શરીરને સુઢ બનાવતાં ખાણીપીણીમાં કેન્સરજન્ય તત્ત્વોની ભરમાર

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
શરીરને સુઢ બનાવતાં ખાણીપીણીમાં કેન્સરજન્ય તત્ત્વોની ભરમાર 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- વર્લ્ડ કૅન્સર રિસર્ચ તરફથી થયેલા એક સંશોધન પરથી સાબિત થયું છે કે, કેન્સરના ૩૦થી ૪૦ ટકા કેસ ખામીગ્રસ્ત આહાર પ્રણાલીને કારણે થાય છે

રો ટલા, ખીચડી ને દૂધનો સાદો આહાર આપણે ત્યજી દીધો છે. પાઉંભાજીને પિત્ઝા તો ઠીક પણ હવે થાઈ, મેક્સિકન ને ન જાણે કઈ જાતના ફૂડની બોલબાલા છે. કોન્વેન્ટીયા બાળકોના લંચ બોક્સ ચેક કરો તો ક્યારેય ન જોઈ હોય એવી અનેક વાનગીઓ જોવા મળશે. આ જાતના કલ્ચરમાં ઉછરેલા લોકો ઉઠતાવેંત નૂડલ્સ, બર્ગર કે એવી જ કોઈ જાતના અમેરિકન નાસ્તા ખાય છે. ઘણા આયાતી બિસ્કિટ ને ટોસ્ટ બટરનો નાસ્તો કરે છે તો ઘણા સંસ્કારોની ઐસીતૈસી કરીને ઈંડા ખાય છે. પણ શું આ જાતના નાસ્તા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ખરા? જાણકારો કહે છે કે બિલકુલ નહીં. ઉલ્ટું આવા પડીકાબંધ નાસ્તાઓમાં એવા કેટલાય હાનિકારક તત્ત્વો હોય છે જે નાના મોટા  રોગ તો ઠીક પણ સીધું કેન્સર જ પેદા કરી આપે છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ તરફથી થયેલા એક સંશોધન પરથી સાબિત થયું છે કે કેન્સરના ૩૦ થી ૪૦ ટકા કેસ ખામીગ્રસ્ત આહાર પ્રાણાલીને કારણે થાય છે. સ્વીડીશ વિજ્ઞાાનીઓએ શોધી કાઢ્યું છે કે સુપર માર્કેટના તૈયાર નાસ્તાઓમાં એક્રેલાઈમાઈડ નામનું હાનિકારક તત્ત્વ હોય છે જે કેન્સર પેદા કરતો એક નંબરનો વિલન છે. બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. આ એજન્સીએ ભલામણ કરી છે કે ઉપરોક્ત આહાર સાવ બંધ કરી દેવાની જરૂર નથી. પરંતુ તે ઓછા કરીને ખૂબ બધા ફળ તથા શાકભાજી ખાવાં જોઈએ.

બજારૂ વેફર, કરકરા, બિસ્કિટ અને બ્રેકફાસ્ટ સિરલ્સમાં એક્રેલાઈમાઈડનું પ્રમાણ ઘણું ઊંચુ હોય છે. તેનાથી જ્ઞાાનતંતુઓને નુકસાન પહોંચવાનો સંભવ છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા સંશોધન પરથી જણાયું છે કે આવા પદાર્થ હદની બહાર લેવામાં આવે તો પુરુષોની ફળદ્રુપતાને પણ અસર થઈ શકે છે. સ્વીડીશ સંશોધનકારો કહે છે કે બટેટા, ચોખા અને બીજા ધાન્યમાંથી બનતા  નાસ્તા ક્યાં તો તળેલા ક્યાં તો શેકેલા હોય છે. આ નાસ્તાઓમાં એક્રેલામાઈડ જણાયું હતું. પણ બાફેલાં નાસ્તાઓમાં તે તત્ત્વ જણાયું નહોતું. સંશોધનકારો માંસિદા પદાર્થોમાંથી બનતાં નાસ્તા વિરુધ્ધ પણ લાલ બત્તી ધરે છે. ખાસ કરીને ગાય, ડુક્કર, તેમ જ ઘેંટાનું માંસ અથવા તેમાંથી બનેલી બીજી વાનગીઓ ખાવાથી આંતરડાનું કેન્સર થાય છે. આ માંસ  બાફીને, શેકીને કે બીજી કોઈ રીતે પકવીને ખાવ, પણ નુકસાન તો થવાનું જ છે.

ખૂબ ખારા પદાર્થો વધુ માત્રામાં ખાવાથી પેટનું કેન્સર થઈ શકે છે.  અગાઉના જમાનામાં રેફ્રીજરેટરની સગવડ નહોતી ત્યારે ખાદ્ય પદાર્થોમાં મીઠું નાખીને ઘણા દિવસો સુધી સાચવી રાખવામાં આવતા હતા.  પણ હવે ફ્રીજ આવી જવાથી ખાદ્ય પદાર્થોમાં વધારાનું મીઠું ભેળવવું પડતું નથી. તેથી આ જાતજાતના કેન્સરના દરમાં ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતો  કહે છે કે  બ્લડ પ્રેશર અને પક્ષાઘાત ટાળવા હોય તો રોજ ૬ ગ્રામથી વધુ મીઠું પેટમાં ન પધરાવવું જોઈએ. ઉપરાંત દુગ્ધ બનાવટના પદાર્થોનો અતિરેક પણ સ્વાસ્થ્ય વિષયક સમસ્યા નોતરે છે. રોજ ૨૫૦ મિ.લિ. કરતા વધુ દૂધ અને ૪૦ ગ્રામ કરતા વધુ ચીઝ ખાવી હાનિકારક છે. જાણકારો કહે છે કે દુગ્ધ બનાવટમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે. કેલ્શિયમની હાજરીને કારણે રક્તમાં ડી૩ નામનાં હોર્મોનનું સ્તર ઘટી જાય છે. આ હોર્મોન પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સર સામે લડવામાં સક્ષમ ગણાય છે. દૂધની વાત નીકળી છે તો કહી  દઈએ કે ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ હલકુ ને સાત્વિક ગણાય છે. નાના બાળકને પણ તે પચી જાય છે.

ઘણા લોકો દૂધ છોડીને શરાબ પાછળ ગાંડા હોય છે. આલ્કોહોલીક પીણાંઓનું વધુ પડતું સેવન મોં, અન્નનળી, આંતરડા ને પિત્તાશયનું કેન્સર નોતરે છે. એ જે રીતે ચા ને કોફી જેવા ગરમાગરમ પીણાંનો અતિરેક કરવાથી આંતરડાનું કેન્સર ભેટમાં મળે છે. ઉકળતી ચા કે કૉફી પીવાથી આંતરડાની દિવાલોનું ખવાણ થાય છે જેથી તે કેન્સરના કોષનો આસાનીથી શિકાર બની શકે છે. કાજુ અને ધાન્યમાં બનતી વિવિધ વાનગીઓ ખાનારાઓને પણ સાવધાન કરી દઈએ કેમ કે તેમાં એફલોટોક્સીન નામક ફૂગ હોય છે જે પિત્તાશયનું કેન્સર પેદાં કરી શકે છે. કેક, ફાસ્ટફૂડ અને પાઉં જેવાં પદાર્થોમાં ચરબી પુષ્કળ પ્રમાણમાં હોય છે. ચરબીને કારણે પણ કેન્સર થયા હોવાના દાખલા છે. જાડી સ્ત્રીઓને ગર્ભાશયનું અને સ્તનનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે તો જાડા પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે. તે ઉપરાંત જાડા સ્ત્રી પુરુષોને કિડની, પેન્ક્રીઆસ અને પેટનું કેન્સર થઈ શકે.

એવું નથી કે ફાસ્ટફૂડ કે અન્ય વિદેશી વાનગીઓ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ ફળ અને કાચા શાકભાજીનું સેવન પણ રોગોને નોતરી શકે છે. કેળા અને કેરી જેવા ફળને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. આના લીધે સ્ત્રીઓને કસુવાવડ થવાનું જોખમ રહે છે. તે જ પ્રમાણે ગાય- ભેંસને આપવામાં આવતા ઓક્સિટોસીન ઈન્જેકશનથી પણ કસુવાવડ, વંધ્યત્વ અને કિડનીની બિમારી થઈ શકે છે.

આ ક્રમ અહીં પૂરો થતો નથી. ચાની પત્તીઓ ઉપર પણ પેસ્ટીસાઈડ્સ છાંટવામાં આવે છે. મગની દાળનો પીળો, અડદની દાળનો ક્રીમ કે મસૂરની દાળનો લાલ રંગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક રસાયણોને આભારી છે. છૂટક મસાલાઓમાં ઈંટના ભૂક્કાથી માંડીને ઘોડાની લાદ સુધીનું બધું જ ભેળવવામાં આવે છે.

ભારતમાં બનતાં અથાણાં અને મસાલામાં જબરજસ્ત ભેળસેળ કરવામાં આવે છે. અરે, સામાન્ય હોટલમાં પંજાબી શાક ખાધા બાદ સાદા પાણીથી હાથ ધોઈઓ તો હાથ પરથી લાલ રંગ જતો નથી.

સલાડ ખાવાથી તંદુરસ્તી વધે છે અને શિયાળામાં ગાજર ખાવાથી આખું વર્ષ તાજા રહેવાય છે એવી માન્યતા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે  ગાજરને પણ લાલ રંગે રંગવામાં આવે છે. મુંબઈ ગ્રાહક પરિષદે આ બાબત એફડીએનું ધ્યાન દોર્યું છે. પરંતુ તેનું પરિણામ જાણવા મળ્યું નથી.

ખાદ્યપદાર્થોમાં ભેળવવામાં આવતાં રસાયણો, રંગો અને ડાઈને લીધે એલર્જી અને અસ્થમાની તકલીફ થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ બધા તત્વો પાણીમાં ઓગળતાં નથી એટલે શરીરમાંથી બહાર નીકળતાં નથી અને તે ચરબીમાં જમા થઈને લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને શરીરને અંદરથી ખોખલું કરે છે.

જો કે સાવ નિરાશ થવા જેવું પણ નથી, બીજા ઘણા એવા ખાદ્ય પદાર્થો છે જેમાં રહેલા વિશિષ્ટ તત્ત્વો કેન્સર સામે બાથ ભીડવામાં નિપુણ છે. ટામેટાંમાં રહેલું લાયકોપેન નામક તત્ત્વ તેમાંનું એક છે. નિષ્ણાતો કહે છે કે અઠવાડિયામાં દસ કે તેથી વધુ ટામેટાં ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઘટીને ત્રીજા ભાગની થઈ જાય છે. સોયા મિલ્કમાં રહેલ આસોફ્લવોન્સ નામક  તત્ત્વ પણ પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. કેરોટેનોઈડ્સ નામનું તત્ત્વ જે કેરીમાં જોવા મળે છે તે સેર્વીકલ કેન્સરથી મહિલાઓને બચાવે છે. દૂધમાં (ખાસ કરીને ગાયના દૂધમાં) રહેલ કોન્જુગેટેડ લાઈનોલીક એસિડ નામનું તત્ત્વ સ્ત્રીઓને સ્તન કેન્સરથી બચાવે છે. હળદરમાં રહેલ કર્કુમીન નામનું પીળા રંગનું તત્ત્વ મોટા આંતરડાના કેન્સર સામે સુરક્ષા આપે છે. ;

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ સૌથી વધુ નુકસાનકારક

સંશોધકોના મતે ફ્રોઝન ફૂડ, કન્ટેનર ફૂડ, પેકેટ ફૂડ, ચોકલેટ્સ, હોટડોગ, ફ્રાઈઝ, બર્ગર, ચિપ્સ, નમકીનના પેકેટ જેવા ફૂડ જેને આપણે ફાસ્ટ ફુડ તરીકે ઓળખીયે છીએ તે સ્વાસ્થ્ય માટે સૌથી વધારે જોખમી છે. આ ફૂડને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેના ઉપર કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે. તેના કારણે તેનો સ્વાદ પણ થોડો બદલાય છે અને તેના ન્યૂટ્રિયન્સમાં પણ ફેરફાર થાય છે. તેમાં આર્ટિફિશિયલ કલર, આર્ટિફિશિયલ ફ્લેવર અને પ્રિઝર્વેટિવ્સ ભરપૂર માત્રામાં નાખવામાં આવે છે જે શરીરને સખત નુકસાન કરે છે. આવા ખોરાકમાં ટેસ્ટની સમજ પડતી નથી. માત્ર જીભને સ્વાદ આવ્યા કરે છે અને વ્યક્તિ વધારે ભોજન કર્યા કરે છે. તેની ન્યૂટ્રિયન્સ વેલ્યુ પણ હોતી નથી તેના કારણે વ્યક્તિની કેલરીમાં સતત ઉછાળો આવતો જાય છે. તેમાં શુગર, સોલ્ટ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે જે મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, કોલેસ્ટેરોલ જેવા રોગોનું કારણ બને છે. વેજીટેબલ ઓઈલ ધરાવતા પદાર્થોની સાથે સાથે વેજીટેબલ ઓઈલમાં ખાદ્યપદાર્થો તળવાથી પણ શરીરને ભયાનક જોખમ રહેલું છે. સંશોધકોના મતે જ્યારે કેન્સરના અલગ અલગ કેસમાં તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે, ઘણા કિસ્સામાં દર્દીઓ દ્વારા તળેલા પદાર્થો, ફ્રોઝન ફૂડ કે જે ડિપ ફ્રાય કરવા પડે તેનું મોટા પ્રમાણમાં સેવન કરવામાં આવ્યું હતું. આ તેલને જેટલું વધારે ગરમ કરવામાં આવે છે અને જેટલા લાંબા સમસય સુધી એક જ તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેમ તે વધારે ઝેરી બનતું જાય છે. મોટાભાગે જે પદાર્થો આવા તેલમાં ડિપ ફ્રાય કરવામાં આવે છે ત્યારે તેમાં ઝેરી તત્ત્વો ઉમેરાતા જાય છે. જાણકારો માને છે કે, મોટાભાગે હોટેલ્સ અને રેસ્ટોરાંમાં લાબા સમય સુધી આવા તેલનો ઉપયોગ કરવામાં આવે છે જે જોખમી બની જાય છે. સંશોધકો દ્વારા વર્ષ ૨૦૦૦માં ફેફસાંનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને લિવર કેન્સરથી પીડાતી ઘણી મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં બહારનું ભોજન વધારે લેતી મહિલાઓમાં ડિપ ફ્રાય અને પેન ફ્રાય તથા સ્ટીર ફ્રાય ભોજન લેતી મહિલાઓ વધારે હતી. 


Google NewsGoogle News