Get The App

હરમનપ્રીત સિંઘ : હાર્મોનિયમથી લઈને ભારતીય હોકીના સરપંચ સુધીથી રોચક સફર

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
હરમનપ્રીત સિંઘ : હાર્મોનિયમથી લઈને ભારતીય હોકીના સરપંચ સુધીથી રોચક સફર 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- બાળપણમાં સંગીત અને ગાયન તરફ વળેલો હરમનપ્રીત ઓલિમ્પિકમાં બેવડા કાંસ્ય ચંદ્રકથી લઈને ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયન ગેમ્સ સહિત પાંચ સુવર્ણ, બે રજત અને છ કાંસ્ય એમ કુલ 13 આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીતી ચૂક્યો છે

દ રેક નવી શરુઆત જિંદગીને અલગ મુકામ તરફ દોરી જવા માટે તૈયાર હોય છે. શરુઆત કરવી આસાન છે, પણ ત્યાર બાદ સતત તેને વળગી રહેવાની સાથે સાથે આગળ વધવાનો ઈરાદો દ્રઢ રાખવો પડે છે. જોકે તેઓ છેેક છેલ્લી સુધી ટકી રહેવાની સાથે પોતાના પ્રયાસોમાં ઉત્તરોત્તર વધારો કરતાં રહે છે, તેમને અસાધારણ સફળતાની સિદ્ધિ સહજતાથી પ્રાપ્ત થાય છે. આવી જ સફળતા હાલમાં ભારતીય હોકી ટીમનો કેપ્ટન હરમનપ્રીત સિંઘ મેળવી રહ્યો છે. હરમનપ્રીતની વિશિષ્ટ પ્રતિભાને સહારે ભારતીય હોકીએ પણ છેલ્લા પાંચેક વર્ષમાં પોતાનું માથું ફરી ગૌરવભેર ઉઠાવ્યું છે અને દુનિયામાં પોતાનો આગવો દબદબો પ્રાપ્ત કરી લીધો છે. 

એક જમાનામાં વૈશ્વિક સ્તરે હોકીના સુપરપાવર તરીકેનો દબદબો ધરાવતી ભારતીય હોકી ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં તો પર્વતના શિખર પરથી છેક ખીણમાં ફસડાઈ પડી હતી. જોકે કોરોનાની વિદાય બાદના છેલ્લા કેટલાક વર્ષોમાં જાણે ભારતીય હોકીમાં નવયૌવનનો પવન ફૂંકાયો છે. ટીમની આ સફળતાની પાછળ ૨૮ વર્ષના ભારતીય હોકીના 'સરપંચ'હરમનપ્રીત સિંઘ અને તેના સાથીઓની સખત મહેનત કારણભૂત છે. 

ભારતીય હોકી ટીમના કેપ્ટન હોવાના કારણેે સરપંચનું હૂલામણું નામ સ્વીકારી લેનારા હરમનપ્રિતની કારકિર્દી અત્યંત યદગાર રહી છે. હોકીમાં ડ્રેગ-ફ્લિકરની ભૂમિકા મહત્વની બની રહે છે. પેનલ્ટી કોર્નરના સમયે એક ખેલાડી બોલને પ્લેઈંગ એરિયામાં પૂશ કરે છે. ત્યારે બીજો ખેલાડી બોલને અટકાવે છે અને તે સમયે ત્રીજો ખેલાડી બોલને ડ્રેગ કરીને ગોલમાં ધકેલવાનું કામ કરે છે. આમ જે ત્રીજો ખેલાડી છે કે તેને ડ્રેગ ફ્લિકર તરીકે ઓળખવામાં આવે છે. હરમનપ્રીત આ ડ્રેગ ફ્લિકમાં માહેર છે અને દુનિયાના ટોચના ડ્રેગ ફ્લિકર્સમાં સ્થાન ધરાવે છે. તેની હાજરીના કારણે જ ભારતીય ટીમનો ગોલ સ્કોરિંગ રેશિયો પણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યો છે, તેની અસર સીધી જ પરિણામો પર જોવા મળી રહી છે. 

હરમનપ્રીતે તેની નવ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી સવા બસોથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમતાં ૨૦૦થી વધુ ગોલ ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હોકીમાં નવું જોશ અને આત્મવિશ્વાસ ભરનારો હરમનપ્રીત સિંઘ  ભારતને બબ્બે વખત ઓલિમ્પિકમાં કાંસ્ય સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યો છે, જે ભારતીય હોકીની છેલ્લા ચાર દાયકામાં મેળવેલી સિદ્ધિઓમાં શિરમોર સ્થાન ધરાવે છે. આ ઉપરાંત હાંગ ઝોઉ એશિયન ગેમ્સ ૨૦૨૨માં ભારતની સુવર્ણ સફળતાના પાયામાં હરમનપ્રીતની હોકી સ્ટીકમાંથી નિકળેલા ગોલનો વરસાદ રહેલો છે. ભારતીય હોકી ટીમને પોતાના ખભા પર ઉંચકીને આગળ વધી રહેલા હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કાંસ્ય સિદ્ધિ તો હાંસલ કરી જ છે, સાથે સાથે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં રેકોર્ડ પાંચમી વખત ટાઈટલ જીતવાની ગૌરવભરી સફળતા મેળવી છે.

ભારતીય હોકીની રક્ષા પંક્તિના ખેેલાડી હરમનપ્રીત સિંઘની કારકિર્દી ભારે રસપ્રદ વળાંકો પસાર કરીને આજે વિશ્વના શ્રે ખેલાડી તરીકેનું ગૌરવ હાંસલ કરી ચૂકી છેે. પંજાબના અમૃતસરના ટિમ્મોવાલ ગામમાં જન્મેલા હરમનપ્રીતના પિતા સરબજીત સિંઘ પરિવારની સાથે ખેતી કરીને ગુજરાન ચલાવતા. હરમનપ્રીત પણ બાળપણમાં પિતાને ખેતીમાં મદદ કરતો. શાળાના અભ્યાસ બાદ ફૂરસદના સમયમાં ખેતરમાં કામ કરતાં તેની નજર હંમેશા ટ્રેક્ટર પર રહેતી. તે ઘરના આંગણામાં કે ક્યારેય ખેતરમાં કામ બંધ હોય ત્યારે પડી રહેલા ટ્રેક્ટર પર બેસી જતો અને તેને ચલાવાની કોશીશ કરતો. તેના ટ્રેક્ટર તરફના આકર્ષણને જોતા સરબજીત તેને ટ્રેક્ટર ચલાવતા શીખવતા પણ ખરાં.

હરમનપ્રીતને કુમળા હાથેે ટ્રેક્ટરના ગિયર પાડવા માટે સખત મહેનત કરવી પડતી અને ઉત્સાહમાં કરેલી આ મહેનત જ તેને આગળ જતાં કામ આવી. ખેતી કામની સાથે સાથે હરમનપ્રીતનું ધ્યાન સંગીતમાં પણ વિશેષ હતુ. ગીત-સંગીતની પંજાબમાં આગવી પરંપરા છે. જિંદગીના સુખ-દુ:ખથી લઈને ધર્મ-ભક્તિની સંગીતમય અભિવ્યક્તિ માટે પંજાબીઓ જાણીતા છે અને હરમનપ્રીતને પણ ગાવાનો ખૂબ જ શોખ. આ કારણે તેના પિતા સરબજીતે તો તેને એક હાર્મોનિયમ પણ લાવી આપ્યું હતુ. ઘણી વખત ગામની નજીક લાગતાં મેળામાં હરમનપ્રીત હાર્મોનિયમ સાથે પહોંચી જતો અને ગીતો ગાતો.

પિતાનું હરમનપ્રીત માટે કોઈ ખાસ સ્વપ્ન નહતું. તેઓ તો ઈચ્છતાં હતા કેે, હરમનપ્રીત મનગમતું કામ કરે આનંદિત રહે. ભારતીય હોકીની નર્સરીમાં ઉછરેલો હરમનપ્રીત તેના પ્રભાવથી બચી શક્યો નહતો. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની સાથે સાથે તેણે હોકી પર પણ હાથ અજમાવ્યો. ટ્રેક્ટર ચલાવીને સખત બનેલા હરમનપ્રીતના હાથમાં હોકી એટલી ઝડપથી અને પાવરથી ફરતી કેે તેને અટકાવવાની હિંમત ભાગ્યે જ કોઈની થતી. તેની વિશિષ્ટ પ્રતિભાને જોતા તેની શાળાના કોચે જ તેને પંજાબ સરકાર દ્વારા ચલાવાતી સુરજીત સિંઘ હોકી એકેડમીમાં પ્રવેશ અપાવી દીધો. આ સાથે હરમનપ્રીતની હોકી ખેલાડી તરીકેની સફર શરુ થઈ.

કિશોરાવસ્થામાં જ હરમનપ્રીતને પંજાબના સમૃદ્ધ હોકી સંસ્કૃતિમાં ઉછેર મળ્યો અને ઓલિમ્પિયન રહી ચૂકેલા ખેલાડીઓનું સીધું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું, જેના કારણેે તેની રમતમાં ઝડપથી નિખાર આવવા લાગ્યો. સુરજીતસિંઘ હોકી એકેડમીમાં ત્રણ વર્ષની સઘન તાલીમના પરિણામે હરમનપ્રીતની વિશિષ્ટ પ્રતિભાએ ચમકારો દેખાડવાનો શરુ કરી દીધો. ભારતની જુનિયર હોકી ટીમના સંભવિતોમાં સ્થાન મેળવનારા હરમનપ્રીતે તેની ડ્રેેગફ્લિકર તરીકેની કુશળતાને સહારે આગવું આકર્ષણ જમાવ્યું.  હરિફ ટીમની રક્ષાપંક્તિ અને ગોલકિપરની મુવમેન્ટને પહેલેથી માપી લેનારા હરમનપ્રીતને ૨૦૧૪માં પહેલીવાર સુલતાન જોહોર કપ માટેની ભારતીય જુનિયર ટીમમાં સ્થાન મળ્યું અને તેણે તે ટુર્નામેન્ટમાં નવ ગોલ ફટકારીને ખળભળાટ મચાવ્યો. તેણે ભારતને ચેમ્પિયન બનાવવામાં મદદ કરવા સાથે હાઈએસ્ટ સ્કોરર તરીકેનો એવોર્ડ પણ જીત્યો.

હરમનપ્રીતનો આત્મવિશ્વાસ પ્રથમ જુનિયર લેવલની ટુર્નામેન્ટની સફળતા બાદ વધી ગયો અને તેણે ત્યાર બાદ જુનિયર એશિયા કપ અને  જુનિયર વર્લ્ડ કપમાં પણ ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતીય હોકી ટીમને તે સમયે વધુ સારા ડ્રેગફ્લિકરની તલાશ હતી. હરમનપ્રીતે યુવા વયેે જે પ્રકારની પરિપક્વતા અને કુશળતા દર્શાવી હતી, તેનાથી ભારતીય ટીમના પસંદગીકારો પ્રભાવિત થયા. આ જ કારણે જુનિયર સ્તરે આંતરરાષ્ટ્રીય પ્રવેશના એક વર્ષ બાદ જ તેને ભારતની સિનિયર ટીમમાં સ્થાન મળી ગયું. સુલતાન અઝલાન શાહ કપથી સિનિયર ખેલાડી તરીકેની કારકિર્દીની શરુઆત કરનારા હરમનપ્રીતે ૨૦૧૬માં હોકીની એલિટ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને ઐતિહાસિક રજતચંદ્રક જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતે આ પછી ૨૦૧૮માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રજતચંદ્રક હાંસલ કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી એ આંતરરાષ્ટ્રીય હોકીમાં ઓલિમ્પિક અને વર્લ્ડ કપ બાદ ત્રીજા દરજ્જાની સૌથી મોટી ટુર્નામેન્ટ તરીકે ઓળખાય છે. ૨૦૧૭માં એશિયા કપ જીતનારી ટીમમાં પણ તે સામેલ હતો. 

યુવા વયે જ ભારતીય હોકી ટીમમાં નિયમિત સ્થાન જમાવી દેનારા હરમનપ્રીતે રાષ્ટ્રીય ટીમને એશિયન ગેમ્સમાં ૨૦૧૮માં કાંસ્ય અને ૨૦૨૨માં સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. આ ઉપરાંત ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સમાં રજતચંદ્રક જીતનારી ભારતીય ટીમમાં હરમનપ્રીત સામેલ હતો. હોકીની વર્લ્ડ લીગ અને પ્રો લીગમાં કાંસ્ય સફળતા મેળવનારા હરમનપ્રીતે રાષ્ટ્રીય ટીમના સુકાની તરીકેની જવાબદારી સંભાળતાં ઓલિમ્પિકમાં ટીમને ઐતિહાસિક કાંસ્ય સફળતા અપાવી હતી.  ઓલિમ્પિકમાં સતત બે ચંદ્રક જીત્યા બાદ હરમનપ્રીત સામે ટીમને નવી ઊંચાઈએ પહોંચાડવાનો પડકાર છે. ભારતીય ટીમ હવે પરિવર્તનના દૌરમાં પ્રવેશી રહી છે, ત્યારે હરમનપ્રીતની જવાબદારી વધી ગઈ છે. હવે ભારતીય હોકી ટીમને વર્લ્ડ કપ વિજેતા બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે તેણે મહેનત શરુ કરી છે.


Google NewsGoogle News