લાડુનું જમણ .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'આજે મારી મમ્મીની તિથિ છે. તેને લાડુ બહુ ભાવતા હતા. એટલે ખાસ લાડુનું જમણ રાખ્યું છે. જેમને ઉપવાસ હોય તેમના માટે લઈ જવા આ બોક્સ છે જેથી તેઓ કાલે પ્રસાદ લઈ શકે.'
'ન મિતા તે પુરતી તૈયારીઓ કરી લીધી છે. મંદિર ગયા પછી આપણે કશું ખુટે નહીં. આજે મમ્મીની દસમી તિથી છે અને હું નથી ઈચ્છતો કે મમ્મીને ભાવતી એકપણ વસ્તુ ત્યાં ગયા બાદ ઓછી પડે કે ખુટે. તને ડાઉટ જતો હોય તો અમરિશ કુમાર સાથે કે મોટીબેન સાથે વાત કરી લેજે.' - પ્રહરે તૈયાર થતા થતા પોતાની પત્નીને કહ્યું.
'પ્રહર યાર આ ઘરમાં આવ્યાને બે દાયકા થયા મારે, પ્લીઝ હવે તો મારા ઉપર થોડો વિશ્વાસ રાખ. તારે દરેકે દરેક બાબતનું હું ધ્યાન રાખું છું અને તું મને ચોકસાઈ શીખવાડે છે. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને ભંડારો સરસ રીતે પાર પડશે. કુમાર અને મોટીબેન પણ ત્યાં પહોંચતા જ હશે. નંદુને તો મેં સવારથી ત્યાં મોકલી જ દીધો છે. તું હવે તૈયાર થા તો આપણે પણ નીકળીયે.' -નમિતા બોલી.
'બસ પાંચ મિનિટ ડાર્લિંગ. સહેજ માથું ઓળી લઉં અને પરફ્યૂમ છાંટી દઉં એટલે બંદા તૈયાર. અમારે તમારા બૈરાઓની જેમ બે-ચાર કલાક ના થાય.' - પ્રહરે હસતા હસતા કહ્યું.
'પ્લીઝ હાં... હું સવારે સાત વાગ્યાની તૈયાર છું. ઘડિયાળ જો જરા, દસ વાગ્યા. તારા હજી ઠેકાણા નથી. તમને બસ લેડીઝને ટોકવા સિવાય કશું જ આવડતું નથી. હવે જલદી કર નહીંતર મોટીબેન બોલશે આપણને બંનેને.' -નમિતા એટલું કહીને ઘરની બહારની તરફ ગઈ અને પ્રહર રૂમમાં જઈને તરત જ બહાર આવ્યો. બંને જણા અમદાવાદના જાણીતા રણછોડરાયજી મંદિર તરફ જવા માટે ગાડીમાં ગોઠવાયા અને ડ્રાઈવરે ગાડી હંકારી મુકી.
લગભગ અડધો કલાક બાદ તેઓ મંદિર પાસે પહોંચી ગયા. ગાડીમાંથી ઉતરીને તેઓ મંદિરમાં અંદર ગયા જ્યાં કુમાર અને મોટીબેન તેમની રાહ જોતા હતા અને ચારેય જણા અંદર દર્શન કરવા ગયા અને ત્યારબાદ સાધુઓ અને ભિક્ષુકો માટે રાખેલા ભંડારા તરફ ગયા. ત્યાં જઈને પ્રહરે થોડી વ્યવસ્થા જોઈ અને સદાવ્રત ચલાવતા સેવકો સાથે વાત કરી. તેણે થોડી સુચનાઓ આપી અને પછી ડ્રાઈવરને ઈશારો કરીને ગાડીની ડિકીમાંથી ચોખ્ખા ઘીના લાડુના પતરાં કાઢી લાવવા કહ્યું. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ગાડી તરફ ગયા જ્યારે પ્રહર, નમિતા અને મોટીબેન તથા કુમાર સદાવ્રતની ઓફિસ પાસે ઊભા રહ્યા. ભગવાનને રાજભોગ ધરાવાયો અને દ્વાર બંધ થઈ ગયા. દ્વાર ખુલે ત્યાં સુધી તેમની પાસે અડધો કલાકનો સમય હતો.
તેઓ ત્યાં જ બેઠા અને મમ્મી વિશે જાતભાતની વાતો કરવા લાગ્યા. પ્રહર પાસે વાત કરવા જેવું ખાસ કંઈ હતું નહીં કારણ કે ભૂતકાળ તેને સતાવતો હતો. મમ્મીના ધામમા ગયા બાદ તેને ઘણી વખત ભૂતકાળની ઘટનાઓની ગિલ્ટ અનુભવાતી પણ તેની પાસે પસ્તાવો કરવા સિવાય કશું હતું જ નહીં. છેલ્લાં દોઢ દાયકામાં તેના જીવનમાં જે ચઢાવ-ઉતાર આવ્યા હતા તેણે અનેક જિંદગીઓ બદલી કાઢી હતી. પ્રહરની નજર સામેથી જાણે કે તેનું આખું જીવન પસાર થઈ રહ્યું હતું. તે સામેની તરફ પંગતમાં ગોઠવાતા ભિક્ષુકો અને સાધુઓને જોઈ રહ્યો હતો. બીજી તરફ તેનું મનોજગત કંઈક અલગ જ દ્રશ્યો ઊભા કરી રહ્યું હતું.
મમ્મીને અને નમિતાને જરાય ફાવતું નહોતું. લગ્ન બાદ શરૂઆતમાં તો નમિતાને વાંધો નહોતો આવતો પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેને અને મમ્મીને એકબીજાથી ઘણા વાંધા પડવા લાગ્યા હતા. મમ્મીને વાંધો હતો કે, નમિતા દરરોજ જોબ ઉપરથી છૂટીને પોતાના પિયર જતી અને પ્રહરના ઘરે આવવાના સમયે જ ઘરે આવતી. સાંજની રસોઈ માટે બાઈ રાખતી અને પોતે મમ્મીના ઘરે બેસી રહેતી તેનો મમ્મીને વાંધો હતો. દિવસના કામ મમ્મી કરી લેતી પણ એકાદ સમયનું ઘર કામ નમિતા કરે તેવો તેમનો આગ્રહ હતો પણ નમિતા માનતી નહીં. તેના કારણે ઘણી વખત ઘરમાં ઝઘડા થતા હતા. એક દિવસ કંટાળીને પ્રહરે મમ્મીને જ ગમે તેમ કહી દીધું અને બીજા જ દિવસે મમ્મી મોટીબેનના ઘરે જતા રહ્યા. થોડા દિવસમાં સમજાવીને તેમને પરત લાવ્યા પણ સ્થિતિમાં કોઈ સુધારો નહોતો.
એક દિવસ નિર્ણય લેવાયો કે મમ્મીને વૃદ્ધાશ્રમમાં મુકીને આવવા. આ નિર્ણય ઘરના કોઈપણ વડીલોની જાણબહાર લેવાયો હતો. કોઈને કંઈપણ જણાવ્યા વગર મમ્મીને એક વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાયા. શરૂઆતમાં મમ્મીને ખૂબ મુશ્કેલી પડી કારણ કે એકલવાયા રહેવાનું, સંતાનો મળે નહીં, ડાયાબિટિસની બિમારી અને ભોજન ભાવે નહીં, પોતાના જેવા જ લાચાર લોકો વચ્ચે રહેવાનું, જીવનમાં ક્યારેય લાચારી જોયેલી કે અનુભવેલી નહીં. મમ્મીની તબિયત ખરાબ થઈ. વૃદ્ધાશ્રમ ખૂબ જ પ્રિમિયમ હતો તેથી ત્યાં સારી સારવાર પણ મળી ગઈ. મમ્મીને હાર્ટ પ્રોબ્લેમ ડિટેક્ટ થયો હતો. મમ્મીના ડાયેટ ઉપર કન્ટ્રોલ આવી ગયો. પ્રહર મહિને એકાદ વખત આવીને મમ્મીને મળી જતો. નમિતા તો ક્યારેય જતી જ નહીં અને વેદાંત પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહેતો અને પછી તો વધુ અભ્યાસ માટે અમેરિકા જતો રહ્યો હતો.
પ્રહરના મગજમાં ભૂતકાળ વંટોળે ચડેલો હતો ત્યાં જ તેના કાને ઘંટારવ અથડાયો. બોલો રાજા રણછોડ કી જય... અને જયકારા સાથે દ્વાર ખુલ્યા અને ભિક્ષુકો તથા સાધુઓને ભંડારામાં ભોજન પિરસાવા લાગ્યું. પ્રહર અને પરિવારના લોકો ભોજન પિરસતા હતા અને ધન્યતા અનુભવતા હતા. વંચિતોની સેવા કરીને તેમને આનંદ મળતો હતો. તેમના ચહેરા ઉપર પ્રસન્નતા દેખાતી હતી. પ્રહરે દરેકની થાળીમાં પોતાના હાથે લાડુ પિરસ્યા હતા અને દરેકને ભોજન કર્યા બાદ લાડુનું બોક્સ લઈને જવાનું પણ કહ્યું હતું. સદાવ્રત ચાલતું હતું ત્યારે એક વૃદ્ધા મંદિરના ઓટલે બેઠા બેઠા આ બધું જોતા હતા. તેમના વેશ જોઈને પ્રહરને થોડી દયા આવી એટલે એ લાડુનું બોક્સ લઈને તેમની પાસે ગયો અને આગળ ધર્યું.
'ના બેટા, મારે નથી જોઈતું. મારે ગળ્યું નથી ખાવાનું.' - પેલા માજીએ કહ્યું.
'કેમ માજી, તમને ડાયાબિટિસ છે. તમારી તબિયત તો સારી છે ને. તમે ભોજન કરવા પણ ન બેઠા.' - પ્રહરે ઔપચારિક ચિંતા વ્યક્ત કરી.
'આ સામે બેઠેલા રાજાધિરાજની કૃપાથી બધું જ બરોબર છે. તે જેટલું માખણ અને મિસરી ખાય છે તેટલા હું પણ ખાઈ શકું છું. મારે લાડુની બાધા છે, હું નથી ખાતી.' - પેલા માજીએ કહ્યું.
'સારું તો સાથે લઈ જજો, કોઈને આપી દેજો. ઘરે કોઈ હોય તો તેમને ખવડાવજો.' - પ્રહરે કહ્યું.
'બેટા ઘરે કોઈ નથી. હું તો આજે અગિયારસ છે એટલે દર્શન કરવા આવી છું. હું તો મુરલીધર કેશવપ્રસાદ વૃદ્ધાશ્રમમાં રહું છું. દીકરા આજે અગિયારસના દિવસે તે લાડુનો પ્રસાદ ધરાવ્યો તે નવાઈ લાગી. આજે ઘણાને ઉપવાસ હશે.' - માજી બોલ્યા.
'આજે મારી મમ્મીની તિથી છે. તેને લાડુ બહુ ભાવતા હતા. આજે તેની દસમી તિથી છે એટલે ખાસ લાડુનું જમણ રાખ્યું છે. જેમને ઉપવાસ હોય તેમના માટે લઈ જવા આ બોક્સ છે જેથી તેઓ કાલે પ્રસાદ લઈ શકે.' - પ્રહરે ખુલાસો કર્યો. તે વૃદ્ધાશ્રમ વિશે પુછવા જતો હતો ત્યાં જ નમિતા તેની પાસે આવીને ઊભી રહી ગઈ.
'જૂઓને હજી સંદિપ આવ્યો નથી. સંગીતા પણ ફોન ઉપાડતી નથી. ભંડારો પૂરો થઈ જવા આવ્યો.' - નમિતાએ કહ્યું.
'બસ આવતા હશે. પાંચેક મિનિટ રાહ જો નહીંતર ફોન કરી લેજે.' પ્રહરે કહ્યું.
'બેટા એક સવાલ કરું. તારી મમ્મીને તે છેલ્લે લાડું ક્યારે ખવડાવ્યો હતો.' - માજી બોલ્યા.
'મમ્મીને તો ડાયાબિટિસ હતો. તેમને ગળ્યું ખાવાની મનાઈ હતી. અમારા ઘરમાં તો આમેય લાડુ ઓછા બનતા હતા. મમ્મીને જ ભચાકા હતા લાડુ ખાવાના.' - નમિતા બોલી અને પ્રહરે ડોળા કાઢયા.
'બેટા તને લાગે છે કે, જે મા તારા અભાવમાં જીવી, લાડુના અભાવમાં જીવી અને લાડુનું જમણ કરવાથી બધું બરાબર થઈ જશે. આ દ્વારકાધિશ તારા લાડુના પ્રભાવમાં આવીને તારું તર્પણ સ્વીકારી લેશે. આવા લાડુના જમણ ક્યારેય કોઈને ન ખપે. મારા રણછોડીયાને પણ નહીં.
બીજું તો ખબર નથી પણ રણછોડીયો હિસાબ બરાબર કરી આપશે.' - માજીએ એટલું કહ્યું અને હાથ જોડીને ઊભા થઈને જતા રહ્યા. પ્રહર અને નમિતા તેની સામે જોતા હતા ત્યાં જ સંદીપ આવ્યો.
'દીદી સોરી થોડું મોડું થઈ ગયું, ચાલ હું પહેલાં લાડુ પિરસીને આવું અને પછી વાત કરું.' - સંદીપ એટલું બોલીને ત્યાં ગયો અને સંગીતા નમિતા પાસે આવીને ઊભી રહી.
'કેમ મોડું થયું.' - નમિતાએ સવાલ કર્યો.
'તમને ખબર તો છે છેલ્લાં છ મહિનાથી ઘરમાં ઝઘડા ચાલતા હતા. સંદીપ કંટાળ્યા હતા. બે દિવસ પહેલાં અમે નિર્ણય કર્યો અને તમારા સાસુ જે આશ્રમમાં હતા ત્યાં મમ્મીને આજે મુકીને આવ્યા. આજે અગિયારસ હતી, સારો દિવસ હતો એટલે એ કામ પતાવીને હવે અહીંયા આવ્યા.' - સંગીતા બોલી અને નમિતાની આંખો ભિંજાઈ ગઈ. પ્રહર સ્તબ્ધ ચહેરે સોનાના સિંહાસન ઉપર બિરાજેલા કાળિયા ઠાકરને જોઈ રહ્યો.