Get The App

મનોવિજ્ઞાની લોરેન્સ લેશાનના જીવનની રહસ્યમય ઘટના

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
મનોવિજ્ઞાની લોરેન્સ લેશાનના જીવનની રહસ્યમય ઘટના 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- કોઈ અજ્ઞાત શક્તિએ મને કારમાંથી નીચે ઉતરી એ પુસ્તક લઈ આવવા પ્રેરણા કરી. હું પેલું પુસ્તક ઉઠાવી પાછો કારમાં બેસી ગયો. આગળ જઈને મેં નામ વાંચ્યું તો શરીરમાં વીજળી દોડી ગઈ 

અ મેરિકાના મૂર્ધન્ય મનોવિજ્ઞાની, શિક્ષણવિદ્, સાઈકોથેરાપિસ્ટ અને લેખક ડૉ. લોરેન્સ લેશાન (Lawrence Leshan) ગૂઢવિદ્યા (Mysticism) ના નિષ્ણાત સંશોધક હતા. ડૉ. લોરેન્સ લેશાને (૮ સપ્ટેમ્બર ૧૯૨૦-૯ નવેમ્બર ૨૦૨૦) યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કામાંથી માસ્ટર્સ ડીગ્રી અને યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. તે પેસ કોલેજ, રૂઝવેલ્ટ યુનિવર્સિટીમાં અધ્યાપન કરતા હતા અને ન્યૂ સ્કૂલ ફોર સોશિયલ રિસર્ચ ખાતે સંશોધન કરતા હતા. તેમણે પચાસથી પણ વધુ વર્ષો સુધી કિલનિકલ અને રિસર્ચ સાઈકોલોજિસ્ટ તરીકે કામગીરી કરી હતી અને છ વર્ષ યુનાઈટેડ સ્ટેટસ આર્મીમાં પણ મનોવિજ્ઞાની તરીકે સેવાઓ આપી હતી.

ડૉ.લોરેન્સ લેશાને ૧૯૬૦ અને ૧૯૭૦ના બે દશકોમાં પરામનોવિજ્ઞાનના ક્ષેત્રે વિસ્તૃત સંશોધનો કર્યા હતા. તેમના પુસ્તક 'ધ મિડિયન, ધ મીસ્ટિક એન્ડ ધ ફિઝિસિસ્ટ : ટુવર્ડ અ જનરલ થિયરી ઓફ ધ પેરાનોર્મલ'માં તેમણે ચૈતસિક શક્તિઓ, પેરાનોર્મલ ઘટનાઓ, ગૂઢ તત્ત્વો, પ્રેતાત્મા જગત અને ક્વોન્ટમ મિકેનિકસ વિશે વિશદ માહિતી પૂરી પાડી છે. કલેરવોયન્સ, પ્રિકોગ્નિશન અને ટેલિપથી જેવી ચૈતસિક ક્ષમતાઓને ક્વોન્ટમ થિયરીથી યથાર્થ સમજાવી શકાય છે એવું તેમણે 'ઈન ધ વર્લ્ડ ઓફ ધ પેરાનોર્મલ : ધ નેક્સ્ટ ફ્રન્ટિયર' નામના તેમના પુસ્તકમાં દર્શાવી તેના પુરાવા પણ રજૂ કર્યા છે. 'હાઉ ટુ મેડિટેટ-અ ગાઈડ ટુ સેલ્ફ ડિસ્કવરી', 'ઓલ્ટરનેટ રિયાલિટી : ધ સર્ચ ફોર ધ ફુલ હ્યુમન બિઈંગ', 'હોલિસ્ટિક હેલ્થ : હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ ધ રિવોલ્યુશન ઈન મેડિસન' 'બિયોન્ડ ટેકનિક : સાઈકોથેરેપી ફોર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી' 'અ ન્યૂ સાયન્સ ઓફ ધ પેરાનોર્મલ : ધ પ્રોમિસ ઓફ સાઈકિકલ રિસર્ચ, લેન્ડસ્કેપ્સ ઓફ ધ માઈન્ડ : ધ ફેઈસિસ ઓફ રિયાલિટી' જેવા તેમના અનેક પુસ્તકો પ્રસિદ્ધિ પામેલા છે. ડૉ. લોરેન્સ લેશાને તેમના પોતાના જીવનમાં બનેલી એક અદ્દભુત પેરાનોર્મલ ઘટનાની વાત લખી હતી. તેમણે ૧૯૬૮માં 'ઈન્ટરનેશનલ જર્નલ ઓફ પેરાસાઈકોલોજી'માં આ ઘટના પ્રકાશિત કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું - '૧૯૬૭ના ડિસેમ્બર મહિનાના શરૂઆતના દિવસો હતો. હું તંત્ર વિશે એક પુસ્તક લખી રહ્યો હતો. મેં એની હસ્તપ્રત એક અન્ય મનોવિજ્ઞાની અને ગૂઢ વિદ્યાના નિષ્ણાત ડૉ.નીના રિડનોરને અવલોકન અને અભિપ્રાય માટે મોકલી. તેમણે તેનો અભ્યાસ કરી લીધો એટલે એના વિશે ચર્ચા-વિચારણા કરવા અમે મળવાનું નક્કી કર્યું, ૧૧ ડિસેમ્બર ૧૯૬૭ના રોજ અમારી મિટિંગ ગોઠવાઈ. તે વખતે ડૉ.નીનાએ મને કહ્યું - 'તમારું તંત્રને લગતું જ્ઞાન હજુ અધૂરું અને ઓછું છે. આ પુસ્તક પ્રકાશિત કરતાં પહેલાં તમારે આ વિષયને લગતા કેટલાક પુસ્તકો વાંચી લેવા જોઈએ. તેમણે નિકોલ, સ્ટેસ અને ઓસ્પેન્સ્કી વડે લખાયેલા આઠ પુસ્તકોના નામ લખાવ્યાં. મેં એ બધા પુસ્તકોના નામ મારી નોંધપોથીમાં લખી કાઢ્યા. મેં છેલ્લું નામ લખવાનું પૂરું કર્યું તે વખતે એમનો અવાજ મારા કાનમાં પડયો - આ ઉપરાંત એક પુસ્તક તો ખાસ વાંચવું જ રહ્યું. આ પુસ્તક છે. એલ. ક્રેનમર-બીન્ગ (L.Cranmer-Byng) નું 'ધ વિઝન ઓફ એશિયા (The Vision of Asia). જ્યાં સુધી તમે એ નહીં વાચો ત્યાં સુધી તમને પૂર્વના અને પશ્વિમના તંત્ર વિશેનો ભેદ ખ્યાલમાં નહીં આવે.' મેં આ પુસ્તક અને તેના લેખકનું નામ લખીને એની આગળ ફૂદડીની નિશાની કરીને સર્વાધિક મહત્ત્વપૂર્ણ (most important)  એમ લખ્યું પણ ખરું.

ડૉ.નીના રિડનોરની ચર્ચાએ મારામાં ખૂબ રસ જગાડયો. મેં તેમણે સૂચવેલા આઠે પુસ્તકો મેળવી લીધા અને વાંચવા પણ માંડયા પણ તેમણે લખાવેલું છેલ્લું સર્વાધિક મહત્ત્વપૂર્ણ પુસ્તક 'ધ લાઈબ્રેરી ઓફ પેરાસાઈકોલોજિકલ ફાઉન્ડેશનની મુલાકાતે ગયો પણ ત્યાંથીય તે ના મળ્યું. ત્યાંથી હું ધ લાઈબ્રેરી ઓફ યુનિયન થિયોલોજિકલ સેમિનરી પણ ગયો. ત્યાંય તે પુસ્તક ન મળ્યું. ક્યાંયથી તે ન મળ્યું.'

એક દિવસ સાંજના સમયે હું ઘેર પાછો ફરી રહ્યો હતો. મારે મોડું થઈ ગયું હતું. છતાં કોણ જાણે કેમ મેં રોજ કરતાં સાવ જુદો અને લાંબો રસ્તો પકડયો. પહેલાં કોઈ દિવસ હું આ રસ્તે ઘેર ગયો નહોતો. થોડે આગળ ગયો પછી એક ટ્રાફિક સિગ્નલ આવતાં મેં ગાડી ઊભી રાખી. મેં જોયું તો મારી કારની સહેજ આગળ રસ્તાની ધાર પર એક પુસ્તક પડયું હતું. કોઈ અજ્ઞાત શક્તિએ મને કારમાંથી નીચે ઉતરી એ પુસ્તક લઈ આવવા પ્રેરણા કરી. હું ઝડપથી કારમાંથી બહાર નીકળ્યો અને પેલું પુસ્તક ઉઠાવી પાછો કારમાં બેસી ગયો. થોડે આગળ જઈને મેં એનું  નામ વાંચ્યું તો જાણે મારા શરીરમા  વીજળી દોડી ગઈ હોય એવો અનુભવ થયો. મારી ખુશીનો પાર ન રહ્યો કેમ કે તે પુસ્તક હતું એલ.ક્રેનમર-બીંગનું 'ધ વિઝન ઓફ એશિયા. એ પુસ્તક જેને હું દિવસોથી શોધતો હતો. તે આવી રીતે મળી આવશે તે મારા માન્યમાં આવતું નહોતું !'

મેં ઘેર જઈને તરત તે વાંચવાનું શરૂ કરી દીધું. ડૉ.નીનાની વાત સાચી હતી. એ ના વાંચ્યું હોત તો હું પૂર્વ અને પશ્ચિમના તંત્રના સિદ્ધાંતોનો ભેદ જાણી જ ના શક્યો હોત. પુસ્તક પૂરું વંચાઈ ગયા બાદ આભાર માનવા મેં ડૉ. નીનાને ફોન કર્યા અને કેવી વિચિત્ર રીતે તે મને રસ્તા પરથી તે મળી આવ્યું તે બધી વાત કરી. નીનાએ આશ્ચર્યપૂર્વક કહ્યું - 'ક્યું પુસ્તક ?' મેં જણાવ્યું - તમે છેલ્લે કહ્યું હતું તે - એલ. ક્રેનમર-બીંગ દ્વારા લખાયેલું 'ધ વિઝન ઓફ એશિયા.' નીનાએ ફરી અચરજ સાથે કહ્યું - આ પુસ્તક વિશે મેં કદી સાંભળ્યું નથી. એનું નામ જ હું તમારી પાસેથી પહેલીવાર સાંભળું છું ! મને તે પુસ્તક કે તેના લેખકના નામની ખબર જ નથી. હું બિલકુલ સાચું કહ્યું છું.

હવે વિસ્મય પામવાનો વારો મારે હતો. જો આટલા લબ્ધ પ્રતિષ્ઠિત, પ્રમાણિક, જવાબદાર વ્યક્તિ નીન, રિડનોર એમ કહેતા હોય કે તે પુસ્તક વાંચવાનું તેમણે કહ્યું જ નહોતો તે અવાજ કોનો હતો? તે અવાજ નીનો છે એવું માને કેમ લાગ્યું ? આ મારા મનનો ભ્રમ નહોતો તે પણ હકીકત હતી, કેમ કે મેં એ પુસ્તકનું નામ 'મોસ્ટ ઈમ્પોર્ટન્ટ' એમ લખી એની આગળ ફુદડી પણ કરી હતી. એ ડાયરી મારી પાસે પુરાવા રૂપે મોજુદ છે. પોતે પણ તે નામથી અજાણ હતા એટલે પોતાના મનમાંથી તે પ્રક્ષિપ્ત (Project) થયું હોય તે પણ સંભવ નથી. તે જરૂર પારલૌકિક વ્યક્તિથી ઉચ્ચારાયું હશે અને દૂર શ્રવણ (Clairaudience)  ક્ષમતા ઉદ્દભવતા સંભળાયું હશે ! અજ્ઞાત શક્તિઓ અને ગૂઢવિદ્યા, પેરાનોર્મલ વિષયના સંશોધક ડૉ. લોરેન્સ લેશાન પોતાના જીવનમાં બનેલી આ અસાધારણ, વિચિત્ર ઘટનાનું રહસ્ય ઉકેલી શક્યા નહોતા. 


Google NewsGoogle News