સૌથી હોંશિયાર ગર્ભની પસંદગી? .
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- આજે અત્યંત વેગથી આગળ વધતી ટૅક્નૉલૉજીનો સામનો કરવા માટે માણસ કેટલો બળવાન છે ? માનવી અને મશીનની રેસમાં શું માનવી પરાજિત થશે અને એ મશીન પર આધાર રાખતો એક પ્રાણીમાત્ર બની રહેશે?
આ જે હૃદયની ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરવાની ક્ષમતા રોબોટિક્સ સર્જરીએ મેળવી લીધી છે. એ કલ્પના આજે વાસ્તવિકતા બની ચૂકી છે. આ તબક્કે માનવીના આરોગ્ય અને સુખાકારી સાથે ટૅક્નૉલૉજીના સંબંધો વિશે ગંભીર વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આનું એક કારણ એ છે આજે વિશ્વમાં આરોગ્યની સંભાળ પાછળ સાત ટ્રિલિયન ડૉલરનો ખર્ચ થાય છે. વળી આટલો ખર્ચ થવા છતાં વિશ્વની અડધી વસ્તીને તો સારવાર પોષાતી નહીં હોવાથી એના અભાવે એને મોતની રાહ જોઈને જીવવું પડે છે. કેટલાકને પોતાના દર્દની જાણ હોય છે, પરંતુ એ દર્દ-નિવારણ માટે એટલો ખર્ચ થતો હોય છે કે એને સર્જરી કરવાને બદલે બાકીનાં દિવસો 'જે થાય તે' એમ માનીને પસાર કરવાના આવે છે.
આમ આરોગ્ય ક્ષેત્રે એક મોટી વિષમતા એ છે કે અનેક દેશો યોગ્ય આરોગ્ય સેવાથી વંચિત છે. એમને યોગ્ય સારવાર વિના જીવન ગુમાવવું પડે છે. એમાં પણ કોરોના કે મંકીપોક્સ જેવો કોઈ રોગચાળો ફાટી નીકળે તો તો આવા માનવીઓની ભારે બૂરી સ્થિતિ થતી હોય છે. આવે સમયે ટૅક્નૉલૉજી આવતીકાલની દુનિયાને આરોગ્ય અને સુખાકારીની બાબતમાં મદદરૂપ થઈ શકે ખરી ?
આજે તબીબી ક્ષેત્રે ટૅક્નૉલૉજીના સહારે હરણફાળ ભરવામાં આવી છે અને સતત નવાં નવાં સંશોધનો થતાં રહે છે. આપણું શરીર પણ ટૅક્નૉલૉજીની જેમ જ વર્તે છે, કારણ કે માનવી હૃદયમાં વાલ્વ અને ચૅમ્બર છે. આપણા દેહમાં તમામ અંગોને કૃત્રિમ રીતે બનાવી શકીએ છીએ અને તેથી આજે કૃત્રિમ ઘૂંટણ કે કૃત્રિમ કીડની ધરાવતા લોકો જોવા મળે છે. એમ પણ કહેવાય છે કે એક સમય એવો આવશે કે જ્યારે વ્યક્તિના શરીર પણ એટલા બધાં કૃત્રિમ પાર્ટ્સ હશે કે એનું મૂળ શરીર કેવું હતું એની જાણ નહીં થાય. જેમ કપડાં પર એટલા બધાં થીગડાં લગાવ્યા હોય કે જેથી મૂળ કપડું કયું હતું તેનો ખ્યાલ ન આવે !
આજ સુધી આપણા શરીરને બરાબર કાર્યરત રાખવા માટે અને સ્વાસ્થ્ય જાળવણી કાજે ટૅકનૉલૉજીનો ઉપયોગ થતો હતો, પણ હવે ટૅકનૉલૉજી એક ડગલું આગળ ભરી રહી છે. હવે શરીરને વધુ સારું, મજબૂત અને ઝડપી બનાવવા માટે એને 'અપગ્રેડ' કરવાનો વિચાર ચાલે છે. આનો અર્થ એ છે કે તમે ઓલમ્પિકની સૌથી ટૂંકી દોડમાં વિજેતા બનનારના પગની જોડી મેળવો તો તમે એની માફક ઝડપી દોડ લગાવીને વિક્રમ મેળવી શકશો. અર્થાત્ હવે શરીરના સ્નાયુઓને મજબૂત કરવા માટે કે એમાં ગતિશીલતા લાવવા માટે તબીબી રીતે કોઈ આક્રમક પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવશે.
આપણે જાણીએ છીએ કે ઘણી વ્યક્તિઓ 'પેસમેકર' અથવા તો કૃત્રિમ હૃદય ધરાવે છે. આજ સુધી એવું જોવામાં આવ્યું નથી કે એને કારણે માણસનું માનવત્વ ઓછું થઈ જાય છે, તો બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે ભવિષ્યમાં માઈક્રોસ્કોપિક મશીનો આપણા લોહીમાં તરશે અને એ આપણને યુવાન, સ્વસ્થ અને તરોતાજા રાખશે. આપણે જે બિમારીઓથી પીડાતા હોઈએ તેમાં સુધારો કરશે. પેન્ક્રિયાસ કામ ન કરતું હોય તો એને કોઈક ટૅક્નૉલૉજિકલ ટેકો આપીને વધુ કાર્યરત બનાવાશે. આથી ડાયાબિટીસ જેવી જીવનભર ચોંટી રહેતી બીમારી આપોઆપ વિદાય પામશે !
આમાં એવું બને કે આપણે આપણા દેહમાં થતા પરિવર્તનને નરી આંખે જોઈ શકીએ નહીં! પણ તેથી શું ? શું આપણે ડૉક્ટરો જે દવા આપે છે એને બરાબર સમજીએ છીએ ખરા ? જે સૂચના આપે, તે પ્રમાણે પેટમાં સ્વાહા કરીએ છીએ! જો આપણે વધુ સારા કાન બનાવી શકીએ તો. બહેરાશ ધરાવનારી વ્યક્તિઓ જરૂર આ નવા કાનનો ઉપયોગ કરશે અને બીજી બાજુ દવાનાં વેપારીઓની જેમ ટૅક્નૉલૉજીના વેપારીઓ પણ જોવા મળશે કે જેઓ લોકોના નવ સંસ્કરણ માટે સંપૂર્ણ સ્વસ્થ કાનનો વેપાર કરશે.
આથી ભવિષ્યમાં કેવી હાલત થશે એનો વિચાર કરવો જોઈએ, કારણ કે આ ભારે લપસણો ઢોળાવ છે. એમાં કોઈ સ્પષ્ટ સિમાંકન નથી. આપણે જાણીએ છીએ કે ચશ્માથી દ્રષ્ટિ સુધરે છે અને આને માટે ઈશ્વરના દૂત એવા બેન ફ્રેન્કલીને આવીને બાયફોકલ બનાવ્યો. આની સામે કોઈએ ફરિયાદ કરી નથી. એ પછી કોન્ટેક્ટ લેન્સ આવ્યા અને ત્યાં પણ આપણે અટક્યા નથી. લોકોની આંખની કીકીને કાપીને તેનો આકાર બદલ્યો. આ બધું એક પછી એક બન્યું અને આમાં ક્યારેય નવી ટૅકનૉલૉજીને નકારવામાં આવી નથી. એ હકીકત ભૂલવી જોઈએ નહીં ! આ અદ્ભુત બાબત તે મારા મતે ટૅક્નૉલૉજીના વિકાસનો જયઘોષ છે. સમય જતાં અંધજનો માટે આપણે બાયોનિક આંખ બનાવીએ તેમ પણ બનશે અને પછી ઝાંખુ જોનારાઓ પણ પોતાની આંખને બદલવા માટે પ્રયત્ન કરશે. વળી આવી આંખનો રંગ પણ તમે પસંદ કરી શકશો. તમારી ભૂરી આંખ જોઈએ તો ભૂરી અને વાદળી જોઈએ તો વાદળી રંગની એવી આંખ મળશે.
મારો સવાલ એ છે કે આ સઘળી બાબતો ક્યાં જઈને અટકશે ? માણસના અંગોમાં કેટલા કૃત્રિમ અંગો વાસ કરતા હશે ? ડૉક્ટરોને આજે પણ નવી નવી ટૅક્નૉલૉજીનું જ્ઞાાન મેળવવા માટે ખૂબ તત્પર રહેવું પડે છે. ભવિષ્યમાં તો એમને એને માટે કેવી દોડ લગાવવી પડશે, તે વિચારવું રહ્યું. વળી એક સવાલ ઊભો થશે કે માણસ ક્યાં સમાપ્ત થાય છે અને મશીન ક્યાંથી શરૂ થાય છે ? કેટલાક પાયાનાં મૂળભૂત પ્રશ્નોમાં પણ પરિવર્તન આવશે. જેમ કે માનવ હોવાનો અર્થ શું ? જીવન અને મૃત્યુ શું છે ? શું તમે તમારું શરીર છો ? શું તમે તમારું બ્રેઈન છો ? શું તમે તમારું મન છો ? શું તમે તમારી આંખે જુઓ છો ?
આ તો ઠીક છે, પણ મારે તમને એથીયે વિશેષ આવી રહેલા પરિવર્તનની વાત કરવી છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જુલીયન સેવ્યુલેસ્કુ કહે છે કે,'હવે જગતમાં સારા માતા-પિતાની શોધ થશે.' આનો અર્થ એ કે માતા-પિતા એમના સૌથી હોંશિયાર ગર્ભની પસંદગી કરી શકશે અને આજે ઘણી કંપનીઓ આ ટૅક્નૉલૉજી વિકસાવી રહી છે. એમની વાત પણ આકર્ષક લાગે કે શા માટે એકસો ગર્ભમાંથી શ્રેષ્ઠની પસંદગી ન કરવી ? અને આવું થાય તો માનવ વ્યક્તિની ઘણી મર્યાદાઓ આપોઆપ દૂર થઈ જાય. ગર્ભ-પસંદગી વખતે એની ખૂબીઓ અને ખામીઓની તપાસ થઈ શકે. એ વ્યસની છે, મનોરોગી છે કે હિંસક સ્વભાવ ધરાવનારો છે તે પણ જાણી શકાય, કારણ કે તમને શ્રેષ્ઠ ગર્ભની પસંદગીનો અધિકાર મળ્યો છે અને પરિણામે નૈતિક રીતે વધુ સારા બાળકો આ પૃથ્વી પર જન્મશે.
જોકે મારી દ્રષ્ટિએ આ બધા લપસણા ઢોળાવ છે. એવું પણ બને કે જે માતા-પિતા પાસે હાનિકારક જનીનો હશે તેઓ પહેલેથી ગર્ભની પસંદગીનો ઉપયોગ કરશે અને એમનાં બાળકો એ જનીનોમાંથી પસાર ન થાય તેમ કરશે. આમાંથી આનુવંશિકતા કે સંપત્તિને લગતી
બીજી સમસ્યા પણ સર્જાશે. વળી બીજી બાજુ ધનાઢ્ય લોકો એવા ગર્ભ પસંદ કરી શકશે કે તેમના બાળકો ઊંચા, સુંદર, તેજસ્વી અને રોગ સામે પ્રતિરોધ કરી શકે તેવા બળવાન હોય. એનો અર્થ એ થાય કે દુનિયા પર સુપરમેન અને સુપરવુમનની એક નવા પ્રકારની સ્પર્ધા શરૂ થશે.
આજે અત્યંત વેગથી આગળ વધતી ટૅક્નૉલૉજીનો સામનો કરવા માટે માણસ કેટલો બળવાન છે ? માનવી અને મશીનની રેસમાં શું માનવી પરાજિત થશે અને એ મશીન પર આધાર રાખતો એક પ્રાણીમાત્ર બની રહેશે ? આનો જવાબ આજે આપણી પાસે નથી. આવતીકાલ જ એનો ઉત્તર આપશે.
મનઝરૂખો
ઈ.સ. ૧૯૬૩માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્ક્વૈબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું.
માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણું મૂળ કારણ શોધીને સતત પજવતી સમસ્યાઓ રાતોરાત દૂર કરી દે છે.
અમેરિકન કરોડાધિપતિ ચાર્લ્સ સ્ક્વૈબે ઊંચા પગારે નીમેલા સલાહકારને પૂછયું, ''જીવનમાં સહુથી અમૂલ્ય સંપત્તિ કઈ છે ? જે સંપત્તિ એક વાર ગુમાવીએ તો ફરી મળતી નથી. ગયેલું ધન પાછું મેળવી શકાય છે, કથળેલું સ્વાસ્થ્ય પુન: સંપાદિત થાય છે, પરંતુ જીવનમાં ફરી પ્રાપ્ત ન થતી એવી અમૂલ્ય સંપત્તિ કઈ ? એ જાણવામાં આવે તો એના ઉપયોગ અંગે પૂરી સાવધાની રખાય.''
સલાહકારે કરોડપતિને કહ્યું, ''જીવનમાં સૌથી મહત્વની સંપત્તિ તે સમયનો યોગ્ય ઉપયોગ છે. આના માટે રોજ પ્રભાતે કામોની યાદી બનાવવી જોઈએ. એમાંથી જે અત્યંત મહત્વનાં કામો હોય તેને તેના મહત્વ પ્રમાણે ક્રમસર ગોઠવવાં જોઈએ અને તે પછી બીજાં સામાન્ય કામોની નોંધ કરવી જોઈએ. એ મહત્વનાં કાર્યો પહેલાં ક્રમસર પૂર્ણ કરવાં જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.''
કરોડપતિને સવાલ જાગ્યો કે આવી અગ્રતાક્રમે યાદી બનાવવાનો અર્થ શો ? ત્યારે એને સમજાયું કે સિત્તેર વર્ષ જીવતો માનવી પચીસ વર્ષ નિદ્રામાં, આઠ વર્ષ અભ્યાસમાં, સાત વર્ષ વૅકેશન અને મોજમસ્તીમાં, છ વર્ષ આરામ અને બીમારીમાં, પાંચ વર્ષ રોજના વાહનવ્યવહારમાં, ચાર વર્ષ ભોજનમાં અને ત્રણ વર્ષ સામાન્ય કામકાજમાં પસાર કરી દે છે. આથી મહત્વનું કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે માત્ર બાર જ વર્ષ હોય છે. માટે વ્યક્તિએ પોતાના કામોના ક્રમને યોગ્ય રીતે ગોઠવવા જોઈએ.
ક્ષણનો સાક્ષાત્કાર
કોઈ ભવ્ય પ્રતિભા કે ઉન્નત આદર્શ સાથે સાર્થક જીવન ગાળનારી વ્યક્તિ તમારી આંખમાં સ્વપ્નોનું આંજણ આજે છે. જીવનમાં દ્રશ્ય કે અદ્રશ્ય એવી કોઈ પ્રતિભાનો પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય થાય અને આપણે એનાથી અભિભૂત બની જઈએ. એવી પ્રતિભા આપણા જીવનમાં સર્જવા માટે પ્રયત્ન કરીએ છીએ. ચિત્ત પર છવાઈ ગયેલી એ પ્રતિભાની પ્રવૃત્તિ, વિચારો અને આચરણ એ સઘળું મન પર ઊંડી છાપ પાડે છે. એના જીવનના માર્ગ પર વ્યક્તિ ડગ માંડે છે અને એ રીતે જિંદગીની સાર્થકતા પામવા માટેનો પ્રયત્ન કરે છે.
દરેક વ્યક્તિની ભીતરમાં પડેલું બીજ ધીરે ધીરે પ્રગટતું અને વિકસતું હોય છે. ક્યારેક એની ખોજ માટે એ એકાંતનું સેવન કરે છે, તો ક્યારેક એ પોતે 'સ્વ' સાથે વાતચીત કરીને પોતાનું આત્મનિરીક્ષણ કરે છે. જીવનમાં આવું સ્વપ્ન ઊંચા આદર્શ આપે છે. પંડિત સુખલાલજીનું દર્શનશાસ્ત્રનું અગાધ જ્ઞાાન, વેસ્ટ ઈન્ડિઝના સુકાની ફ્રેંક વોરેલની ખેલદિલી, રાજપુરુષ લાલબહાદુરનો રાષ્ટ્રપ્રેમ, રવિશંકર મહારાજની લોકસેવા કે આલ્બર્ટ આઈન્સ્ટાઈનની જ્ઞાાનનિષ્ઠા આપણને સ્પર્શી જાય છે અને ધીરે ધીરે એ સઘળી બાબતો આપણા જીવનને ઘાટ આપણી રહે છે.
જે વ્યક્તિ આવી પ્રતિભા પાસેથી પ્રાપ્ત થયેલી પ્રેરણાને સ્વજીવનમાં વિકસાવવા પ્રયત્ન કરે છે, તેનું જીવન મહેંકી ઊઠે છે. એની સામે લક્ષ્ય રહે છે અને તેની પ્રાપ્તિમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરે છે. જો એ લક્ષ્ય ચૂકી જાય અને માત્ર બાહ્ય વિપત્તિઓથી ડરીને કે દુર્ભાગ્યથી ભયભીત થઈને જીવનનો મર્મ ગુમાવી દે, તો એને કશી પ્રાપ્તિ થતી નથી. એનું આ પૃથ્વી પરનું સમગ્ર અસ્તિત્વ નિરર્થક બની જશે. આવી વ્યક્તિ કશાય ઉદ્દેશ વિના અહીં-તહીં ભટક્યા કરશે અને પરિણામે એ જીવનમાં આનંદ અને પ્રસન્નતાથી ખૂબ દૂર ચાલ્યો જશે. સૌથી મોટી બાબત તો એ છે કે એ એની ભીતરમાં રહેલી ક્ષમતાનો દ્રોહ કરે છે. એની ઉપેક્ષા કરીને એના જીવનને ધ્યેયહીન બનાવે છે અને અંતે વ્યર્થતા અને વિષાદમા ંએનો અંત આવે છે.