ઇઝરાયલ : સતત યુદ્ધગ્રસ્ત રહેતો યહુદીઓનો અનોખો દેશ
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- મુસ્લિમ દેશોથી ઘેરાયેલો ઇઝરાયલ કોઇનો ડર રાખ્યા વિના સામી છાતીએ ઝીંક ઝીલે છે પરંતુ ઇઝરાયલના અસ્તિત્વની સંઘર્ષ કથા વાંચશો તો ઘણું જાણવા મળશે.
વ ર્લ્ડ કપ માટેનો ક્રિકેટજંગ બરાબર જામ્યો છે તો બીજી તરફ હજારો લોકોને મોતને ઘાટ ઊતારનાર ઈઝરાયલ-હમાસ વચ્ચેનો જંગ પણ લગાતાર ઉગ્ર બનતો જાય છે. વિશ્વના બીજા દેશો તો ઠીક ભારતમાં પણ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક મોટો વર્ગ ઈઝરાયલની તરફેણ કરે છે તો બીજો એક સમુદાય પેલેસ્ટાઈનીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. જો કે વિશ્વના ઈસ્લામિક દેશોને બાદ કરતાં બીજા તમામ રાષ્ટ્રો ઈઝરાયલની પડખે ઊભા છે. આવા સમયે એ જાણવું પણ જરૂરી છે કે એવું તે શું છે ઈઝરાયલ જેવા ટચૂકડા દેશમાં .. કે તેની આટલી બધી ચર્ચા થાય છે.
ચોમેર મુસ્લિમ દેશોથી ઘેરાયેલો ઇઝરાયલ કોઇનો ડર રાખ્યા વિના સામી છાતીએ ઝીંક ઝીલે છે તે વાતની ઘણાને નવાઇ લાગે. પરંતુ ઇઝરાયલના અસ્તિત્વના સાત દાયકાની સંઘર્ષ કથા વાંચશો તો ઘણું જાણવા મળશે.
ઇઝરાયલમાં જાવ અને કોઇકને ગાયના માંસવાળું હેમ્બર્ગર કે 'બીફ'ની બીજી વાનગી પીરસવા કહેશો તો વેઇટર ડઘાઇ જશે. તમને 'સોરી' કહી દેશે. તમે એમ કહો કે મને ગાયના દૂધમાંથી બનાવેલું કોઇ મિલ્કશેક આપ. તો એ પણ નહિ મળે. એટલા માટે નહિ કે ત્યાં દૂધની તંગી છે. પરંતુ ઇઝરાયલની બહુમતી પ્રજા રૂઢિચુસ્ત યહૂદીઓ ગાયને પૂજે છે. ઇઝરાયલના યહૂદી ધારાધોરણ મુજબ દેશમાં ક્યાંય ગાયનું માંસ પીરસવા પર કે ગાયનું દૂધ વેંચવા પર પ્રતિબંધ છે! નવાઇ પમાડે તેવી આ એક જ વાત નથી. ઇઝરાયલ દેશ અનેક ખૂબીઓથી, વિવિધતાથી તથા વિષમતાથી ભરપૂર ટચુકડું છતાંય મહારાષ્ટ્ર છે. મુંબઇ કરતાં પણ જેની વસતિ ઓછી (૯૫ લાખ) છે તેવો ઇઝરાયલ દેશ ૨૦૦૮માં ૧૪મી મેના રોજ તેની સ્થાપનાની હીરક જયંતિ ઉજવી હતી. માત્ર ૮,૬૩૦ ચોરસ માઇલ (૨૨,૧૪૫ ચો. કિ.મી.)નું ક્ષેત્રફળ ધરાવતા આ દેશનું કદ નકશામાં જુઓ તો ટચલી આંગળીના નખ જેવડું દેખાય. પરંતુ અસ્તિત્વના સાડા સાત દાયકામાં ઇઝરાયલે મેળવેલી સિદ્ધિની આખી દુનિયાને ઇર્ષ્યા થાય છે. ઇઝરાયલ કરતાં એક વર્ષ પૂર્વે આઝાદ (૧૯૪૭) થયું હોવા છતાં અનેક બાબતોમાં ભારત પાછળ રહી ગયું છે. જ્યારે ઇઝરાયલની હાંેશિયારી, કાર્યક્ષમતાએ સમગ્ર જગતને મોમાં આંગળા નાખતાં કરી દીધાં છે.
યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા એક સાથે ત્રણ ધર્મનો જ્યાં ઉદય થયો હોય અને જે માટીમાં આ ત્રણ એકેશ્વરવાદી વિચારધારા અને ફિલસુફીના મૂળિયા નંખાયા હોય તેમજ ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો આજેય આધુનિક નગરના શિલ્પ સ્થાપત્ય સાથે સહઅસ્તિત્ત્વ ધરાવતા હોય તેવો કોઇ એક દેશ પૃથ્વીના પટ પર હોય તો એ પણ ઇઝરાયલ જ છે! બાઇબલ, કુરાન અને જુડાઇઝમના ધર્મપુસ્તકો વાંચીને સામુહિક પ્રાર્થના ચાલતી હોય ત્યારે આકાશમાં જોરદાર ઘરેરાટી બોલાવી ઉડી જતાં એફ-૩૫ ફાઇટર પ્લેનો અહીં રોજ જોવા મળે છે.
ઇઝરાયલનો ઉદ્દભવ પણ કેવી વિચિત્ર રીતે થયો?! ૭૫ વર્ષ પૂર્વે આ નામનો કોઇ દેશ પૃથ્વી પર નહોતો. જગતના નકશામાં ઇઝરાયલનું ક્યાંય નામ નિશાન જોવા નહોતું મળતું અને એકાએક કાળચક્ર એ રીતે ફરી વળ્યું કે પેલેસ્ટાઇન નામનું અસલ જે રાજ્ય અસ્તિત્ત્વ ધરાવતું હતું તેના બે ટુકડા થયા અને ઇઝરાયલની રચના થઇ. તારીખ: ૧૪ મે, ૧૯૪૮!
૧૪મે ૧૯૪૮ના રોજ પેલેસ્ટાઇનના બે ભાગલા પડી ગયા. જેમાં એક વિસ્તાર યહૂદીઓનો હતો તે ઇઝરાયલ તરીકે ઓળખાયો અને બીજો ભાગ આરબોને ફાળે ગયો તે પેલેસ્ટાઇન તરીકે ઓળખાયો.જો કે યુનોના ઠરાવને ઠુકરાવી દઇ ઇસ્લામપંથી આરબ દેશો ઇજિપ્ત, જોર્ડન, સિરિયા, લેબેનોન તથા સાઉદી આરબ એકાએક નવા રચાયેલા રાષ્ટ્ર ઇઝરાયલ પર તૂટી પડયા. ભૂતકાળમાં યહૂદીઓએ જે યાતના ભોગવી છે તે ભાગ્યે જ ધરતી પરની બીજી કોઇ જાતિએ વેઠી હશે. જર્મનીના હિટલરે તો લાખો યહૂદીઓની રીતસર કત્લેઆમ કરી હતી. મધ્યપૂર્વ એશિયાના સુલતાનોએ પણ યહૂદીઓ પર જુલમ વરસાવવામાં કશી કમી રાખી નહોતી. હવે જ્યારે તેમના હાથ બળુકા બન્યા છે ત્યારે યહૂદીઓનો પુણ્યપ્રકોપ ફાટી નીકળતાં પેલેસ્ટિનિયનોને વસમાં દિવસો જોવાં પડે છે.
જોર્ડન નજીક વેસ્ટબેન્ક વિસ્તારમાં આવેલા શહેર જેરુસલેમની જ વાત કરીએ તો આ નગરના બે ભાગલાં પડયા પછી આજે ત્યાં સંપૂર્ણ રીતે ઇઝરાયલ સરકારની આણ વર્તે છે. આજે ભલે ઇઝરાયલની રાજધાની તેલ અવીવ હોય, યહૂદીઓની ભવ્ય સંસ્કૃતિ તેમજ દર્દનાક ઇતિહાસની ખરી સાક્ષી તો જેરૂસલેમના ખંડેર ધર્મસ્થાનકો જ પુરાવે છે. એટલે જેરૂસલેમનો ઇતિહાસ જાણો તો તેના પરથી યહૂદીઓના ભવ્ય ભૂતકાળ અને સંઘર્ષની કેફિયત મળી જાય.
જેરુસલેમનું યહૂદી નામ યેરૂશલાયિમ છે. અંગ્રેજોએ તેની ઓળખ જેરૂસલેમ તરીકે આપી. અરબી ભાષામાં તેનું નામ બૈત અલમકદેશ છે. બે હજાર વર્ષ પૂર્વે અહીં યહૂદી રાજ્ય હતું. જેરુસલેમ તેનું પાટનગર જ નહીં, યાત્રાધામ પણ હતું. આ પ્રાચીન નગર ૩૦૦૦ વર્ષ જૂનું છે અને ઇશુ ખ્રિસ્તના નામ સાથે જોડાયેલું છે. મહમ્મદ પયગંબરે અહીં નમાઝ પઢી હતી તેથી મક્કા અને મદિના પછી મુસ્લિમોનું સૌથી પવિત્ર યાત્રાધામ જેરુસલેમ છે.
ઇસવીસન પૂર્વે ૨૦૦૦ના અરસામાં હિબૂ્ર હિજરતીઓ આ વિસ્તારમાં આવ્યા હતા. ત્યાર પછી એકહજાર વર્ષબાદ અને ઇ.સ.પૂર્વે ૫૯૭ની વચ્ચે રાજા ડેવિડે અને તેમના પછી આવેલાં શાસકોએ પધ્ધતિસર જુડાઇઝમનો વિકાસ કર્યો હતો.
રાજા ડેવિડના શાસન પછી અહીં બેબિલોનિયનો, પર્શિયનો, ગ્રીકો અને તુર્કોએ ચઢાઇ કરી હતી. ઇજિપ્તના પ્રાચીન સાંસ્કૃતિક કાળમાં ઇ.સ.પૂર્વે ૧૩૭૦માં જેરુસલેમ ઇજિપ્ત સામ્રાજ્યમાં હતું. અત્યારે સોલોમોનના મંદિરની ખંડિત દીવાલ છે, તેની નજીક ૩૮૦૦ વર્ષ પહેલાં માનવવસાહત હતી. ઇઝરાયલ અને જૂડાના પ્રાચીન રાજ્ય સ્થાપનાર રાજા ડેવિડે ઇ.સ. પૂર્વે ૧૦૦૦ના અરસામાં જેરુસલેમ જીતી લીધું હતું અને તેણે યહૂદી રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. આ દાવાના આધારે ઇઝરાયલના ભૂતપૂર્વ લડાયક વડાપ્રધાન બેગિને તેને ફરીથી ઇઝરાયલનું પાટનગર બનાવ્યું હતું.
ડેવિડ પછી સોલોમને (સુલેમાને) જેરુસલેમને વિસ્તૃત કર્યું અને તેણે પોતાના નામથી પ્રખ્યાત થયેલું સોલોમન મંદિર બાંધ્યું હતું. યહૂદીઓનું તે પરમ પવિત્ર યાત્રાધામ છે. આજે તે મંદિર નથી રહ્યું. યુધ્ધમાં ખંડેર બની ગયેલાં આ તીર્થસ્થળની માત્ર એક દીવાલ બચી છે. જેને યહૂદીઓ ચૂમે છે અને યહૂદી સામ્રાજ્યની આથમી ગયેલી જાહોજલાલી માટે અહીંપ્રજાઆંસૂ સારે છે. તેથી આ ભીંતને 'રડતી દીવાલ' (વેઇલીંગ વૉલ) કહે છે.
ઇશુના આગમન પછી બે સદીના ગાળામાં રોમન સમ્રાટો આ પ્રદેશને ખૂંદી વળ્યા હતા. અહીંની ફિલિસ્તીની પ્રજાના નામ પરથી આ પ્રદેશનું નામ રોમન સમ્રાટોએ જુડિયા પેલેસ્ટીન પાડયું. ઇ.સ.૬૬માં યહૂદીઓએ સ્વતંત્ર થવા રોમનો સામે બળવો કર્યો. તેથી રોમનોએ જેરુસલેમનો નાશ કર્યો. યહૂદી રાજા હેરોડે બંધાવેલાં મંદિરનો ધ્વંસ કર્યો. ખ્રિસ્તીઓ પણ આ શહેરની યાત્રાએ આવે છે. મહમ્મદ પયંગબર અહીંથી સાતમા સ્વર્ગે સિધાવી ગયા તેથી મુસ્લિમો માટે પણ આ અત્યંત પવિત્ર સ્થળ છે. ૧૯૬૭માં આરબો સાથે ઈઝરાયલે છ દિવસનું તુમુલ યુદ્ધ ખેલીને મુસ્લિમ કટ્ટર પંથીઓને ખોખરાં કરી નાંખેલા. એ દિવસ પછી નાણાં, સંખ્યાબળ,લશ્કરી તાકાતમાં આરબ દેશો ચઢિયાતા હોવા છતાં તેઓ ઈઝરાયલ સામે ઊંચી આંખ કરીને જોવાની હિંમત કેળવી નથી શક્યા. જોર્ડન અને ઈજિપ્ત જેવા બે સુધરેલાં, સમૃદ્ધ અને બળુકા ઈસ્લામ રાષ્ટ્રો પણ ઈઝરાયલની લશ્કરી તાકાતથી ડરે છે.
માત્ર યુદ્ધનાં મામલામાં જ નહિ, બીજી અનેક બાબતોમાં ચબરાક, ખંતીલા, કર્તવ્યનિષ્ઠ અને શિસ્તબધ્ધ કામ કરવા ટેવાયેલા યહૂદીઓએ ૭૫ વરસમાં ઈઝરાયલને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે. ઈઝરાયલની જોમવંતી પ્રજાએ સાવ વિપરીત આબોહવા સામે પણ ઝીંક ઝીલી છે. આપણા ખેડૂતો વરસાદ માટે વાદળો સામે મીટ માંડે છે. આકાશ ભણી તાકીને પાણીની બુંદ બુંદનો મહત્તમ ઉપયોગ કરી જાણે છે. લગભગ રેગિસ્તાન અને ખડકાળ પ્રદેશમાં જ વસેલું ઈઝરાયલ ૧૯૪૮ની સાલ સુધી વેરાન ભેંકાર પ્રદેશ હતો. પરંતુ ત્યારબાદ આ સુકી ભઠ જમીન પર હરિયાળી છવાઈ ગઈ. ધૂળની ડમરીઓ ઊડતી હતી અને રેતીના ઢુવા સરકતા હતા. એ જગાએ ઈઝરાયલીઓએ નંદનવન બનાવી દીધું. સમસ્ત ઈઝરાયલમાં માંડ ૧૭૫ કિલોમીટર લાંબી ભૂમધ્ય સમુદ્રના તટપ્રદેશવાળી જમીનની પટ્ટી ફળદ્રુપ છે. બાકીનો હિસ્સો સહારાના રણ જેવો છે. ફળદ્રુપ જમીન છે ત્યાં વરસાદ માંડ ત્રીસેક ઈંચ પડે છે. બાકીના સમગ્ર દેશમાં પૂરો ત્રણ ઈંચ વરસાદ પણ પડતો નથી. છતાં ઈઝરાયલ આ અલ્પ વરસાદનું એક એક ટીપું પણ સાચવીને આખું વરસ ખેતી કરે છે. ખેડૂતોને ત્યાં એગ્રો એન્જિનિયર કહે છે. કારણ કે દરેક ખેડૂત પણ ઉચ્ચ શિક્ષણ પામેલો હોય છે. વાસ્તવમાં ઈઝરાયલની પ્રજા સો ટકા સુશિક્ષિત છે. ખેડૂતો 'ડ્રીપ ઈરિગેશન' પાતાળ કૂવા, નવા જળાશયો રચીને પાણીનો જથ્થો કાળજીપૂર્વક વાપરે છે. એક ટીપું વ્યર્થ જવાં દેતાં નથી. સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવી ખેતીવાડીમાં તેનો વપરાશ કરનાર ઈઝરાયલ જગતનો પહેલો દેશ છે.
ઈઝરાયલ પર કુદરતની કોેઈ પ્રકારની મહેર નથી. ત્યાંની ધરતીમાં નથી પેટ્રોલિયમ કે બીજા કોઈ કીમતી ખનીજ કે નથી મોટાં નદી, સરોવરો, અને નજીકમાં દરિયો છે તોય સારો સમુદ્ર કિનારો નથી. આમ છતાં 'કિબુત્ઝ' નો આદર્શ અપનાવી યહૂદીઓ ખુશહાલી માણે છે. કિબુત્ઝ એટલે કબીલા. સમૂહમાં સંપથી રહેતાં માણસોના જૂથને કિબુત્ઝ કહે છે. આ લોકો એકબીજા પ્રત્યે ભેદ ભાવ રાખ્યા વગર એક વિશાળ પરિવારની માફક સાથે રહે છે. દેશની આબાદી માટે પાણીની ખાસ જરૂર જણાતાં તમામ ઈઝરાયલી નાગરિકો ઘરમાં પાણીનો વપરાશ ખૂબ સાચવીને કરે છે. નાનું બાળક પણ પાણી વેડફતું નથી. પાણીને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી હોવાથી જો કોઈ કારખાનેદાર કે ઉદ્યોગપતિ પાણીનો વેડફાટ કરતાં નજરે પડે તો તેને આકરામાં આકરી સજા થાય છે. આપણે ત્યાં મેટ્રિકનું સ્તર છે એટલું ભણી લીધા બાદ ઈઝરાયલમાં પ્રત્યેક છોકરાએ ત્રણ વર્ષ અને છોકરીએ બે વર્ષ ફરજિયાત લશ્કરી તાલીમ લેવી પડે. ત્યારબાદ જેને કાયમી રીતે લશ્કરમાં ભરતી થવું હોય તે આર્મીમાં જોડાય બાકીના યુવક-યુવતીઓ પોતાનો મનપસંદ જોબ-વ્યવસાય કરી શકે. પરંતુ આ તમામ છોકરા-છોકરીઓ ૫૫ વર્ષના થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે આર્મીનો ઈમરજન્સી કોલ આવે તો બધા કામ પડતાં મુકી લશ્કરી સેવા આપવા હાજર થવું પડે. આમ પણ આખું ઈઝરાયલ સદા કાળ યુદ્ધ માટે 'એવર રેડી' રહે છે. ઈઝરાયલનો પુખ્ત વયનો એક એક નાગરિક રાયફલ, મશીનગન, તોપ, ટેન્ક વગેરે શસ્ત્રોના વપરાશથી તમામ પ્રકારના દારૂગોળા, મિસાઈલ્સ, બોમ્બ વગેરેથી પરિચિત હોય છે.
અહીં ભારતની દ્રષ્ટિએ મહત્ત્વની એક જાણકારી પણ આપી દઈએ કે પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ઇસ ૧૯૧૮માં હૈફા સીટીને તુર્કીના કબ્જામાંથી છોડાવવા ૮ ભારતીય સૈનિકો શહિદ અને ૩૪ ઘાયલ થયા હતા. ઇઝરાયલમાં આવેલું આ સ્થળ આજે ભારતીય સૈનિકોના સ્મારક તરીકે ઓળખાય છે.ભારતના ઘોડેસવાર બ્રિગેડનું હૈફા સીટીની લડાઇમાં મહત્વનું યોગદાન રહયું હતું. બ્રિગેડના જવાનોએ આપેલા યોગદાન અંગે હિસ્ટ્રી ઓફ ધ હૈફા વૉરમાં લખવામાં આવ્યું છે કે ભારતની ઘોડેસવાર સેના અસાધારણ પરાક્રમ દાખવીને લડી હતી.
ઈઝરાયલ પર થતાં ત્રાસવાદીઓના હુમલાતો એટલા સામાન્ય થઈ ગયા છે કે દરેક નાગરિક હવે પોતાનું રક્ષણ આપમેળે કરતાં શીખી ગયો છે. ઈઝરાયલી સ્ત્રીઓ પણ એટલી જ બહાદૂર છે. દુશ્મનોને ખાળવા ઈઝરાયલે આખા દેશને સૈન્ય બનાવી દીધું છે. આમ છતાં લશ્કરમાં સૈનિકોની સંખ્યા પાંચ લાખની રાખી છે. બીજું, સાડાત્રણ લાખ સૈનિકોનું 'રિઝર્વ્ડ આર્મી છે' પોતાની જરૂરિયાતને પહોંચી વળવા ઈઝરાયલ અનેક પ્રકારના શસ્ત્રો ઘર આંગણે બનાવે છે અને ચોરી છુપીથી, દાણચોરીના રસ્તે બીજા દેશોમાંથી યુરેનિયમ લાવીને ઈઝરાયલે અણુબોમ્બ પણ બનાવ્યા છે. ઈઝરાયલમાં આજેય યહુદીઓની સાથે કેટલાંક આરબ નાગરિકો પણ વસે છે તેમ જ નોકરી-ધંધાર્થે અમુક પેલેસ્ટિનિયનોગાઝા પટ્ટી કે વેસ્ટ બેંકમાંથી તેલ અવીવ કે જેરૂસલેમ આવે છે. આ લોકો કોઈ ત્રાસવાદી ઉધામા ન મચાવે માટે ઈઝરાયલની ખુફિયા પોલીસ એટલે કે ગુપ્તચર તંત્ર 'મોસાદ' ચોવીસે કલાક સતર્ક રહે છે. દુનિયાના અતિ બાહોશ અને ખતરનાક જાસૂસી સંગઠનોમાં મોસાદની ગણના થાય છે. રાષ્ટ્રીય એરલાઈન્સ 'અલ-એર'ના વિમાનોને હાઈજેક કરી જવાના બનાવ બન્યા પછી ઈઝરાયલ પહેલો એવો દેશ હતો જેણે પોતાના તમામ નાગરિક વિમાનોની સુરક્ષા માટે પ્લેનમાં કમાન્ડો ટુકડીને તૈનાત કરી. આખું અઠવાડિયું શિસ્તબધ્ધ રીતે કઠોર પરિશ્રમ કરતાં ઈઝરાયલી નાગરિકો રવિવારે રજા પાળે છે પણ શુક્રવારે ત્યાં જુદો જ માહોલ દેખાય છે. બપોરે બે વાગે એટલે જ્યાં જુઓ ત્યાં બધા કામ ઠપ થઈ જાય છે. હોટેલ, રેસ્ટોરાં, શાળા, બેંક, ઑફિસ, વાહનવ્યવહાર બધું એક સાથે બંધ થઈ જાય. શુક્રવારને ત્યાં સાબાય દિન કહે છે. ઠેર ઠેર આવેલા સિનોગોંગ (યહૂદીઓનું દેવળ) માં લોકોેના ટોળાં પ્રાર્થનાં માટે જમા થાય છે.
ઈઝરાયલમાં બીજી એક ખાસિયત એ જોવા મળે કે ત્યાં સોલાર પાવર (સૂર્યશક્તિ)નો બહુ મહિમા છે. પેટ્રોલનું તો એક પણ ટીપું નથી નીકળતું. એટલે સૌરશક્તિ વાપરીને આ દેશ જરૂરી ઉર્જા મેળવે છે. વિદ્યુતઉત્પન્ન કરવા માટે ન્યુક્લિયર રિએક્ટર છે.તેમાંથી પણ પર્યાપ્ત વીજળી મળે છે. સૂર્યશક્તિનો ઉપયોગ કરી મૃત સમુદ્રમાંથી પાણી મેળવીને તેને પીવાલાયક બનાવવાના પ્રયત્ન થાય છે. અમુક ઈઝરાયલી વિજ્ઞાાનીઓએ મૃત સમુદ્રમાંથી મળતી અનોખા પ્રકારની લીલ-શેવાળમાંથી આલ્કોહોલ બનાવી તેમાંથી વાહન ચલાવવા કામ આવે તેવું બળતણ તૈયાર કર્યું છે.
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, વિશ્વના મહાન ભૌતિક વિજ્ઞાાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને ૧૭ નવેમ્બર ૧૯૫૨ના રોજ ઇઝરાયેલના પ્રેસિડેન્ટ થવાની ઓફર થઇ હતી.આ અંગે આઇન્સ્ટાઇને નોંધ્યું છે કે ઇઝરાયેલના પી.એમ. ડેવિડ બેન ગુરિયનને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે પ્રેસિડેન્ટ પદનો સ્વીકાર કરી લો અને ઇઝરાયલ આવો,તમારા આગામી વૈજ્ઞાાનિક પ્રોજેકટ કાર્યરત રહે તે માટે સરકાર મદદ પણ કરશે. ઇસ ૧૯૪૮માં ઇઝરાયલના પ્રથમ રાષ્ટ્રપતિ ચાઇમ વિઝમેનનું ૯ નવેમ્બર ૧૯૫૨માં અવસાન થતા યહુદી આઇન્સ્ટાઇનને રાષ્ટ્રપતિ બનવાની આ ઓફર થઈ હતી.
જો કે આઈન્સ્ટાઈને આ ઓફરનો વિનમ્રતાથી અસ્વીકાર કરતો પત્ર લખ્યો હતો. 'હું આ ઓફર માટે ખૂબજ આભાર વ્યકત કરુ છું પરંતુ હું આ પદનો સ્વીકાર કરી શકું તેમ નથી.કારણ કે મારી અંદર આ ઉતરદાયિત્વ નિભાવવા માટે જોઇએ તે આવશ્યક ગુણો અને અનુભવ નથી.મારો યહુદીઓ ભાઇઓ સાથેનો મારો અતૂટ નાતો છે.'