પરમહંસ યોગાનંદજીએ એમની કિશોર અવસ્થામાં નિહાળેલી સ્વામી પ્રણવાનંદજીની યોગ સિદ્ધિઓ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
પરમહંસ યોગાનંદજીએ એમની કિશોર અવસ્થામાં નિહાળેલી સ્વામી પ્રણવાનંદજીની યોગ સિદ્ધિઓ 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- આખા વિશ્વમાં ક્રિયાયોગનો પ્રસાર કરનારા સિદ્ધયોગી પરમહંસ યોગાનંદ મહાન યોગી યુક્તેશ્વર ગિરિના શિષ્ય હતા. પરમહંસ યોગાનંદનું જન્મ સમયનું નામ મુકુંદ હતું

મ હર્ષિ પતંજલિએ રચેલા પાતંજલ યોગસૂત્રના વિભૂતિપાદ વિભાગમાં કહેવાયું છે - 'તતોડણિમાદિપ્રાદુર્ભાવ: કાયસમ્પત્તદ્ધર્માનભિઘાતશ્ચ ।। (૪૫) પછી પંચમહાભૂત વિજયથી અણિમા, લઘિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિત્વ, ઇશિત્વ અને યત્રકામાવસાયિત્વ વગેરે આઠ સિદ્ધિઓનું પ્રગટ થવું, શરીર સંપદાની પ્રાપ્તિ અને પંચમહાભૂતના ધર્મોથી અટકવાનું ન થવું એ ત્રણેય ફળ પ્રાપ્ત થાય છે. અણિમા એટલે શરીર કે વસ્તુનું અણુ જેવું સૂક્ષ્મ થઇ જવું. લઘિમા એટલે શરીર કે પદાર્થનું હળવું થઇ જવું. મહિમા એટલે એમનું સ્વરૂપ મોટું કે વિશાળ થઇ જવું, પ્રાપ્તિ એટલે ઇચ્છેલા ભૌતિક પદાર્થની પ્રાપ્તિ થવી, પ્રાકામ્ય એટલે ઇચ્છા પૂરી થવી, વશિત્વ અથવા વશિતા એટલે પંચમહાભૂતો અને પદાર્થોને પોતાના વશમાં રાખવા, ઇશિત્વ અથવા ઇશિતા એટલે પંચમહાભૂતો અને પદાર્થોની ઉત્પત્તિ અને વિનાશ કરવાનું સામર્થ્ય ધરાવવું અને યત્રકામાવસાયિત્વ એટલે કે સંકલ્પ પૂર્ણ થવો. આ આઠ પ્રકારની અસાધારણ, અલૌકિક ક્ષમતાને અષ્ટ સિદ્ધિ કહેવામાં આવે છે.'

પાતંજલ યોગસૂત્રના વિભૂતિપાદના ૪૮મા શ્લોકમાં કહેવાયું છે - તતો મનોજવિત્વં વિકરણભાવ: પ્રધાનજયશ્ચ ।। પછી તે ઇન્દ્રિય વિજયથી મન સમાન ગતિવાળા બનવું, શરીર વગર ઇન્દ્રિયોમાં વિષયોની અનુભૂતિ કરવાની શક્તિ આવવી અને પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરવો એ ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એ રીતે આગળના ૪૯મા સૂત્રમાં મહર્ષિ પતંજલિ કહે છે - 'સત્વપુરુષાન્યતાખ્યાતિમાત્રશ્ય સર્વભાવાધિષ્ઠાતૃત્વં સર્વજ્ઞાાતૃત્વં ચ ।। ચિત્ત અને પુરુષના ભેદને જાણનારો યોગી બધા ભવોનો સ્વામી અને બધું જાણનારો (ત્રિકાળજ્ઞાાની) થાય છે.'

આખા વિશ્વમાં ક્રિયાયોગનો પ્રસાર કરનારા સિદ્ધયોગી પરમહંસ યોગાનંદ મહાન યોગી યુક્તેશ્વર ગિરિના શિષ્ય હતા. પરમહંસ યોગાનંદ (૫-૧-૧૮૯૩-૭-૩-૧૯૫૨)નું જન્મ સમયનું નામ મુકુંદ હતું. તેમના પિતા ભગવતીચરણ ઘોષ બંગાળ-નાગપુર રેલવેના ઉપાધ્યક્ષના પદ પર સેવા આપતા હતા. એકવાર ભગવતીચરણ એમના પરિવાર સાથે કાશીમાં યોગીરાજ શ્યામચરણ લાહિડીના દર્શન કરવા કાશી આવ્યા. તે વખતે શ્યામાચરણ જ્યાં બિરાજતા હતા ત્યાં ગયા. શ્યામાચરણે ભગવતીચરણના પત્નીના ખોળામાં બેઠેલા નાનકડા મુકુંદના માથા પર હાથ મૂકી આશિષ આપતાં કહ્યું હતું - 'આયુષ્યમાન ભવ. યોગીરાજ ભવ. મહાયશસ્વી ભવ.' તે વખતે ભગવતીચરણ અને તેમના પત્ની શ્યામાચરણનાં શિષ્ય બન્યાં અને એમની પાસેથી દીક્ષા પણ લીધી હતી. શ્યામાચરણ લાહિડી મહાશયના શિષ્ય યોગીરાજ મુક્તેશ્વર ગિરિ પાસેથી યોગનું જ્ઞાાન અને પ્રશિક્ષણ પ્રાપ્ત કરી મુકુંદ અર્થાત્ પરમહંસ યોગાનંદ પણ મહાન યોગી બન્યા. ૧૯૨૦થી ૧૯૩૦ સુધી યોગાનંદજીએ અમેરિકામાં રહી હજારો અમેરિકન લોકોને યોગ વિશે સમજૂતી આપી ક્રિયાયોગ તરફ આકૃષ્ટ કરી શિષ્યત્વ પ્રદાન કર્યું હતું. કેલિફોર્નિયામાં સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપ - યોગદા સત્સંગ સોસાયટી ઑફ ઇન્ડિયા નામની સંસ્થા ખોલી અધ્યાત્મ અને ક્રિયાયોગનો પ્રસાર કર્યો હતો. 'ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગી' પુસ્તકમાં પરમહંસ યોગાનંદજીએ યોગ પ્રક્રિયા, સિદ્ધયોગીઓ સાથેની તેમની મુલાકાતો અને સાક્ષાત્કારો તથા તેમના પોતાના જીવન પ્રસંગોનું રસપ્રદ નિરૂપણ કર્યું છે.

થિયોસોફિકલ લાયબ્રેરી ન્યૂયોર્કના ૧૯૪૬ના મૂળ સંસ્કરણના અનેકવાર અનેક ભાષાઓમાં પુનર્મુદ્રણ થયેલા આ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં યોગાનંદજીએ 'બે શરીરવાળા સંત'ની ચમત્કારિક શક્તિઓની વાત કરી છે. તે બાર વર્ષની ઉંમરના હતા તે વખતની વાત છે. તેમને પ્રવાસ-પર્યટનનો બહુ શોખ. એકવાર તેમના પિતાજીએ તેમને કહ્યું - 'મુકુંદ, હું કાશીમાં રહેતા મારા એક મિત્ર કેદારનાથ બાબૂને સંદેશો આપવા માંગું છું. હું એમનું સરનામું ભૂલી ગયો છું. એટલે તું કાશી જઇને અમારા બન્નેના મિત્ર એવા સ્વામી પ્રણવાનંદને મળજે. એમનું સરનામું હું તને આપું છું. તે તને કેદારનાથ બાબૂ ક્યાં રહે છે તે કહેશે. એના આધારે તું એમની પાસે જઇને મારો આ પત્ર આપી દેજે. સ્વામી પ્રણવાનંદે ઉચ્ચ આધ્યાત્મિક મહાનતા એન યોગ સિદ્ધિ પણ પ્રાપ્ત કરી છે. તેમને મળીને તને ઘણું જોવા-જાણવા મળશે અને લાભ થશે.'

યોગાનંદજી લખે છે - 'હું બનારસ પહોંચી સ્વામી પ્રણવાનંદના ઘેર જવા નીકળી ગયો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. દાદર ચડીને બીજા માળે એક હોલ જેવા મોટા રૂમમાં ગયો. ત્યાં એક પાટ પર પદ્માસનની સ્થિતિમાં પ્રણવાનંદ બેઠેલા હતા. હું મારો કોઈ પરિચય આપું તે પહેલાં જ તેમણે કહ્યું - 'તું ભગવતીચરણનો પુત્ર છે ને ?' તું કેદારનાથ બાબૂને મળવા માંગે છે ને ?' હું કશું બોલું તે પહેલાં તો તે જ બોલી ઉઠયા હતા. હું તો આશ્ચર્ય ચકિત થઇ ગયો કેમ કે મારા પિતાજીએ કે મેં હું મળવા આવવાનો છું એવો સંદેશો એમને આપ્યો નહોતો. હું કોણ છું અને કેમ આવ્યો છું તે મેં તેમને કે બીજા કોઇને જણાવ્યું નહોતું. પછી તે આગળ કહેવા લાગ્યા - 'હું તને કેદારનાથ બાબૂ ક્યાં રહે છે તે જણાવું છું.' તે આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા. હું તેમની સામે જોયા જ કરતો હતો. થોડી મિનિટો બાદ તેમણે આંખો ખોલી અને કહેવા લાગ્યા - 'મુકુંદ, તારે હવે તેમનું સરનામું લઇ તેમનું ઘર શોધતાં શોધતાં તેમના ઘેર જવાની જરૂર નથી. તે બરાબર અડધા કલાક પછી અહીં જ આવશે. તું તેમને મળી લેજે.' મને આ બધું ભારે વિસ્મયકારી લાગ્યું. 

તેમણે કોઈને કેદારનાથ બાબૂને અહીં આવવા સંદેશો આપ્યો નહોતો. અહીં રૂમમાં અમે બે જ જણ હતા.

બરાબર અડધો કલાક વીત્યો હશે ત્યાં તે બોલી ઉઠયા - 'કેદારનાથ બાબૂ, ઘરના દરવાજે આવી પહોંચ્યા છે. દાદરો ચડીને હમણાં જ તે ઉપર આવશે. તું તેમને મળી લેજે. હું તેમને મળવા નીચે જવા લાગ્યો તે ઉપર આવી રહ્યા હતા. રસ્તામાં જ અમે મળી ગયા. મેં પૂછ્યું - 'તમે જ કેદારનાથ બાબૂ છો ?'' તે કહેવા લાગ્યા - 'હા, ભગવતીચરણનો પુત્ર મુકુંદ જ ને તું ? ફરી પાછું મને અચરજ થયું. આજે બધું રહસ્યમય બની રહ્યું હતું. મેં તેમને પૂછ્યું - 'તમને મારા વિશે કેવી રીતે ખબર પડી ?'' તેમણે જે જવાબ આપ્યો તે તો વધારે વિસ્મય ઉપજાવનારો હતો. તેમણે કહ્યું - 'એક કલાક પહેલાં હું ગંગાસ્નાન કરવા ગયો ત્યારે અચાનક સ્વામી પ્રણવાનંદ મારી પાસે આવી પહોંચ્યા હતા. તેમણે શરીર પર એક લંગોટી જ પહેરેલી હતી અને પગમાં લાકડાની પાદુકાઓ હતી. તેમણે મને કહ્યું - 'ભગવતી ચરણ બાબૂનો પુત્ર મારા ઘેર બેઠો છે. તે તને મળવા માંગે છે તું આવીશ ને અત્યારે જ અહીંથી ? તને અહીંથી મારે ઘેર આવતાં કેટલો સમય લાગશે ?'' મેં કહ્યું - 'અડધો કલાક હું તમારી સાથે જ અહીંથી સીધો ત્યાં જ આવું છું. પણ તે એકાએક મારાથી કેવી રીતે આગળ નીકળીને ક્યાં જતા રહ્યા તે ખ્યાલ જ ના આવ્યો.'

આ સાંભળી તેમને આશ્ચર્ય પમાડતાં મેં કહ્યું - 'આ બધું મને ભારે રહસ્યમય લાગે છે. નજર સામે બન્યું હોવા છતાં અસંભવ જેવું લાગે છે. સ્વામી પ્રણવાનંદ હું અહીં આવ્યો ત્યારથી આ પાટ ઉપર પદ્માસન વાળીને મારી નજર સામે જ બેઠેલા છે. તે એક સેકંડ માટે પણ ઉઠયા નથી.' જ્યારે તે બન્નેએ આ વિશે સ્વામીજીને પૂછ્યું તો તેમણે કહ્યું હતું 'આ યોગસિદ્ધિનો ચમત્કાર છે. એક શરીરથી હું અહીં આ ઓરડામાં ધ્યાનસ્થ હતો તો બીજા શરીરથી હું ગંગાના ઘાટ પર કેદારનાથને અહીં આવવા માટે સંદેશો આપવા ગયો હતો !'


Google NewsGoogle News