Get The App

આત્મસુખનું અજ્ઞાન એ જ છે સર્વ દુ:ખોનું મૂળ કારણ! .

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
આત્મસુખનું અજ્ઞાન એ જ છે સર્વ દુ:ખોનું મૂળ કારણ!                            . 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- જેમ દોરીનાં જ્ઞાનમાં સર્પનો બાધ થાય છે, તેમ આત્મરૂપી અધિષ્ઠાનનું જ્ઞાન થતાં જગતનાં મિથ્યાજ્ઞાનનો અને આરોપિત જગતનો જ્ઞાનમાં બાધ થાય છે

અ ધ્યાત્મની ગહનતાને ઉજાગર કરે છે શ્રી અષ્ટાવક્રગીતા. શ્રી અષ્ટાવક્ર મુનિનાં ગ્રંથોમાંથી આત્મજ્ઞાન-પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ પ્રાપ્ત થાય છે. જેમ કઠોપનિષદથી આત્મજ્ઞાનનું અજવાળું પથરાય છે, એવું જ એક અજવાળું શ્રી અષ્ટાવક્રગીતા સમયે અનુભવાય છે અને અહીં આપણે યોજેલી અનોખી સત્સંગ સભામાં શ્રી અષ્ટાવક્ર મુનિના વિચારો માનવજીવનને કઇ રીતે ઉપકારક છે અને કેવા આત્મજ્ઞાન પ્રકાશક છે એ જોઈ રહ્યા છીએ. એ વિચારોને ક્યાંક યથાતથ સ્વરૂપે આપ્યા છે, તો ક્યાંક એનું એક ગુચ્છ રૂપે સુંદર સંકલન કરીને પ્રસ્તુત કર્યા છે.

બ્રહ્મ સત્ય અને જગત અસત્ય છે એમ માનીએ છીએ, પરંતુ ક્યારેક એવી જિજ્ઞાસા પણ પ્રગટે કે આવો નિશ્ચય હોવા છતાં જગત સત્ય લાગે છે. એની નિવૃત્તિ એટલે કે અભાવ ક્યારેય હોતો નથી અને જ્યાં સુધી એનો અભાવ હકીકતમાં એનાથી નિવૃત્ત ન થઇએ, ત્યાં સુધી વ્યક્તિ શોકરહિત થતી નથી. તો પછી આ જગત પ્રત્યે કેવો ભાવ રાખવો ?

આ સંદર્ભમાં મુનિ અષ્ટાવક્ર એ જિજ્ઞાસાનો ઉત્તર આપે છે, 'જેમ આ જગત દોરીમાં સર્પની જેમ કલ્પિત ભાસે છે, તે પરમાનંદસ્વરૂપ જ્ઞાન તું જ છે. સુખપૂર્વક વિહાર કર. જેમ અજ્ઞાનકાળે દોરીમાં સર્પ દેખાય છે તેવી જ રીતે આત્માનું અજ્ઞાન હોય ત્યારે જગતનાં નામ અને આકાર દેખાય છે. જેમ દોરીનાં જ્ઞાનમાં સર્પનો બાધ થાય છે, તેમ આત્મરૂપી અધિષ્ઠાનનું જ્ઞાન થતાં જગતનાં મિથ્યાજ્ઞાનનો અને આરોપિત જગતનો જ્ઞાનમાં બાધ થાય છે. આમ પોતાને જ્ઞાન અને આનંદસ્વરૂપ જાણવાથી જ અનંત સુખની પ્રાપ્તિ થાય છે.' જે ખરેખર પોતાને મુક્ત જ માને છે, એ પોતે મુક્ત જ છે. જેને બંધનનું અભિમાન છે, જે પોતાને બંધનયુક્ત માને છે તે પોતે બંધાયેલો છે. જગતમાં 'યા મતિ: સા ગતિ: ।' થાય છે, એ સત્ય છે.

જો આપણે એમ વિચારીએ કે આપણે એ જ છીએ તો આપણે એ જ છીએ. જેમ દોરીમાં સર્પની જેમ વ્યક્ત થયેલું જગત-વિશ્વ દ્રશ્ય છે, પ્રત્યક્ષ છે, છતાં અવાસ્તવિક હોવાથી એ મિથ્યા છે અને તેથી એ તારા નિર્મળ સ્વરૂપમાં છે જ નહીં. આને પરિણામે તું તારા સ્વરૂપમાં લીન થઇ જા. આપણા અજ્ઞાનને કારણે આપણને સરળ, ગહન સત્યની અનુભૂતિ થતી નથી. જે આ જાણી લે છે, તે પોતાને જાણી લે છે.

આ સંદર્ભમાં મુનિ અષ્ટાવક્ર સમક્ષ એક જિજ્ઞાસા સ્પષ્ટ કરવામાં આવી કે પોતાના સ્વભાવથી જ આત્મા ભાવરૂપ છે. એનો અર્થ શું ? ત્યારે મુનિ અષ્ટાવક્ર આ પ્રમાણે ઉત્તર આપે છે, 'આ જગત કલ્પનામાત્ર છે. પારમાર્થિક રીતે કંઇ જ નથી. ભાવ અને અભાવ રૂપ પદાર્થોમાં સ્થિત બનેલા સ્વભાવનો અભાવ થતો નથી. આત્મા પોતાના સ્વભાવથી જ ભાવરૂપ છે. ભાવરૂપ અર્થાત્ અસ્તિત્વરૂપે હોવું. જે સ્વયં શાશ્વત અસ્તિત્વ છે. તેનો કદી અભાવ થતો નથી. 'સ્વભાવાનામ્ અભાવ: ન અસ્તિ ।''

ગુરુ-શિષ્યના સંવાદનું આવું આલેખન જોઇએ, ત્યારે આપણને આપણા મહાન ઉપનિષદોનાં પ્રાપ્ત થતાં ગુરુ-શિષ્ય સંવાદનું સ્મરણ થાય. ઇશાવાસ્ય ઉપનિષદ્ માંડુક્ય ઉપનિષદ્, કઠોપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ્, બૃહદારણ્યક ઉપનિષદ્, શ્વેતાશ્વતરોપનિષદ, પ્રશ્નોપનિષદ્ વગેરેમાંથી ગુરુ-શિષ્યના સંવાદનું સ્મરણ થાય અને આ સંદર્ભમાં આપણા સમર્થ સર્જક, કવિ અને સંપાદક શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમના 'સિદ્ધાંતસાર' પુસ્તકમાં લખે છે.

'જે ઉચ્ચ ભાવનાઓથી માણસનાં જીવનને સુખમય કરી શકાય છે તે આધ્યાત્મિક ધર્મભાવનાઓથી દુનિયા ખરેખર બેનસીબ રહી હોત, પણ ઋષિઓની તીવ્ર બુદ્ધિમાંથી આપણને પરમ જ્ઞાનના ભંડાર પ્રાપ્ત થયા છે... જેમ બ્રાહ્મણોમાં યજ્ઞાને જ પ્રધાનપણું આપી દેવતા માત્રને છાયામાં પાડી દેવાની પ્રવૃત્તિ ચાલુ હતી. તેમ આ નવા માર્ગમાં વિવિધ જ્ઞાનકલ્પનાઓ વડે દેવતા તથા યજ્ઞા સર્વને રદ કરવાનો પ્રયત્ન હતો. એક તરફથી નિત્ય પરમાંદરૂપ મોક્ષની વાંછનાએ જેમ તત્ત્વવિચારમાં માણસનાં મનને દોર્યું, તેમ બીજા તરફથી સૃષ્ટિ કેમ થઈ, ક્યાંથી થઈ ? એ વિચારો દ્વારા પણ, માણસ એના એ જ તર્કમાં આવીને વિરમ્યું. હવે બાહ્યવિશ્વની તપાસ કરવી મૂકીને આંતરસૃષ્ટિની તપાસમાં ઋષિઓ પ્રવૃત્ત થયા. એ સંબંધના જે ગ્રંથો છે તેનું નામ ઉપનિષદ્.'

ઉપનિષદ્ શબ્દનો અર્થ બ્રહ્મ એમ પણ શંકરાચાર્યે પોતાના ઉપનિષદ્ભાષ્યોમાં કહ્યો છે. તો વળી એવો અર્થ પણ પ્રચલિત છે કે ઉપનિષદ્ એટલે ગુરુ પાસે બેસનાર, ગુરુ સમીપ અધ્યયન કરનાર મંડળ, તેની એક એક મંડળી, તેની એક એક બેઠક. 'ઉપનિષદોમાં સ્થળે સ્થળે એમ દર્શાવવામાં આવ્યું છે કે આત્મસુખનું અજ્ઞાન એ જ દુ:ખનું મૂળ કારણ છે.' જેમ આકાશને ચામડાની માફક વીંટાળવું કે પહેરવું શક્ય નથી, તેમ પરમાત્માને જાણ્યા વિના દુ:ખનો આત્યંતિક ઉચ્છેદ કરવાનું શક્ય નથી.

આ ઉપનિષદોનાં દ્રષ્ટા અને ઋષિઓ વિશે એક સુંદર સંકલન આધ્યાત્મિક ગ્રંથોના ઊંડા અભ્યાસી એવા શ્રી કાર્તિકેય અનુપરામ ભટ્ટએ 'મુક્તાત્માજીવાત્મા સંવાદ' પુસ્તક દ્વારા પરિચય આપ્યો છે. એ રીતે એમણે ઘણા સંતો, મહર્ષિઓ અને સાધકોનો પરિચય આપ્યો છે. તેઓ વેદ વિશે વાત કરતા કહે છે કે, 'વેદમાં આલેખીત રહસ્ય જેમાં પ્રગટ થયું છે તે વેદાંત કહેવાય છે અને ઉપનિષદ્નું બીજું નામ વેદાંત છે.'

આ ઉપનિષદ્માં ડૉ. રાધાકૃષ્ણને કહ્યું છે તેમ, 'ભારતીય તત્ત્વચિંતનનાં મૂળ રહેલા છે', તો કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે, 'ઉપનિષદો આપણી અધ્યાત્મવિદ્યા, ધર્મ અને સંસ્કારના ભાગીરથી છે.' પ્રો. એ.જી.ભટ્ટ લખે છે, 'ઉપનિષદો ભારતનો મહામૂલો અ-ક્ષર વારસો છે. તેમાં સંચિત થયેલું અધ્યાત્મજ્ઞાન મનુષ્યના અંતરને પાવન કરી શાશ્વત શાંતિ પમાડનારું છે. પ્રાચીન ઋષિઓના અંતરમાંથી સ્ફુરેલી દિવ્યવાણીનું અમૃત તેમાં ભરેલું છે. આ ઉપનિષદોના પરિશીલનથી અંતરમાં પડેલા સંસ્કારોમાં જીવનને ઉન્નત કરવાની ઘણી શક્યતા રહેલી છે. પ્રત્યેક ઉપનિષદ્ અધ્યાત્મશાસ્ત્ર છે. તેમાં થયેલું ચિંતન અને તેની અભિવ્યક્તિ વિશિષ્ટ છે.' પૂ. વિનોબાજી કહે છે, 'ઉપનિષદ્' આ શબ્દથી સમગ્ર જ્ઞાન, સાધના અને તેમાંથી ફળનારું જ્ઞાન બંને સૂચવાયાં છે.'

‘Spiritual leader' ylu ‘Social activist'  તરીકે ઓળખાયેલ ટોચના બૌદ્ધિક અને પરમજ્ઞાની વિમલાબહેન ઠકારે ૧૯૬૫થી ૧૯૮૬ સુધીનાં ગાળામાં ભારત સહિતના લગભગ ૩૬ કરતાં વધારે દેશમાં પરિભ્રમણ, પ્રવચનો, શિબિરો વગેરે દ્વારા લોકોનું પથપ્રદર્શન કર્યું. ઘણા બધા લોકોનાં ચૈતન્યને ઢંઢોળવાનું કામ તેઓએ કર્યું. પૂ. વિમલાબહેનનાં વ્યાખ્યાનોમાંથી અનેક પુસ્તકો થયાં છે. જેમાં ઉપનિષદો તથા ભગવદ્ગીતાનો સમાવેશ થાય છે. તેઓશ્રી ઉપનિષદોને જીવનની અખંડતા સાથે જોડે છે. તેઓ કહે છે, 'ઉપનિષદો સત્યના ગુણધર્મોની ખોજ અંગેની મથામણ છે. તેને સમજણની સાથે તથા શારીરિક માળખાના શુદ્ધિકરણ સાથે સંબંધ છે.'

ભારતવર્ષમાં અત્યંત પ્રાચીન વિભિન્ન શાખાઓના સિદ્ધાંત અને આચાર સંબંધી સ્ત્રોતનાં મૂળમાં ઉપનિષદો જોવા મળે છે. અત્યંત પ્રાચીન ગણાયેલાં દશ ઉપનિષદો (ઈશ, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, કેન, બૃહદારણ્યક)માં ઈશાવાસ્ય ઉપનિષદ્નું સ્થાન મહત્વ છે. આ ઉપનિષદ્ના જુદા જુદા પાઠ અને મંત્રસંખ્યા કેટલાક વેદોમાં જુદા જુદા જોવા મળે છે. આમ તેમાં ૧૮ મંત્રો છે, પરંતુ કેટલાક સંસ્કરણોમાં ૧૬ મંત્રો છે. આચાર્યશ્રી વિનોબાભાવે કહે છે, 'ભગવદગીતામાં અઢાર અધ્યાય છે જ્યારે ઇશાવાસ્ય ઉપનિષદમાં અઢાર મંત્રો છે.' 'ઉપનિષદો એ શ્રીમદ્ ભગવદગીતા રૂપી અમૃતમય દૂધ આપનારી ગાયો છે.' આ ઉક્તિ 'ઇશાવાસ્ય ઉપનિષદ્'ના સંદર્ભમાં સૌથી વધારે યોગ્ય લાગે છે અને એના અઢાર મંત્રોમાં ગીતાનું સંપૂર્ણ તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે. આ એક નાનકડું ઉપનિષદ્ છે. આટલો બધો અર્થ જેમાં સમાવી લેવામાં આવ્યો હોય એવી બીજી કોઈ રચના નહીં હોય. ઉપનિષદ્નું બીજું નામ વેદાન્ત છે. વિનોબાજી કહે છે, 'એ નામ ઇશાવાસ્યને અક્ષરે અક્ષર અને ખાસ બંધબેસતું આવે છે.' આ ઉપનિષદ્ યજુર્વેદનો છેવટનો અધ્યાય છે. વેદાન્ત શબ્દથી વેદોનું રહસ્ય એવો અર્થ પણ અભિપ્રેત છે. એ અર્થમાં ઉપનિષદોમાં ઇશાવાસ્ય શિરોમણિ હોઈ ઉત્તમ વેદરહસ્ય છે. તે જેટલું નાનું છે તેટલું જ મહાન છે.'


Google NewsGoogle News