જીવનમાં કોઈ તક આખરી નથી! .

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
જીવનમાં કોઈ તક આખરી નથી!                               . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- સારું થયું કે તે આઈ.પી.એસ. ઑફિસર બની નહીં, જો એ થઈ હોત તો પોતાની જાતને ઓળખી શકી ન હોત

ગ્રે ટર નોઈડામાં રહેતી  કાજલ શ્રીવાસ્તવનું બાળપણ લખનૌમાં વીત્યું. માતા-પિતા અને ત્રણ બહેનોનો પરિવાર ખૂબ આનંદથી રહેતો હતો. સગાંવહાલાં અને સમાજમાં અન્ય લોકો કાજલના પિતાને કહેતા કે પુત્ર તો હોવો જ જોઈએ, પરંતુ તેના પિતા તો સદૈવ ત્રણ પુત્રીઓ આપવા માટે ભગવાનનો આભાર માનતા હતા. અભ્યાસમાં થોડી નબળી કાજલ સ્કૂલ કરતાં ઘરે વધુ ખુશ રહેતી. દિલ્હીની હંસરાજ કૉલેજમાંથી ઇતિહાસમાં સ્નાતક થયા પછી કાજલે યુપીએસસીની તૈયારી કરવા માંડી. આઈ.પી.એસ. ઑફિસર બનીને સમાજને માટે અને દેશને માટે કંઈક કરી છૂટવું, તે તેનું સ્વપ્ન હતું.

કાજલે દિલ્હીમાં સારામાં સારા ગણાતા કોચિંગ ક્લાસમાં અભ્યાસ શરૂ કર્યો. નાની રૂમ ભાડે રાખીને ત્યાં રહેવા લાગી. બંધિયાર રૂમનું વાતાવરણ જરાય ગમે તેવું નહોતું, પરંતુ કોચિંગ ફી બે લાખ રૂપિયા અને આ રૂમનું ભાડું મહિને ચૌદ હજાર હોવાથી પિતા પાસેથી વધુ પૈસા મંગાવવાનું યોગ્ય ન લાગ્યું. એ ખુદ મહેનત કરવા લાગી. ૨૦૧૪માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી, પરંતુ પ્રીલીમમાં જ સફળતા ન મળી. વળી ૨૦૧૫માં નિષ્ફળતા મળી, જ્યારે ૨૦૧૬માં પરીક્ષાના આગલા દિવસે પેટમાં અસહ્ય દર્દ થવા લાગ્યું અને તાત્કાલિક એપેન્ડીક્સનું ઓપરેશન કરવું પડયું. પેઇન કીલર લઈને પરીક્ષા આપવા ગઈ, પરંતુ દર્દને કારણે બેભાન થઈ ગઈ. આ વર્ષ પણ બગડયું. ૨૦૧૭માં કાજલના એક પરિચિતે તેને કહ્યું કે કલારીપયટ્ટૂ કરે તો સારું.

કલારીપયટ્ટૂ એ ભારતની સૌથી જૂની માર્શલ આર્ટ છે અને મોટાભાગની માર્શલ આર્ટની એ જનની છે. કાજલ કહે છે કે જે દિવસે તે કલરીની પ્રેક્ટીસ કરતી, ત્યારે શાંતિનો અનુભવ થતો હતો. એણે નક્કી કર્યું કે તે કલરીને ક્યારેય છોડશે નહીં. તે નાની હતી ત્યારથી માર્શલ આર્ટ ખૂબ પસંદ હતી, પરંતુ અત્યારે તેનું ધ્યાન આઈપીએસ બનવા પર હતું.  તે મૉક ટેસ્ટમાં પણ સારું પરિણામ મેળવતી હતી, પરંતુ કોઈને કોઈ કારણસર ૨૦૨૦ સુધીમાં છ વખત પરીક્ષા આપી, છતાં સફળ ન થઈ. કાજલને સમજાતું નહીં કે ક્યાં ખોટું થઈ રહ્યું છે. મૉક ટેસ્ટમાં સારા માર્ક આવતા, પરંતુ મુખ્ય પરીક્ષામાં બેસતી ત્યારે ઘણીવાર મગજ શૂન્ય થઈ જતું. જવાબ આવડતો હોવા છતાં ભૂલો થતી. તેને એક જ અવાજ સંભળાતો 'તું આ નહીં કરી શકે.' આ તેના માટે છેલ્લી તક હતી. આ છ વર્ષમાં તેને થાઈરોઇડ થયો, વજન વધી ગયું અને ચશ્માં આવી ગયા. પરિણામ આવ્યું, ત્યારે તે પોતાના ઘરે છઠ્ઠા માળની બાલ્કનીમાં ઊભી હતી અને આત્મહત્યાનો વિચાર કરી રહી હતી, ત્યાં જ તેની બહેન આવી અને પકડીને રૂમમાં લઈ ગઈ. એને સમજાવી કે તેની ઇચ્છા દેશ માટે કંઈક કરવાની છે તો તેમાં આઈ.પી.એસ. ઑફિસર બનવા સિવાય અનેક અન્ય રસ્તાઓ પણ છે. કાજલ નિષ્ફળતાને કારણે નહીં, પરંતુ આ જીવનથી થાકી ગઈ હતી. તેના મિત્રો જીવનમાં નોકરીમાં કે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયા હતા ત્યારે અન્ય લોકો તેના માતા-પિતાને કહેતા કે તે પૈસા અને સમય વેડફી રહી છે અને તેના જીવનમાં એ કશું નહીં કરી શકે.

કાજલે પોતાની નિષ્ફળતાની વાત કલરીના પોતાના ગુરુ શિંતો મેથ્યૂને કરી તો એમણે કાજલને કહ્યું કે સારું થયું, કારણ કે હવે તે કલરી સરસ રીતે કરી શકશે અને તે તેના માટે જ જન્મી છે. તેને લાગ્યું કે પ્રથમ વખત કોઈએ તેનામાં વિશ્વાસ મૂક્યો. તેણે પોતાનું પૂરું ધ્યાન કલરી શીખવામાં પરોવ્યું. તેને ગમવા લાગ્યું અને ખુશ રહેવા લાગી. પોતાનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મળ્યો. કલરીપયટ્ટૂ શીખવામાં શરીરના જુદા જુદા પોશ્ચર અને તેના હલનચલનને કારણે તેને સ્પોન્ડીલાઇટીસ, થાઇરોઇડ અને શરીરના વજનને પ્રમાણસર રાખવામાં ઘણી મદદ મળી. તેના ચશ્માનાં નંબર ઉતરી ગયા અને માનસિક રીતે સ્વસ્થ રહેવા લાગી. તેને લાગ્યું કે તે એક જુદી જ વ્યક્તિ છે.

કાજલને કલરી માર્શલ આર્ટથી શાંતિ અને સાંત્વનાનો અનુભવ થયો. આત્મવિશ્વાસ વધ્યો. એક રાત્રે અઢી વાગે કોરો કાગળ લઈ તેના પર લખ્યું, 'તવસી - માય મુવમેન્ટ ઑફ કરેજ.' તેણે તવસી અંતર્ગત આ માર્શલ આર્ટને લોકો સુધી પહોંચાડવા માટે અનેક વર્કશોપ કરી છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોને ટ્રોમામાંથી બહાર કાઢીને સાંત્વના આપી છે. તે કલરી માર્શલ આર્ટના આસિસ્ટન્ટ શિક્ષક તરીકે કામ કરે છે. કાજલે આ આર્ટ દ્વારા ઘણા લોકોને પોતાની શક્તિની ઓળખ કરાવી.

થોડા સમય પહેલાં તેણે 'સ્વદેશી સ્પોર્ટ્સ વેર' નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. સિન્થેટિક કપડાંને બદલે સુતરાઉ કપડાં કે ખાદીના કપડાં પહેરવાનો આગ્રહ રાખે છે. માર્શલ આર્ટ કરતી વખતે સિન્થેટિક કપડાં પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. કાજલ માટે કલરીપયટ્ટૂ સામાજિક પરિવર્તન માટેનું આંદોલન છે. તેનો અભ્યાસ વ્યક્તિને બાહ્ય અને આંતરિક શક્તિ પ્રદાન કરે છે. આ કલા એટલી જૂની છે કે એને સંરક્ષિત કરવી જોઈએ અને લોકોમાં તેના પ્રત્યે જાગૃતિ આણવી જોઈએ. એક સમયે આત્મહત્યાનો વિચાર કરનારી  કાજલ કહે છે કે સારું થયું કે તે આઈ.પી.એસ. ઑફિસર બની નહીં, જો એ થઈ હોત તો પોતાની જાતને ઓળખી શકી ન હોત. જીવનમાં કોઈ તક છેલ્લી નથી હોતી.

હાથી, માનવીના બુદ્ધિશાળી સાથી!

હાથી માનવી જેવી જ ચેતના, સ્મૃતિ અને બુદ્ધિ ધરાવે છે. તેઓ આપણી જેમ જ ખુશ થાય છે, દુ:ખ અનુભવે છે.

પાં ચ વર્ષ સુધી કેરળમાં જેમનું બાળપણ વીત્યું તેવા વિવેક મેનનને હાથી પ્રત્યે અત્યંત પ્રેમ છે. તેઓ હાથીને હાથી તરીકે નહીં, પણ એક વ્યક્તિ તરીકે જુએ છે અને તેઓ કહે છે કે કેરળ એ હાથીઓની ભૂમિ છે અને હાથી પ્રત્યેનો પ્રેમ તેમના 'જિન્સ'માં છે. દરેક મલયાલી હાથીને અત્યંત પ્રેમ કરે છે. નાના હતા ત્યારે કેરળના મંદિરમાં સૌ પ્રથમવાર હાથીને જોયો ત્યારથી હાથીની જીવનરીતિ માટે આકર્ષણ થયું. પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ આજે તેમના પ્રાણી સંરક્ષણના અનેક કાર્યોમાં વિસ્તર્યો છે. હાથી પ્રત્યે અનોખો પ્રેમ ધરાવનાર વિવેક મેનન આજે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના સહસ્થાપક છે. આ સંસ્થા દ્વારા તેઓ વન્યપ્રાણીઓનાં રહેઠાણની જાળવણી અને સંરક્ષણનું કામ કરે છે.

આજે ૫૬ વર્ષના વિવેક મેનન ઇન્ટરનેશનલ ફંડ ફૉર એનિમલ વેલ્ફેરમાં સલાહકાર તરીકે સેવાઓ આપે છે. આ ઉપરાંત ટ્રાફિક ઇન્ડિયા જે વન્યપ્રાણીઓના વેપારનું મોનીટરીંગ નેટવર્ક ચલાવે છે, દિલ્હીની એન.જી.ઓ. સૃષ્ટિ, દિલ્હી બર્ડ ક્લબ અને વેણુ મેનન એનિમલ એલાયઝ ફાઉન્ડેશનમાં તેઓ સતત કાર્યરત છે. ટ્રાફિક સંસ્થા દ્વારા તેઓ શિકાર અને પ્રાણીઓના થતા ગેરકાયદેસર વ્યાપાર પર નજર રાખે છે અને ખાસ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતાં હાથીદાંતના ગેરકાયદેસર વેપારને અટકાવવાનો પ્રયત્ન કરે છે. દક્ષિણ આફ્રિકામાં હાથીઓને રેડિયો કૉલર લગાવવાના કામમાં પણ મદદ કરે છે. હાથીઓને લગાવેલું કોલર રેડિયો ટ્રાન્સમીટર સાથે જોડાયેલું હોય છે, જેથી તેના હલનચલન અને અંતરિયાળ રહેઠાણ પર નજર રાખી શકાય છે.

વિવેક મેનન ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર અંતર્ગત એશિયન એલિફન્ટ સ્પેશ્યાલીસ્ટ ગ્રૂપની છેલ્લા બાર વર્ષથી 'ચૅર' સંભાળે છે અને અનેક સરકારોને હાથીઓની જાળવણી અને સંરક્ષણ માટે શું કરવું જોઈએ તેની સલાહ આપે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈવે, રેલવે, રોડ અને ઇલેક્ટ્રીક લાઇન એવી રીતે બનાવવા જોઈએ કે જેથી હાથીઓને મુશ્કેલી ન પડે. તેના માટે કોરીડોર બનાવવા જોઈએ. મોટા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના છે. તેઓ વધુ સામાજિક છે અને ખોરાકની શોધમાં પણ ફરતા રહેશે તેથી તેમને કોરીડોર બનાવીને રક્ષણ આપવું જરૂરી છે. 'જર્નલ ઑફ વાઇલ્ડલાઇફ એન્ડ બાયોડાયવર્સિટી'માં ૨૦૨૩માં થયેલા અભ્યાસ પ્રમાણે હાથી માટે નાના કોરીડોર બનાવવા જોઈએ, જે મોટા જંગલ સાથે જોડાયેલા હોય. વિવેક મેનન જણાવે છે કે પંદર વર્ષ પહેલાં ભારતમાં અઠયાસી કોરીડોર હતા, તે આજે એકસો એક થયા છે, પરંતુ રહેઠાણ ઘટયા છે. તેનું કારણ એ છે જંગલો પર અતિક્રમણ થાય છે. ઘણી જમીન ખેતીમાં જતી રહી છે. કોરીડોર સાંકડા થઈ ગયા છે. ૨૮ ટકા કોરીડોર પર અતિક્રમણ થયું છે, તો વીસ કોરીડોરમાંથી રેલવે લાઇન પસાર થાય છે. ૬૬ ટકા કોરીડોરમાં ખેતીની જમીન, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે પસાર થાય છે.

આ બધાં કારણોસર માનવ અને હાથી વચ્ચેનો સંઘર્ષ વધે છે. હાથીને કારણે આશરે પાંચસો વ્યક્તિ દર વર્ષે મૃત્યુ પામે છે, તો સામા પક્ષે દર વર્ષે એકસો હાથી કોઈને કોઈ કારણસર મૃત્યુ પામે છે. હાથીદાંતને કારણે તેમનો શિકાર થાય છે. વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૭૨ અંતર્ગત ઘણાં પ્રાણીઓને રક્ષણ આપવામાં આવ્યું છે. હાથીદાંત ઉપરાંત ૨૭૫ વસ્તુઓના વેપારને ગેરકાયદેસર ગણવામાં આવે છે. પ્રાણીઓની વસ્તુની દાણચોરી અને તેનો શિકાર અટકે તે માટે કડક નીતિની આવશ્યકતા છે. તેને માટે તેઓ જંગલના ગાર્ડ, રેન્જર્સ, પેરામિલિટરી ફોર્સ વગેરેને તાલીમ આપે છે. જોકે આનાથી સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી, પરંતુ તેનું પ્રમાણ ઓછું થાય છે. 

વિવેક મેનન કહે છે કે હાથી હિમાલયથી દક્ષિણ ભારત સુધી જાય છે. તેમણે આનો નકશો બનાવ્યો છે અને પ્રકાશિત કર્યો છે. સરકારે તેના કોરીડોરને રક્ષણ આપવું જોઈએ. તેના માટે તેઓ કોમ્યુનિટી મૉડલની વાત કરે છે, જે છેલ્લાં બે દાયકાથી પૂર્વોત્તર ભારતમાં અમલમાં છે. હાથી જ્યારે પસાર થાય ત્યારે એનું રક્ષણ કરે છે. બીજું કે સરકાર જ જમીન ખરીદે અને યોગ્ય રીતે વ્યવસ્થા કરે. કેટલાક લોકોને એવી તાલીમ આપવામાં આવે, જે હાથીની પ્રવૃત્તિ પર ધ્યાન રાખે. કાઝીરંગામાં એવા યુવાનોના ગ્રૂપ છે જે હાથી રોડ ક્રોસ કરતાં હોય ત્યારે ધ્યાન રાખે છે. ગ્રીન કોરિડોરના ચેમ્પિયન્સ જે સ્થાનિક લોકો હોય. અગિયાર રાજ્યમાં ૨૭ સંસ્થા ૫૯ કોરિડોરનું ધ્યાન રાખે છે. તેઓ હાથીના એકસોથી વધુ આર્ટપીસ બનાવીને દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં અઠવાડિયા માટે ફેસ્ટિવલ કરે છે. જેમાં રાજકારણીઓ, બાળકો, આર્ટીસ્ટો, નૃત્યકારો, ચિત્રકારો, સંગીતકારો સહુ ઉત્સાહભેર ભાગ લે છે. તેઓ ગજયાત્રા અભિયાન ચલાવે છે. અનેક ઍવૉર્ડ મેળવનાર વિવેક મેનન કહે છે કે હાથી માનવી જેવી જ ચેતના, સ્મૃતિ અને બુદ્ધિ ધરાવે છે. તેઓ આપણી જેમ જ ખુશ થાય છે, દુ:ખ અનુભવે છે. તેઓ હાથીની ભાષા સમજે છે અને હાથી તેમની. કલાકો સુધી બેસીને તેઓ તેમને સાંભળે છે.


Google NewsGoogle News