આગિયા વેતાળ : ગાયત્રી તંત્ર અને આધુનિક વિજ્ઞાાન!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
ન વેમ્બર ૨૦૧૬ની આ વાત છે! ક્યુબા ખાતેની ઘટના. હવાનાની અમેરિકન એમ્બેસીમાં કામ કરી રહેલાં ૨૪ અમેરિકન કર્મચારીઓનું મગજ ઈન્ફ્રાસાઉન્ડની મદદથી લાંબાગાળા માટે ડેમેજ કરી નાંખવામાં આવ્યું.
નોકરી પૂરી કરીને ઘરે ગયા પછી ક્યુબામાં કામ કરતાં ૨૪ અમેરિકનોને વિચિત્ર સ્વર સંભળાતો, જેના લીધે પોતાના ઘરના તમામ બારી-બારણાં એમણે બંધ રાખવા પડતાં, પરંતુ ઈન્ફ્રાસાઉન્ડને કોઈ સીમા કે આવરણો રોકી શકતાં નથી. આથી, ચોવીસે-ચોવીસ અમેરિકન કર્મચારીઓ ધીરે ધીરે સ્મૃતિભ્રંશ, મેન્ટલ પેરેલિસીસ, બેચેની અને કાનમાં બહેરાશ જેવી ભયંકર વ્યાધિઓથી પીડાવા લાગ્યા. આ કિસ્સાથી સાવચેત થઈ ગયેલી અમેરિકન સરકારે તમામ કર્મચારીઓને પોતાના દેશમાં પાછા બોલાવી લીધાં. એમણે ક્યુબા ઉપર આરોપ મૂક્યો કે અમેરિકન કર્મચારીઓ ઉપર ઈન્ફ્રાસાઉન્ડ-વેપનનો ઉપયોગ કરવામાં આવ્યો છે!
સામે પક્ષે, ક્યુબાએ ઈન્ફ્રાસાઉન્ડ હથિયાર વડે થયેલાં આવા હુમલાની ઘટનાને નકારી કાઢી; પરંતુ ૨૪ અમેરિકન દર્દીઓના મગજ ઉપર કરવામાં આવેલી સુદીર્ઘ મેડિકલ-તપાસમાં ખુલાસો થયો કે એમના ઉપર ખરેખર ઈન્ફ્રાસાઉન્ડ વડે હુમલો કરવામાં આવ્યો છે.
મૂળ વિષયની ચર્ચા શરૂ કરતાં પહેલાં હજુ એક ઘટના વિશે જાણીએ. ચીનની સરકારે એક અત્યાધુનિક માઈક્રોવેવ વેપન વિકસાવ્યું છે, જેનું નામ છે - ધ એક્ટિવ ડિનાયલ સિસ્ટમ! દેશમાં ચાલી રહેલાં વિરોધો અને બૉર્ડર ઉપર ચાલતાં વિખવાદોનો સામનો કરવા માટે ચાઈના પાલીગ્રૂપ કાર્પોરેશન દ્વારા ૧ મિલીમીટર વેવ-બીમ - તરંગ પ્રક્ષેપણ - કરતું હથિયાર ડેવલપ કરવામાં આવ્યું.
માઈક્રોવેવ-ફ્રિકવન્સીનો ઉપયોગ કરીને આ મશીન પોતાના ટાર્ગેટ ઉપર કેટલાક નુકશાનરહિત પ્રકાશપુંજ ફેંકે છે, પરંતુ આ પ્રકાશપુંજ જ્યારે માણસની ચામડીની અંદર રહેલાં પાણીના અણુઓનો સ્પર્શ કરે, ત્યારે વ્યક્તિ દાહકપીડા અનુભવવાનું શરૂ કરે. જેવી રીતે માઈક્રોવેવ મશીનમાં ખોરાક મૂકવામાં આવે, ત્યારે તેમાં રહેલાં પાણીના અણુઓ ગરમ થઈને ભોજનને તપાવવાનું કામ કરે, એવી જ રીતે ચીનનું આ માઈક્રોવેવ-વેપન માણસની ચામડીમાં રહેલાં પાણીના અણુઓને સો ડિગ્રી સેલ્શિયલ કરતાં પણ વધુ તાપમાને ઉકાળી નાંખે... પરિણામસ્વરૂપ, જેની ઉપર આ હથિયારનો પ્રયોગ થયો હોય, એ માણસ કાળી ચીસો પાડતો મૃત્યુને ભેટી જાય!
ચાણક્યએ પોતાના સમયમાં અનેક યુદ્ધોમાં અભિચાર ક્રિયાનો ઉપયોગ કર્યો હોવાનું વર્ણન જોવા મળે છે. તીવ્ર મારણ અને મંદ મારણ (ઓછી કે વધારે તીવ્રતા સાથે દુશ્મનને મારવાની તાંત્રિક ક્રિયા)ના ઉપયોગ અંગે શાસ્ત્ર વિસ્તારપૂર્વક જણાવે છે. મહત્ત્વની વાત એ છે કે મોટાભાગના ધાર્મિક લોકો આજે પોતાની વ્યવસાયિક નિષ્ફળતા અથવા શારીરિક/માનસિક બિમારીને અભિચાર ક્રિયા સાથે સાંકળીને ભ્રમમાં જીવતાં હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે વર્તમાન યુગમાં ૯૯ ટકા કિસ્સામાં આવું કશું હોતું નથી.
પૌરાણિક કાળમાં જ્યારે ષટ્-કર્મોની આવશ્યકતા હતી ત્યારે પ્રશ્ન એ રહેતો કે નૈતિક દ્રષ્ટિકોણથી આ યોગ્ય છે કે નહીં? નૈતિકતાને થોડીવાર માટે બાજુ ઉપર મૂકીને જોઈએ, તો સમજાય કે અસંભવ તો કશું જ નથી. ક્યુબા ખાતે બનેલી ઘટના અને ચીને વિકસાવેલું શ એ આધુનિક વિજ્ઞાાને આપેલાં બે એવા પુરાવા છે, જેના થકી સાબિત થાય છે કે નરી આંખે ન દેખાતાં શસ્ત્રો (જેને શાસ્ત્રોક્ત ભાષામાં અસ્ત્ર કહી શકાય એ)ને કારણે ભવિષ્યના યુદ્ધમાં જાનહાનિ મોટા પાયે થવાની સંભાવના છે.
જેવી રીતે ઝેર ખવડાવીને કે પછી બંદુક/તલવારની મદદથી શત્રુને મારી શકાય છે, એવી જ રીતે અદ્રશ્ય ઉપકરણોની મદદથી પણ આ કાર્ય સંભવ છે. વિભિન્ન દિવ્યાસ્ત્રો કઈ રીતે કામ કરતાં એ અંગે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પોતાના હિન્દી પુસ્તક 'ગોપનીય ગાયત્રી તંત્ર'માં જણાવ્યું છે કે, 'મંત્ર અર્થાત્ દિવ્ય ધ્વનિઊર્જા થકી પ્રકૃતિનાં ઘાતક પરમાણુ એકત્રિત થઈ પોતાના નિશ્ચિત લક્ષ્ય ઉપર સંકેન્દ્રણ પામતાં. જે વ્યક્તિ ઉપર આ પ્રકારનો પ્રયોગ થયો હોય, એ જ્યાં સુધી મોતને ઘાટ ન ઊતરી જાય, ત્યાં સુધી આ ઊર્જા પોતાનું કામ કરતી.'
જેવી રીતે ચીન દ્વારા માઈક્રોવેવ વેપન વિકસાવવામાં આવ્યું, એવી રીતે શાસ્ત્રોએ આ પ્રકારના અસ્ત્રને નામ આપવામાં આવ્યું હતું : આગ્નેયાસ્ત્ર! જેની મદદથી આગ લગાવવાની સાથોસાથ શરીરમાં બળતરા ઊભી કરી શકાય એવું દિવ્યાસ્ત્ર! તંત્રોક્ત ભાષામાં તેને 'આગિયા વેતાળ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાયત્રી તંત્રનો પ્રયોગ પણ આગિયા વેતાળ તરીકે કરવામાં આવે છે. તેનાં સંપૂર્ણ વિધિ-વિધાન તો નહીં, પરંતુ સંકેતમાત્ર અહીં આપી શકાય :
ગાયત્રી મંત્રને ઉલ્ટાવીને તેનું ઉચ્ચારણ કરવામાં આવે, તે છે આગ્નેયાસ્ત્ર!
त् या द चो प्र नः यो यो धि ।
हि म धी स्य व दे र्गो भ
ण्यं रे र्व तु वि त्स त
स्वः वः र्भुः भूं ओम ।।
ઊંધા ગાયત્રી મંત્રને 'અનુલોમ જપ' કહે છે. આ વિદ્યાનો વિસ્તૃત પરિચય આવતાં અંકે મેળવીશું.