જેને મરતા નથી આવડતું તે ખરું જીવ્યો નથી
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- જીવતર તો જીવંત પળોને જ જ્યોર્તિમય બનાવતું હોય છે. વસિયતમાં આપણું જ નામ નથી હોતું જ્યારે આપણે જીવેલી પળમાં આપણા જ હસ્તાક્ષર હોય છે
સ્વ. કાશીનાથ ઉપાધ્યાયની એક વાતનું સ્મરણ થાય છે :
યે જિંદગી ક્યા હૈ ? એક સેન્ટેન્સ હૈ.
ઈસી મેં જનમ મરણ કા ભાવાર્થ તુમ સમજો
જવાની ક્યા હૈ ? એક ડેશ.
બુઢાપા ? એક કોમા.
મોત ? ફુલ સ્ટોપ.
આમ તો જીવન અને મૃત્યુ બંને એકબીજાને ડીફાઈન કરતા હોય છે, અર્થ આપતા હોય છે. જેમ બેંક બેલેન્સ ઘટે અને પૈસાની ચિંતા કરીએ છીએ તેમજ જીવનની પળો ગણીગાંઠી હોય ત્યારે મૃત્યુનો ડર લાગે છે. ખરી વાત એ છે કે મૃત્યુ કરતા વણજીવાયેલ જીવનથી ડરવા જેવું છે. એક જીવનશૈલી એવી છે કે દરેક પળ અને કૃત્યને એવી તીવ્રતા અને સમગ્રતાથી જીવીએ કે જાણે તે છેલ્લા હોય. દરેક સંબંધમાં બધો પ્રેમ-મૈત્રી નીચોવી નાખીએ. ડેસમંડ મોરિસની વ્યાખ્યા ગમે છે, જીવન એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેની પળમાં રમકડાની દુકાને જઈ ચડવું. કદાચ જીવન અને મૃત્યુ એક જ ચૈતન્યના બે આયામો છે, ચહેરાઓ છે.
ક્યારેક ટનબંધ સમાચારો વચ્ચે એકાદ સમાચાર આપણને વિચારતા કરી દે કે નિર્વિચાર કરી દે તેવા હોય છે. હમણાં જ, આવા એક સમાચાર આવેલાં. એમી લાહે નામની એક સ્ત્રી-માત્ર બત્રીસ વરસની. ઓસ્ટ્રેલિયન આર્મીમાં એચ. આર. અને ફાઇનાન્સમાં કામ કરે. બાળપણમાં રોવિંગ કરતી તો મોટી થઈને દરરોજ પાંચ-દસ કિ.મી ચાલી નાખનારી. ત્યાં ઓચિંતા જ ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું કે તેને કારસીનોમા નામનું એક અત્યંત દુર્લભ અને આક્રમક કેન્સર થયું છે. તેની પાસે ૬ થી ૯ મહિના જ બચ્યા છે. વિશ્વ પ્રવાસી એવી એમી થોડો સમય સ્થિર અને શાંત થઈ ગઈ. તે સ્વયં ને કહે છે કે મારી પાસે બે વિકલ્પો છે : આત્મદયા સાથે ઘરે બેસીને મૃત્યુની રાહ જોઉં કે બહાર નીકળું અને બે હાથનો ખોબો કરી જીવંત પળોને જકડી લઉં ? ક્યારેય નથી જાણી શકાય તેવી કાલથી ડરવું શું? અને તેણે દરેક પળને સદી જેમ જીવવાનું શરૂ કર્યું. નોર્મન કઝિન્સ કહેતા કે જીવનની મોટી ખોટ મૃત્યુમાં નથી પણ જીવતા હોઈએ ત્યારે આપણામાં કશુંક મરી જાય તેમાં છે. પણ એમીએ જીવી દેખાડયું. તે સાથે તેને કેન્સરથી મૃત્યુ પામતા લોકોને આર્થિક મદદ પણ કરવી હતી. તેને પોતાનો બાકી સમય અજાણ્યા લોકો વચ્ચે વિતાવવો હતો. તેણે 'વન્સ ઈન અ લાઈફ ટાઈમ લિવિંગ આર્ટ એક્ઝિબિશન' આરંભ્યું. તેના જીવનની મૂલ્યવાન મિનીટ્સ તેણે ૩-૩ મિનીટ લેખે કલાકૃતિ જેમ વહેંચી. દરેક પળને, દરેક દિવસને અહોભાવપૂર્વક જીવ્યો-વ્હાલો કર્યો. દરેક પળને તરંગ જેમ કે રોલર કોસ્ટર જેમ ચડતા-ઉતરતા જોયા. સૌને હસતા-હસતા મળતી રહી. નિરંતર જીવનને ઉત્સવ જેમ માણતી રહી.આપણે જાણીએ છીએ કે વસિયતમાં વસ્તુઓ અને નામોની યાદી હોય છે. જીવતર તો જીવંત પળોનેજ જ્યોર્તિમય બનાવતું હોય છે. વસિયતમાં આપણું જ નામ નથી હોતું જ્યારે આપણે જીવેલી પળમાં આપણા જ હસ્તાક્ષર હોય છે. એમી એ જીવનની પળોને કલાકૃતિ જેમ મઠારી. સેનેકા નામનો રોમન તત્વચિંતક એમ કહેતો,' જેને મરતા નથી આવડતું તે ખરું જીવ્યો નથી.' અરે..નીત્ઝે તો એમ કહેતો, માનવીએ ગૌરવસહ મૃત્યુ પામવું જોઈએ જ્યારે ગૌરવસહ જીવવું શક્ય ન હોય.