરૂર છે નેશનને ! ગેલેલિયોની માફી મંગાવે તો પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ સત્ય બદલાવાનું નથી. સનાતન પૂજ્યોની નહિ, સત્યોની શોધ છે.

ફાસ્ટ ફોરવર્ડ

સત્યે સત્યમેશ્વરો લોકે, સત્યે ધર્મ સદાશ્રિત:

''સત્ય જ ઇશ્વર છે, ને ધર્મ સત્યને આશ્રિત છે' 

(વાલ્મીકિ રામાયણ)


Google NewsGoogle News