સૂર્યદેવતાનો સમત્વ યોગ
- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિક
(अनष्टुभ्)
उदये सर्विता रक्तः
रक्तश्वास्तमने तथा ।
संपत्तौ च विपत्तौ च महातम् एकऱुपता ।।
(ઉદય વખતે સૂર્ય લાલ હોય છે, અને અસ્ત વખતે, સાંજે પણ તે લાલ હોય છે. આ બતાવે છે કે સંપત્તિમાં સમૃદ્ધિના સમયમાં અને વિપત્તિ - પડતી - ના સમયમાં પણ મહાન માણસો એક સમાન રૂપ ધારણ કરે છે)
સૂર્યદેવતાના આ સમત્વનો એક જ ગુણ બતાવીને કવિ સુખ-દુઃખમાં સમત્વનો ગુણ કેટલો અગત્યનો છે તે બતાવે છે. શ્રીકૃષ્ણ ગીતામાં પોતાના શબ્દોમાં આ જ ઉપદેશ આપે છે. सुखदुंखे समे कृत्वा.. ઇ., તો આપણો ગુજરાતી કવિ પણ સરળતાથી કહે છે 'સુખમાં કદી છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી' ઇ. પણ એ જ શીખ છે.
સારા-માઠા પ્રસંગે માણસે એક સરખી સમત્વની પ્રકૃતિ જાળવવી એ મહાન ગુણ છે, પણ તેનું બીજું પાસું પણ છે. જગતમાં માણસ પોતાના સિવાય બીજા બધા મનુષ્યોને અને પ્રાણીઓને એક સરખા ભાવથી, એક સમાન નજરથી, સમત્વથી જોવાં જોઇએ. મતભેદ, પક્ષપાતથી કે અસમાન ભાવથી જોવું ન જોઇએ. સૌનું કલ્યાણ ઇચ્છતો અને ઇશ્વર પાસે માંગતો કવિ તેના એક ભાગ રૂપે માંગે છે કે દુનિયામાં બધા માણસો 'સર્વેને જોય સમાન' એવો સદ્ગુણ સૌને આપો.આમ સમત્વના એક જ ગુણનાં બે પાસાં થયાં ઃ એક પોતાના વ્યક્તિત્વનું અને બીજું સૌ પ્રત્યે સમદ્રષ્ટિ અને સમાન વર્તન રાખવાનું.
સૂર્યદેવનો સમત્વનો આ એક જ ગુણ આટલો મહાન અને સર્વોપકારી છે, તો તેમના બીજા ગુણો અને શક્તિઓ માટે શું કહેવું ? પુરાણા સમયમાં ઠંડી અને અંધકારથી માણસનો બચાવ થતો હતો, એટલે તેનો મર્યાદિત પ્રયોગ થતો હતો. પણ સમય જતાં નવા ઉપયોગો અને વિજ્ઞાાનની નવી શોધો થવા માંડી, જેમણે માણસને નવી શક્તિઓ અને યુક્તિઓ આપી; તેમજ નવાં યંત્રો અને નવી પ્રક્રિયાઓ શોધાવા માંડી.
સૂર્ય કિરણોનો એક વિશિષ્ટ ઉપયોગ રોગોની સારવાર માટેનો જામનગરમાં ૧૯૩૬માં જોયો હતો. ત્યાં 'સોલેરિયમ' નામનું મકાન હતું. સારવાર માટેની રૂમોમાં એક બાજુ પણ પાંચેક ફૂટ જેટલા જુદી જુદી લંબાઈ, જાડાઈ, સપાટી અને રંગવાળા કાચની પેનલો ફિટ કરેલી હતી. અંગ્રેજી 'ટી' આકારના મકાનમાં ઉપરના માળે સારવારના રૂમો મકાનની ઉપલી પાંખમાં એક કતારમાં હતા. તેની નીચે ભોંયતળિયે એક મોટા ખંડ ઉપર આખો ઉપરનો માળ આધાર લેતો હતો. આ ઉપરનો માળ સૂર્યની દિશા ફરે તે મુજબ ફેરવી શકાતો હતો. અને દરેક રૂમની કાચની પેનલ પણ એવી રીતે ફેરવી શકાતી હતી કે સૂર્યનાં કિરણો કાચની પેનલ નીચે સૂતેલા દર્દી ઉપર પડે. કિરણોની સારવાર જરૂરિયાત મુજબના સમય માટે ડોક્ટરની દેખરેખ નીચે અપાતી. તે જમાનામાં ઠીક ઠીક સંખ્યામાં દર્દીઓ આવતા હતા. આના જેવું એક જ બીજું સોલેરીયમ રશિયામાં મોસ્કોમાં હતું. જામનગરનું તો વર્ષો પહેલાં બંધ પડી ગયેલું હતું. હતું ત્યારે એ ઘણું અસરકારક અને ઉપયોગી કહેવાતું હતું.
આ સિવાય, વર્તમાન સમયમાં સૂર્યમાંથી મળતી ઊર્જાના વિવિધ ઉપયોગો શોધાવા માંડયા છે. સૂર્યની ઉર્જામાંથી મોટા પ્રમાણમાં વીજળી મળે છે. આ માટે પ્રમાણમાં નાના ઉત્પાદન માટે ખાનગી મકાનોમાં અથવા સંસ્થાઓનાં મોટાં મકાનોની અગાસીઓમાં વિશિષ્ટ પેનલો મૂકી સૂર્ય કિરણો મેળવવામાં આવે છે. તેમાંથી વગર ખર્ચે મળતી વીજળી ઉપરાંત વધારાની વીજળી કંપનીઓને વેચી શકાય છે. ગુજરાત સરકારે તો કચ્છના રણમાં વિશાળ 'સોલર ફાર્મ' પણ બનાવ્યું છે, જેમાંથી મળતી વીજળીનો વ્યાપારિક ઉપયોગ પણ થઇ શકે. આ સિવાય સૂર્ય કિરણોમાંથી મળતી વીજળીના અનેક ઉપયોગો શોધાતા જ રહ્યા છે. મોટા પ્રમાણમાં વીજળી આમ સૂર્યની વીજળી પોતે જ એક ઉર્જા છે. જેના અનેક ખાનગી તેમ જ ધંધાદારી ઉપયોગ થઇ શકે છે. આવું ઉપયોગી સાધન આપણને સૂર્યની ઉર્જામાંથી વિના ખર્ચે મળી શકે છે. તેથી તેનું ઉત્પાદન અને ઉપયોગ વધારવાનું સંશોધન પણ ચાલુ જ રહેશે.
સૂર્ય એ સૂર્યમંડળનો જનક છે; અને તે તેના બધા ગ્રહો અને ઉપગ્રહોને ગુરૂત્વાકર્ષણના સિદ્ધાંતથી પોતાની આસપાસની નિયમબદ્ધ ફરતા રાખે છે, અને તેમની હસ્તી માટે જરૂરી ઉર્જા પણ આપે છે. તેના મહાન દેવતાઈ ગુણો માટે તેને દેવતાનું બિરુદ મળ્યું છે તે વાજબી જ છે. ભારતમાં સુંદર કારીગરી વાળાં પુરાણાં સૂર્યમંદિરો છે. ખાસ કરીને બ્રાહ્મણો સૂર્યદેવની રોજ પૂજા કરે છે. તેમનો અગત્યનો 'ગાયત્રી મંત્ર' સૂર્યની સ્તુતિમાં જ વિશ્વામિત્રે રચેલો છે.