Get The App

ઇગોર સ્પાસ્કી : સબમરીન ડિઝાઇનના સોનેરી દિવસોનો અંત .

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ઇગોર સ્પાસ્કી : સબમરીન ડિઝાઇનના સોનેરી દિવસોનો અંત        . 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

પ્રા ચીનકાળથી માનવી શસ્ત્રની શોધ કરતો આવ્યો છે. ભૂતકાળમાં શસ્ત્રનો ઉપયોગ વ્યક્તિને મારવા કે અપંગ કરવાથી માંડીને વિશાળ રાજ્ય અને સમગ્ર સંસ્કૃતિનો નાશ કરવા માટે પણ થઈ ચૂક્યો છે. માણસ માટે શસ્ત્રની શોધ સૌથી મોટી સાંસ્કૃતિક અને કલાત્મક સિદ્ધિ ગણાય છે. યુદ્ધના ઇતિહાસમાં વપરાતા સાધનોથી વિજય, આક્રમણ અને ગુલામી જેવી ભેટ મળે છે. શાંતિના સમયમાં વિવિધ રાષ્ટ્રની દુષ્ટતાને રોકવા અને શાંતિ જાળવી રાખવા માટે પણ શસ્ત્રનો ઉપયોગ થાય છે. યુદ્ધમાં વપરાતુ આવું જ એક ખતરનાક શસ્ત્ર એટલે સબમરીન. આધુનિક કાળમાં ખતરનાક શસ્ત્ર તરીકે ન્યુક્લિયર સબમરીનનો ઉપયોગમાં લેવાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે ચાલેલા કોલ્ડવોરના પરિણામે, વિશ્વને પાવરફુલ ન્યુક્લિયર સબમરીનની ભેટ મળે છે. સોવિયેત યુનિયન અને હવે રશિયાને ન્યુક્લિયર સબમરીનમાં અગ્રેસર રાખનાર, રશિયન ઇજનેર, સબમરીન ડિઝાઇનર ઇગોર દિમિત્રીવિચ સ્પાસ્કીનું  ૩ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ૯૮ વર્ષની ઉંમરે અવસાન થયું છે. 

૨૦૦૧માં રશિયાએ તેની સબમરીન ડિઝાઇનના ૧૦૦ વર્ષની ઉજવણી કરી ત્યારે, રશિયન સબમરીન ડિઝાઇન સંસ્થા 'રૂબિન'ના વડા ઇગોર સ્પાસ્કી હતા. પરંતુ તેઓ જિંદગીની સેન્ચ્યુરી મારવાનું ચૂકી ગયા છે. એમણે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર સબમરીનમાં વિસ્ફોટ થતા, તેમાં રહેલ કેટલાક જવાનો મૃત્યુ પામ્યા હતા. આવા કપરાં સમયમાં સ્પાસ્કીની ન્યુક્લિયર ડિઝાઇન વિવાદાસ્પદ બની હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ સોવિયત સંઘ અને ત્યારબાદ રશિયામાં થયેલ સબમરીન ડિઝાઇનનો ઇતિહાસ અને ઇગોર દિમિત્રીવિચ સ્પાસ્કીની જીવનકથા સમાંતર રીતે ચાલે છે. ઇતિહાસની આરસીમાં ડોકિયું કરીએ તો...

સબમરીન સંશોધનની શરૂઆત

વૈશ્વિક ઇતિહાસની વાત કરીએ તો, ખરેખર પાણીની સપાટી નીચે જઈને  પ્રવાસ ખેડીને આગળ વધે તેવી સબમરીન ડિઝાઇન કરવાનો શ્રેય ડચમેન કોર્નેલિયસ ડ્રેબેલના ફાળે જાય છે. જે કિંગ જેમ્સ પ્રથમના દરબારી શોધક તરીકે સેવા આપતા હતા. ૧૬૨૩માં લંડનની થેમ્સ નદીમાં પ્રથમવાર અંડર વોટર સબમરીન સવારી કરી હોવાનો ઐતિહાસિક પુરાવો મળે છે. ૧૮મી અને ૧૯મી સદીમાં બ્રિટન, જર્મની, ઇટાલી અને ફ્રાન્સ જેવા યુરોપના દેશ પણ સબમરીન વિકસાવવા માટે આગળ વધે છે. રશિયાને સબમરીન શોધકના વૈશ્વિક નકશા ઉપર પ્રથમ હરોળમાં મુકવા માટે, યેફિમ નિકોનોવ, રશિયન ઝાર પીટર પ્રથમને એક વિશિષ્ટ પ્રકારની સબમરીન તૈયાર કરવાની દરખાસ્ત આપે છે. જે સબમરીન રોકેટ અને મિસાઈલ વડે સજ્જ થયેલી હોય. રશિયન ઝાર પીટર પ્રથમની મંજૂરી મળતા, જૂન ૧૭૨૦માં પ્રથમ પ્રોટોટાઈપ સબમરીનનું બાંધકામ પૂર્ણ થાય છે. પરંતુ ૧૭૨૫માં ઝાર પીટર પ્રથમનું અવસાન થતાં, પ્રોજેક્ટનો અણધાર્યો અંત આવે છે.

લગભગ એક સદી બાદ મે ૧૮૩૪માં સેન્ટ પીટર્સબર્ગ ખાતે ઇવાન ફેડોરોવિચ લેક્સાન્ડ્રોવસ્કીના યાર્ડમાં એન્જિનિયર-જનરલ કાર્લ એન્ડ્રીયેવિચ શિલ્ડરની લોખંડની સબમર્સિબલ ડિઝાઇન વાળી સબમરીનનું બાંધકામ પૂર્ણ કરવામાં આવે છે.  

૧૮૯૦ના સમયગાળામાં સબમરીનમાં ફરી પાછો રશિયન પ્રજાને રસ જાગે છે. એક સબમરીન સમિતિની સ્થાપના કરવામાં આવે છે. જૂન ૧૯૦૧માં રશિયાની પોતાની સ્વદેશી ડિઝાઇનની સબમરીન, ઇવાન ગ્રિગોરેવિચ બુબ્નોવના નેતૃત્વમાં તૈયાર કરે છે. જે ડેલ્ફિન તરીકે ઓળખાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતા પહેલા જ, રશિયા પોતાની બાર્સ ક્લાસની સબમરીનને દરિયાના પાણીમાં ઉતારી ચૂકી હોય છે. રશિયાએ સબમરીનની ડિઝાઇન, ફક્ત પોતાના જ અનુભવ અને પ્રયોગો દ્વારા તૈયાર કરી હોય તેવું માની લેવું ભૂલ ભરેલું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ ઇટાલી, ગ્રેટ બ્રિટન, ફ્રાંસ અને જર્મનીની સબમરીન ડિઝાઇન અને મોડેલની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, રશિયાએ પોતાના સબમરીનની ડિઝાઇન તૈયાર કરી હતી.

કોલ્ડ વૉરનું હોટ રિસર્ચ

બીજા વિશ્વયુદ્ધમાં નૌકાદળની તાકાત વધારવામાં સબમરીન કેટલી ઉપયોગી થાય છે? તેનું મહત્વ અમેરિકા અને રશિયાને સમજાઈ ચૂક્યું હોય છે. બંને મહાસત્તાઓ સબમરીનમાંથી જ રોકેટ અને મિસાઈલ છોડી શકાય તેવી, આધુનિક સબમરીન તૈયાર કરવા માટે આગળ વધે છે. આ વિજ્ઞાાન સંશોધનની કવાયતમાંથી અમેરિકાને સી-વુલ્ફ કલાસ અને વર્જિનિયા ક્લાસની સ્ટીલ્ધ સબમરીન વિકસાવવામાં સફળતા મળે છે. સિ-વુલ્ફ સબમરીનમાં એકસાથે ૫૦ જેટલા ટોમ હૉક ક્રુઝ મિસાઈલ ગોઠવી શકાય છે. જ્યારે વર્જિનિયા ક્લાસ સબમરીનમાં ટોર્પિડો, ટોમ હૉક ક્રુઝ મિસાઈલ અને હારપૂન મિસાઈલ ગોઠવી શકાય છે. રશિયા પાસે અકુલા ક્લાસ અને યાસેન ક્લાસની લેટેસ્ટ સબમરીન છે. 

રશિયાના ત્રણ સબમરીન ડિઝાઇનના મુખ્ય કેન્દ્રોમાંથી બે સેન્ટર, સેન્ટ પીટર્સબર્ગ ખાતે આવેલ છે. જેમાં માલાખિત મરીન એન્જિનિયરિંગ બ્યુરો અને રુબિન સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો ફોર મરીન એન્જિનિયરિંગ (રુબિન) સમાવેશ થાય છે. જયારે લાઝુરિટ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો સબમરીન અને સબમર્સિબલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં અગ્રણી ડિઝાઇન પબ્લિક કંપની છે. ૨૦૦૧માં સબમરીન સંશોધનના ૧૦૦ વર્ષની ઉજવણી કરવા માટે, ૨૫ પાનાના બ્રોસર જેવી અંગ્રેજીમાં એક પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી. જેનું ટાઇટલ હતું 'ફાઈવ કલર ઓફ ટાઈમ'. આ પુસ્તિકામાં રશિયા દ્વારા સબમરીન વિકસાવવા માટે કરવામાં આવેલ શોધ અને સંશોધનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે.

દુનિયામાં માત્ર પાંચ જ દેશ એવા છે જેમની પાસે ન્યુક્લિયસ સબમરીન વિકસાવવાની ટેક્નોલોજી છે. આ પાંચ દેશોમાં રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે. સોવિયત યુનિયન હોય કે અલગ થયેલ રશિયા હોય, મોટાભાગે તેમના વિજ્ઞાાનીઓએ કરેલ સંશોધનને લોખંડી દિવાલ પાછળ ગુપ્ત રાખવામાં આવે છે. જેના કારણે રશિયન વિજ્ઞાાનીઓનાં જીવન વિશે જાણકારી ભરપૂર મળે છે પરંતુ તેમના સંશોધન વિશે ખૂબ જ ઓછું લખાણો ઉપલબ્ધ થાય છે. આવું જ કંઈક વિશે ઇગોર સ્પાસ્કીના કિસ્સામાં પણ બનેલ છે. 

સમયના પાંચ કાલખંડ

ઇતિહાસ સોવિયત સંઘના આધુનિક સબમરીન વિકસાવવાના સમયગાળાને પાંચ ભાગમાં વહેંચી નાખે છે. પ્રથમ તબક્કો સફેદ સમયગાળા - વાઈટ પિરિયડ તરીકે ઓળખાય છે. ૧૯૦૧ થી ૧૯૨૫ વચ્ચેના સમયગાળામાં યુદ્ધમાં લડાયક ભૂમિકા ભજવે તેવી સબમરીનની સૈદ્ધાંતિક ડિઝાઇનથી માંડીને બાંધકામનો આ પણ પ્રારંભિક તબક્કો હતો. આ સમયગાળામાં પ્રાથમિક કક્ષાની સબમરીન તૈયાર કરવામાં આવી હતી. બીજો તબક્કો લાલ સમયગાળા- રેડ પિરિયડ તરીકે ઓળખાય છે. જેમાં સોવિયત સંઘ બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવે છે. અમેરિકા સાથે ખભે મિલાવીને રશિયાએ ૧૯૨૫થી ૧૯૪૫ વચ્ચે સબમરીનની ડિઝાઇન અને બાંધકામ કરે છે. ૧૯૪૫થી ૧૯૫૫નો સમય ગાળો બ્લુ પિરિયડ એટલે કે વાદળી સમયગાળા તરીકે ઓળખાય છે. આ સમયે અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે ટેકનોલોજીકલ અને રાજકીય સંઘર્ષમાં કોલ્ડ વોરની શરૂઆત થઈ હતી. ૧૯૫૫થી ૧૯૯૦ વચ્ચેનો સમય ગાળો, સબમરીન સંશોધન માટે સુવર્ણયુગ એટલે કે ગોલ્ડન પિરિયડ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં સોવિયત સંઘ દ્વારા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, મરીન મિસાઈલ વેપન્સ અને ન્યુક્લિયર પાવર સબમરીન વિકસાવવામાં આવી હતી. વિજ્ઞાાન સંશોધનના સોનેરી વર્ષોમાં, સોવિયત સંઘમાં ઇગોર સ્પાસ્કીની કારકિર્દીની શરૂઆત થાય છે. રાજકીય અસ્થિરતાના કારણે, સોવિયત સંઘનું વિભાજન થાય છે. ત્યારબાદનો સમય ગાળો એટલે કે ૧૯૯૦થી ૨૦૦૦ સુધીનો સમય ગાળો, રશિયા માટે આર્થિક કટોકટીનો સમય ગાળો છે. જેના કારણે સબમરીન ડિઝાઇન અને બાંધકામની પ્રવૃત્તિ ઉપર અઘોષિત ઘટાડો થયેલ જોવા મળે છે. આ સમયગાળાને ગ્રે  પિરિયડ તરીકે ઓળખવામાં આવે છે. આમ છતાં આજ સુધી સોવિયત સંઘ હોય કે છૂટું પડેલ રશિયા હોય, તેમની પાસે રહેલ સબમરીનની સંખ્યા ૨૦૦થી નીચે ક્યારેય પહોંચી નથી.  ૧૧ માર્ચ ૧૯૦૬ના રોજ સોવિયત સંઘના નૌકાદળમાં નવા પ્રકારના ૭ યુદ્ધ જહાજનો સમાવેશ થાય છે. જેને દુનિયા સબમરીન તરીકે ઓળખે છે. આ ઘટનાની યાદમાં રશિયા દર વર્ષે, ૧૯ માર્ચને 'ડે ઑફ સબમરીન' તરીકે ઓળખવામાં આવે છે.

સોનેરી દિવસોનો અંત

ઇગોર દિમિત્રીવિચ સ્પાસ્કીનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૨૬ના રોજ, મોસ્કો પ્રદેશના નોગિન્સ્ક શહેરમાં થયો હતો. ૧૯૪૯માં તેમણે ડીઝેર્કિન્સ્કી હાયર નેવલ એન્જિનિયરિંગ સ્કૂલમાંથી એન્જિનિયરિંગ અભ્યાસ કરીને સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ તેણે થોડા સમય માટે તેમણે ક્રુઝર ફ્ંઝનાં એન્જીનીયર તરીકે સેવા આપી હતી. સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ મેરીટાઇમ ટેકનિકલ યુનિવર્સિટીના શિપ ડિઝાઇન વિભાગના પ્રોફેસર તરીકે પણ તેમણે સેવા આપી હતી. ૧૯૫૦માં તેમણે સબમરીન ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ કન્સ્ટ્રક્શન ડિઝાઇન બ્યુરો-૧૪૩, ત્યારબાદ ૧૯૫૩થી કન્સ્ટ્રક્શન ડિઝાઇન બ્યુરો-૧૮માં સબમરીન ડિઝાઇન ઉપર સંશોધન અને બાંધકામનું કામ શરૂ કર્યું હતું. ૧૯૫૬માં તેઓ રૂબિનના ખૂબ મુખ્ય એન્જિનિયર બન્યા હતા. ૧૯૬૮માં તેઓને રુબિન ડિઝાઇન બ્યુરોના મુખ્ય ઈજનેર બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૪થી તેઓ રુબિન ડિઝાઇન બ્યુરોનાં મુખ્ય ડિઝાઇનરના પદના સાથે બ્યુરોના વડા પણ બન્યા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ૧૮૭ જેટલી સબમરીનનું બાંધકામ કર્યું હતું. જેમાં ૯૧ સબમરીન ડીઝલ ઇલેક્ટ્રીક પાવર દ્વારા ચાલતી હતી જ્યારે ૯૬ સબમરીન્યુક્લિયર પાવર દ્વારા સંચાલિત હતી. 

તેમણે વ્યૂહાત્મક બેલિસ્ટિક મિસાઇલ સબમરીન જેવી કે ડેલ્ટા III--વર્ગની સબમરીન (667BDR  કાલમર). ટાયફૂન-ક્લાસ સબમરીન (પ્રોજેક્ટ ૯૪૧-અકુલા) અને ડેલ્ટા IV- વર્ગની સબમરીન (૧૯૮૧થી ડેલ્ફિન) ઉપર કાર્ય કર્યું હતું. ક્રૂઝ મિસાઇલ સબમરીન જેવી કે ઓસ્કાર I (પ્રોજેક્ટ ૯૪૯ ગ્રેેનાઈટ) અને ઓસ્કાર  II  (પ્રોજેક્ટ 949Aએન્ટિ) ક્લાસ સબમરીન ઉપર સંશોધન અને બાંધકામ કર્યું હતું. ૧૯૬૫માં તેમને લેનીન પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. ૧૯૭૮માં તેમને ડોક્ટર ઓફ ટેકનિકલ સાયન્સની પદવી આપવામાં આવી હતી. ૧૯૮૪માં યુ.એસ.એસ.આર સ્ટેટ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.  તેમને બે વાર ઓર્ડર ઓફ લેનીન, ઓર્ડર ઓફ ઓક્ટોબર રેવોલ્યુસન, ઓર્ડર ઓફ રેડ બેનર ઓફ લેબર જેવા અનેક ઈલ્કાબ મળ્યા હતા.


Google NewsGoogle News