ઈન્સ્ટન્ટ નૂડલ્સ : 800 કરોડની વસતિ વર્ષે 12,200 કરોડ પેકેટ્સ ઝાપટી જાય છે!

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
ઈન્સ્ટન્ટ નૂડલ્સ : 800 કરોડની વસતિ વર્ષે 12,200 કરોડ પેકેટ્સ ઝાપટી જાય છે! 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભારતીયો ઈન્સ્ટન્ટ નૂડલ્સ મેગીના 600 કરોડથી વધુ પેકેટ્સ એક વર્ષમા ખાઈ ગયા. માત્ર ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ઈન્સ્ટન્ટ નૂડલ્સનો ક્રેઝ વધ્યો છે

- નૂડલ્સ જેવું આજે પ્રચલિત નામ જર્મન ભાષામાંથી આવ્યું. ઘઉંના લોટને બાંધીને તેમાંથી લાંબી સેવ બનાવીને ઉકાળવી - તેને જર્મનમાં નૂડલ્સ થયું કહેવાય. એ નામ જ પછી પ્રચલિત બની ગયું

ફ ર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ - મેગી ફૂડનું નામ નથી, બ્રાન્ડનું નામ છે. ફૂડનું નામ છે ઈન્સ્ટન્ટ નૂડલ્સ. ભારતમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સને પ્રચલિત અર્થમાં મેગી કહે છે. ઘણાં લોકો બીજી કંપનીનું પેકેટ્સ હાથમાં હોય છતાં એને મેગી કહે છે! બિસ્કિટ એટલે પારલે, ટૂથપેસ્ટ એટલે કોલગેટ, પાપડ એટલે લિજ્જડ જેવું આમાંય થયું છે. ભારતમાં મેગી જેવી ઈન્સ્ટન્ટ નૂડલ્સ વેચતી બીજી અનેક બ્રાન્ડ છે, પણ લોકો મેગીને જ ઈન્સ્ટન્ટ નૂડલ્સ માને છે. કોઈ દુકાનમાં જઈને ગ્રાહક મેગીનું પેકેટ માંગે એનો અર્થ એ ઈન્સ્ટન્ટ નૂડલ્સનું પેકેટ્સ માંગે છે. મેગી બ્રાન્ડ ન હોય ને બીજી કોઈ કંપનીનું પેકેટ મળે તો પણ એ ઓળખાય છે મેગીના નામે.

ભારતમાં આપણે જેને મેગી કહીએ છીએ એને સાઉથ કોરિયામાં રેમ્યોન, જાપાનમાં રામેન, ચીનમાં નૂડલ્સ, રશિયામાં ડોસિરાક જેવા નામોથી ઓળખાય છે. ભલે એના નામ અલગ અલગ હોય, પરંતુ એનું મૂળ નામ છે નૂડલ્સ. બે-પાંચ મિનિટમાં તુરંત બની જાય એવી રીતે તૈયાર થઈને આપણાં સુધી પહોંચે છે એટલે ઈન્સ્ટન્ટ નૂડલ્સના નામથી ઓળખાય છે. મેગી ઈન્સ્ટન્ટ નૂડલ્સ છે. બે મિનિટમાં તૈયાર થતી હોવાના દાવાએ ભારતીય ઉપખંડમાં મેગીએ દબદબો જમાવ્યો. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના લોકોની જીભે મેગીના સ્વાદનો ચટાકો એવો વળગ્યો છે કે આ દેશોમાં મેગી બનાવતી નેસ્લે કંપની પાસે ઈન્સ્ટન્ટ નૂડલ્સનું ૬૦-૭૦ ટકા માર્કેટ છે.

ભારતીયો મેગીના ૬૦૦ કરોડ પેકેટ્સ એક વર્ષમાં ઝાપટી ગયા. જો એવરેજ કાઢીએ તો એક વર્ષમાં ૧૪૦ કરોડ લોકો મેગીના ચાર પેકેટ્સ ખાઈ ગયા. ભારતમાં ૧૫ મહિનાના ગાળામાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના મેગીના પેકેટ્સ વેચાયા એ ન્યૂઝ બન્યાં. મેગીએ ભારતમાં જે માર્કેટ સર કર્યું એની ચર્ચા એટલા માટેય થઈ કે ૨૦૧૫માં દેશમાં મેગીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયેલો. એમાંથી શરીરને હાનિકારક પદાર્થો મળી આવેલા. એ પછી ભારતના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને મેગીએ ફરીથી માર્કેટમાં પ્રવેશ કર્યો અને એક દાયકાથી પણ ઓછા સમયમાં માર્કેટમાં દબદબો જમાવ્યો. માર્કેટ સર કરવા પાછળ કંપનીએ દેશના સ્વાદને ધ્યાનમાં રાખીને ઈન્સ્ટન્ટ મેગી અને મસાલાનું ભારતીયકરણ કર્યું એ ફેક્ટર પણ જવાબદાર ખરું.

વેલ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં પોપ્યુલર ફૂડ છે. ત્રણ-ચાર દાયકામાં ઈન્સ્ટન્ટ ફૂડ મેકિંગના ક્ષેત્રમાં કેટલીય કંપનીઓએ ઝંપલાવ્યું છે. બધાનું વેચાણ રાજાની કુંવરીની માફક દિવસે વધતું નથી એટલું રાતે વધે છે ને રાતે વધતું નથી એટલું દિવસે વધે છે!

નૂડલ્સનો ઈતિહાસ તો ચાર હજાર વર્ષ જૂનો છે. ૨૦૦૫માં ચીનમાં ખોદકામ દરિયાન નૂડલ્સનું એક બાઉલ મળી આવ્યું હતું. એનું કાર્બન ડેટિંગ કરીને સમયગાળો જાણ્યો તો ખબર પડી કે એ સાડા ત્રણથી ચાર હજાર વર્ષ જૂનું છે. ચીનમાં હાનવંશનું રાજ હતું ત્યારના પુરાવાના આધારે ફૂડ હિસ્ટોરિયન દાવો કરે છે કે ઈ.સ.ની પહેલી સદીમાં ચીનમાં નૂડલ્સ યાને એક પ્રકારની લાંબી સેવ લોકોના ખોરાકનો હિસ્સો હતી. આ લાંબી સેવની ડિશ તે વખતે ખૂબ જ પ્રચલિત હતી. તે વખતે લાંબી સેવ તૈયાર કરીને એને સૂકવી દેવામાં આવતી. પછીથી જ્યારે જરૂર પડે ત્યારે ગરમ પાણીમાં ઉકાળીને એમાં મસાલા ઉમેરીને સ્પાઈસી ફૂડ તૈયાર થતું, પરંતુ ત્યારે કદાચ એને નૂડલ્સ એવું નામ મળ્યું ન હતું.

નૂડલ્સ જેવું આજે પ્રચલિત નામ જર્મન ભાષામાંથી આવ્યું. ઘઉંના લોટને બાંધીને તેમાંથી લાંબી સેવ બનાવીને ઉકાળવી તેને જર્મનમાં નૂડલ્સ કહેવાય. એ નામ જ પછી પ્રચલિત બની ગયું. ત્યારે કોઈ ટેકનોલોજી ન હતી એટલે નૂડલ્સ બનાવવા માટે પરંપરાગત પદ્ધતિથી વપરાતી. લાકડાના પાટીયામાં કાણા પાડીને ચીનના લોકો નૂડલ્સ બનાવતા. સમયાંતરે હાથથી પ્રેશર આપીને નૂડલ્સ બનાવી શકાય એવા લોખંડના સંચા આવ્યા. આજે તો એની અપાર ટેકનોલોજી વિકસી ગઈ છે.

નૂડલ્સમાંથી ઈન્સ્ટન્ટ નૂડલ્સ સુધી પહોંચતા માનવજાતને સેંકડો વર્ષો લાગ્યા. ચીન, જાપાન જેવા દેશોમાં સદીઓથી નૂડલ્સ ખવાય છે, પરંતુ એ નૂડલ્સની સાઈઝ ઈન્સ્ટન્ટ નૂડલ્સ જેવી પાતળી ન હતી. ઈન્સ્ટન્ટ નૂડલ્સની સાઈઝ એટલી પાતળી છે કે તેને ઈન્સ્ટન્ટ સૂપની કેટેગરીમાં પણ મૂકવામાં આવે છે. ઘણાં દેશોમાં એ ઈન્સ્ટન્ટ નૂડલ્સ ફૂડ ડિશ છે, તો ઘણાંમાં એ સૂપ છે. વેજીટેબલ્સ સાથે પ્રોસેસ્ડ નૂડલ્સને એવી મિક્સ કરવામાં આવે છે કે તેને સૂપની જેમ પી શકાય. ભારત જેવા દેશોમાં એ ઈન્સ્ટન્ટ નાસ્તો છે અને ઘણી વખત એને ચા-કોફી સાથે મેચ કરવામાં આવે છે.

નૂડલ્સની સાઈઝ પાતળી કરીને એને સીઝનિંગ ઈન્સ્ટન્ટ સૂપ બનાવવાનો ઘણો ખરો યશ જુલિયસ મેગીને આપવામાં આવે છે. જુલિયસ મેગી ૧૯મી સદીમાં સ્વિટ્ઝર્લેન્ડના ઉદ્યોગસાહસિક અને સંશોધક હતા. તેમના પિતાને ફ્લોર મિલ હતી. જુલિયસ પરંપરાગત બિઝનેસમાં આવ્યા પછી તેમણે એ વખતે ઈટાલી સહિતના ઘણાં દેશોમાં ફેમસ નૂડલ્સના તૈયાર પેકેટ્સ આપવાનો બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં એ ઈન્સ્ટન્ટ નૂડલ્સના સ્વરૂપમાં ન હતાં. એ પેકેટ્સમાં તૈયાર નૂડલ્સ મળતા હતા.

એની ડિમાન્ડ વધી પડી એટલે તેમણે પ્રિકૂક્ડ નૂડલ્સના પેકેટ્સ તૈયાર કરવાનું વિચાર્યું. બે વર્ષ સુધી અલગ અલગ મિક્ચર સાથે પ્રયોગો કર્યા બાદ અને કેમિકલ પ્રક્રિયામાં પાર ઉતર્યા પછી નૂડલ્સના પ્રિકૂક્ડ પેકેટ્સ માર્કેટમાં મૂક્યા - એ વર્ષ હતું ૧૮૮૬નું. મેગી સીઝનિંગના નામથી તેમણે તૈયારી નૂડલ્સના પેકેટ્સની સાથે મસાલા આપવાનું શરૂ કર્યું. એ સાથે જ તેમના નામે ઈન્સ્ટન્ટ નૂડલ્સ સૂપ ઈન્વેન્ટ કરવાનો રેકોર્ડ નોંધાઈ ગયો. બે જ વર્ષમાં એ પેકેટ્સની ડિમાન્ડ એટલી વધી ગઈ કે ૧૮૮૮માં યુરોપના દેશોમાં મેગીના પેકેટ્સ વેચાતા થઈ ગયા. ખાસ તો જર્મની, ફ્રાન્સ અને ઈટાલીમાં આ પ્રોડક્ટે ધમાલ મચાવી દીધી.

૧૯૧૨માં ૬૬ વર્ષની વયે તેમનું નિધન થયું ત્યારે તેમના સંતાનો કંપની ચલાવતા હતા. તેમની ત્રીજી પેઢીએ ૧૯૪૭માં મેગી બ્રાન્ડને સ્વિટ્ઝર્લેન્ડની જ નેસ્લે કંપનીને વેચી દીધી. વર્લ્ડવોર પછી નેસ્લેનો કારોબાર યુરોપ બહાર વધ્યો. બીજી બધી પ્રોડક્ટની સાથે મેગી પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ને લોકપ્રિયતાના નવા આયામો સર કર્યા.

જુલિયસ મેગીને ઈન્સ્ટન્ટ નૂડલ્સના ઈન્વેન્શનનો યશ આપવામાં આવે છે, પરંતુ તે સિવાય અન્ય સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોએ પણ ઈન્સ્ટન્ટ નૂડલ્સને વધુ બહેતર બનાવવાનું કામ કર્યું છે. એમાંનું એક નામ છે ડૉ. જ્હોન ટી ડોરેન્સ. આ અમેરિકન રસાયણશાસ્ત્રીએ ૧૮૯૬માં રેડી ટુ ઈટ સામગ્રી માટે કેમિકલ ફોર્મેટ બનાવ્યું. તેનાથી કંપનીઓને પ્રિકૂક્ડ ફૂડ બનાવવા, સાચવવામાં સરળતા વધી. જાપાનના મોમોફૂગુ અંગડોનું પણ ઈન્સ્ટન્ટ નૂડલ્સ પ્રખ્યાત કરવામાં યોગદાન ખરું. તેમની નિસિન ફૂડ કંપની મેગીની જેમ ઈન્સ્ટન્ટ નૂડલ્સમાં મોટું નામ છે. જાપાનનાં ઈન્સ્ટન્ટ નૂડલ્સના માર્કેટ પર નિસિન ફૂડ એકાધિર ભોગવે છે. મોમોફૂગુ અંગડોએ ૧૯૯૭માં વર્લ્ડ ઈન્સ્ટન્ટ નૂડલ્સ એસોસિએશનની સ્થાપના કરી હતી. દર બે વર્ષે આ એસોસિએશનના સભ્યોની સમિટ મળે છે. દુનિયાની ટોચની ઈન્સ્ટન્ટ નૂડલ્સ મેકર કંપનીઓ આ એસોસિએશનનો હિસ્સો છે અને તેની ગણતરી શક્તિશાળી બિઝનેસ સંગઠનોમાં થાય છે.

ઈન્સ્ટન્ટ નૂડલ્સમાં વેજીટેરિયન કોમ્બિનેશન જેટલું જ પોપ્યુલર કોમ્બિનેશન નોન વેજીટેરિયનનું પણ છે. ઈન્સ્ટન્ટ નૂડલ્સ ચિકન જેવા કેટલાય કોમ્બિનેશન્સ જાપાન-ચીન-દક્ષિણ કોરિયામાં તૈયાર મળે છે ને બેહદ પોપ્યુલર છે. આમ તો આખી દુનિયામાં મેંદા-ઘઉંમાંથી બનેલા ઈન્સ્ટન્ટ નૂડલ્સનો ક્રેઝ વધુ છે, પરંતુ તે સિવાય હવે તો કેટલાય પ્રયોગો થાય છે અને એ બધાના પેકેટ્સ મળી રહે છે. ઈન્સ્ટન્ટ નૂડલ્સની પોપ્યુલારિટીનો અંદાજ એ વાતે આવે કે આજે દુનિયામાં દર વર્ષે જુદી જુદી કંપનીના ૧૨૨ અબજ પેકેટ્સ વેચાય જાય છે. તેના વેચાણમાં ૨.૬ ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ થઈ રહી છે. ઈન્સ્ટન્ટ નૂડલ્સનું ગ્લોબલ માર્કેટ ૬૦ અબજ ડોલરથી વધુ છે. ૫.૬૫ ટકાની વૃદ્ધિ સાથે આ માર્કેટ ૨૦૩૨માં ૯૦થી ૧૦૦ અબજ ડોલરે પહોંચી જશે.

વેલ, લાઈફ સ્ટાઈલ ડિસિસ માટે ઘણાં કારણોમાંથી એક કારણ ઈન્સ્ટન્ટ ફૂડ ગણાય છે. પ્રિકૂક્ડ નૂડલ્સના અતિરેકથી પણ શરીરમાં ઘણા ફેરફારો થાય છે એવું સંશોધકો કહે છે. એમાં હાનિકારણ પદાર્થો હોય છે. ૨૦૨૧માં નેસ્લે કંપનીએ વૈશ્વિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્વીકાર્યું હતું કે તેની ૩૦ ટકા પ્રોડક્ટથી સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. ઈન્સ્ટન્ટ નૂડલ્સ મેકર મોટાભાગની કંપનીઓ ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ મુદ્દે વિશ્વભરમાં ઘેરાતી રહે છે.

ટૂંકમાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગવામાં એટલો વાંધો નથી, પરંતુ આ બધા ભયસ્થાન ધ્યાનમાં રાખવા જરૂરી છે. અતિ સદા વર્જ્યમ્! 

ઈન્સ્ટન્ટ નૂડલ્સ ખાવામાં દક્ષિણ કોરિયા મોખરે

દક્ષિણ કોરિયામાં એક વ્યક્તિ સરેરાશ વર્ષે ૭૫ ઈન્સ્ટન્ટ નૂડલ્સના પેકેટ્સ ઝાપટી જાય છે. વ્યક્તિગત સરેરાશની રીતે ૫૫ પેકેટ્સ સાથે વિએટનામ બીજા અને ૫૩ પેકેટ્સ સાથે નેપાળ ત્રીજા ક્રમે છે. સંખ્યાની રીતે ચીન પહેલા નંબરે આવે છે. ચીનમાં વર્ષે ૪૦૦૦ કરોડ પેકેટ્સ વેચાઈ જાય છે. વિશ્વમાં જેટલા ઈન્સ્ટન્ટ નૂડલ્સના પેકેટ્સ વેચાય છે એમાંથી ૪૦ ટકા તો એટલા ચીનમાં ખપી જાય છે. ૧૨૦૦ કરોડ પેકેટ્સ સાથે ઈન્ડોનેશિયા બીજા ક્રમે છે. ૬૦૦ કરોડ પેકેટ્સના આંકડાં સાથે ભારત આ ક્રમમાં ત્રીજા સ્થાને છે. જાપાન પણ લગભગ ૫૫૦ કરોડથી ૬૦૦ કરોડ પેકેટ્સ વર્ષે ઝાપટી જાય છે. વિએટનામમાં પણ ૫૦૦ પેકેટ્સ ખપી જાય છે.


Google NewsGoogle News