Get The App

રાષ્ટ્ર વિનાના રાષ્ટ્રગીત .

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
રાષ્ટ્ર વિનાના રાષ્ટ્રગીત                                          . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- 'શાંતિનું ધ્યેય એ અમારો પ્રારંભ છે અને સમૃદ્ધિ એ અમારું લક્ષ્ય છે. અમે આનું સ્વપ્ન સેવીએ છીએ અને એકબીજા સાથે સહભાગી બનીએ છીએ.'

મા નવી વિશ્વમાનવી બને ત્યારે શું થાય ? આપણે 'વસુધૈવ કુટુંબકમ્' અને 'વિશ્વં ભવતિ એક નિડમ' (આખું વિશ્વ માળો બને) એવાં સૂત્રો દ્વારા આપણી વૈશ્વિક કલ્પનાને સાકાર કરીએ છીએ, ત્યારે સવાલ એ આવે છે કે રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની ભેદરેખાઓ ભૂંસવી કઈ રીતે ? પ્રત્યેક દેશનાં રાષ્ટ્રગીત એ પોતાના દેશની રાષ્ટ્રીયતા, ગૌરવ અને વિશેષતા પ્રગટ કરતા હોય છે. પરંતુ એ રાષ્ટ્રગીત જ્યારે જુદાં જુદાં દેશની સીમાઓ ભૂંસી નાખે, ત્યારે કેવું ગીત રચે ?

અહીં એવાં રાષ્ટ્રગીત (નેશનલ એન્થમ)ની વાત કરવી છે, જ્યાં રાષ્ટ્ર-રાષ્ટ્રનાં સીમાડાઓ ઓળંગી જવામાં આવ્યા છે. કોઈ એક રાષ્ટ્રમાં સીમિત ન હોય તેવાં આ રાષ્ટ્રગીતો છે. આજે જ્યારે ગુજરાત અમદાવાદનાં આંગણે ઓલિમ્પિક સ્પર્ધાને નિમંત્રણ આપવા ચાહે છે, ત્યારે એ આધુનિક ઓલિમ્પિક સ્પર્ધાનું રાષ્ટ્રગીત ૧૯૮૦ના ગાળામાં ગ્રીક સાહિત્યનાં પ્રખર કવિ અને અગ્રણી કોસ્ટિસ પાલ્માએ લખ્યું છે અને છેક ઈ.સ. ૧૮૯૬ની ઓલિમ્પિકમાં ગાવામાં આવ્યું હતું.

એથેન્સમાં યોજાયેલી આ ઓલિમ્પિકમાં ગવાયેલાં ગીતને પછીની ઓલિમ્પિકમાં રૂખસદ આપવામાં આવી અને ઓલિમ્પિક યોજનાર યજમાન દેશ પોતાનાં કવિઓ પાસે ઓલિમ્પિક ગીતની રચના કરાવતો અને એનાં સ્વરકારો પાસે એ સ્વર-નિયોજન કરાવતો, પરંતુ એ પછી ૧૯૫૮માં જાપાનનાં ટોકિયોમાં યોજાયેલી ૫૫મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિકમાં પાલ્માસે રચેલા અને સમારાસે સ્વરબદ્ધ કરેલાં એ ગ્રીક ભાષાના ગીતને ઓલિમ્પિકના સત્તાવાર ગીત તરીકે માન્યતા મળી. એને રેકોર્ડ કરવામાં આવ્યું અને એની સાથોસાથ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન અને જાપાની ભાષામાં એનો અનુવાદ કરવામાં આવ્યો.

આજે પ્રત્યેક ઓલિમ્પિકનાં પ્રારંભે આ ઓલિમ્પિક એન્થમ ગાવામાં આવે છે. એ ગીતમાં દોડ, કુસ્તી જેવી રમતોની વાત કરવામાં આવી છે. શારીરિક બળનો મહિમા કરવામાં આવ્યો છે અને દરેક રાષ્ટ્રનાં પ્રાચીન સનાતન આત્માની યાત્રાનો મહિમા ગાવામાં આવ્યો છે. આજે વિશ્વનાં ૨૦૫ દેશો ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. ઓલિમ્પિકનાં આ રાષ્ટ્રગીતની ખૂબી એ છે કે એમાં કોઈ રાષ્ટ્રનો, એની ભૂમિ કે નદી અથવા પર્વતનો ઉલ્લેખ નથી. માત્ર પ્રાચીન અમર આત્મબળનો મહિમા ગાવામાં આવ્યો છે.

ઓલિમ્પિક અને 'યુનો'માં ગવાતા ગીતમાં રાષ્ટ્રની સીમાઓ ભેદવામાં આવે છે. કોઈ પણ દેશ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)નો સભ્ય બને એટલે એ રાષ્ટ્રને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થાય છે. એ રાષ્ટ્રનાં સાર્વભૌમત્વ અને સ્વાતંત્ર્યને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવે છે, નવા રાષ્ટ્રો યુનોની માન્યતા મેળવવા માટે સતત આતુર હોય છે. અત્યારે ૧૯૨ દેશો એનું પૂર્ણ સભ્યપદ ધરાવે છે, જ્યારે ત્રણ દેશો 'ઓબ્ઝર્વર' તરીકે કામ કરે છે. એમાં વેટિકન સીટી, પેલેસ્ટાઇન અને માલ્ટાનો સમાવેશ થાય છે. ૧૯૪૫ની ૨૬મી જૂને સ્થપાયેલા યુનાઈટેડ નેશન્સ (યુનો)માં અંગ્રેજી, અરબી, ચીની, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિસ જેવી ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે. આ યુનોમાં સામેલ દેશોને પોતાનાં આગવા રાષ્ટ્રગીત તો હોય છે જ.

કેટલાંક દેશો વૈશ્વિક સ્તરે પોતાનો સહકાર સાધીને, એકત્ર થઈને એક ગુ્રપ બનાવતા હોય છે. એમની વચ્ચે મોકળાશભર્યું કોન્ફર્ડેશન હોય છે અને જેમાં તેઓ એકબીજાનાં પ્રદેશો સાથે સહિયારાપણાથી કામ કરતા હોય છે. આજે વિશ્વમાં 'યુરોપિયન યુનિયન' એ આવાં જુદાં જુદાં રાષ્ટ્રનાં સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. આ યુરોપિયન યુનિયનમાં સામેલ થવા માટે આજે યુક્રેન કેટલું આતુર છે એ આપણે જાણીએ છીએ. આજે ૨૭ દેશો યુરોપિયન યુનિયનનાં સભ્યો છે. આ દેશોનો વિસ્તાર ગણીએ તો ૪,૩૨૪,૭૮૨ વર્ગ કિમી. થાય અને એમાં જે વસ્તીનો સમાવેશ થાય છે, તે પચાસ કરોડ સુધી પહોંચી જાય. કોઈ દેશ પર આક્રમણ થાય, તો બધા દેશો મદદ કરે છે. એનું સંયુક્ત સૈન્ય અને આગવી કચેરી પણ છે.

એની સત્તાવાર ભાષામાં ૨૩ જેટલી ભાષાઓનો સમાવેશ થાય છે. એમાં અંગ્રેજી, બલ્ગેરિયન, ઝેક, ડેનિશ, જર્મન, ઈટાલિયન, લુથુઆનિયન, પોલિશ, પોર્ચુગીઝ, રોમાનિયન, સ્લોવાક્, સ્પેનિશ અને સ્વિડિશ જેવી ભાષાઓ સમાવેશ પામે છે. એના પ્રારંભે ગવાતા ગીતમાં વિશ્વનાં તમામ લોકો એકબીજાનાં બંધુઓ છે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિખ્યાત કવિ ફ્રેડરિક શિલરનાં કાવ્ય 'ઓડ ઓફ જોય'નું મહાન સ્વરકાર બિથોવને આપેલું સંગીત આમાં સામેલ છે. આ કાવ્યના થોડાક ભાગને આજે ગીત તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે.

વળી સ્વતંત્રતા, શાંતિ અને સહયોગના યુરોપિય મિજાજને અનુસરીને મૂળ ગીતમાંથી કેટલાંક શબ્દો રદ કરવામાં આવ્યા છે. ઈ-યુની કાઉન્સિલે હર્બર્ટ કોરાજાનને પિયાનો પર આ ગીત પ્રસ્તુત થઈ શકે તે માટેની કામગીરી સોંપી હતી અને ૧૯૮૫માં પિયાનો અને વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથેનાં ઓરકેસ્ટ્રા દ્વારા એને તૈયાર કરવામાં આવ્યું અને ફરીવાર નિર્માણ પામેલાં યુરોપિયન યુનિયને ૧૯૮૫માં એને સ્વીકૃતિ પ્રદાન કરી. રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની ભેદરેખા ભૂંસવાનું મહત્ત્વનું કામ યુરોપિયન યુનિયને કર્યું છે અને એથી જ રાષ્ટ્રની સીમાઓ ભૂંસીને એક મજબૂત સત્તા તરીકે યુરોપિયન યુનિયન કાર્ય કરે છે.

આને આધાર રાખીને ૨૦૦૨ની ૯મી જુલાઈએ આફ્રિકન દેશોએ 'આફ્રિકન યુનિયન'ની રચના કરી. મોરક્કોનાં અપવાદ સિવાય બાવન જેટલાં આફ્રિકી દેશો આમાં જોડાયેલાં છે અને એના ગીતની પ્રથમ પંક્તિ છે, 'ચાલો, આપણે સહુ સાથે મળીને આપણા સ્વાતંત્ર્યનાં વિજયની ઉજવણી કરીએ. ચાલો, આપણે સહુ સાથે મળીને દેશનાં સ્વાતંત્ર્ય અને એકતાને માટે સમર્પિત થઈએ.' આફ્રિકાનાં પુત્રો અને પુત્રીઓને ઉદ્દેશીને આ ગીત ગાવામાં આવે છે. એમાં આફ્રિકાને માનવજાતિનું પારણું અને સંસ્કૃતિનો ફુવારો કહેવામાં આવે છે.

આફ્રિકન યુનિયને એનું ગીત પસંદગી કરવા માટે એક નવો અખતરો અજમાવ્યો હતો અને એ અખતરો હતો ગીતસ્પર્ધાનો. એની પાસે સંગીતકાર મહાપીલોઓનાં ઓરિજીનલ ટયૂનને જાળવીને ઈથોપિયાના કવિ સેગેયે નવી રચના કરી, પરંતુ આની સામે વિવાદનો વંટોળ જાગ્યો અને નાઇજિરિયાના ચીફ ચાર્લ્સ ઓકેરેકેએ કહ્યું કે, 'આના નિર્ણાયકોએ અગાઉથી જ આ ગીતની પસંદગી કરી રાખી હતી. હકીકતમાં ઓકોરેકેનાં ગીત 'ગોડ બ્લેસ આફ્રિકા'ને નિર્ણાયકોએ વધુ મત આપ્યાં હતાં.' આમ છતાં આજે એ જૂનું ગીત જ ગાવામાં આવે છે, જેમાં આફ્રિકાની સંસ્કૃતિની ગરિમાનું ગાન છે.

આવી જ રીતે જુદાં જુદાં દેશો જ્યારે એકત્ર થાય, ત્યારે પોતાનાં ગીતો રચતા હોય છે. સાઉથ ઈસ્ટ એશિયાનાં દેશોએ રચેલા 'એસીઅન' (ASEAN) એસોસિએશનમાં દસ જેટલાં દેશો સામેલ છે. બુ્રનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેટનામનો સમાવેશ થાય છે. ૪,૪૬૪,૩૨૨ સ્કવેર કિમી. ધરાવતા વિસ્તારનાં દેશો આમાં સમાવેશ પામ્યાં છે અને ૧૯૬૭ની ૮મી ઓગસ્ટે 'એસીઅન'ની સ્થાપના કરવામાં આવી. એણે પણ ગીતની પસંદગી માટે પોતાનાં સભ્ય દેશનાં નાગરિકોને અપીલ કરી હતી. દરેક દેશને વીસ ગીતો મોકલવાનાં હતા અને જે જીતે તેને વીસ હજાર ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. કુલ ૯૯ ગીતો આવ્યાં હતાં, એમાંથી ફાઇનલ રાઉન્ડમાં દસ ગીતોની પસંદગી કરવામાં આવી અને પછી આ એસીઅનનાં સભ્યો તેમજ ઓસ્ટ્રેલિયા, ચીન અને જાપાનનાં સહયોગથી 'ધી એસીઅન વે' નામનું ગીત પસંદ કરવામાં આવ્યું. આ ગીતમાં ધ્વજને અનુલક્ષીને અને દેશોનાં સહિયારા સ્વપ્નને અનુલક્ષીને વાત કરવામાં આવી છે. કોઈ ભૂમિ, પ્રજા કે પ્રદેશનું મહિમાગાન કરવામાં આવ્યું નથી.

એમાં કહ્યું છે કે, 'શાંતિનું ધ્યેય એ અમારો પ્રારંભ છે અને સમૃદ્ધિ એ અમારું લક્ષ્ય છે. અમે આનું સ્વપ્ન સેવીએ છીએ અને એકબીજા સાથે સહભાગી બનીએ છીએ.' સીમાને પાર કરતાં આ ગીતોમાં સિકા (SICA) એટલે કે સેન્ટ્રલ અમેરિકન ઇન્ટિગ્રેશન સિસ્ટમમાં સમાવિષ્ટ આઠ દેશોની આ સંસ્થાનું ગીત પણ મળે છે, જેમાં અલ સાલ્વાડોર, ગુટેમાલા, બિલેસ, કોસ્ટારિકા, ડોમિનિકન રિપબ્લિક, હોન્ડુરાસ, નિકારાગુઆ અને પનામાનો સમાવેશ થાય છે.

આમાં લગભગ ૫૭૨, ૫૧૦ સ્કવેર કિમી.માં આવેલા પચાસ કરોડથી વધુ લોકોનો સમાવેશ થાય છે અને એની સત્તાવાર ભાષા સ્પેનિશ છે. આ ગીતનો રચયિતા અજાણ્યો છે. પહેલાં આ દેશો પર પ્રભુત્વ ધરાવનાર સ્પેનિસ સામ્રાજ્યની કોલોનીમાં એ ગવાતું હતું અને એ પછી પણ અત્યંત લોકપ્રિય હોવાથી છેક વીસમી સદી સુધી એ ગાવામાં આવતું હતું.

૧૯૬૮ના ઓગસ્ટમાં નિકારાગુઆનાં પ્રોફેસર જ્યોર્જ આર્સે એ ગીતસ્પર્ધામાં વિજય મેળવ્યો અને એમનું ગીત 'લા ગ્રાન્ડેયર' સહુની પસંદ પામ્યું. ૧૯૭૧ની ૨૨મી જૂને આ સંસ્થાએ એના ગીત તરીકે આનો સ્વીકાર કર્યો. આ પછી પણ સાર્ક દેશો, બ્રીક દેશો જેવાં જુદાં જુદાં દેશો એકત્રિત થઈને કાર્ય કરી રહ્યાં છે અને એમણે પોતાનાં આગવા ગીત સર્જ્યા છે. આ બધા ગીતની પાછળ રાષ્ટ્રવાદને પાર કરીને દેશ-દેશ વચ્ચેનાં ભાઈચારાની ભાવના ઘૂંટાયેલી છે. શું આમાંથી 'વિશ્વ આખું એક કુટુંબ'ની આપણી ભાવના ભવિષ્યમાં સાકાર થશે ખરી ?

ક્ષણનો સાક્ષાત્કાર

તમે જીવંત છો, તમે શ્વાસ લો છો, તમારી પાસે મન અને હૃદય બંને ગતિશીલ છે, અનંત આકાશને થનગનતી ઇચ્છાઓ અને ભીની ભીની ખુશ્બૂ આપતી લાગણીઓ છે, ચૂસ્ત, ચેતનવંતુ અને સ્ફૂર્તિમય શરીર છે. આ સઘળું મળ્યું હોવા છતાં એની ઘોર ઉપેક્ષા કરીને કેટલાક સંતો અને શુષ્ક વિચારકો પોતાના જીવાતા જીવન પર સતત ફિટકાર વરસાવતા હોય છે. કોઈ કવિ જીવનને અલ્પ સુખ અને પારવાર દુ:ખથી ભરેલું બતાવે છે. કોઈ ભક્તિગાન તમને કહે છે કે, 'ધરતી પરનો આપણો જન્મ એ જ આપણા મહાદુ:ખનું કારણ છે.' કોઈ વળી એવો ઉકેલ આપે છે કે પૂર્વભવનાં દુષ્ટ કર્મોને બરાબર વેદનાથી ભોગવવા માટે તમને આ કઠોર-નઠોર જીવન મળ્યું છે. 

હકકીતમાં તો જીવન એ જીવંત, તરવરાટ ભરેલી ગતિ છે. આપણા દેહમાં પુષ્કળ જલતત્ત્વ હોય છે. હવે તમે જ વિચાર કરો કે પાણીનો પ્રવાહ વહેતો અટકી જાય, તો શું થાય? ધોધનો ધસમસતો પ્રવાહ તમે એક જગ્યાએ અટકાવી દો, તો એ પ્રદૂષિત થઈ જાય છે. એમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ પેદા થાય છે. નિષ્પ્રાણ જીવનની આવી દશા થતી હોય છે, આથી જ જીવનસલિલને વહેવા દઈએ અને એની ગતિ સાથે સ્ફુર્તિભર્યો જીવનને માણતા રહીએ.


Google NewsGoogle News