Get The App

એકાંત અને એકલાપણું : એક મોજ બીજો રોગ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
એકાંત અને એકલાપણું : એક મોજ બીજો રોગ 1 - image


- બ્રિટન અને જાપાન જેવા દેશમાં નાગરિકોની એકલતા દૂર કરવા માટેની ચિંતા કરતું અલાયદું મંત્રાલય છે! : અન્ય દેશો પણ કથળતા માનસિક સ્વાસ્થ્યને પડકારની રીતે જુએ છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- એકાંત એટલે પસંદ કરેલી એકલતા અને એકલતા એટલે અનુભવાતો અને ખટકતો ખાલીપો

બ્રિ ટન, સ્વીડન અને જાપાન જેવા દેશોમાં નાણાં અને સંરક્ષણ જેવું જ મહત્ત્વનું એક મંત્રાલય 'મિનીસ્ટ્રી ઓફ લોન્લીનેસ' છે. અત્યારે વિશ્વમાં ડિપ્રેશન, બ્લડપ્રેશર, હૃદય રોગ અને ઊંઘ ન આવવા જેવી બીમારીનું જે પ્રમાણ વધી રહ્યું છે તેનું સૌથી મહત્વનું કારણ માનવી સતત એકલતા અનુભવી રહ્યો છે તેવું બહાર આવ્યું છે. એક વ્યક્તિ રોજ ૧૫ સિગારેટનું સેવન કરે તેટલું નુકશાન સ્વાસ્થ્યની રીતે  એકલતાને લીધે માનવ જગત ભોગવી રહ્યો છે.

ગુજરાતી ભાષામાં 'ન્ર્હનૈહીજજદનો અર્થ 'એકલતા' થાય છે. અંગ્રેજીમાં એક શબ્દ 'ર્જીનૈોગીદ છે જેનો ગુજરાતી ભાષામાં અર્થ 'એકાંત' થાય છે. એકલતા અને એકાંતને સમાનાર્થી શબ્દ તરીકે જોવાની ગંભીર ભૂલ ન કરતા. વ્યક્તિ એકાંત તેની ઈચ્છાથી પસંદ કરે છે. એકાંત નિજાનંદની ઉત્તમ કક્ષા છે. સાધકો એકાંત પસંદ કરે છે. કોઈ સર્જકની ઉત્કૃષ્ટ કૃતિ તેના એકાંતની નીપજ હોય છે. આધ્યાત્મિક જ્ઞાાન મેળવી ચૂકેલ વ્યક્તિ એકાંતમાં પ્રત્યેક ક્ષણે દિવ્યતાના ઘૂંટ પીતો હોય છે. એકાંતમાં નિરાંત અનુભવી તે નસીબદારને જ પ્રાપ્ત થતી મૂડી છે. જેને માન પાન, પ્રસંશાની  પરવા નથી અને પૂર્ણ સમય સમાજ અને સંસારમાં રચ્યા પચ્યા નથી રહેવું તેવા લોકો એકલા પડતા જ એકાંતની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે અને જેઓને આ બધી ખેવનાઓ છે તેઓ  એકલા પડે તો પાગલ જેવા મનોરોગી બની જાય છે.

એ કેવું કે આંખો બંધ કરીને  ધ્યાન કરવા માટે પણ આખરે તો મોટાભાગના નાગરિકોને સમૂહમાં જ બેસવા જોઈએ છે. પ્રવાસ પણ જૂથ કે સમૂહમાં યોજાય તો જ આપણે માણી શકીએ. આપણને મિત્રો  અને પરિવારની વખતોવખત યોજાતી પાર્ટી, તહેવારોની ઉજવણી અને એમ જ કોઈ જ હેતુ વગર ગલ્લે કે ઓટલે બેસીને ગપ્પા મારવાનો જે આનંદ આવે છે તે લાખો રૂપિયા ખર્ચવાથી પણ પ્રાપ્ત નથી થતો હોતો.

આપણે પરિવાર, મિત્રો, સમાજથી જુદા પડી જઈએ તેવી કલ્પના જ કેટલી ભયાનક છે.

વિશ્વમાં એકલતાથી પીડાતો ખૂબ મોટો વર્ગ છે. આવા એકલા કે 'લોન્લી' હોવું તે શરૂમાં સ્થિતિ તરીકે જોવાય છે પણ વખત જતા તે મનોબીમારી તરીકે ઓળખાય છે. એકલતાને લીધે અન્ય શારીરિક બીમારીઓ વકરે તે જુદું.

આની સામે એવા સિધ્ધ નસીબવંતાઓ પણ છે જેઓ એકલતાને સ્વેચ્છાએ પસંદ કરે છે. તેને માણે છે. એકલતા અને એકાંતની રસપ્રદ લાક્ષણિકતા એ છે કે એકાંત પ્રિય વ્યક્તિ માની લો કે મિત્રો અને પરિવારની ભીડ વચ્ચે હોય તો પણ તેના એકલા જોડેનો સેતુ જ જાળવીને ત્યાં હાજર હોય છે અને નિજાનંદની તેની સ્થિતિ યથાવત હોય છે જ્યારે  એકલતાથી પીડાતી વ્યક્તિ મિત્રો કે પરિવાર જોડે જૂથમાં હોય તો પણ તે ભલે બધાની નજરે જૂથમાં સામેલ હોય પણ અંદરખાનેથી ભીડ વચ્ચે પણ તેને તેની એકલતા કોરી ખાતી હોય છે. બંને ભીડથી પ્રભાવિત નથી પણ વિરોધાભાસી સ્થિતિએ.

આના પરથી સૌથી મોટું તારણ એ કાઢવાનું કે હંમેશા વ્યક્તિ પાર્ટી, ઉજવણી કે મિત્ર વર્તુળ વચ્ચે હોય એટલે તે એકલતા નથી અનુભવી રહ્યો તેમ નિદાન કરવાની ભૂલ ન કરવી.

આજે વિશ્વમાં ૩૩ ટકા યુવા પેઢી એવી છે જેઓ સામાજિક અને ગેજેટની રીતે કનેક્ટેડ છે આમ છતાં અંદરખાનેથી એકલતાથી પીડાય છે. એકલતાનું કોઈ સર્વસામાન્ય કારણ નથી. જ્યારે વ્યક્તિનું પોતીકું જગત કોઈ અજાણ કે જાણીતું જોડાણ ન અનુભવે ત્યારે તે એકલતાથી પીડાવા માંડે છે. મનોચિકિત્સકો આવી બીમારી ધરાવનારાઓ શું જોડાણ ઈચ્છે છે તે જાણવા વ્યક્તિના મનોસાગરમાં ડૂબકી લગાવે છે. જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે બહુ ઓછી માત્રામાં એકલતા અનુભવતી વ્યક્તિ માને છે કે તેને સારવાર કે 'કાઉન્સેલિંગ'ની જરૂર છે. 

મોટેભાગે તો એકલતા અનુભવતી વ્યક્તિ ભીડભાડ અને ઘોંઘાટભરી પાર્ટીમાં જઈને એવો ભ્રમ સેવે છે કે તે ઘણી બધી વ્યક્તિઓ વચ્ચે અને જોડે છે. તે નૃત્ય પણ કરશે. જોરથી ઠહાકા લગાવીને હાસ્યથી હોલ પણ ગજવશે પણ જેવી આ છેતરામણી માયાવી દુનિયામાંથી બહાર આવશે તે સાથે જ એકલતા અનુભવશે. 

પાર્ટી વચ્ચે પણ અંદરથી એકલતા કોરી ખાતી હોય તેવી વ્યક્તિ એક પછી એક મદ્યપાનના પેગથી તે જલન ઠારવાની હરકત કરશે.

આમ વિશ્વ સમક્ષ બે રીતના સ્વાસ્થ્ય પડકાર છે. એક એવા એકલતાથી પીડાતા લોકો જેઓ ખરેખર એકલા પડી ગયા છે કે પછી પાડી દેવાયા છે. તેઓનો ઈલાજ સરળ છે. તેઓને તેમના અસ્તિત્વનો અને આત્મ સન્માનનો એહસાસ સમાજે કરાવવાનો છે. આવા લોકો વયસ્ક છે અને તેમના પરિવાર કે પ્રમાણમાં યુવા વર્તુળ જોડે બંધ બેસતા નથી. હવે આમાં જે વયસ્કો તેમની વય જૂથના જોડે હંસી મજાક, પ્રવાસ વગેરે કરતા હશે તેઓને પાગલ કરી મૂકે તેવી એકલતા તો નહીં જ સતાવે પણ જો તેઓની એકલતાનું કારણ કંઇક બીજું હશે, તેઓ કંઇક અન્ય જોડાણની અપેક્ષા રાખતા હશે તો તેઓને તેમના વયજૂથ જોડેની મસ્તી પણ સમયપુરતા હળવા રાખી શકશે.

એકલતા વયસ્કો માટે જ પડકાર નથી પણ યુવાઓ તેના વર્તુળમાં ઘેરાતા જાય છે જે પરિવાર, સમાજ અને દેશના પતન માટે નિમિત્ત બની શકે છે. કેમ કે એક યુવા પરિવાર રચે છે, નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ કરી શકે છે. તંદુરસ્ત સમાજ અને દેશને આકાર આપી શકે છે. 

યુવા પેઢી વ્યસનના રવાડે ચઢે છે તેનું મુખ્ય કારણ તેને મનોબીમારી હોવાનું બહાર આવ્યું છે.

આપણે લેખની શરૂઆતમાં બ્રિટન, જાપાન જેવા દેશોનું ઉદાહરણ આપીને એકલતા નિવારણ મંત્રાલયનો નિર્દેશ કર્યો છે. અચરજ પમાડે તેવી વાત છે પણ હવે આ મંત્રાલય તેમના દેશમાં કોઈપણ વયની વ્યક્તિ એકલતા અનુભવતી હોય તો તેમના માટે સારવાર અને અવનવી થેરેપી માટેનું માળખું ગોઠવે છે. તેમનો સ્ટાફ સમૂહમાં જઈને એકલતા કઈ રીતે નિવારી શકાય તેના સેમિનાર અને વર્કશોપ, શિબિર યોજે છે. શાળા કોલેજોમાં યુવા પેઢી જોડે સ્વસ્થ જીવન માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. વયસ્કો જૂથમાં પ્રવાસ કરે કે કોઈ કાર્યક્રમ યોજે તો તેઓને આર્થિક સહાય આપવામાં આવે છે. શહેરમાં અમુક અંતરે બગીચા, પાર્ક અને કોમ્યુનિટી સેન્ટર ઊભા કરવાની જવાબદારી પણ આ મંત્રાલયની છે.

જનીન વિજ્ઞાાનીઓ એ તારણ પર તો વર્ષો પહેલાથી આવી ગયા છે કે માનવી સામાજિક પ્રાણી છે અને તે એકલાપણું સહન ન કરી શકે. તેને એક કે વધુ વ્યક્તિઓ જોડે જ સહજ સજીવ હોવાનો એહસાસ થાય છે. લાંબા અરસા સુધી એકલી પડી ગયેલી વ્યક્તિ પાગલની જેમ કોઈ નિર્જીવ વસ્તુ જોડે પણ સેતુ જોડીને સંવાદ સાધશે.

ભલે સામાજિક બનવાથી કે મિત્ર કે સ્નેહીઓના વર્તુળમાં રહેવા છતાં અમુક અપવાદોમાં વ્યક્તિ એકલતા અનુભવતી હોય તો પણ વ્યકિતએ તેમના ગ્રુપ જોડે તો સમય વિતાવવો જ જોઈએ. શરૂમાં ઈચ્છા ન હોય તો પણ આંતરમનને ધકકો લગાવીને સામાજિક બનવાનો પ્રયત્ન કરશો. ભલે નાનું જૂથ હોય તો પણ હાજરી આપો. મનને બીજે વાળવા ગીત, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશ્વના વર્તમાન વહેણમાં રસ લો. જીવનમાં જે પણ કંઈ ખૂટતું હોય કે ગુમાવ્યું હોય તેને મનમાં સતત ઘૂંટયા કરતા પ્રેરણાદાયી વાચન કે શ્રવણ કરો. ભોળા અને ફિલસૂફ બનીને મનને ખખડાવો કે આ શું માંડયું છે. તમારા કરતા વધુ પીડિત છતાં પ્રસન્ન રીતે જીવતા લોકોનું ઉદાહરણ લો. કોઈ સામાજિક કે ચેરિટી સંસ્થા સાથેનું જોડાણ પણ એકલતા દૂર કરશે.

યુવા પેઢી એવા મહાભ્રમમાં રાચે છે કે તેઓ તો ગેજેટથી અને ડિજિટલી વિશ્વ સાથે કનેક્ટેડ છે તેથી એકલતા તો જોજનો દૂર રહે પણ આ જ યુવા પેઢી એકલતા અનુભવે છે કેમ કે વ્યક્તિ  જીવંત સંપર્ક થકી જ અસ્તિત્વનો એહસાસ અને ઉત્સવ માણી શકે છે. વર્ચ્યુઅલ વિશ્વ એકલતા અને મનોબીમારીની મહામારી સર્જશે. એકલતા અને ડીપ્રેશનના પગલે અન્ય શારીરિક બીમારી ભેટમાં મળે તે જુદું. 'ડિજિટલ ડીટોકસ' ભલે ગેજેટથી દૂરની એકલતા હોય પણ તે પરિશુદ્ધ એકાંત તરફ આપણને લઈ જાય છે.

આપણે એકલતાને એકાંતમાં ફેરવતા પણ શીખવું પડશે. એકલતામાં પીડાની જગ્યાએ એકાંત મળ્યાની આનંદ શોધતી યાત્રા પણ કરી જ શકાય.

જીવનમાં કોઈ શોખ ધારણ કરીએ કે સેવા થકી સમાજના ઉત્કર્ષનો ધ્યેય રાખીશું તો પણ એકાંત ગમતું જશે.

એકલાપણું નિવારણ કેટલાક દેશોના આરોગ્ય બજેટમાં ફાળવણી બન્યું છે. દેશના સામાજિક મંત્રાલય પણ આ પડકાર સામે કાર્યરત છે. હેપીનેસ ઇન્ડેક્ષ અને તે માટેના મંત્રાલયના પાયામાં પણ નાગરિકોના માનસિક સ્વાસ્થ્યને બહેતર બનાવવા પર ઘ્યાન અપાય છે.

..ચાલો .. એકાંતના સુખ માટે નસીબદાર ન હોઈએ તો કમ સે કમ એકલતાના કારણ શોધીને  તેને તો દૂર કરીએ..બધા 'બાત એક રાત કી' ફિલ્મમાં દેવાનંદ પર ફિલ્મવાયેલું ગીત 'અકેલા હું મેં ઇસ દુનિયામે કોઈ સાથી હૈ તો મેરા સાયા' તેમ મસ્ત મિજાજ સાથે ગાઈ નથી શકતા હોતા.


Google NewsGoogle News