Get The App

ગળફો : શ્વસનતંત્રનો સંત્રી .

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ગળફો : શ્વસનતંત્રનો સંત્રી                                            . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- 'ગળફો' શબ્દ બીભત્સ વલયો ભલે સર્જે પણ એનું માનવ શરીરમાંથી નિગર્મન થતાં માનવને રાહત જરૂર પહોંચાડે છે. 

લી લા છોડ ઉપર ફૂલ ઊઘડવાની ઘટના જેટલી સાહજિક છે એટલી જ સાહજિકતાથી ગળફો ગળામાંથી બહાર નીકળે છે.

'ગળફો' એટલે કફયુક્ત થૂંક ગળામાંથી અવાજ કરીને બહાર આવી, મોં દ્વારા બહાર ફેંકાય તે. મૂળ એનાં ગળું -(ગળા)માં રહ્યાં છે. ગળફો આવે ત્યારે તે જ્યાં થૂંકાય, તેની ઉપર ધૂળ નાખવી પડે. ગામમાં ઘરડાં માણસો આવી નાજુક સ્થિતિમાં મુકાય ત્યારે તેમની નજીકમાં જ થૂંકદાની ઊભી કરવી પડે છે. જેમાં ધૂળ હોય. મૂળે તો અશક્ત માણસો ઊભા ન થઈ શકે એટલે એવી વ્યવસ્થા કરાય છે. 'ગળફો' શબ્દમાં છેલ્લે જે 'ફ' અને 'ઓ' ધ્વનિઓ છે, તેમાં જ 'ફ' થી ઓષ્ટયનાં દ્વાર ખુલવાની, અને 'ઓ'થી વધારે પહોંળા - મુખદ્વાર થવાની ઘટના સાંકેતિક રીતે સંઘરાઈ છે. શબ્દ જ પ્રક્રિયાનો દ્યોતક બને છે. ગળફો હાનિકારક જીવાણું-વિષાણુને બહાર કાઢે છે.

દાકતરી ભાષામાં ગળફો ફેફસાંનો સંરક્ષક છે. જો ગળફો બહાર ન નીકળે તો જતે દિવસે ફેફસાંને હાનિ પહોંચે છે. કફની પ્રકૃતિ ચીકાશયુક્ત છે. એમાં રહેલા રાસાયણિક તત્વો પેલા દૂષિત તત્વોને શોષી લે, અને ફેફસાં સુધી એની ઈજા જવા ન દે... બહાર કાઢી નાખે... આવી સુંદર કુદરતી પ્રક્રિયા છે. 'ગળફો' એ રીતે કુદરતી પ્રક્રિયા હોઈ માનવીય સ્વાસ્થ્યનો સાથીદાર છે. કુદરતી રીતે ઓકિસજન લેવાનું અને કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢવાનું કામ થાય છે. એવી જ પ્રક્રિયા ગળફાના બંધારણની અને બહાર આવવાની છે. ગળફો સફેદ, પીળો કે આછો પીળો રંગ ધરાવે છે એ રંગ શ્વેતકણો, પ્રોટીન અને પેલા જીવાણુના મિશ્રણમાંથી બને છે એટલે એમાં વૈવિધ્ય હોય છે.

'ગળફો' શબ્દ બીભત્સ વલયો ભલે સર્જે પણ એનું માનવ શરીરમાંથી નિગર્મન થતાં માનવને રાહત જરૂર પહોંચાડે છે. ઉપર ઉપરથી અણગમતા બધા પદાર્થો નકામા નથી હોતા તે સમજાય છે. ક્યારેક ગળફાના દર્દીઓ ઘરમાં થતી ચોરી અટકાવે છે. ઉધરસ સાથે એ સંયોજાઈને બહાર આવે, ત્યારે ચોરને આભાસ થાય જ કે ઘરમાં કોઈ જાગે છે... એ રીતે એ બીભત્સ શબ્દ અંદરની મુશ્કેલીમાંથી તો બહાર લાવે છે તેવી રીતે બાહ્ય મુશ્કેલીમાં પણ સહાયક બને છે. શ્વસનતંત્રનો સાચો સંત્રી છે ગળફો. આપણે સંત્રીને પગારદાર નોકરથી વધારે મહત્વનો સમજતા જ નથી, પણ વફાદાર સંત્રીઓએ ઘણા રાજવીઓનાં રાજ બચાવ્યા છે. સંત્રીની યોગ્ય કદર થતી નથી એ જ અર્થમાં 'ગળફાં' શબ્દની ઉપેક્ષા થાય છે.

ગળફો બહાર નીકળી જાય પછી એ નિર્જીવ થતો નથી પણ તેનામાં જીવાણું હોય તેનો નાશ થવો જોઈએ. એટલે ગમે ત્યાં ન થૂંકવાનું કહેવામાં આવે છે. જેવી રીતે જાગૃત માણસ પોતાના રસ્તામાં પડેલા કાંટા હટાવે છે, એ જ રીતે શ્વસનતંત્રને સહજ કરવામાં સહાયક બને છે ગળફો. આવા સહાયકોને આપણે બિરદાવવા જોઈએ પણ આપણી માનસિકતા જુગુપ્સા પ્રેરે છે ! વ્હેલ માછલી જ્યારે દરિયામાં આવો કફયુક્ત ગળફો બહાર કાઢે છે તેને એંબર ગ્રીસ કહેવામાં આવે છે એમાંથી અત્તર બને છે, તેથી એ એંબરગ્રીસ ખૂબ જ કિંમતી હોય છે. મૂળે જે વ્યવસ્થાતંત્ર છે એ સ્હેજ સાજ ખોરવાય, કે ખોટકાય ત્યારે જે નડતર છે તેને દૂર કરવું જ પડે. શ્વસનતંત્રમાં આ નડતરને કુદરત દૂર કરે છે એટલું જ. આમ ગળફા દ્વારા શ્વસન-સફાઈ થાય છે.

વનસ્પતિ, ઝાડ, શેરડીના સાંઠા ઉપર ક્યારેક બિનજરૂરી ગાંઠ દેખાય, અથવા ઝાડના થડિયે ચીકાસ યુક્ત ગુંદર એકઠો થાય તે પણ ઝાડનો ગળફો જ હશે ને ? ગળફો જે રીતે બહાર ધક્કેલાયો છે એવી રીતે સમાજમાં, પ્રકૃતિમાં સહજ રીતે બહાર નીકળે છે તેને ગળફાના નામે ઓળખી શકીએ. પ્રચંડ મોજાના પ્રવાહ સાથે સમુદ્ર કિનારે જે ઠલવાય છે એને પણ આપણે બીજું શું કહીશું ?

ગુજરાતી સાહિત્યમાં જ્યંત  ખત્રીની વાર્તા 'આનંદનું મોત'માં પણ ગળફો કળાત્મક રીતે વિનિયોગ પામ્યો છે. અમારા શેખડીવાળા સાહેબ ગાંધીજીના ગદ્યને ગાંઠગળફા વિનાનું ગદ્ય ગણાવતા હતા. શરીર પર નીકળતી કેન્સરની ગાંઠ એક વિશિષ્ટ પ્રકારનો ગળફો છે. ટી.બી. નામનો વ્યાધિ ગળફાનો પરમમિત્ર હોય છે. પ્લેગની ગાંઠ શરીરમાં ગંઠાયેલા ગળફા છે જીવનમાં દુ:ખના, વ્યાધિના, ઉદ્વેગના પ્રસંગો ઊભા થાય તો હામ હારી જવાની જરૂર નથી, ધીરજ રાખવાની જરૂર છે. જેમ સંસાર સત્ય નથી તો દુ:ખ, વ્યાધિ અને ઉદ્વેગ પણ સત્ય નથી, એ સમજી લેવું જોઈએ. જીવ પવિત્ર રહેવો જરૂરી છે. કોઈ સ્ત્રી-પુરુષનો એ જીવ નથી, જીવ તો ઈશ્વરનો જ છે. જીવ ઈશ્વરનો અંશ છે. પતિ-પત્નીના સંબંધો પણ સ્થાપિત બનાવેલ સંબંધો છે. કલ્પિત સંબંધો છે. જીવ-ઈશ્વરનો સંબંધ જ સાચો વાસ્તિવિક છે. જન્મતાં જીવ ઈશ્વરનો છે એમ મૃત્યુ પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે. મૃત્યુ તો જીવન નામના સભ્ય ખંડમાંથી બહાર નીકળી જતો ગળફો છે એમ સમજાઈ જવું જોઈએ. કુદરતી વ્યવસ્થાઓની આડે આવતાં બધા વિઘ્નો પણ એ જ અર્થમાં ગળફા છે.

સંત તુકારામ મહારાષ્ટ્રમાં થઈ ગયા. સુખી હતા. વેપારી હતા. એમના જીવનમાં એક પછી એક અનેક દુ:ખના પ્રસંગો આવ્યા. સંપત્તિનો નાશ થયો. મકાન ગયું. ઘરમાં ચોરી પણ થઈ. તુકારામ જીવનમાં જે કંઈ બને છે તેનાથી વ્યથિત પણ થાય છે, તેમનાં પત્ની પણ કર્કશા હતાં. ઘણીવાર તુકારામે તેમનાં પત્નીનો માર પણ ખાધો છે. તેમની સરળતાને પત્ની પામી શક્યાં નથી. જગત સાચી રીતે સાચા ભગતને ઓળખી શકતું જ નથી. પત્ની પતિને સાવ 'ગાંડો' કહે છે - 'વિઠ્ઠલ વિઠ્ઠલ' કર્યા કરે છે કથામાં જે કંઈ તુકારામને મળે તે બાળકોને વ્હેચીં કાઢે છે - એકવાર પ્રસાદમાં શેરડી મળેલી બાળકોને વ્હેચતા હતા, પત્નીએ આવીને શેરડીનાં સાંઠો લઈને તુકારામના માથામાં માર્યો ને બે ટુકડા થઈ ગયા. તુકારામે કહ્યું - 'તારે બે ટુકડા જ કરવા હતા ને ?' એ તુકારામને સ્વપ્નમાં ચૈતન્ય મહાપ્રભુ આવે છે અને કહે છે - 'હું તારી સાથે છું' ત્યાંથી તુકારામ સમજી જાય છે કે બધાં જ દુ:ખો સંસારના ગળફા છે, એને વટાવી નાખીએ એટલે ઊર્ધા ચેતનાનું મિલન થવાની શક્યતાઓ વધવા માંડે છે.


Google NewsGoogle News