Get The App

શું અર્શની મમ્મી નિયાદેવી 'કુમાતા' બની ગયાં હતાં?

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
શું અર્શની મમ્મી નિયાદેવી 'કુમાતા' બની ગયાં હતાં? 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'દાદી બનવું એટલે વડની જેમ વિસામો બનવું એના છાંયડામાં બેસનારને શીતળતાનો અનુભવ ન થાય, તો 'દાદીપણું નિરર્થક' - પ્રિયાદાદીના હૈયાની વાત

પ્રિ યાદાદી આલબમનાં પાનાં ધ્યાનપૂર્વક જોઈ રહ્યાં છે. તસવીરોમાં છેલ્લાં પાંચ વર્ષનો ઇતિહાસ હતો. તેમનો એકનો એક પુત્ર સ્પર્શ, રંગે રૂડો, રૂપે પૂરો... પ્રિયાદેવી વાજતે-ગાજતે સ્પર્શની જાન લઇને નીકળ્યાં હતાં. સુરવાલ, લંબકોટ, માથે ફેંટો, હાથમાં કટાર અને નાળિયેર, રંગીલા ઘોડા પર સવારી... સ્પર્શ બિલકુલ એના પપ્પા પ્રસન્નરાય જેવો જ દેખાતો હતો. પ્રિયાદેવીને પોતાના સ્વ. પતિ પ્રસન્નરાયની યાદ આવી ગઈ... ગળે ડૂમો ભરાઈ ગયો... થોડું પાણી પીને ફરી પાછાં આલબમ જોવામાં પરોવાઈ ગયાં...

રૂપરૂપના અંબાર સમી પુત્રવધૂ રિયાને લઇને પ્રિયાદેવી ઘરે આવ્યાં ત્યારે તેઓ કેટલા ખુશખુશાલ દેખાતાં હતાં... પુત્રવધૂને પોંખતાં તેમના ફોટાને જોઇને પ્રિયાદેવીને થયું પોતે કેટલાં હરખઘેલાં થઇ ગયાં હતાં ? એમના જીવનનું એક જ લક્ષ્ય હતું... રિયા અને સ્પર્શને ખુશ રાખવાનું ઘરમાં કોઈ વાતની ખોટ નહોતી. પ્રસન્નરાય સારી એવી સંપત્તિ મૂકીને ગયા હતા. બધું સારી રીતે ચાલતું હતું. રિયા અને સ્પર્શના લગ્નને માંડ એક વર્ષ થયું હશે... ત્યાં રિયાએ સાસુમા પ્રિયાદેવીને કહ્યું હતું : 'મમ્મીજી, મને અને સ્પર્શને અમેરિકાના વિઝા મળી ગયા છે. અમને જિંદગી માણવાના કોડ છે. અહીં ભારતમાં પડયા રહેવાથી કશું વળવાનું નથી. પપ્પાજી ઘણું મૂકીને ગયા છે એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. રિયા-સ્પર્શ અમેરિકા ચાલ્યાં ગયાં. પૌત્ર,પૌત્રીને વાત્સલ્યથી ભીંજવવાના દાદીના અરમાન અધૂરાં રહી ગયાં... પ્રિયાદાદીની આંખમાંથી આંસુ સરી રહ્યાં હતાં... ત્યાં તેમના મોબાઈલની રિંગ વાગી... સ્મરણયાત્રા થોભી ગઈ. તેમણે ફોન લીધો...'

'પ્રિયાદાદી, હું અર્શ બોલું છું. તમારા પાડોશી પ્રદાનસરનો સન બોલું છું.' 'અરે બેટા, બોલ-બોલ.' દાદીને શું જવાબ આપવો એનો અર્શને તાત્કાલિક ઉત્તર જડતો નથી. એ ગૂંચવાય છે. મૂંઝાય છે.

પછી હિંમત એકઠી કરી કહે છે : 'દાદી, મારું એક કામ કરશો ?'

'એક નહીં, સો કામ કરીશ. બોલ બેટા, દાદી બનવું એટલે વડની જેમ વિસામો બનવું. એના છાંયડામાં બેસનારને શીતળતાનો અનુભવ ન થાય, તો 'દાદીપણું'' નિરર્થક... ચાલ કામની વાત કરે બેટા !... અર્શ. 'પ્રિયાદાદીએ કહ્યું'

'દાદી, એમ છે ને ...'

'પણ આગળ વાત તો કર' પ્રિયાદાદીએ કહ્યું 'વાત એમ છે ને દાદી, પછી મારી નિયા મમ્મી તમારી સાથે ઝઘડો કરશે તો ?'

'અરે પણ શું કામ ઝઘડો કરશે ? જે હોય તે ચોખ્ખી વાત કર બેટા, તારે ડરવાની જરૂર નથી.' પ્રિયાદાદીએ અર્શને હિંમત આપતાં કહ્યું.

'દાદી, હું મારા ઘરમાં કેદ છું. મારી મમ્મી બહારથી તાળું વાસીને નોકરીએ જાય છે. ખાવા-પીવાનું ટેબલ પર ઢાંકીને જાય છે. પણ દાદી, એકલા એકલા ખાવાનું ગમે ખરું ?' અર્શે હજુ કોઈ ચોખવટ નહોતી કરી.

'દીકરા, મારે પણ પૌત્ર નથી. હું પણ પૌત્ર પ્રેમની તરસી છું. ચાલ મારે ઘેર આવી જા. ' પ્રિયાદાદીએ કહ્યું.

'પણ દાદી, એ શક્ય નથી. ઘરની બહાર તો તાળુ મારેલું છે. બીજી ચાવી મારી પાસે છે. પણ હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું? જો તમને ગમે તો એક રસ્તો છે.'

'બેટા, તું જલ્દી કહે... તારી ખાતર હું કોઈપણ જોખમ ઉઠાવવા તૈયાર છું.' પ્રિયાદાદી ગળગળાં થઇ ગયાં.

'દાદી, તમે પાછલી બારીએ આવો. હું ડુપ્લિકેટ ચાવી બારીએથી ફેંકીશ. એ ચાવીથી તાળું ખોલીને તમે મારી પાસે આવજો.' 

પ્રિયાદાદી મુંઝાયાં. તેઓ અર્શની નિયામમ્મીના લડાકુ સ્વભાવથી પરિચિત હતાં. છતાં હિંમત કરી એમણે કહ્યું : 'અર્શ તું ચાવી ફેંક. હું બારણું ખોલી તારી પાસે આવીશ. ત્રણ-ચાર કલાક તારી પાસે રોકાઈશ. મઝાની વાર્તાઓ કહીશ. અને તારી મમ્મીના ઓફિસેથી ઘેર પાછા ફરવાના સમય પહેલાં હું પાછી ફરીશ અને બહારથી તાળું વાસી દઈશ, બરાબર ?'

'હા દાદી, બિલકુલ બરાબર. '  પ્રિયાદાદી ઘરમાં આવ્યાં ત્યારે અર્શે હર્ષની ચિચિયારી પાડી. એણે દાદીમાને પ્રણામ કર્યા. હર્ષાવેશમાં કૂદાકૂદ કરવાનું ચાલુ રાખ્યું. તેની કૂદાકૂદમાં પ્રિયાદાદીના ચશ્મા ભોંય પર પટકાણા અને ચશ્માની દાંડી તૂટી ગઈ. એણે બીતાં બીતાં કહ્યું : 'સોરી દાદી. મારો ગુનો માફ કરો. મારા ગલ્લામાં ખાસા પૈસા ભેગા થયા છે. એ પૈસામાંથી તમારાં નવાં ચશ્માં બનાવી લેજો.'

પ્રિયાદાદીની આંખમાં આંસુ આવી ગયાં. 'અરે બેટા, દાદી પૈસા લેતા નથી, પૈસા આપે છે. અને તારા વહાલ અને લાગણી આગળ મારાં તૂટેલાં ચશ્માની કશી જ કીંમત નથી. ચાલ, તારું જમવાનું ટિફિન ખોલ. હું તને મારે હાથે જમાડું. પ્રિયાદાદીએ કહ્યું.

અર્શ રાજીનો રેડ થઇ ગયો. એણે કહ્યું : 'દાદીમા, તમે ગ્રેટ છો. જુઓ પહેલાં હું તમને ખવડાવીશ. લો આ તીખીપૂરીનો કટકો. કેરીના શાક સાથે ખાવાની મજા આવશે.' કહી અર્શે દાદીમાના મોંમાં પૂરીનો ટૂકડો મૂક્યો.

પ્રિયાદાદીને લાગ્યું જાણે કોઈ અમૃતનું ભોજન કરાવી રહ્યું છે. એમણે વહાલથી અર્શને ભોજન કરાવ્યું અને પલંગ પર સુવાડી વાતો કરતાં કરતાં અર્શને ઊંઘાડી દીધો. અર્શની મમ્મી દરરોજ છ વાગે ઓફિસેથી ઘેર આવતી હતી. એ પહેલાં જ પ્રિયાદાદી બહારથી તાળુ વાસી પોતાને ઘેર જતાં રહ્યાં. આમ અર્થ અને પ્રિયાદાદીની વાત્સલ્યગોષ્ઠી રાબેતા મુજબ ચાલવા લાગી.

દાદીમાના ઉષ્માભર્યા વાત્સલ્યથી ભીંજાતા અર્શમાં ઉત્સાહ અને ઉંમગની લહેર જન્મી. તેની મમ્મીને પણ એ વાતની સમજ પડતી નહોતી કે અર્શમાં આવેલા આકસ્મિક પરિવર્તનનું કારણ શું છે ?

એક દિવસ ઓફિસમાંથી અડધી રજા લઇને અર્શની મમ્મી પોતાને ઘેર વહેલી આવી. ઘેર આવતાંની સાથે જ એને ફાળ પડી. એપાર્ટમેન્ટના બારણે તાળું નહોતું. પહેલાં તો તેને ચોરીની શંકા ગઈ. પણ ઘરમાં કોઈ સ્ત્રીનો અવાજ સંભળાતાં એ સીધી અર્શના રૂમમાં ગઈ. પડોશના પ્રિયાદાદીને જોઇને તેના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે કહ્યું : 'તમારા ધોળામાં ધૂળ પડી. નાના બાળકને ફોસલાવીને કોઇકના ઘરમાં ઘૂસ મારતાં તમને શરમ નથી આવતી ? મારા પુત્ર અર્શને હાથ પર લઇ મારી તિજોરી પર હાથ અજમાવવાનો તમારો ઇરાદો ધિક્કારપાત્ર છે. આવું કાવત્રુ કરવા બદલ હું તમને જેલભેગાં કરી શકું છું. પણ પાડોશી છો, વૃધ્ધ છો, એટલે માફ કરું છું. અને અર્શ, તને આવાં બધાં કારસ્તાન કરતાં મમ્મીની બીક ન લાગી ?' કહી નિયાએ અર્શના ગાલ પર બે લાફા ઝીંકી દીધા અને ત્રાડ નાખીને પ્રિયાદાદીને કહ્યું : 'ગેટઆઉટ, ફરી મારા ઘર તરફ નજર કરી છે તો, હું તમારી આંખો ફોડી નાખીશ.'

અને પ્રિયાદાદી ચૂપચાપ ચાલ્યાં ગયાં હતાં. રોષે ભરાયેલી નીયાએ ઘર બદલી નાખવાનો નિર્ણય કર્યો હતો અને અર્શને એક ડે-બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશ અપાવી દીધો હતો. નિયા કોઈપણ રીતે પ્રિયાદાદીનો પડછાયો અર્શ પર પડવા દેવા નહોતી માગતી. અર્થ પ્રિયાદાદીનાં દર્શન માટે ઝૂરી રહ્યો હતો. પણ મમ્મીની બીકને કારણે તેમને ઘેર મળવા જવાની હિંમત કરી શક્તો નહોતો. એને પોતાની સલામતી કરતાં દાદીમાના માન-સન્માનની વધારે ચિંતા હતી. માનસિક આઘાતને કારણે અર્શનું શરીર પણ કમજોર થઇ રહ્યું હતું. પ્રિયાદાદી પણ અર્શને મળવા તડપતાં હતાં, પણ કોઈ રસ્તો સૂઝતો નહોતો.

અર્શને જે ડે.બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તે સ્કૂલની મેનેજમેન્ટે આયાની જગા માટે જાહેરાત આપી. નિવૃત્ત વૃદ્ધોને પણ અરજી કરવાની છૂટ આપી હતી.

પ્રિયાદાદીને થયું કે અર્શ માટે પોતાનો પ્રેમ સાચો છે, એટલે જ ભગવાને દરવાજો ખોલ્યો છે. તેઓ મેનેજમેન્ટને મળ્યાં, અને આયા તરીકે માનદ્ સેવાઓ આપવાની તૈયારી દર્શાવી. મેનેજમેન્ટને પ્રિયાદાદીનો પ્રસ્તાવ પસંદ પડયો અને તાત્કાલિક ફરજ પર હાજર થવાની સૂચના આપી.

પ્રિયાદાદી અર્શને સરપ્રાઇઝ આપવા માગતાં હતાં એટલે પોતે તેની સ્કૂલમાં આયા તરીકે જોડાયાં છે, એ વાતની ખબર ન આપી. પણ ચોરીછૂપીથી અર્શનું મોં જોઈ લેવાનો આનંદ અનુભવતાં હતાં.

એ વાતને પંદર દિવસ વીતી ગયા. પ્રિયાદાદી કામ પતાવીને લાયબ્રેરીમાં બેઠાં-બેઠાં એક પુસ્તક વાંચી રહ્યાં હતાં, ત્યાં એમની પર અમેરિકાથી પુત્રવધૂ રિયાનો ફોન આવ્યો. રિયાએ મમ્મીની ખબર અંતર પૂછવાને બદલે સીધી ત્રાટ નાખતાં કહ્યું : 'મમ્મીજી, તમે ધાર્યું છે શું ? દીકરા અને પુત્રવધૂની ઇજ્જત બગાડવા બેઠાં છો. આટલા પૈસા હોવા છતાં એક આયાની નોકરી સ્વીકારી છે ?'

આ તો સારું થયું અને ઊડતા સમાચાર મળ્યા કે તમે એક સ્કૂલમાં આયાનું કામ કરો છો. પૈસાની તો તમારે જરૂર નથી. તો શું કોઈ લફરુ-બફરુ તો નથી કર્યું ને ? પ્લીઝ આજથી તમારી સાથેનો અમારો સંબંધ ખતમ. કહીને રિયાએ ફોન કાપી નાખ્યો.

રિયાએ કરેલો આક્ષેપ સાંભળીને પ્રિયાદાદી બેહોશ થઇ ગયાં. બેહોશીમાં પણ અર્શના નામની લવરી કરી રહ્યાં હતાં. ડૉક્ટરે તેમને તપાસીને કહ્યું : 'ચિંતાનું કોઈ કારણ નથી. થોડીકવારમાં હોશ આવી જશે. બ્લડ પ્રેશર લો થઇ ગયું છે. અને આ અર્શ કોણ છે તેને બોલાવો તો, તેમને જલ્દીથી સારું થઇ જશે.' પ્રિન્સિપાલે તરત જ અર્શને બોલાવ્યો. દાદીમા બેહોશીમા પણ અર્શના નામની લવરી કરતાં હતાં. અર્શ દાદીમાને રડતાં રડતાં ભેટયો. પણ થોડી વારમાં જ દાદીમાનું શરીર નિશ્ચેતન થઇ ગયું. અર્શને થયું પોતે નિરાધાર થઇ ગયો છે. વહાલની સરિતાએ વિદાય લીધી છે. પોતાની જડ મમ્મી પાસે લાગણીનો છાંટો ય નથી ! એણે મમ્મીને ફોન કર્યો અને જણાવ્યું કે પ્રિયાદાદીનું અવસાન થયું છે.'

'હાશ, મારા રસ્તામાંથી એક કાંટો ખસી ગયો. અર્શ હવે તારે ડે-બોર્ડીંગમાં રહેવાની જરૂર નથી. મને બોર્ડીંગનો ખર્ચો પોસાતો નથી. હવે તારે ઘરે પાછા આવતા રહેવાનું છે. હવે કોઈ ડોશીનો ભય નથી જે તને બગાડે.'

અર્શ નીયામમ્મીની વાત સાંભળી રડી પડયો. એણે નિસાસા સાથે કહ્યું 'મમ્મી, તારું હૃદય નફરતથી ભરેલું છે. વહાલના દરિયા જેવા મારા પ્રિયાદાદીને તું પાછા લાવી શકીશ ? તને ખબર નથી મેં શું ગુમાવ્યું છે. હું પાછો ઘેર આવવા માગતો નથી.'

... પણ બાળ દેવતાની વ્યથા જાણવાની નીયામમ્મીને ક્યાં ફુરસત હતી ?


Google NewsGoogle News