Get The App

સમુરાઈ અને શોગુનના દેશ જાપાનમાં કેમ સૌથી લાબું એક જ પરિવારનું શાસન ચાલ્યું?

Updated: Apr 23rd, 2023


Google News
Google News
સમુરાઈ અને શોગુનના દેશ જાપાનમાં કેમ સૌથી લાબું એક જ પરિવારનું શાસન ચાલ્યું? 1 - image


- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- જગતમાં માત્ર જાપાનમાં જ મ્યુઝિક બાર શા માટે જોવા મળે છે? આપણાં સામે એનું ચલણ સસ્તું હોવા છતાં જાપાની અર્થતંત્ર મજબૂત શા માટે છે? 

સમુરાઈ અને શોગુનના દેશ જાપાનમાં કેમ સૌથી લાબું એક જ પરિવારનું શાસન ચાલ્યું? 2 - imageદુનિયાનો સૌથી જુનો અને આજે ય ચાલુ હોય એવો રાજવંશ કયો? આજે જાપાનમાં જે સમ્રાટ ગણાય છે એવા નારુહિટોનો રાજવંશ. કહેવાય છે કે ઈસવીસન પૂર્વે ૬૬૦માં જીમ્મુ નામના સમ્રાટે એનો પાયો નાખેલો. જો કે જીમ્મુ અને એ પછીના ૨૫ સમ્રાટો દંતકથા ગણવા પડે કારણ કે એમની હસ્તીના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. પણ એ વંશમાં આગળ છઠ્ઠી સદીમાં સમ્રાટ કીન્મેઈથી શરૂ કરીને આજના સમ્રાટ સુધી જાપાનીઝ રાજવંશ જગતનો સૌથી જૂનો એકધારું રાજ કરનાર ને પેઢી દર પેઢી વારસદાર આપનાર રાજવંશ રહ્યો છે! (આપણો ચોલ રાજવંશ એમ તો તેરસો-ચૌદસો વર્ષ રાજ કરી ચુકેલો દક્ષિણમાં, પણ આજે એની હયાતી નથી.)જાપાનીઝ રોયલ ફેમિલી તો ૧૨૬ સમ્રાટોની વંશાવળી એકધારી ધરાવે છે. એમાં આજે પણ રાજકુમારી એટલે સ્ત્રીને ગાદીએ બેસવાની છૂટ નથી, ને વર્તમાન સમ્રાટની દીકરી તો આમે ય પ્રેમલગ્ન કરી સામાન્ય માણસને પરણી છે, એટલે એનો દરજ્જો પ્રિન્સેસનો રહ્યો નથી. 

પણ તજજ્ઞાો માને છે કે આટલા લાંબા ચાલેલા વંશમાં ક્યારેય કોઈ નજીકના સગાને કે દત્તક સંતાનને ગાદી મળી હોય એવું પણ બને. પણ આ ઈમ્પિરિયલ જાપાનનો વંશ ભલે લાંબો ચાલ્યો. રાજ એમના ભાગે ઓછું આવ્યું. ટેકનિકલી રાજ કરનાર સમ્રાટ ગણાય. પણ જાપાનમાં બારમી સદી પછી લશ્કરી સેનાપતિ ગણાતા શોગુનનો દબદબો વધી ગયો. મૂળ જાપાનની નેવું ટકા સામાન્ય વસતિ જેમાં મોટે ભાગે ખેડૂતો કે મજૂરો.. બાકીનામાં વેપારી, હુન્નરના કસબી, કલાકારો. અને એ સિવાય તલવાર લઈને માનભેર લડતા સમુરાઈઓ. સમુરાઈ યોધ્ધાઓમાં સરટોચના ગણાય એ શોગુન. એક ડેમિયો હોય જમીનદાર જેવા વચ્ચે રાજ કરનારા. પણ ખરું રાજ શોગુનનું. દરેક ઇલાકા પર અલગ અલગ શોગુનનો કબજો. કહેવા ખાતર બધા સમ્રાટને વફાદાર, પણ સામંતશાહીના યુગમાં અંદરોઅંદર લડયા કરે. શોગુનના વિશાળ મહેલો આજે પણ જાપાનમાં જોવાલાયક જગ્યાઓ છે. 

આજે હોક્કાઈડો, હોન્શુ, શિકોકુ, ક્યોશુ અને ઓકિનાવા પાંચ ટાપુઓથી બનેલો ઉગતા સૂર્યનો દેશ જાપાન ત્યારે વિસ્તારવાદી અને યુદ્ધખોર હતો. વીરરસની કાઠિયાવાડી રસધારકથાઓ જેવો વટ, વચન ને વેરનો દેશ. લડવાનું ખરું પણ એમાં ય ઓનર કોડ અને નિયમો પહેલા. અંદરોઅંદર લડયા કરતા તમામ કાતિલ શોગુનોએ વળી બંદૂક અને તોપ પ્રતિબંધિત રાખેલી ! તલવાર, ભાલા, છરા અને માર્શલ આર્ટસથી જ લડવાનું. ધરતીકંપનો દેશ એટલે લાકડાના મકાનો બને. એમાં જાણે જાપાનીઝ ''કાંજી'' કહેવાતી લિપિના અક્ષર લાગે એવા ઢળતા વળાંકો વાળા ત્રિકોણાકાર છાપરા એટલે દુશ્મન રાતના હુમલો કરે તો લસરી પડે કે અવાજ આવે. 

શોગુનની જાહોજલાલી હતી ત્યારે એમની દૂર સમુરાઈઓએ ગોઠણભેર બેસવાનું. શોગુનને વારસદાર પેદા કરવા એક પટરાણી હોય. બાકી એ સમયે બાળકો બહુ નાનપણમાં મરતા અને યોદ્ધાઓ યુદ્ધમાં. એટલે અઢળક (મિનિમમ વીસેક) કોન્ક્યુબાઇન્સ યાને ઉપવસ્ત્રો જેવી સ્ત્રીઓ હોય. મુખ્ય સ્ત્રી એના દાત કાળા રંગાવે વફાદારીના પ્રતીક તરીકે. કાળા રંગ પર બીજો રંગ ચડે નહિ, એમ એણે એના પુરુષને સમર્પિત રહેવાનું. મુખ્ય પત્નીની ભ્રમર પણ કાઢી નાખવાની જેથી એના મોંના ભાવ ઝટ કળાય નહિ ! આમાંથી એસ્કોર્ટ કોલગર્લ જેવું પણ જાપાનીઝ તહેઝીબ અને અદબ ધરાવતું ગેઈશા કલ્ચર પણ આવ્યું. યુદ્ધ અને ધર્મની શિસ્તમાં મજબૂત જાપાનીઓ સેક્સ બાબતે એકદમ બિન્દાસ કાછડીછુટ્ટા પણ હતા. 

સમુરાઈ લડવૈયા હારવાની સ્થિતિમાં જાતે જ તલવાર પેટમાં ખોસી હારાકિરી કરે એ વાત આપણે ત્યાં જાણીતી છે. એમના માથામાં વાળ ખાસ રીતે ત્રિકોણ શેપમાં કપાયેલા રહે ને ઉપર ચોટલા વાળેલા હોય એવી ગાંઠ રહે. એ શિરસ્ત્રાણ યાને હેલ્મેટ માટે. યુદ્ધમાં આગળ વાળ ના હોય એટલે ટોપો બંધ બેસી જાયને વચ્ચે વાળમાં લીધેલી ગાંઠ એનું લોક થઇ જાય ! એ વખતે ખાસ જાસૂસી ટુકડીઓ ગેરીલા છાપા મારવા માટે તાલીમબદ્ધ થતી જે મોં છુપાવતા માસ્ક પહેરી ચપળ હુમલા કરતી એ નિન્જા !

એ સમયે મહેલ સાદા રહેતા કારણ કે ખાસ ફર્નિચર રહેતું નહિ. નીચે જ બધાએ સુવાનું. જાપાનીઝ ચિત્રોની પરંપરા ચળકતા બ્રાઈટ કલર્સની. એમાં મર્દના પ્રતીક તરીકે વાઘ દોરાય અને ઔરતના પ્રતીક તરીકે દીપડો. ત્યારે ભારતમાં જ પેદા થતો વાઘ જાપાનીઓએ જોયો નહોતો, પણ એનું વર્ણન સાંભળીને પોતાની રીતે ચિત્રો બનાવેલા એટલે જરા અલગ લાગે. જાપાન આજે પણ ત્રણ ભાગ તો પહાડોનો હોય ને બાકી દરિયા કે નદીના કિનારે માનવવસાહત હોય એવો દેશ છે. એટલે પહાડ પર ટટ્ટાર જોવા મળતું પાઈન ટ્રી મજબૂતાઈના સિમ્બોલ તરીકે ને ચેરી બ્લોસમ કે શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક તરીકે ચીતરવામાં આવતા. 

ત્યારના જાપાની પાટનગર ક્યોટોમાં હજુ આ બધું જોવા મળે. શોગુન રાજનો ઝંડો છેક ઓગણીસમી સદી સુધી ફરક્યો. પણ ત્યાં સુધીમાં બેહતર હથિયારો સાથે પશ્ચિમમાંથી ફ્રેન્ચો, અંગ્રેજો અને બીજી પ્રજાઓ જાપાન પહોચવા લાગી અને વેપારમાં એમની વૈજ્ઞાાનિક પ્રગતિની ઝલક જાપાને ચાખી. ત્યારે ટોયોટોમી હિદાયોશી અને ટોગુકાવા લેયાસુ એ બે વારાફરતી આવેલા જોરાવર શોગુનોને લીધે જાપાન ખાસ્સું એક થયેલું અને હવે રાજધાની ઈડા યાને આજનું ટોકિયો હતી. જાપાનના એ વખતના શોગુને અંતે બદલાતી હવા પારખી પોતાની સત્તા ફરી સમ્રાટને સમર્પિત કરી. ત્યારે લોકલાગણી નવી હવા યાને ફોરેન ટેકનોલોજીની આધુનિકતાની ફેવરમાં હતી ત્યારે યુવા સમ્રાટ મેઈજીનું રાજ હતું. સમય પારખી એણે સિવિલ વોર અટકાવી જાપાનના આધુનિકીકરણની શરૂઆત કરી. જેમાંથી ટ્રેન અને મોડર્ન ઇન્ડસ્ટ્રીઝ આવી, જેમાં હજુ પણ જાપાનની મહારત છે. શિકાન્સેન યાને સુપરફાસ્ટ ટ્રેન તો જાપાનનો ગુરુર છે !

બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાનમાં રાજાશાહીની ઓથમાં પશ્ચિમી દેશોએ ઘડેલી લોકશાહીનું મોડલ આવ્યું અને સમુરાઈની કહાની ફિલ્મોમાં રહી ગઈ ! હા, એ સમયનું અનુશાસન અને પ્રાચીન આસ્થા હજુ પણ જાપાનીઝ પ્રજાના જીવનમાં છે. એટલે વિસ્તાર મુજબની વસતિમાં જગતના સૌથી ગીચ વિસ્તારો ધરાવવા છતાં જાપાનમાં આગળના બે સ્પેક્ટ્રોમીટરમાં જોયું એમ ગંદકી નથી. ફિલોસોફી ને આરોગ્ય સારું છે. હમણાં રાજકીય નેતાઓ પર હુમલાની ઘટના થાય છે. બાકી જાપાનમાં ખાસ પોલીસ જોવા ના મળે. અમેરિકા જેવું ગનકલ્ચર નથી. ગેંગવોર હતી યાઝુકા જેવી પણ એ હવે ખાસ્સી ઘટી ગઈ મુંબઈની જેમ. ક્રાઈમ રેટ એટલો તો નીચો છે કે છેલ્લા વર્ષમાં ગોળીથી હત્યાના કેટલા બનાવ બન્યા જાણો છો?

બે. માત્ર બે! સારું છે ને યુપી બિહારથી, પાકિસ્તાન અફઘાનિસ્તાનથી જાપાન માઈગ્રેશન નથી થતું!

 હનિટોઝ ખાધો છે?

બ્રેડના તાજા ગરમ ક્રિસ્પી ચક્કામાં હૂંફાળું સ્વાદિષ્ટ મધ રીતસર સીંચેલું હોય. અને જોડે પણ શ્યામસોનેરી મધની વાટકી હોય. ઉપર હોય આઈસ્ક્રીમ. કહેવાય છે કે હની ટોસ્ટનું આ સ્વરૂપ આવી રીતે માત્ર ટોકિયોમાં જ મળે છે. એ પણ એક જ જગ્યાએ. યંગક્રાઉડ માટે હિપહોપ ગણાતા શિબુયા વિસ્તારના પાસેલા કરાઓકે બારમાં રૂમ રાખીને જ એ ઓર્ડર કરી શકો ! બીજે ક્યાંય એ ખાવા ના મળે!

હનિટોઝ સાથે કરાઓકે બારનો પણ સ્વાદ લીધો. જાપાન જનાર ઘણા આ લ્હાવો મિસ કરી જતા હશે. 

૧૯૭૧માં જાપાનમાં ઇનોઉ ડેઇઝુક નામનો લોકપ્રિય ગાયક થયો. જેણે પોતાના ગીતોના માત્ર ટ્રેક્સની રેકોર્ડ બહાર પાડી જેથી ચાહકો એના પર ગીતો ગાઈ શકે. જાપાનની અમુક હોટલ, રેસ્ટોરાં, પબ ને બારમાં એણે એ આપી જેથી લોકો ગીતો ગાય. અહીંથી કરાઓકે યાને સિંગ એલોંગનો જનમ થયો જે હજુ ટિક ટોક કે રીલ્સમાં રૂપ બદલીને ચાલે છે. અલબત્ત, જાપાનમાં કોઈએ એની પેટન્ટ લેવાની પરવા ના કરી જે ૧૯૭૫માં ફિલીપાઈન્સના રોબર્ટો ડેલ રોઝારિયોના ફાળે ગઈ. પણ ઓડિયો સીસ્ટમ માર્કેટ પર જાપાની કંપનીઓની રાજ એટલે કરાઓકે શબ્દ ને ક્રિયા બે ય છવાઈ ગઈ. 

જાપાનમાં અલગ પ્રકારના કરાઓકે બાર હોય છે. પબ ખરા આલ્કોહોલ પણ મળે એવા. પણ મોટી હોટલ જેવા. જેમાં અલગ અલગ સાઈઝ અને સીટિંગના રૂમ હોય. જે કલાકના ભાડે મળે. એમાં સ્ક્રીન સાથે મ્યુઝિક સીસ્ટમ ને માઇક એટેચ્ડ હોય. એકલા કે એકાદ બે મિત્રો સાથે બેસીને ત્યાં ગમતા જાપાનીઝ, કોરિયન ને અંગ્રેજી ગીતો સાંભળી શકો અને સાથે ગાઈ શકો. વધુ સખા સખીઓ હોય તો મોટી બેઠકવ્યવસ્થાવાળા રૂમ હોય. ત્યાં ખાણી અને પીણી ઓર્ડર કરી કલાક મુજબ ચાર્જ ચૂકવી લુત્ફ લૂંટી શકાય સંગીત અને સંગાથનો. જાપાનીઝ લોકો માને કે અજાણ્યા ઓડિયન્સ સાથે ગાવા કરતા પરિચિતો વચ્ચે આવી મહેફીલો કરવી. એટલે જાપાનમાં નાના મોટા મળીને આવા એકાદ લાખથી વધુ કરાઓકે રૂમ્સ છે ! શેરી ગલીએ અવનવા આકર્ષક ડેકોરેશન સાથેના બાર મળી આવે. લેટેસ્ટ ટોકિયોમાં થયો છે એનું નામ એમઓડીઆઇ યાને મોદી વંચાય પણ છે મોડી યાને મોડીફાઈડનું ટૂંકું નામ. 

    

જાપાન જવાનું નક્કી કરો ત્યારે ખ્યાલ આવે કે જગતના આર્થિક રીતે ગંજાવર 'જીસેવન'ની બેઠક જ્યાં મળવાની છે અને દુનિયાના શક્તિશાળી આર્થિક દેશોમાં જેનો ટોચ પર સમાવેશ થાય છે, જેની અનેક બ્રાન્ડ અને પ્રોડક્ટસ આપણે ત્યાં ધૂમ મચાવે છે... 

એ દેશનું ચલણ પણ આપણા કરતાં નબળું છે ! હા, ધારો કે તમારી પાસે ૧૦૦ રૂપિયા હોય તો જાપાની યેન એમાંથી તમને આશરે દોઢસો જેટલા મળી શકે, આપણા ભારતીય આત્માને ગલગલિયાં થાય એવી વાત છે. પણ જાપાનમાં પગ મુકો એટલે ખ્યાલ આવે કે જાપાનમાં ઓવરઓલ કિંમતો જ મોંઘી છે જે ટેક્સી આપણે ત્યાં ૩૦૦-૪૦૦ રૂપિયામાં થઈ જાય એ ત્યાં હજારેક યેનમાં પડે.

દરેક જગ્યાએ ફૂડથી લઈ કીચેઈન કે રૂમાલથીં લઈને દવા  લેતી વખતે પણ આ લાગુ પડે એટલે એવી છાપ પડે કે જાપાનમાં તો ભારે ફુગાવો હશે અને થોકબંધ નોટો છાપવાને કારણે પ્રજા મોંઘવારીથી પરેશાન હશે પણ એવું નથી. જાપાનીઝ અર્થતંત્ર તો મજબૂત છે, મૂળ વાત એટલી જ છે કે જાપાને પોતાની એક્સપોર્ટ માર્કેટ ડેવલપ થાય એના માટે આપણા નરસિંહરાવે ઇકોનોમિક લિબરેલાઈઝેશન કર્યું એની એ પહેલાથી પોતાનું ચલણ તરતું મૂક્યું છે એટલે કે કરન્સી ડોલર અને બીજા વિદેશી ચલણોની સામે જાણી જોઈને વિનિમય દરમાં નીચી રાખવામાં આવી છે.

આ બધી અટપટી અર્થતંત્રની ભાષા ન સમજાય તો એટલું સમજી લો કે મોટેભાગે દરેક દેશો પોતાના ચલણ એક સપાટીએ અન્ય ચલણોની સાપેક્ષે સ્થિર રાખતા હોય છે. પણ જાપાને એ બંધનો ફગાવી ફિક્સ વિનિમય દર એટલે કે એક્સચેન્જ રેટ રાખવાને બદલે પોતાની કરન્સી ફ્રી કરી દીધી છે. જેનો મસ્ત મોટો ફાયદો એટલે થાય છે કે જાપાનની કારથી લઈ એર કન્ડિશનર અને ટીવી થી લઇ બાઈક સુધીની અઢળક ચીજો ફટાફટ પરદેશમાં નિકાસ પામે છે, ત્યાં બીજા હરીફોની સરખામણીએ સસ્તી લાગે છે. અને વળી બીજેથી આયાત મોંઘી પડે છે, એટલે પ્રજાએ કમર કસીને આત્મનિર્ભર રહેવું પડે છે !

પણ નવાઈ લાગે અને આપણા જેવા પ્રવાસીઓને કલ્ચર શોક થાય એવી વાત એ છે કે, જાપાનમાં છૂટથી ૧૦,૦૦૦  યેનની નોટ મળે છે ! સમજવા ખાતર કહીએ તો આપણે ત્યાં રેકડી વાળા ને ૨૦૦૦ની નોટ આપીએ તો છુટ્ટાની બાબતે મોઢું બગાડે પણ જાપાનમાં સાવ સાધારણ ગણાતી કોઇ દુકાન કે વ્યક્તિ પાસે પણ ૧૦૦૦૦ના છૂટા તો તાબડતોબ મળી આવે ! ત્યાં ચેરી બ્લોસમનું ઝાડ એક બાજુ ધરાવતો સો યેનનો તો સિક્કો છે પણ ૫૦૦ યેનનો પણ સિક્કો છે, નોટ નહિ ! નોટ ૧૦૦૦, ૫૦૦૦ અને ૧૦,૦૦૦ની. આવા મોટા સિક્કા ચલણો ધમધોકાર ચાલતા હોવા છતાં ૫૦ યેન અને ૧૦ યેન તો ઠીક, ૫ યેન અને ૧ યેનનો સિક્કો પણ નિયમિત વ્યવહારમાં છે ! અર્થાત્ મોટી નોટો હોવા છતાં યેન ઘસાઈ નથી ગયો ફુગાવામાં!

હવે સરખામણી કરો તો ખ્યાલ આવે કે આપણે ત્યાં તો ચાર આના, આઠ આના, દસિયું વગેરે તો ગાયબ થઈ ગયા છે (જાપાનમાં વચ્ચે કાણાવાળો સિક્કો જોઇને આપણો બાપદાદા સાચવીને શુકનમાં રાખતા એ તાંબાનો ઢબુ યાદ આવ્યો!) પણ આપણા એક રૂપિયા કે પાંચ રૂપિયાની પણ ખાસ વેલ્યુ નથી રહી. એટલે પહેલી નજર સસ્તું લાગતું જાપાનનું ચલણ એક પ્રવાસી તરીકે તો મોંઘુ જ પડે. હા, એ ખરું કે તમારી પાસે અમેરિકન ડોલર હોય કે યુરો હોય તો એમાંથી જાપાની જીએમ મેળવવા બિલકુલ મુશ્કેલ નથી ઠેર ઠેર શહેરોમાં એક્સચેન્જના એટીએમ લાગેલા હોય છે. જેમાં તમારી કેસની નોટ સરકાવી સામે ફટાફટ જાપાની ચલણ મેળવી શકો છો તમારી પાસે ઇન્ટરનેશનલ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોય તો એનો ઉપયોગ કરીને પણ પૈસા મેળવી શકો છો. એ પણ એટલું ખરું કે જાપાનમાં ધડાધડ ૧૦૦૦૦ યેન  વપરાતા જોઈને અને તમારા ખિસ્સામાં એની નોટો પડેલી હોય ત્યારે તમને એક અજીબ અમીરાતનો અહેસાસ તો થાય.

એક મહત્વની વાત, હવે કોવિડ પછી જાપાનમાં અમુક શહેરોના અમુક સ્ટોર કે સ્ટેશન પર કાર્ડ વપરાતા થયા છે. બાકી ડિજીટલ કરન્સી જે આપણે ઘેર ઘેર પહોંચી ગઈ, ને શાકવાળા કે રિક્ષાવાળા યુપીઆઈના કયુઆર કોડ પેમેન્ટ માટે મોકલવા લાગ્યા એવું તો ભાગ્યે જ જોવા મળે. જીપે જેવી પેપે એક એપ છે પણ માંડ ક્યાંક એનું બોર્ડ હોય. જાપાન હાર્ડ કેશમાં ભરોસો રાખતો દેશ છે દાયકાઓથી. નક્કર રોકડા જ રાખવાને આપવાના. ખિસ્સા કાતરતી જમાત ત્યાં ભાષા કે ફૂડ ના ફાવતું હોય એટલે કદાચ સેટલ નથી થઇ. ટિકિટથી શોપિંગ બધે રોકડાને ફર્સ્ટ પ્રેફરન્સ છે. એટલે જાપાનીઓ ગર્વ લે છે કે અમારું નક્કર અર્થતંત્ર છે, હવાઈ (ડિજીટલ) લેવડદેવડ નથી. માટે કરકસર પણ રહે. તરત ખોટા ખર્ચ પર લગામ લાગે. 

પણ એટલું યાદ રાખજો કે જાપાનની માથાદીઠ આવક ૪૪,૫૭૦ ડોલર છે અને ભારતની માથાદીઠ આવક ૭,૧૩૦ ડોલર છે ! એટલે જાપાનની પ્રચંડ ખરીદશક્તિ અને ધરખમ સમૃદ્ધિ સામે આપણો રૂપિયો દેખીતી રીતે મજબૂત લાગવા છતાં અંતે તો સાવ સુકલકડી અને અનન્યા પાંડેના ઝીરો ફિગર જેવો જ રહી જાય છે !

જાપાન ડાયરીનો ચોથો ભાગ આવતા રવિવારે. 

ફાસ્ટ ફોરવર્ડ 

ફુજી એટલે જાપાની ભાષામાં ફૂલ. નવમીથી બારમી સદીના જાપાનમાં ફૂજીવારા ફેમિલીની રાજદરબારમાં જોરદાર પક્કડ હતી, જે એમણે લોહીનું એક ટીપું રેડયા વિના મેળવી હતી. એનું સિક્રેટ હતું - દીકરીઓ ! આ શાતિર દિમાગ પરિવારે પોતાની દીકરીઓને આકર્ષક તૈયાર કરી રોયલ ફેમિલીમાં પરણાવવાનું ને એ ભાવિ સમ્રાટોને મોસાળમાં જ પોતાની ઓથમાં લેવાનું શરુ કર્યું ને આ સ્ટ્રેેટેજી ત્રણસો વરસ સુધી ચલાવી પેઢી દર પેઢી પોતાનું સ્થાન એટલું મજબૂત કર્યું કે આવા શાહી લગ્નો બંધ થયા પછી પણ છેક ઓગણીસમી સદી સુધી રાજકાજમાં એના વંશજો સલાહકારો રહ્યા ! લગ્ન પણ એક યુદ્ધ છે ને ? યુદ્ધમાં જીતી જનારાઓ પણ પ્રેેમમાં હારી જતા હોય છે !


Tags :