નેલ્લીની નવી દેશસેવા
- આજકાલ - પ્રીતિ શાહ
- નેલ્લીની વાત રાજનેતા રૈલા ઓડિંગા સુધી પહોંચી. એમણે નેલ્લીને મદદ કરી. બે દિવસમાં પાસપોર્ટ તૈયાર થઈ ગયો અને ટિકિટ પણ! કેન્યાની નેલ્લીએ આંખમાં હજારો સ્વપ્નાં લઈને અમેરિકા પર પગ મૂક્યો
આ જે વિશ્વની વસ્તીના ૬૩ ટકા લોકો કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે, તો બીજી બાજુ એવા કેટલાય પ્રદેશો છે કે જ્યાં વસતા લોકોએ કમ્પ્યૂટરનો વપરાશ તો શું, પણ તેના દર્શન પણ નથી કર્યા ! આમાંની એક નેલ્લી ચેબોઈ છે, જેણે પોતાની વીસ વર્ષની ઉંમર સુધી કમ્પ્યૂટર જોયું નહોતું. નેલ્લી ચેબોઈનો જન્મ ૧૯૯૨ની ૨૬મી નવેમ્બરે કેન્યાના અત્યંત પછાત એવા મોગોશિયોમાં થયો હતો. ગરીબાઈ એટલી કે માતા ક્રિસ્ટીન પોતાની ચાર દીકરીઓના ઉછેર માટે રાત-દિવસ મહેનત કરતી હતી, તેમ છતાં તેમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતી નહીં. બજારમાં કેરી વેચતી, ઘેટાંબકરાંની લે-વેચ કરતી અને ફૂડ સ્ટેન્ડ ચલાવતી, છતાં બે ટંક પૂરું ભોજન મળતું નહીં. માતા કામ પર જઈ શકે તેને માટે નવ વર્ષની નેલ્લી એની નાની બહેનની સંભાળ રાખતી હતી અને થોડું કામ પણ કરતી હતી. ક્રિસ્ટીન એટલું સમજતી હતી કે આવી જિંદગીથી મુક્ત થવાનો માર્ગ સ્કૂલ-કૉલેજમાંથી પ્રાપ્ત થાય છે. શિક્ષણ એક જ એવું સાધન છે કે જે આવી કપરી અને કફોડી હાલતમાંથી તમને ઉગારી શકે. માતાની આવી વાતો નેલ્લીના મનમાં પ્રવેશતી ગઈ.
નેલ્લીને લાગ્યું કે તેના જેવાં બાળકોનું ભાગ્ય માત્ર શિક્ષણથી જ બદલાશે તેથી તે મન દઈને અભ્યાસમાં મહેનત કરવા લાગી. તે હંમેશાં સારા માર્ક્સે પાસ થતી હતી. તેથી પ્રતિષ્ઠિત મેરીહિલ્સ હાઈસ્કૂલે તેને સ્કોલરશિપ આપીને પોતાની શાળામાં પ્રવેશ આપ્યો. ૨૦૧૨માં અમેરિકાના ઈલિનોઈસની ઑગસ્ટન કૉલેજે સ્નાતક થવા માટે સંપૂર્ણ સ્કોલરશિપનો પ્રસ્તાવ મોકલ્યો. આવી તક તો બહુ ઓછા વિદ્યાર્થીઓને મળે છે, તેથી નેલ્લી ખુશ થઈ ગઈ, પરંતુ અમેરિકા પહોંચવું કેવી રીતે ? અમેરિકા જવા માટે ઓછામાં ઓછા ત્રણ લાખ શિલિંગ જોઈએ અને તે પણ બે અઠવાડિયામાં ! નેલ્લી પાસે તો પોતાનો પાસપોર્ટ પણ નહોતો. એક બાજુ શાનદાર ભવિષ્યની તક હતી, તો વળી બીજી બાજુ આર્થિક લાચારી. ઘણી વ્યક્તિઓને મદદ કરવા માટે પૂછયું, પરંતુ આટલી ગરીબાઈમાં આટલી મોટી રકમ કયા આધારે અને કોણ આપે ?
નેલ્લીની વાત રાજનેતા રૈલા ઓડિંગા સુધી પહોંચી. એમણે નેલ્લીને મદદ કરી. બે દિવસમાં પાસપોર્ટ તૈયાર થઈ ગયો અને ટિકિટ પણ ! કેન્યાની નેલ્લીએ આંખમાં હજારો સ્વપ્નાં લઈને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. ઑસ્ટન કૉલેજમાં ઍપ્લાઇડ ગણિતના અભ્યાસની સાથે કમ્પ્યૂટરનો પહેલી વાર સ્પર્શ થયો. નેલ્લી કમ્પ્યૂટરના પ્રેમમાં પડી ગઈ. એણે વિચાર્યું કે આમાં જ મારી કારકિર્દી બનાવીશ અને મારી કૉમ્યુનિટીનો ઉત્કર્ષ પણ આનાથી જ કરીશ. ૨૦૧૬માં એપ્લાઈડ મેથેમેટીક્સ અને કમ્પ્યૂટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. નેલ્લી વિદ્યાર્થી હોવાથી અઠવાડિયાના વીસ કલાક કામ કરવાની મંજૂરી મળી હતી. તે દરમિયાન તેણે ટોઈલેટ સાફ કરવા સહિતનાં અનેક કામો કર્યા, જેથી તે તેની માતા અને બહેનને મદદ કરી શકે. પોતાના દેશના બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને તે માટે તે પૈસાની બચત કરતી. ૨૦૧૫માં એણે મોગોશિયોમાં ઝવાડી યેતુ નામની સ્કૂલ ખોલી, જેમાં શરૂઆતમાં ચાળીસ બાળકો આવતા હતા, જ્યાં આજે ત્રણસો બાળકો અભ્યાસ કરે છે. નેલ્લીના મનમાં એ વાત બરાબર ઠસી ગઈ કે એનાં દેશનાં બાળકો આટલા ગરીબ અને પછાત છે તેનું મુખ્ય કારણ શિક્ષણ અને ટૅક્નૉલૉજીનો અભાવ છે. જો તેમને કમ્પ્યૂટર શીખવવામાં આવે તો સહેલાઈથી આગળ આવી શકે. ઑનલાઇન કોર્સ શીખી શકે અને ઑનલાઇન નોકરી પણ મેળવી શકે.
નેલ્લી જ્યારે કેન્યા આવતી ત્યારે સામાનમાં કમ્પ્યૂટર તો હોય જ. એનું કારણ એ હતું કે તે સૉફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરતી હતી. કંપનીમાં નવા કમ્પ્યૂટર આવતાં જૂના કમ્પ્યૂટર ફેંકી દેવામાં આવતાં. આ કમ્પ્યૂટરની હાર્ડડિસ્ક સાફ કરી તેને નવાં જેવા બનાવીને પોતાના વતન કેન્યામાં લઈ આવતી. પોતાના દેશનાં બાળકોને કમ્પ્યૂટરનું શિક્ષણ મળે તે હેતુથી ૨૦૧૮થી તેના સંપર્કમાં આવતી કંપનીઓ પાસેથી જૂના કમ્પ્યૂટર મેળવવાના શરૂ કર્યાં. આ કમ્પ્યૂટરોને પોતાના ખર્ચે કેન્યા લઈ જવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ કેન્યામાં તે કમ્પ્યૂટર લેબ શરૂ કરવા માગતી હતી. એક વખત તો નેલ્લીના સામાનમાં ચુમ્માળીસ કમ્પ્યૂટર હતા. તેની ટિકિટ કરતાં પણ વધારે પૈસા તેણે તેની કસ્ટમ ફી અને ટૅક્સના ભર્યા. તે કંપની, યુનિવર્સિટી અને વ્યક્તિ પાસેથી કમ્પ્યૂટર મેળવતી ગઈ અને 'ટૅકલિટ્ આફ્રિકા'ની સ્થાપના કરી.
'ટૅક્લિટ આફ્રિકા' અંતર્ગત કેન્યાના ગ્રામવિસ્તારનાં બાળકો માટે કમ્પ્યૂટર લેબની સ્થાપના કરી. દાનમાં મળેલા કમ્પ્યૂટરને અપસાયકલ કરીને વપરાશમાં લીધા, જેથી કેન્યાના બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને. ૨૦૧૯માં નેલ્લી અને તેના પાર્ટનર ટાયલર સિનામોન શિકાગોમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી છોડીને કેન્યા આવી ગયા. અહીં ચારથી બાર વર્ષનાં બાળકો કમ્પ્યૂટર શીખી શકે તે માટે કમ્પ્યૂટર લેબ ચલાવે છે. અત્યાર સુધીમાં નેલ્લી અને તેના પાર્ટનર ટાયલર સિનામોને દસ સ્કૂલોમાં લેબની સ્થાપના કરી છે. તેઓ બાળકોને કોડિંગ, ડિજિટલ માર્કેટિંગ, ટચ ટાઈપિંગ, ગ્રાફિક ડિઝાઈન, વીડિયો બનાવવો અને કમ્પ્યૂટરને લગતી ઘણી બાબતો શીખવે છે. આજે નેલ્લીને તેના આ ઉમદા કામ માટે ચારે બાજુથી મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં સવા ચાર કરોડ રૂપિયાની સહાય મળી છે. ફૉર્બ્સની ૨૦૨૨ની 'થર્ટી અન્ડર થર્ટી'માં સ્થાન પામનાર નેલ્લી ચેબોઈને જ્યારે સી.એન.એન. ઍવૉર્ડ મળ્યો, ત્યારે સ્ટેજ પર માતા સાથે ગીત ગાઈને ખુશી વ્યક્ત કરી. ગરીબી શું છે અને ભૂખ લાગે ત્યારે પેટ કેવું વલોવાતું હોય છે તે વાત નેલ્લી આજેય ભૂલી નથી. તમે શિક્ષિત હો તો બધું તમારા હાથમાં છે, તેમ માનનાર નેલ્લી કેન્યામાં એકસો કમ્પ્યૂટર લેબ સ્થાપવા માગે છે.
- ફૂલોની ખેતીની સુવાસ
- વિદેશોથી પણ સંશોધકો આવે છે અને અહીંની આબોહવા પર સંશોધન કરે છે. મહોગ ગામ અને તેની આસપાસનાં ડઝનેક ગામોમાં ફૂલોની ખેતી થાય છે અને તે દ્વારા ૪૫ કરોડ રૂપિયાનો વ્યવસાય થાય છે
અ મદાવાદના આંગણે યોજાતા ફ્લાવર શામાં લાખો લોકો ઉમટી પડે છે અને કુદરતે સર્જેલા આ ફૂલોનાં સૌંદર્યને જોઈને આનંદ માણે છે. રંગબેરંગી ફૂલો અને એના જુદા જુદા આકારો જોઈને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. ઘણા લોકો ફ્લાવર વેલી જોવા ઉત્તરાખંડ, સિક્કિમ કે પરદેશ જતા હોય છે. હિમાચલ પ્રદેશનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ ચાયલ પણ તેની ફૂલોની ખેતી માટે જાણીતું છે. દેવદારનાં હર્યાભર્યા વૃક્ષોની વચ્ચે પ્રકૃતિની ગોદમાં આ ચાયલ આવેલું છે. ચાયલના અત્યંત નાના ગામ મહોગમાં આત્મ સ્વરૂપ નામના ખેડૂતે ફૂલો ઊગાડવાનું શરૂ કર્યું. આજે સિત્તેર વર્ષના આત્મ સ્વરૂપ ગામ મહોગમાં ફૂલોની ખેતી કરે છે. વર્ષો પહેલાં તો આ ગામમાં શાકભાજી અને પરંપરાગત અનાજની ખેતી થતી હતી, પરંતુ મહારાજા પટિયાલાના મહેલમાં કામ કરનાર માળી આ મહોગ ગામનો રહેવાસી હતો. તેણે આત્મ સ્વરૂપને ફૂલોની ખેતી કરવા કહ્યું. આત્મ સ્વરૂપે એની પાસેથી ગ્લેડિયોલસ ફૂલની કલમ લીધી અને ખેતરમાં લગાવી. તે વર્ષે ફૂલોનું સારું ઉત્પાદન થયું અને પાંત્રીસ હજારની કમાણી થઈ. આ જોઈને આત્મ સ્વરૂપે નક્કી કર્યું કે હવેથી તે પોતાનાં ખેતરોમાં અનાજ કે શાકભાજીને બદલે ફૂલોની ખેતી કરશે.
૧૯૯૦-૯૧થી આત્મ સ્વરૂપે ફૂલોની ખેતી કરવાનું શરૂ કર્યું, તે આજ દિન સુધી ચાલુ છે. તેમણે પોતાના પરિવારને પણ શાકભાજીને બદલે ફૂલોની ખેતી કરવા માટે માનસિક રીતે તૈયાર કરી દીધા. દિલ્હીના એક ખરીદી કરનારે એમના નાના ખેતરમાં જે ફૂલો ઊગે તે નેવું હજારમાં ખરીદશે તેવો વાર્ષિક કરાર કર્યો. તેને કારણે આત્મ સ્વરૂપને લાગ્યું કે ફૂલોની ખેતી નફાકારક વ્યવસાય છે, તેથી તેના ત્રણેય ભાઈ ફૂલોની ખેતી કરવા લાગ્યા. આજથી ત્રણ દાયકા પહેલા આત્મ સ્વરૂપે ફૂલોની ખેતી શરૂ કરી તે વધીને આજે ગામની ૮૫ ટકા જમીન પર ફૂલોની ખેતી થાય છે. આત્મ સ્વરૂપ કહે છે કે ગામમાં ફૂલોની ખેતી માટે આબોહવા અને વાતાવરણ સારું છે, જેને કારણે ફૂલોની ગુણવત્તા સારી થાય છે. અહીં કારનેશન, લિલિયમ, ગુલદાવરી, ગિપ્સોફિલા, લિમોનિયન અને ગલાદાલુસ જેવા વીસ પ્રકારનાં ફૂલોની ખેતી થાય છે. પટિયાલા મહારાજાના મહેલમાં જે જે ફૂલોની દાંડીને નકામી અને ખરાબ સમજીને બહાર ફેંકી દેતા હતા તેમાંથી આત્મ સ્વરૂપ કલમ બનાવીને રોપી દેતા હતા. આ રીતે ફૂલોની ખેતીની શરૂઆત તો કરી, તેનું ઉત્પાદન પણ સારું થવા લાગ્યું, પરંતુ તેને વેચવા માટે બજાર સુધી કેવી રીતે પહોંચાડવા તે સમસ્યા ઊભી થઈ. પહેલાં તો ફૂલોને બસની છત પર રાખીને ચાયલથી વીસ કિમી. દૂર કંડાઘાટ પહોંચાડવાનું શરૂ કર્યું. કંડાઘાટથી રેલવે દ્વારા પચાસ કિમી. દૂર કાલકા પહોંચાડતા અને પછી ત્યાંથી બીજી ટ્રેનમાં અંબાલા થઈને પછી દિલ્હીના ફૂલ બજારમાં તે ફૂલ પહોંચતા હતા, પરંતુ આ રીતે ફૂલ પહોંચાડવામાં મુશ્કેલી એ હતી કે ઘણી વાર બજાર સુધી પહોંચતા પહોંચતા ફૂલ કરમાઈ જતા.
ધીમે ધીમે ગામના અન્ય ખેડૂતો પણ ખેતરોમાં ફૂલ ઉગાડવા માટે સંમત થઈ ગયા. જ્યારે ગામના અન્ય લોકો પણ ફૂલની ખેતી કરવા લાગ્યા તો ફૂલોનું ઉત્પાદન વધી ગયું, તેથી ગામમાંથી જ ગાડી દ્વારા ફૂલો સીધા દિલ્હીના ફૂલ બજારમાં પહોંચાડવાનું શક્ય બન્યું, કારણ કે ઉત્પાદન વધતા ખર્ચ વહેંચાઈ જવા લાગ્યો. આજે તો પરિસ્થિતિ એવી છે કે દર ત્રીજે દિવસે મોટી લૉરી ભરીને ફૂલો દિલ્હી જાય છે. ફૂલોની ગુણવત્તા એટલી સારી હતી કે એના ખરીદનારમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો.
અહીં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જ નહીં, પરંતુ વિદેશોથી પણ સંશોધકો આવે છે અને અહીંની આબોહવા પર સંશોધન કરે છે. મહોગ ગામ અને તેની આસપાસનાં ડઝનેક ગામોમાં ફૂલોની ખેતી થાય છે અને તે દ્વારા ૪૫ કરોડ રૂપિયાનો વ્યવસાય થાય છે. ધીમે ધીમે હવે હિમાચલ પ્રદેશમાં આશરે ૮૫૦ હેક્ટર જમીન પર માત્ર ફૂલોની ખેતી થાય છે. ફૂલોની ખેતીમાં મળતા વળતરને જોઈને જે યુવાનો ગામની બહાર શહેરમાં નોકરી માટે જતા હતા તે અભ્યાસ કરીને પાછા પોતાના ગામ આવી જાય છે અને માતા-પિતાએ શરૂ કરેલા આ વ્યવસાયને અપનાવીને તેને આગળ વિકસાવે છે. આત્મ સ્વરૂપે અત્યાર સુધીમાં હજારો ખેડૂતોને ફૂલોની ખેતી કરતાં શીખવ્યું છે.
મહોગ ગામમાં યુનિવર્સિટીના પ્રોફેસર, ખેડૂતો અને ઘણા ખ્યાતનામ લોકો આ ખેતી જોવા આવે છે. આત્મ સ્વરૂપ જણાવે છે કે શરૂઆતમાં તો ફૂલોને અમે ખુલ્લાં ખેતરોમાં ઉગાડતા હતા, પરંતુ એક વખત હોલેન્ડના વૈજ્ઞાાનિક આવ્યા અને એમણે કહ્યું કે ફૂલોની ખેતી ખુલ્લામાં ન કરતાં પાલીહાઉસમાં કરવી જોઈએ. ત્યારબાદ પાલીહાઉસમાં ફૂલો ઊગાડવાનું શરૂ કર્યું, તો ફૂલોની ગુણવત્તા ઘણી સારી થઈ અને ફૂલોમાં થતી બીમારીઓનું પ્રમાણ ઘટી ગયું. ફૂલોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા મળવા લાગી. આત્મ સ્વરૂપ ત્રણ વર્ષ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચની નેશનલ અડવાઈઝરીમાં રહી ચૂક્યા છે અને તેમને ફૂલોની ખેતી માટે એકસોથી વધુ સન્માન મળી ચૂક્યા છે. હિમાચલ પ્રદેશમાં એક સમયે ટમેટાં, બટેટાં, શિમલા મિર્ચ વગેરેની ખેતી થતી હતી ત્યાં આત્મ સ્વરૂપની સૂઝબૂઝ અને પરિશ્રમને કારણે ફૂલોની ખેતી થાય છે. જે હિમાચલ પ્રદેશનો દોઢસો કરોડનો વ્યવસાય બની ચૂક્યો છે. આત્મ સ્વરૂપને હિમાચલ પ્રદેશના ફૂલોની ખેતીના જનક માનવામાં આવે છે.