એક હત્યા, ચાર ચહેરા પ્રકરણ - 08 .
- મહેશ યાજ્ઞિક
- 'એમાં વાંક લાલજીની કુટેવનો. અઠવાડિયે એકાદ-બે વાર એ જલસો કરતો. મેં એને હજાર વાર ટોકેલો કે ભૈ, દારૂ બંધ કર, પણ એ નહોતો માનતો....'
'મા રા એકના એક ભાઈને કોઈએ મારી નાખ્યો, અને આ નવરી મારા ઘરમાં ઘૂસીને કે જાણે મેં જ રસિકને મારી નાખ્યો હોય એવો સીધો જ આરોપ મૂકે છે! આ સૂટેડબૂટેને શંખણીને આવું બોલતાં સહેજેય શરમ પણ ના આવી!' નંદિની સવિતાના ઘરમાંથી બહાર નીકળતી હતી ત્યારે એની પાછળ ઓટલા પર આવીને સવિતા ઘાંટો પાડીને બબડાટ કરતી હતી. એના શબ્દો જાણે કાનમાં વાગતા હોય એમ નંદિની લગભગ દોડીને જ બહાર આવી ગઈ.
ડરી ગયેલું બાળક આવીને માતાની સોડમાં લપાઈ જાય એમ ઝડપથી કારનું બારણું ખોલીને નંદિની કારમાં ઘૂસી ગઈ! 'શું થયું?' કાર સ્ટાર્ટ કરીને તખુભાએ હસીને પૂછયું. 'સવિતાબહેને તો તને ગભરાવી દીધી હોય એવું લાગે છે.'
'રસિકની બહેન ખૂંખાર છે, એ સાવ સાચું, પણ મારા નિરીક્ષણ ઉપરથી આઈ એમ શ્યૉર કે રસિકની હત્યામાં એનો હાથ નથી.' લગીર સ્વસ્થ થઈને નંદિનીએ ખુલાસો કર્યો. 'ધીમે ધીમે વાત આગળ વધારીને મેં સીધો આરોપ મૂક્યો એટલે એ જબરજસ્ત ઉશ્કેરાઈ ગઈ. મારા ઉપર ભયાનક ગુસ્સો ઠાલવ્યો. એનું વર્તન તદ્દન સાહજિક હતું. મનમાં પાપ હોય કે ગુનો કર્યો હોય એ વ્યક્તિનું વર્તન ક્યારેય આટલું સાહજિક ના હોઈ શકે. લગીર પણ દંભ કે અભિનયની છાંટ એના શબ્દોમાં કે વર્તનમાં મને જોવા નથી મળી.'
'રસિકની હત્યા થઈ, એની આગલી રાત્રે રસિક એના ઘેર આવેલો અને ભાઈ-બહેન વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયેલો, ત્યારે આ રણચંડીએ રસિકને મારી નાખવાની ધમકી આપેલી. ગાંડાબાપુએ અવિનાશને જણાવેલી આ વાત તો તને યાદ છેને?'
'એ વાત સાચી હશે.' અવિનાશે કહેલી વાતના શબ્દો યાદ કરીને નંદિનીએ આગળ કહ્યું. 'સવિતાએ કહેલું કે બાપાના બંગલામાં મારોય અડધો ભાગ છે, હું ખાલી નહીં કરું. એણે પાડોશીઓની હાજરીમાં રસિકને ધમકી આપેલી કે મરી જઈશ, તોય બંગલો ખાલી નહીં કરું. ખાલી કરાવવા જો તું દાદાગીરી કરીશ તો હું તને મારી નાખીશ! આજે સવિતાને મળીને એની સાથે વાત કર્યા પછી હું માનું છું કે એ વખતે માત્ર ઉશ્કેરાટ અને આક્રોશથી જ એ આવું બોલી હશે. આજે એના પતિ સુરેશનો પણ પરિચય મળ્યો. સવિતા બોલતી હતી ત્યારે કશુંય કર્યા વગર એ એક ખૂણામાં ચૂપચાપ ઊભો રહ્યો હતો.'
હોટલના આખા બિલ્ડિંગનું દ્રશ્ય યાદ કરવા એ સહેજ અટકી. એ પછી એણે આગળ કહ્યું. 'હોટલમાં જઈને રાત્રે રસિકના માથામાં હથોડો મારીને એ લોહીવાળો હથોડો, પૈસા અને મોબાઈલ લાલજીની ઓરડીમાં જઈને મૂકી આવે એટલી ચાલાકી કે હિંમત સવિતા પાસે નથી. એવા કામમાં તો સુરેશ પણ સાવ કાચો પડે એવું મને લાગ્યું. સૌથી મહત્વની વાત તો એ છે કે લાલજી કોણ છે, એની ઓરડી ક્યાં છે અને એની ઓરડીમાં એ નશામાં ચૂર થઈને પડયો હશે એવી જાણકારી એ બેમાંથી એકેય પાસે હોય એ સહેજ પણ શક્ય નથી.' આટલી દલીલ રજૂ કરીને એણે ડ્રાઈવિંગ કરતા તખુભા સામે જોઈને પૂછયું. 'હવે તમે તો કંઈક બોલો. તમને શું લાગે છે? મારી ધારણા સાચી છે કે ખોટી?'
'જે જે શંકાસ્પદ ચહેરાઓ છે, એની ચકાસણી કરીને એમાંથી જે નિર્દોષ લાગે એની બાદબાકી કરીને આપણે આગળ વધવાનું છે. તારા નિરીક્ષણમાં સચ્ચાઈનો અંશ છે, એ છતાં મોટિવ-હત્યાના હેતુની દ્રષ્ટિએ વિચારીએ તો આ કપલની બાદબાકી ના કરી શકાય.' બંગલાના કમ્પાઉન્ડમાં તખુભાએ કાર ઊભી રાખી. બંને અંદર ગયા એ પછી તખુભાએ સમજાવ્યું. 'આજની તારીખે એ બંગલાની જે કિંમત છે એને ધ્યાનમાં લઈએ તો સંપત્તિ માટે સસલું પણ સિંહ બની શકે. અલબત્ત, હોટલમાં લાલજીની ઓરડી સુધી જવાનું કામ એમના માટે લગભગ અશક્ય ગણાય. એ કામ તો કોઈ અંદરનો માણસ જ કરી શકે. અત્યારે હોટલમાં અવિનાશનું કામ ચાલુ હશે. બધાની પૂછપરછ કર્યા પછી કોઈની કેફિયતમાં ફરક પડશે, તો આપણે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. એ ઉપરાંત, એ રાત્રે લાલજી સાથે શું શું બનેલું એની જાણકારી પણ લાલજી કાલે અવિનાશને આપશે. એના ઉપરથી કંઈક તાળો મળશે.'
'પેલા વિનોદ શર્માએ અવિનાશને કહેલું કે લાલજી અને અંજલિમેડમ વચ્ચે સંબંધ છે- એનો ખુલાસો પણ લાલજી નિખાલસતાથી કરશેને?' નંદિનીએ જિજ્ઞાાસાથી પૂછયું.
એનો સવાલ સાંભળીને તખુભા હસી પડયા. 'લાલજી જવાબ નહીં આપે. વિનોદે જે કહ્યું એ સાંભળીને અવિનાશ વગર વિચાર્યે ઉત્સાહમાં આવી ગયો હતો, એવી મારી ધારણા છે. અવિનાશ એ સમયે ઉત્સાહથી બોલતો હતો, ત્યારે મને હસવું આવતું હતું, પણ એ તારા કે અવિનાશના ધ્યાનમાં નહોતું આવ્યું. અવિનાશનો ઉમંગ તોડી પાડવાનું મને યોગ્ય ના લાગ્યું, એટલે મેં એને કંઈ કહ્યું નહોતું, બાકી આ આખી વાત જ વાહિયાત છે!'
'તમને કેમ હસવું આવતું હતું? અવિનાશે શું ભૂલ કરી એ મને તો કહો.' નંદિનીએ તરત પૂછયું. 'એ વાત વાહિયાત કેમ લાગી?'
'લિસન. અવિનાશ કાલે લાલજીને મળીને આવશે, એ પછી એ પોતે કબૂલ કરશે. ત્યાં સુધી એ રહસ્યને રહસ્ય જ રહેવા દો.'
એ જ વખતે ડોરબેલ વાગી. બારણું તો ખુલ્લું જ હતું. એ છતાં ડોરબેલ વગાડીને એડવોકેટ ઝાલા બારણાં પાસે જ ઊભા રહ્યા. 'જાડેજાસાહેબ, અંદર આવું?'
તખુભાએ ઊભા થઈને એમને પ્રેમથી ધમકાવ્યા. 'બાપુ, આપ પણ ખરા છો! અહીં અંદર આવવા માટે આપે આવું નાટક કરવાની જરૂર નથી. આ તો આપનું જ ઘર છે.'
'આપ સિક્રેટ મિશન ઉપર આવ્યા છો, એટલે રજા માગવાની મારી ફરજ છે.' ઝાલાએ હસીને કહ્યું. 'એમાં મારે લાયક કોઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે હુકમ કરજો.'
'આજે તો આ નંદુ દીકરીએ આપણી સોસાયટીની સામે રસિકના બહેન-બનેવીના ઘર કમ ગેરેજની મુલાકાત લીધેલી. આપને તો એ લોકોનો પરિચય હશેને?'
'રસિકની બહેન ઝંડાઝૂલણ જેવી છે, પણ એનો વર મિકેનિક સુરેશ સાવ માંયકાગલો છે!' ઝાલાએ જાણકારી આપી. 'આપણી સોસાયટીના દરબારુંના દીકરાઓ સ્કૂટર કે બાઈક રીપેર કરાવવા જાય ત્યારે મોટા અવાજે ઑર્ડર કરે એટલે બીજા ઘરાકનું કામ ચાલુ હોય, એ પડતું મૂકીને સુરેશ એમનું કામ પતાવી આપે.' તખુભા સામે જોઈને એમણે આગળ કહ્યું. 'શંકાસ્પદની યાદીમાં આપે એમની ગણતરી કરી હોય તો એ નામ ભૂંસી નાખજો. કોઈ બહેન આવી ક્રૂરતાથી એકના એક સગા ભાઈને મારી ના શકે અને બનેવીમાં તો બોણી જ નથી!' લગીર અટકીને એમણે હસીને ઉમેર્યું. 'એ છતાં, આપની તપાસમાં જો કોઈ છેડો મળ્યો હોય તો હું જે બોલ્યો એને આપના દિમાગમાંથી ભૂંસી નાખજો.'
એ પછી ઝાલા મૂળ વાત પર આવ્યા અને સાંજે જમવાનું આમંત્રણ આપ્યું. બંને બાપુઓ વચ્ચે એ પછી વ્યવહારિક વાતો શરૂ થઈ અને નંદિની એના ઓરડામાં ગઈ.
-- બીજી તરફ આજે હોટલમાં શું બનેલું એ જોઈએ. તખુભાએ જાણ કરી દીધેલી એટલે હોટલમાં પંકજ અને અંજલિ એની રાહ જોઈને જ બેઠા હતા. આગલા દિવસે તખુભા અને નંદિનીએ સ્ટાફના દરેકની પૂછપરછ કરી હતી અને એમણે જે જવાબ આપેલા, એ નંદિનીએ લખી લીધેલા હતા. અવિનાશનએ બધા કાગળ લઈને જ આવ્યો હતો.
હોટલનો કોન્ફરન્સ રૂમ ખૂબ મોટો હતો. પંકજ અને અંજલિ અવિનાશ સાથે ત્યાં આવ્યા. 'ગઈ કાલે સાહેબે વાત કરેલી, એટલે બધા હાજર છે. અમારા નાઈટના રિસેપ્શનિસ્ટને પણ આજે આવવાનું કહી દીધું છે. એ પરેશ પાઠક ધંધૂકા નથી રહેતો, ભીમનાથ-પોલારપુરમાં રહે છે. કહી દીધેલું છે એટલે એ એકાદ કલાકમાં તો આવી જશે.' પંકજે આટલું કહ્યું એ પછી અંજલિએ હસીને અવિનાશ સામે જોયું. 'અમે જમવા કે નાસ્તા માટે ખૂબ કહ્યું એ છતાં અમારી વિનંતિ તમારા સાહેબે સ્વીકારી નથી. માત્ર ચા માટે જ છૂટ રાખી છે. એ આટલા કડકછાપ કેમ છે?'
અવિનાશ પણ હસી પડયો. 'જાડેજાસાહેબે પોલીસખાતામાં ઊંચા ગજાના અધિકારી તરીકે પાંત્રીસ વર્ષ સુધી નોકરી કરી, એમાં ક્યારેય નાક ઉપર માખી બેસવા નથી દીધી. કરોડો કમાઈ શકે એવી આવડત અને હોદ્દો હોવા છતાં, પૈસાને બદલે માત્ર સિધ્ધાંતને જાળવીને જ એ જીવ્યા છે. હું નસીબદાર છું કે એમની સાથે કામ કરવાની તક મળી છે.' અંજલિ અને પંકજની સામે જોઈને અવિનાશે ઉમેર્યું. 'ચાલો, હવે આજનું કામ શરૂ કરીશું? એક પછી એક સ્ટાફ મેમ્બરને અહીં મોકલજો.'
પંકજ અને અંજલિ બહાર નીકળી ગયા પછી અવિનાશે બેઠક વ્યવસ્થા ગોઠવી. સામે બેઠેલી વ્યક્તિ જવાબ આપે ત્યારે એના ચહેરાના હાવભાવ સ્પષ્ટ દેખાય એ માટે પૂરતો પ્રકાશ આવે એ રીતે ખુરસીઓ ખસેડી.
એ ખુરસીમાં બેઠો અને થોડી વારમાં જ રસોઈયો લક્ષ્મણ અને એની પત્ની અંદર આવ્યા. અવિનાશ સામે હાથ જોડીને એ ઊભા રહ્યા. એમના ચહેરા પર ગભરાટ હતો. 'આરામથી બેસો.' ખુરસીઓ તરફ ઈશારો કરીને અવિનાશે કહ્યું. 'હું કોઈ વાઘ-સિંહ નથી. જરાય ગભરાયા વગર સાચા જવાબ આપવા સિવાય તમારે કંઈ કરવાનું નથી.'
એ બંને બેઠા પછી અવિનાશે હસીને પૂછયું. 'અંજલિમેડમ અને પંકજભાઈ તમારા રસોડે જ જમે છે કે એમના બંગલે? આજે જમવામાં શું બનાવ્યું છે?' આ સવાલ સાંભળીને એ બંનેનાચહેરા પર હળવાશ પથરાઈ. 'એમના કોઈ ઘરના ગેસ્ટ આવ્યા હોય તો મારે બંગલે જઈને એમની રસોઈ બનાવવી પડે છે. બાકી તો રોજ બધા પેસેન્જરોની સાથે જ જમી લે છે. એને લીધે પેસેન્જરોને પણ થાય છે કે શેઠ જે જમે છે, એ જ અમને જમવા મળે છે.' લક્ષ્મણે આટલો જવાબ આપ્યો એ પછી એની પત્નીએ ઉમેર્યું. 'આજે તો ત્રણ જ રૂમમાં ગેસ્ટ છે એટલે એ અગિયાર માણસ અને શેઠ-શેઠાણી માટે જ બનાવવાનું હતું. બટાકાનું શાક તો બારેય મહિના બનાવવાનું જ હોય, ઉપરાંત રીંગણ-તુવેરાનું ધમધમાટ શાક, દાળ-ભાત, રોટલી અને મગની દાળનો શીરો બનાવ્યો છે.'
'સરસ. હવે એ કહો કે જે રાત્રે ખૂન થયું ત્યારે તમે શું કરતા હતા? તમે કોઈ અવાજ કે ચીસાચીસ સાંભળેલી? કોઈ અજાણ્યા માણસને આંટા મારતો જોયેલો?'
'ના સાહેબ. બહાર તો લગનવાળાની ધમાલ ચાલુ હતી. અમે તો અગિયાર વાગ્યે રસોડાનું કામ પતાવીને થાક્યાપાક્યા સૂઈ ગયેલા.' લક્ષ્મણે જવાબ આપ્યો. 'બીજા દાડે બપોરે લીલકીએ ચીસો પાડી ત્યારે અમે ઉપર જઈને જોયેલું. બાકી રાતે શું થઈ ગયું એની કંઈ ખબર નથી.'
'પોલીસ લાલજીને પકડી ગઈ, પણ તમને શું લાગે છે? ચોરી કરવા માટે લાલજી આવું કામ કરે ખરો?'
લક્ષ્મણે ડોકું ધૂણાવ્યું. 'મરી જાય તોય લાલજી આવું કામ કોઈ દિ ના કરે.'
'પણ પોલીસને તો લોહીવાળો હથોડો, પૈસા અને રસિકનો મોબાઈલ એના રૂમમાંથી જ મળ્યાને? આવું કઈ રીતે બને?' અવિનાશે પૂછયું.
'એમાં વાંક લાલજીની કુટેવનો. અઠવાડિયે એકાદ-બે વાર એ જલસો કરતો. મેં એને હજાર વાર ટોકેલો કે ભૈ, દારૂ બંધ કર, પણ એ નહોતો માનતો. એ ખરું કે નશાની હાલતમાં ક્યારેય એ ઓરડીની બહાર નહોતો નીકળતો. કોકે એને ફસાવી દીધો. પાર્ટીપ્લોટમાં લગનની ધમાલ ને બેન્ડવાજા ચાલુ હતા. એ વખતે સાઈડના રસ્તે જઈને કોઈ એની ઓરડી સુધી પહોંચી જાય તો કોઈનેય ખબર ના પડે.'
'લાલજીને કોઈની સાથે દુશ્મનાવટ હતી? એને ફસાવવામાં કોને રસ હોય? તમને એવી કંઈ ખબર ખરી?'
બંનેએ નકારમાં માથું ધૂણાવ્યું. 'એ તો બધાના કામ કરી આપતો હતો. કોઈનીયે સાથે એને ખટરાગ નહોતો.'
'ઓ.કે. હવે તમે જઈ શકો છો.' એ બંને હાથ જોડીને વિદાય થયા. એમણે તખુભા અને નંદિનીને આપેલા જવાબોમાં કોઈ વિસંગતા નહોતી. એક નવી મહત્વની જાણકારી એ મળી હતી કે કોઈની નજરે પડયા વગર પાર્ટીપ્લોટની સાઈડના રસ્તે થઈને લાલજીની ઓરડી સુધી પહોંચવાનું શક્ય હતું.
'આવું, સર?' બારણે ઊભા રહીને રેખા તલાટીએ પૂછયું એટલે અવિનાશે હાથના ઈશારાથી જ એને ખુરસી પર બેસવા કહ્યું.
'રેખાબહેન, પ્રવાસીઓની ભીડ ના હોય ત્યારે આખો દિવસ રિસેપ્શનના કાઉન્ટર પર બેસવાનો કંટાળો નથી આવતો?'
'નોકરી છે, એટલે ફરજ તો બજાવવી પડેને?' સહેજ હસીને રેખાએ ઉમેર્યું. 'હવે તો સ્માર્ટફોન સાથે હોય એટલે ટાઈમપાસનો કોઈ પ્રોબ્લેમ નથી. વળી, લાલજી કે લીલકી જ્યારે નવરા પડે ત્યારે આવે અને સામે બેસીને ગપ્પાં મારે.'
'લાલજી વિશે તમે શું માનો છો? પૈસા માટે એણે રસિકનું ખૂન કર્યું હશે?' 'અનબિલિવેબલ, સર! દસ કરોડ રૂપિયા મળવાના હોય તોય લાલજી કોઈની હત્યા ના કરે. કોણે કર્યું છે એ ખ્યાલ નથી, પણ ખતરનાક કાવતરું કરીને એ બાપડાને ફસાવી દીધો છે.'
'હત્યા થઈ એ દિવસે તમે શું શું કરેલું એ યાદ કરીને કહેશો?'
'શ્યૉર, સર. સવારે આઠ વાગ્યે આવીને મેં મારી જગ્યા સંભાળી લીધી હતી. સવા નવ વાગ્યે સૌરભ શુક્લ નામના માણસે આવીને એક દિવસ
માટે રૂમની માગણી કરી. માત્ર એક રૂમ ખાલી હતો એટલે રજિસ્ટરમાં નોંધ કરીને એમના ડોક્યુમેન્ટની ઝેરોક્સ લઈને મેં એમને ઓગણીસ નંબરના રૂમની ચાવી આપી. લાલજીએ એમની બેગ ઉપાડી લીધી અને એમને રૂમ સુધી લઈ ગયો. એ પછી ચાર વાગ્યે રસિકભાઈ લડાયક મૂડમાં આવ્યા અને રૂમ બદલવાની માગણી કરી. પેલા સૌરભભાઈ મને ભલા માણસ લાગેલા એટલે રસિકભાઈને સાથે લઈને હું ઓગણીસ નંબરના રૂમ પાસે ગઈ અને એમને રિક્વેસ્ટ કરી. એ સજ્જન તરત તૈયાર થઈ ગયા ને એ બંનેએ અરસપરસ રૂમ બદલી નાખી. રજિસ્ટરમાં મેં એની કોઈ નોંધ નહોતી કરી. પહેલા જ દિવસે તમારા બધાની સામે મેં મારી મૂર્ખામીની કબૂલાત કરીને માફી માગેલી.'
'એ યાદ છે. એ પછી કંઈ બનેલું હોય એવું તમને યાદ છે?'
'ખાસ કંઈ બન્યું નહોતું. આઠ વાગ્યે મારી નોકરી પૂરી થઈ એ વખતે પરેશભાઈ આવી ગયા હતા. ટેબલના ડ્રૉઅરની ચાવીનો ઝૂડો એમને આપ્યો એટલે એ કાઉન્ટર પર ગોઠવાઈ ગયા. હું નીકળવા જતી હતી ત્યારે અંજલિમેડમ ત્યાં આવ્યા. પાર્ટીપ્લોટમાં લગ્ન સમારંભ એમના કોઈ પરિચિતનો હોવાથી એમણે મને જમવા માટે આગ્રહ કર્યો. હું આનાકાની કરતી હતી, એ જ વખતે કાઉન્ટર છોડીને પરેશભાઈ મારી પાસે આવ્યા. કોઈ અરજન્ટ કામ માટે એમને ધંધૂકા જવું પડે એવું હોવાથી એમણે મને થોડી વાર માટે કાઉન્ટર સંભાળી લેવા રિક્વેસ્ટ કરી. એ વખતે અંજલિમેડમે મને કહ્યું કે બધા રૂમ પૅક છે, એટલે પરેશ ભલે ધંધૂકા જઈને આવે, ત્યાં સુધીમાં તું અહીં જમી લે. પરેશભાઈ ધંધૂકા ગયા અને હું જમવા ગઈ. જમીને પાછી કાઉન્ટર પર આવી, એની થોડી વારમાં પરેશભાઈ આવી ગયા. મને થેંક્યુ કહીને એમણે કાઉન્ટર સંભાળી લીધું. મારું એક્ટિવા લઈને હું ઘેર ગઈ. એ પછી રાત્રે શું બન્યું હશે એની મને કંઈ ખબર નથી. બીજા દિવસે બપોરે લીલકી ચીસ પાડીને નીચે આવી ત્યારે મને ખબર પડેલી.'
'ઓ.કે. પરેશભાઈ તો ધંધૂકા થઈને જ અહીં આવ્યા હશેને? તો પછી થોડી વારમાં જ પાછા ધંધૂકા ક્યા કામ માટે એમણે દોડવું પડેલું? તમે એમને કામ પૂછેલું?'
'ના સર. અમારે કામ હોય ત્યારે એકબીજાનો સમય સાચવી લઈએ છીએ. શું કામ છે એ પૂછતા નથી.'
'ઓ.કે. રેખાબહેન, તમે જઈ શકો છો. પરેશભાઈ આવે ત્યારે મોકલજો.' 'જી. થેંક્યુ સર!' કહીને રેખા બહાર ગઈ.
અવિનાશે નોંધ લીધી કે તખુભા અને નંદિની સાથેની પૂછપરછમાં રેખા જમવા માટે રોકાઈ અને એ દરમ્યાન પરેશ પાઠક રિસેપ્શન ડેસ્ક છોડીને પોતાના અરજન્ટ કામ માટે ધંધૂકા ગયેલો એનો ઉલ્લેખ નહોતો!
એ પછી બીજી જ મિનિટે લીલા અંદર આવી. અવિનાશે એને ખુરસી પર બેસવાનું કહ્યું એટલે સહેજ સંકોચ સાથે એ ખુરસી પર બેઠી. 'લીલાબહેન, સવારે તમે સફાઈ માટે ગયા ત્યારે શું જોયેલું?'
'હું ત્રીજે માળ ગઈ ત્યારે ઓગણીસ નંબરના બારણે ડુ નોટ ડિસ્ટર્બનું બૉર્ડ ઝૂલતું હતું. મને અંગ્રેજી આવડતું નથી, પણ એ પાટિયાને હું ઓળખું છું એટલે મેં એ રૂમનું બારણું ખખડાવ્યું નહીં. બાજુના વીસ નંબરમાં જે સાહેબ હતા એ તો થોડી વારમાં ચૅકઆઉટ કરવાના હતા એટલે એ તો એમની બેગ લઈને તૈયાર હતા. મેં એમને કહ્યું કે સાહેબ, તમે બેગ ના ઉપાડો. હું નીચે મૂકવા આવીશ. એમણે હસીને ના પાડી અને રાજી થઈને મને ત્રીસ રૂપિયા આપ્યા. એ ગયા પછી એ રૂમની મેં સફાઈ કરી. એ પછી બપોરે બે વાગ્યે ફરીથી ઉપર ગઈ ત્યારે પેલું પાટિયું નહોતું, એટલે મેં ખાલી બારણાંને ધક્કો માર્યો કે તરત ઉઘડી ગયું. બારણાંને અડીને જ ઊંધા માથે લોહીલુહાણ લાશ પડી હતી એટલે ચીસ પાડીને હું નીચે દોડી ગઈ. સાહેબ! હજુય એ સીન યાદ આવે છે ત્યારે ઊંઘ ઊડી જાય છે.'
'લીલાબહેન, તમે રાત્રે હોટલમાં ક્યાં સુધી હતા?'
'રાત્રે અગિયાર વાગ્યા સુધી.' સહેજ સંકોચ સાથે લીલાએ જવાબ આપ્યો. 'અડવાળ ગામમાં ઘરડા મા-બાપ અને નાના ભાઈ સાથે રહું છું. હોટલમાં પાર્ટી હોય ત્યારે એમનું રસોડું પતે એ પછી એ લોકો વધેલું જમવાનું મને આપી દે છે. એના માટે રોકાવું પડે છે. એ ખાવાનું લઈને હું અગિયાર વાગ્યે અહીંથી નીકળી ગઈ હતી.'
'લાલજીને એ વખતે તમે જોયેલો? એણે ખૂન કર્યું હોય એવું તમને લાગે છે?'
'મેં એને જોયો નહોતો, પણ એક વાત લખી લો, સાહેબ! લાલજી ક્યારેય આવું કાળું કામ ના કરે. એ ગરીબને રીતસર ફસાવવામાં આવ્યો છે.'
'એને કોણ ફસાવે? એવા એના દુશ્મન છે ખરા?'
'એ તો પારકી છઠ્ઠીના જાગતલની જેમ બધાયને મદદ કરે છે. કોણે એને ફસાવ્યો એની મને ખબર નથી, પણ મારી મેલડી મા ઉપરથી બધું જોતી હશે. એ પરચો દેખાડશે અને લાલજી બહાર આવી જશે!'
'તમારી પ્રાર્થના માતાજી સાંભળશે, લીલાબહેન! હવે તમે જઈ શકો છો. બીજું કંઈ મને કહેવા જેવું તમને યાદ આવે તો મને કહી દેજો. હું સાંજ સુધી અહીં જ છું.'
'લાલજીને છોડાવી દેજો, સાહેબ! ભગવાન તમારું ભલું કરશે.' ઝૂકીને અવિનાશને પ્રણામ કરીને લીલા બહાર ગઈ.
અંજલિએ બારણે આવીને પૂછયું. 'પરેશ પાઠક આવી ગયો છે, સાહેબ! એને અત્યારે મોકલુંને?'
અવિનાશે હસીને હા પાડી અને આ નવા પાત્રને આવકારવા બારણાં સામે તાકી રહ્યો.
(ક્રમશ:)